પ્રતિપાદિત વિષયઃ
પાંચ વાર્તાનું અનુસંધાન.
મુખ્ય મુદ્દાઃ
૧.પરમાત્માને સાકાર માનવા અને તેને રાજી કરવા માટે પુરુષાર્થ કરવો તે મહારાજનો સિદ્વાંત છે.
ર.મરીને ભગવાન પાસે પહોંચવા માટે મહારાજે બતાવેલા પાંચ અનુસંધાન અતિ જરૂરી છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે અમારા મનમાં આ બે વાર્તા ગમે છે. ત્યાં મન અટકે છે. એટલે કે તેનાથી વધારે કાંઈ ગમતું નથી. આ બે વાત તે અંતિમ ગમતી વસ્તુ છે. તેમાં એક તો તેજના પૂંજમાં સાકાર દિવ્ય મૂર્તિ પરમાત્મા છે. એમ માનીને ભગવાનની ભક્તિ કરવી. મહારાજને પરમાત્માના સાકાર સ્વરૂપમાં જ અતિશય પ્રીતિ છે. તેનાથી આગળ કાંઈ વિચારી શકતા નથી. પરમાત્માના સાકાર સ્વરૂપના ખંડનમાં કોઈ યુક્તિ પ્રયુક્તિ સહન કરી શકતા નથી. અને અતિશય કોચવાઈ જાય છે. મહારાજનું બીજું ગમતું એ છે કે એવા મોટા પરમાત્માની પ્રસન્નતાર્થે નિર્દંભપણે કાંઈક પુરુષાર્થ કરવો. બીજું તો જીવ ઘણું કરે છે અને પોતાની શક્તિ ખર્ચે છે પણ પોતાના કલ્યાણના માર્ગમાં પુરુષાર્થ કરે તેના ઉપર મહારાજ ખૂબ રાજી થાય છે ને મહારાજની દૃષ્ટિએ તે ધન્યવાદને પાત્ર બને છે.
પછી મહારાજ કહે છે કે અમને આ પાંચ વાર્તાનું નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. અનુસંધાન એટલે એક તો ધ્યેય નક્કી કરવું. પછી ધ્યેય પાસે પહોંચવાનો માર્ગ નક્કી કરવો અને પછી ધ્યેય સુધી પહોંચવાની યોજના બનાવીને તે રસ્તે ચાલવું તેને અનુસંધાન કહેવાય છે. સંધાન એટલે ધ્યેય સાથેનું જોડાણ. અનુસંધાન એટલે ત્યાં સુધી પહોંચવા માટે માર્ગને અપનાવવો. તે અનુસંધાન એ જાગૃતિ છે. એક પ્રકારની મોક્ષમાર્ગની ગણતરી છે. ગણતરી વિનાનો કોઈ ધંધો કરીએ તો ખોટય જવાનો સંભવ રહે છે અને જાય પણ ખરી. વ્યાપારી ખોટય કે લાભની ગણતરી ન કરે ને વ્યાપાર જ કર્યા કરે તો દેવાળું નીકળે. તેમ અધ્યાત્મ જીવનમાં પણ અનુસંધાન વિનાનું કરવું તે કયારેક તો નુકસાન પહોચાડનારું બને છે. માટે અનુસંધાન રાખવું જરૂરી છે.
