ગઅ–ર૮ : ભગવાનના માર્ગમાંથી પડયાનું

પ્રતિપાદિત વિષયઃ

ભક્તિમાંથી પડવાના બે કારણ. ભગવાનના મહિમાથી માન જાય. નિષ્કામ ભક્ત અને ભગવત્‌સુખાનુભૂતિ.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાનનો મહિમા સમજવો પણ નિરાકાર ન સમજવા.

ર.ભગવાનને સાકાર સમજવા પણ માણસ જેવા નહિ, દિવ્ય સમજવા.

૩.ભગવાનનો મહિમા સમજે તો માન ન આવે.

૪.નિષ્કામ ભક્ત પર ભગવાન અતિ પ્રસન્ન થાય છે.

પ.ભગવાન સિવાય ઈતર વિષયનો દૃઢ નિષેધ હૃદયમાં થયા વિના ભગવાનના સુખની અનુભૂતિ થતી નથી.

વિવેચન :–

મહારાજ કહે જે, ભગવાનની ભક્તિમાંથી જીવ બે પ્રકારે પડે છે. એક તો શુષ્કવેદાંતના ગ્રંથ સાંભળીને ભગવાનના આકારને ખોટા જાણે છે અને ભગવાનનું સ્વરૂપ નિરાકાર સમજે છે. તેનાથી અનાદિ નિત્ય સાકાર સ્વરૂપ પરમાત્માના સ્વરૂપનો દ્રોહ થવાથી તે ભક્તિ થકી પડી જાય છે. બીજો ભક્તિમાંથી પડવાનો માર્ગ, ભોગની લાલસાથી પડે છે. ભગવાનને જો નિરાકાર ન માને ને સાકાર માને પણ માયિક અને મનુષ્ય જેવા માને તેથી ભગવાનના દિવ્ય સ્વરૂપમાં જેમ પોતામાં હોય તેવા કામાદિકની કલ્પના કરે. પછી પોતે પણ ભોગનો લાલચી બની જાય અને ભગવાનના દિવ્ય ધામમાં પણ આ લોકના માયિક ભોગ વાસનાની કુબુદ્ધિ ત્યાં પણ કલ્પે પરિણામે પામર થઈને ભગવાનના માર્ગમાંથી પડી જાય છે. માટે બન્ને વાતે ભૂલો પડે છે. જો અતિ શુદ્ધ માનવા લાગે તો નિરાકાર માની સ્વરૂપદ્રોહ કરે અને સાકાર માને તો કામાદિની ભગવાનમાં કલ્પના કરે. આમ બે પ્રકારે ભગવાનની ભક્તિમાંથી પડી જાય છે. માટે પૂર્ણ મહિમા સમજે પણ નિરાકાર ન માને અને સાકાર સમજે, પણ ભગવાનનું સ્વરૂપ અતિશય નિર્દોષ સમજે તો તે ભક્તિના માર્ગથી પડે નહિ.

પછી સુરાખાચરે મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનને તથા સંતને જેવા છે તેવા એટલે કે દિવ્ય જાણીને પણ તેનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે ?

ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે, ભગવાન અને ભગવાનના ભક્તને દિવ્ય જાણીને નિશ્ચય તો કર્યો હતો, પણ તે નિશ્ચય કરતી વખતે પોતાના અંતરમાં કામાદિ દોષની એનામાં કાચ્યપ રહી ગઈ હતી. પછી જ્યારે સત્સંગમાં સ્થિર થતાં વૈરાગ્ય વેગ ધીરો પડે. પ્રથમ દબાવેલા અંતર્‌શત્રુઓ જાગૃત થાય છે. પછી ભગવાન કે સંત તેને ખોદે ત્યારે તે ભક્ત ઝાંખો પડી જશે અને પાછો પડી જશે. માટે નિશ્ચય તો હોય પણ સત્સંગ કરતા જ પોતામાં જે અવગુણ રહી ગયો હોય તેને ટાળીને જો નિશ્ચય કર્યો હોય તો તેને પાછો પડવાના સંજોગો ન આવે. તે અત્યારે પણ મહારાજ કહે પોતાના અંતરમાં વિચારીને જુએ તો પોતાને જણાઈ આવશે કે આવી રીતના અંગમાં હું કાચો છું તે જો મને મુકાવશે તો વિમુખ થઈ જવાશે. માટે વિચારીને આપણે જો મૂકવાનો આદર કરી દઈએ ને પછી કોઈ મુકાવા આવે તો સત્સંગમાં ઝાઝો ધક્કો તેને ન લાગે. વળી સંતનો પણ અવગુણ ન આવે ને સત્સંગ જળવાઈ રહે.

પછી બ્રહ્માનંદ સ્વામી, શુક મુનિ તથા સુરાખાચર એ ત્રણેયને મહારાજે પૂછયું જે તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે ? ત્યારે એ ત્રણેએ કહ્યું જે હે મહારાજ, માનરૂપ દોષ છે. માટે કોઈ બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈ મૂઝવણ થાય.

