પ્રતિપાદિત વિષયઃ
વાસના કુંઠિત કોની થાય ?
મુખ્ય મુદ્દાઃ
૧.મંદ વૈરાગ્યવાળાને ગૃહસ્થાશ્રમ કરીને વાનપ્રસ્થ ને પછી સંન્યાસ લેવો.
ર.ઉત્તમ સંતમાં હેત કરે ને સીધો સંન્યાસ લે તો પણ તેનો ત્યાગ પાર પડે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછયો જે, બે સત્સંગી છે. તેની અવસ્થા વીશ વીશ વરસની છે. બેયને નિશ્ચય, હેત–ભક્તિ, વૈરાગ્ય, ધર્મ બરોબર છે. તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી. એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણવાની ઈચ્છા તો હતી પણ મળી નહિ. એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો. માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણતા ઓછી તે ગૃહસ્થ થયો તેની થાય કે સાંખ્યયોગીની થાય તે કહો ? અને વેદ તો એમ કહે છે જે, જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણાથી જ સંન્યાસ કરવો. જેને મંદ વૈરાગ્ય હોય તેણે વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કરજ્યો. પછી સ્વામીથી તેનો ઉત્તર થયો નહિ ત્યારે મહારાજે ઉત્તર કર્યો.
આ પ્રકારની વાર્તા મહારાજે વચ.ગ.પ્ર.૧૪મા તથા વચ.ગ.મ.રપમા પણ કરી છે. અહીં બન્નેને તીવ્ર વૈરાગ્ય નથી. મંદ વૈરાગ્ય છે. બન્નેને વાસના તીવ્ર છે. તો મુખ્ય પ્રશ્ન એ છે કે એ તીક્ષ્ણ વાસના કુંઠિત કોની થાય ? ભોગથી વાસના કુંઠિત થાય કે ભોગના ત્યાગથી ? એ વિચારણીય છે. વાસના ભોગથી શાંત થતી જ નથી.’હવિષા કૃષ્ણવર્ત્મૈવ ભૂયો એવાભિવર્ધતે’ ઉલ્ટી અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ ભભૂકે તેમ ભભૂકી ઉઠે છે. ત્યારે બીજી બાજુ શાસ્ત્રોનું કહેવું એમ છે કે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેણે જ ભોગ છોડવા. મંદ વૈરાગ્યવાળાને સંન્યાસ ન લેવો અર્થાત્ભોગનો સંન્યાસ ન લેવો. તો ભોગનો જોગ કરવાથી વાસના વધશે કે કુંઠિત થશે ?
તો શાસ્ત્રકારોનો તથા મહારાજનો અભિપ્રાય એ છે કે મંદ વૈરાગ્યવાળાને ગૃહસ્થાશ્રમ કરવો ને વાસના છે તો પણ ગૃહસ્થાશ્રમ કરીને ભોગનો જોગ કરાવીને વાસના કુંઠિત કરવી. કેવી રીતે ? તો ગૃહસ્થ આશ્રમ જ એવો છે કે તેમાં કેવળ ભોગનો જ પ્રસંગ નથી, પરંતુ જવાબદારીઓ પૂર્વકનો ભોગ છે. પ્રથમ જવાબદારીઓ છે. ત્યાર પછી તેની સરખામણીમાં અતિ અલ્પ પ્રમાણમાં ભોગ તેના પુરુષાર્થના ફળ રૂપે મળે છે. એ પણ મળે જ એવી ખાતરી નથી. જ્યારે દુઃખ તથા કષ્ટની તો ખાતરી છે કે તે મળે જ. માટે એવી રીતે ભોગ પ્રાપ્ત થતાં વાસના જરૂર કુંઠિત થાય અને ત્યાગાશ્રમમાં એવી પરિસ્થિતિ નથી. તેથી દુઃખપૂર્વક ભોગ નથી. વિના પુરુષાર્થના ભોગ હોવાથી વાસના ઘટે નહિ. ઉલ્ટી મફતના ભોગમાં ફાલે ફૂલે. માટે તેમાં તો ભોગ વાસનાનું મૂળ ઉખાડીને જ શરૂઆત કરવી. નહિ તો વિધ્ન આવે. માટે મહારાજ કહે તીવ્ર વૈરાગ્યવાળાને જ ત્યાગ કરવો.
ફરી શુકમુનિ એ ખૂબ જ સુંદર આશંકા કરી કે હે મહારાજ, મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના માહાત્મ્યની વાત સાંભળે ને પછી પોતે મનમાં વિચાર કરે તો શું તીવ્ર વૈરાગ્ય ન આવે? ને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધયોગે કરીને હશે અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ્ય ન હતો ને પછી થયો. ત્યારે તેનું કેમ સમજવું ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે, પોતાને વિચારે કે કોઈ રીતે મંદ વૈરાગ્યવાળાને તીવ્ર વૈરાગ્ય થાય નહિ, પણ જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર ગુણે સંપન્ન એવા મોટા સાધુ તેની સાથે અતિશય હેત થાય તો પછી હેતે કરીને તેની મરજી પ્રમાણે જ કરે. તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ. તો પછી વૈરાગ્ય ન હોય તો પણ તેનો ત્યાગ પાર પડે. એટલે કે ત્યાગ સફળ થાય અને એવા મોટા સંત સાથેની પ્રીતિ તેને તીવ્ર વૈરાગ્યનું કામ કરી દે છે.
પછી મહારાજે આપણા સત્સંગનું જ દૃષ્ટાંત દીધું કે અમારી સાથે સૌને હેત છે તો વૈરાગ્યવાળા સંત–બાઈ ભાઈની જેમ બીજા પણ તેવા જ ખબરદાર વર્તે છે. તેને બધાને તો તીવ્ર વૈરાગ્ય નથી અને વાસનાનું તીક્ષ્ણપણું પણ હશે પણ તે બધા તીવ્ર વૈરાગ્યવાળાની જેમ જ વર્તે છે. તે હેતને કારણે વર્તે છે. વૈરાગ્ય તો કોઈકને થોડો ને કોઈકને ઝાઝો હશે. તેનો કાંઈ મેળ નથી. પ્રીતિ મહારાજમાં સૌને અતિ છે. માટે વાસનાને રૂંધીને મહારાજની મરજી પ્રમાણે વૈરાગ્યવાળાની જેમ વર્તે છે. અહીં મહારાજનું સમાધાન એ છે કે જેને મંદ વૈરાગ્ય છે તેમણે ગૃહસ્થાશ્રમ કરી, મહા કઠણ ફરજો બજાવી, ધર્મ પાળીને વાસના કુંઠિત કરવી. ત્યાગી થયા હોય ને તેમણે જો મંદ વૈરાગ્ય હોય તો વૈરાગ્યવાન એવા મોટા સંત સાથે અતિશય હેત કરવું. એવા હેતથી પણ વાસના તીક્ષ્ણ હોય તો પણ તે કુંઠિત થઈ જાય ને તેનો ત્યાગ પાર ઉતરી જાય, પણ બીજાનો ત્યાગ યથાર્થ પાર ન ઉતરે.