મહારાજ કહે છે આ પાંચ વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. મહારાજ કહે છે એક તો અમારે જગત છોડવાનું અનુસંધાન રહે છે. જે કાઈ આપણી પાસે છે અને જે કાંઈ નવું નિર્માણ કરવાના છીએ કે મેળવવાના છીએ તે એક વખત નક્કી છોડીને જવાનું છે. એવું પ્રથમથી અંતરમાં નક્કી કરીને આગળ વધવાનું છે. આવું અનુસંધાન જો જીવનમાં હાથમાં આવી જાય તો જીવને કયાંય બંધન ન થાય. પણ તે ઘણું કઠણ છે. આખા દિવસમાં આપણે મેળવવાના હજારો સંકલ્પ કરતા હોઈશું, વલખા મારતા હશું, પણ આપણી પાસે જે છે તેને કેવી રીતે છોડવું તેનો એકેય સંકલ્પ નથી કરતા. મેળવવાના પ્લાન આપણે કરીએ પણ એ વસ્તુ મળી જ જશે તેની ખાતરી કોઈ નથી; ન પણ મળે. જ્યારે છોડવામાં નિશ્ચિતતા છે. આપણે છોડવાનો સંકલ્પ કરીએ કે ન કરીએ. પ્લાન કરીએ કે કરવાનો બાકી હોય, આપણને દુખ થાય કે સુખ, છોડી શકીએ કે ન છોડી શકીએ તો પણ છોડવું પડે છે. છોડવાનું છે એ વાત નક્કી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ”સમજી મૂકો તો સારું ઘણું નહિ તો જરૂર મુકાવશે જમજી” એ વાસ્તવિકતા છે. ભર્તૃહરિએ તો એવુ કહ્યું છે કે…
અવશ્યં યાતારશ્ચિતરમુષિત્વાપિ વિષયા
વિયોગે કો ભેદસ્ત્યજતિ ન જનો યત્સ્વયમમૂન્।
વ્રજન્તઃ સ્વાતન્ત્ર્યાદતુલપરિતાપાય મનસઃ
સ્વયં ત્યક્તા હ્યેતે શમસુખમનન્તં વિદધતિ ।।વૈરા.શ.૧૨।।
વિષયો છોડીને અવશ્ય જવાના છે, પણ એ વિષયો આપણને છોડે તે પહેલાં આપણે એમને છોડી દઈએ તો અનંત સુખ અને કલ્યાણનું કારણ બને છે. આપણે તેને છોડવાની તૈયારી ન કરી હોય ને અચાનક તેઓ આપણને છોડીને ચાલ્યા જાય તો અનંત દુઃખનું કારણ બને છે. એટલો ફેર છે.
આ વાસ્તવિક પ્રવાહમાં આપણે થોડી જાગૃતિ અને પ્રયાસ કરીએ તો અંતરનાં બંધન ઘણાં ઓછાં થઈ જાય ને જીવન અમૃતરૂપ બની જાય. તે અનુસંધાન વિના ગમે તેટલું મેળવીને પણ ભયમાં જીવવાનું છે. માટે મહારાજ કહે છે કે અમારે આ વાતનું નિત્ય–નિરંતર અનુસંધાન રહે છે.
વળી અહીં મર્મની વાત તો એ છે કે સ્થૂળ છોડવા કરતાં પણ કલ્યાણના માર્ગમાં અંતરથી છોડવું, અંતરથી છોડવાની તૈયારી રાખવી એ ઘણી મહત્ત્વની વાત છે. માણસ ઘણી વખત સ્થૂળ ત્યાગ કરતો હોય છે તો પણ મનમાંથી છોડતો નથી અથવા તો કહો કે મનમાંથી છૂટવું ઘણું કઠણ છે અને ત્યારે ખરી વિડંબના ઊભી થાય છે. માટે મનથી પ્રથમથી ત્યાગ કરવાનું અનુસંધાન કેળવવું એમાં ઘણો મર્મ છે. અંતે સ્થૂળ તો દરેકે છોડવાનું જ છે. તેમાં કોઈ બાકાત રહી શકતો નથી. પરંતુ તેનાથી કાંઈ તેની મુક્તિ થવામાં કે કલ્યાણ થવામાં તે વિયોગ મદદરૂપ બનતો નથી. મહારાજ કહે છે તેવું અનુસંધાન રાખ્યું હોય ને મનથી અગાઉ છોડીને બેઠો હોય તો સ્થૂળ ન છોડયું હોય તો પણ મુક્ત સ્થિતિમાં નિર્બંધપણે જીવી શકે છે. એટલો ફેર છે. માટે મહારાજ કહે છે તેનું અનુસંધાન રાખવાનું ઘણું મહત્ત્વ છે.