ત્યારે મહારાજ તેનું સમાધાન કરતાં કહે છે કે દ્યુપતય એવ તે ન યયુરન્તમનન્તતયા….એ જે વેદસ્તુતિમાં કહ્યા પ્રમાણે ભગવાનનો મહિમા જાણતો હોય તો ભગવાન કે તેના સંત સાથે માન કે ઈર્ષ્યા કેમ રહે? અને જો થાય છે તો ભગવાન અને સંતને જાણ્યામાં ફેર છે. જેમ અંગ્રેજ ગવર્નરને જાણતા હોય કે તે પૃથ્વીનો બાદશાહ છે પછી તેનો નાનો નોકર હોય તો પણ મોટો રાજા તેનો હુકમ માને. એમ જેણે ભગવાનને સર્વ બ્રહ્માંડોના રાજાધિરાજ માન્યા હોય તો તેના સંત પાસે માન ન રહે. જેમ ઉદ્ધવજી કેવા હતા તો પણ ભગવાનની મોટાઈને સમજતા હતા તો તેમાં પ્રીતિવાળી ગોપીઓના ચરણની રજ પામ્યા સારું વન વેલીનો અવતાર માગ્યો. આસામહો… તથા બ્રહ્માજીએ પણ કહ્યું જે અહો ભાગ્યમહોભાગ્યં નંદગોપવ્રજૌકસામ્‌… માટે જેની મોટાઈ જાણે તેની આગળ માન રહેજ નહિ. તેનો તો દાસાનુદાસ થઈને રહે અને ગમે તેટલું અપમાન થાય તો પણ સહન કરે ને તેના સંગનો ત્યાગ ન કરે. આમ માહાત્મ્ય સમજે ત્યારે માન ટળે છે.

વળી મહારાજે વાત કરી જે, ભક્તની વિશુદ્ધ સમર્પણ ભક્તિ જોઈને અમને ખૂબ પ્રસન્નતા થાય છે. મહારાજ કહે કે ભગવાનનો ભક્ત હોય ને કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્યો હોય અને અમે પાસે ઊભા હોઈએ પણ તે ભક્તને એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મૂકાવે તો ઠીક. સામર્થી તો જાણે છે કે જો તે ધારે તો મૂકાવી દે. તો પણ સંકલ્પ નથી કરતો ને જે દુઃખ આવે તેને પ્રારબ્ધ માનીને સહન કરી લે છે. પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને ભક્તિ કરે એવા નિષ્કામ ભક્ત ઉપર ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે.

વળી મહારાજ કહે છે જે, ભગવાન સંબંધી સુખને કોણ પામે ? અર્થાત્‌ભગવાનના ભક્ત હોય ને ભજન સ્મરણાદિ કરતા હોય તેમાં પણ જેવું શાસ્ત્રમાં ભગવાનનું સુખ વર્ણવ્યું છે તેવી દિવ્યાનુભૂતિ કોને થાય ? તો મહારાજ કહે છે કે જેમ માછલાનું જીવન જળ છે. જળથી બહાર નીકળતા તેની ચેતના ખલાસ થઈ જાય. જ્યાં સુધી જળમાં હોય ત્યાં સુધી જ તેમાં ચેતના રહે. તેમ જે ભગવાનના ભક્તને જગતના પંચવિષય જ જીવન મનાયા છે ને તે પંચવિષયનું સુખ દૂર થતાં તેની ચેતના હરાઈ જાય અને મૂઆ જેવો થઈ જાય. તેને ભગવાનની હાજરીમાં અને ભક્તિનો અભ્યાસ કરે તો પણ ભગવાનના દિવ્ય સુખની ઝલક પણ હૃદયમાં અનુભવાય નહિ. જેને પંચવિષયનું જીવનપણું મટી ગયું છે અને એવો થઈને ભગવાનના ધ્યાન ઉપાસના અને નવધા ભક્તિ કરે ત્યારે તેને ભગવાનના દિવ્ય અલૌકિક સુખની અનુભૂતિ થાય છે. ભગવાન સિવાય ઈતર નિષેધ વિના તત્ત્વાનુભૂતિ કોઈ પ્રકારે શકય નથી. મૂર્તિથી ઈતર વિષય અથવા આકારનો અંતરમાં અતિશય નિષેધ સ્થિર અને દૃઢ થાય ત્યારે એને મૂર્તિની દિવ્યાનુભૂતિની ઝલક અનુભવાય છે. તે સિવાય ભક્તિ પણ ઘણી કરે ને વિષયને પણ ભોગવે તો ભગવત્‌સુખ નથી આવતું. નિષેધ વિના ભગવાનનું વિશુદ્ધ સુખ કેવળ અભ્યાસ માત્રથી પણ આવતું નથી.