આ વિષયમાં વધુ એક વાત એ છે કે નાશવંત અને માયિક વસ્તુના નિષેધ વિના તત્ત્વાનુભૂતિ ગમે તેટલું મનન કરે તો પણ થતી નથી. જેટલો અંતરમાં નિષેધ સિદ્ધ થાય તેટલી જ આત્મા–પરમાત્મા તત્ત્વની અનુભૂતિ અને આનંદ–સુખ અનુભવી શકાય છે. જેટલો અંતરથી કટ્ટર નિષેધ સિદ્ધ થાય તેટલી જ આત્મા–પરમાત્મા તત્ત્વની પરિશુદ્ધ અનુભૂતિ અને પરિશુદ્ધ સુખ અનુભવાય છે. મહારાજ વચ.ગ.અં.ર૮મા કહે છે કે આત્મા પરમાત્માના સુખને કોણ પામે ? તો જેમ માછલાને જળ એ જ એનું જીવન છે તેમ પંચ વિષય જીવનરૂપ મટી જાય અર્થાત્તેનો પૂર્ણ નિષેધ થાય તેને જ તે સુખ અનુભવાય છે, પણ જ્યાં સુધી પંચ વિષયનો નિષેધ થયો નથી ત્યાં સુધી તે સુખની આશા ન રાખવી. આ વસ્તુ પણ એક જાણી રાખવા જેવી છે.
મહારાજ કહે બીજુ અનુસંધાન એ રહે છે કે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે. એવુ નિરંતર અનુસંધાન રહે છે. અહીં મહારાજ ત્યાગીઓ, સાધકો, ભક્તોનું એ તરફ ધ્યાન દોરવા માગે છે કે છોડયા પછી પણ માણસને થોડોક ત્યાગ કરીને ઘણો અથવા પૂરો માની લેવાની આદત હોય છે. મહારાજ કહે છે કે છોડયા પછી પણ અમારી દૃષ્ટિ તો છોડવાનું બાકી કેટલું છે તેના ઉપર જ રહે છે. અહીં મર્મ એ છે કે છોડવાનું બાકી કેટલું છે એ જ ધ્યાનમાં રાખવા જેવું છે. કેટલો ત્યાગ કર્યો એનો જ એકલો સરવાળો મનમાં ગોઠવ્યા રાખે તો પોતાના ત્યાગનું અહોહો થઈ જશે અને અભિમાનથી ફુલાઈને રસ્તાને બદલાવી દેશે. ત્યાગ કરવાનુ જે બાકી છે તેની યાદી મન સામે હોય તો પોતાના અહંકારનો આપોઆપ કંટ્રોલ કરવામાં મદદ રૂપ થાય છે. સાચા માર્ગ પર ચાલવામાં મદદરૂપ થાય છે. જો પ્રથમ ત્યાગ કરવામાં બાકી વાસનાઓની યાદી ધ્યાનમાં રાખે અને પછી ત્યાગ કર્યો હોય તેની પણ યાદી ધ્યાનમાં રાખે તો તે નુકસાનકર્તા નહિ બને. અભિમાન ઊભું નહિ કરે. ઉલ્ટી સાધકના હૃદયમાં વધારે ઊંડા ત્યાગની હિંમત પ્રેરશે અને વિશ્વાસ લાવશે કે ઠીક, ચાલો આપણાથી આ બની શકશે. આટલું ત્યાગ કર્યું છે તો પછી જે બાકી છે તેનો ત્યાગ પણ અશકય નથી.
ત્રીજું અનુસંધાન એમ છે જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે, કે નથી ટળી ? અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની ક્રિયા તે કેમ થાય છે ? ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે.
મહારાજ કહે છે કે પોતાના મનનો ભરોસો ન કરવો. એવો ત્યાગ અમને ગમે છે (વચ. લો.૧૪). શાસ્ત્રોમાં મોટા મોટા સિદ્ધો અને સાધકોમાં પણ મન ઉપર ભરોસો રાખનારને મને સારું ફળ હજુ સુધીમાં કોઈને આપ્યું નથી. તેના ઉપર અણવિશ્વાસ રાખીને કડકાઈપૂર્વક અને જાગૃતિપૂર્વક નજર રાખનારને જ સારું ફળ મળે છે. માટે પોતાને કયારેય કોઈ વાતમાં સંપૂર્ણ નિર્વાસનિક ન માની લેવા. જો કોઈ પોતાને માની લે ને તે વાસ્તવિક હોય તો ભલે હોય પણ તેના હિતમાં નથી, ઉલ્ટું ખોટયનો સંભવ જરૂર છે. માટે મહારાજ તો પોતાને પૂર્ણ માને તો કોઈ ભયને સ્થાન નથી તો પણ આપણને માર્મિક ઈશારો પોતાનું દૃષ્ટાંત દઈને કરે છે. તે આપણા કલ્યાણને માટે જરૂર ધ્યાનમાં લેવો જોઈએ.
ચોથું એમ જે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે છે તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? આની વાસના ટળી છે ને આની નથી ટળી એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. આ અનુસંધાન ઘણું કરીને ફરજ પરત્વેનું છે. મહારાજને આધારે આખો સત્સંગ ગતિ કરી રહ્યો હોય ત્યારે મહારાજ સૌના હૃદયમાં જોયા કરે કે તે તેના હૃદયમાં કલ્યાણની સાધનાની કેડીમાં કોણ કયાં પહોચ્યું છે, તે જાણકારી મોટેરાને ખાસ હોવી જરૂરી છે. તેમાં પણ જે તે સમાજ કે સંગઠનના આગેવાન માટે આ અનુસંધાન લેવું હોય તો જરૂર લઈ શકાય, કારણ કે તે એવા સ્થાને હોવાથી અનુગામી પ્રત્યે તેમની ફરજ બની રહે છે કે તેમનું સાચું માર્ગદર્શન કરવું. તે માર્ગદર્શન માટે કોણ કઈ સ્થિતિએ પહોંચ્યા છે તે જાણવું જરૂરી બને છે. સામાન્ય સાધકો, ભક્તો છે તેને અહીં એટલું લેવું જરૂરી ખરું કે જે વધુ નિર્વાસનિક હોય તેની મદદ લઈ શકાય. તેનું સેવન કરી શકાય અને પોતાની પાછળ હોય તો તેના દોષથી દૂર રહી અનુકંપા પણ કરી શકાય.
પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે કયાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું. કેમ જે ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ–ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવદ્ભક્તિ કરે છે તો એ ઠીક છે. ભગવદ્ભક્તિ કરતાં દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. જે મરી તો સર્વેને જાવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જીવ્યાનો મોટો લાભ છે. મહારાજ અને એમના મુક્તોને તો આ લોકમાં રહેવા કરતાં આ લોક છોડવામાં અતિ સુખ અનુભવાય છે. તો પણ અક્ષરધામનું એ સુખ છોડીને આ લોકમાં રહેવું તે તેમને માટે નરકતુલ્ય દંડરૂપ થાય છે. એવો ગ્રંથોમાં મહારાજ અને મોટા સંતોનો અભિપ્રાય છે કે એવું દુઃખરૂપ છે. છતાં મહારાજ કહે છે કે એમ કરવાથી જો ઝાઝા જીવ ભગવાન ભજતા હોય ને ઝાઝા જીવ પ્રભુને રસ્તે ચાલતા હોય તો તેવા દુઃખને મહારાજ અને મોટા સંતોએ દુઃખ કે કષ્ટ નથી માન્યા. એ હેતુ માટે તો તેઓ પૃથ્વી પર આવે છે. માટે મહારાજ કહે મરી તો સર્વેને જાવું છે, પણ અવી રીતે શુદ્ધ ભાવે કરીને ભગવદ્ભક્તિ કરવી અને કરાવવી એ મરીને ધામમાં જવા કરતાં પણ અમે વિશેષ માન્યું છે. મરવાથી અન્ય જીવોને અધ્યાત્મ લાભ નહિ થાય અને આવો ભગવદ્ભક્તિનો જુવાળ જોઈને અનેક જીવોને અધ્યાત્મનું જીવનદાન મળશે. તે માટે તેવા મરવા કરતાં આવી રીતે ભગવદ્ભક્તિ કરતાં કરતાં જીવવું એ વધારે લાભકારક છે. એવું અમને અનુસંધાન રહે છે.