પ્રતિપાદિત વિષયઃ
ભગવાન પેઠે સેવવા યોગ્ય સંત, દેશકાળે કોને બંધન ન થાય, મહારાજનું ગમતું–અણગમતું.
મુખ્ય મુદ્દાઃ
૧.જેની બુદ્ધિમાં ધર્માંશ વધુ હોય તેને કોઈ પદાર્થ બંધન ન કરે.
ર.ભગવાનનું અણગમતું ત્યાગ કરવું ને ગમતું કરવું.
વિવેચન :–
મહારાજે વાત કરી જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? અર્થાત્એમાં કેવા સદ્ગુણો હોય ? તેના દૈહિક આચાર, માનસિક આચાર ઉપર પોતાનુ કેટલું નિયમન હોય ?
તો જે સંત ઈન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ છે તેની વિકૃત ભાવનાઓ તથા ક્રિયાઓ તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ. ઈન્દ્રિયોથી માંડીને અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મનપર્યંત સૌ સૌના વિષય અને ભોગ છે. તે વિષય–ભોગની ઈચ્છાઓને દાબીને વર્તે. પોતે કયારેય તેનો સંકલ્પ થવા ન દે. ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. સમર્થ હોવા છતાં પંચવર્તમાન નિયમમાં દૃઢ રહે. પોતાને આત્મા રૂપે એટલે કે દેહથી અને જગતથી નોખો સમજે અને મહારાજની ઉપાસના કરે અર્થાત્મહારાજ સાથે દૃઢપણે સ્વામીસેવક ભાવથી જોડાયેલો રહે. એવા સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. દેવતાઓ સહિત સમગ્ર સૃષ્ટિ, ઈન્દ્રિયોના વિષયો અને તેના ભાવો પૂરા કરવામાં પરાધીન વર્તે છે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે ભોગ, ઈન્દ્રિય, અંતઃકરણનો કજિયો ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી છે. તે જેને શમી ગયો છે તે તો દેવતાનો પણ દેવતા છે.
કનક કાન્તા સૂત્રેણ વેષ્ટિતં સકલં જગત્।
તાસુ તેષુ વિરક્તોસૌ દ્વિભૂજૌ પરમેશ્વરઃ।।
તેને બે ભુજાવાળો પરમેશ્વર શાસ્ત્રમાં કહ્યો છે. માટે એવા પુરુષ જે તેને દેવ જેવા પણ ન જાણવા તેવા સંત મનુષ્ય જેવા છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય તેણે એવા સંતની સેવા કરવી ને તેવે ગુણે યુક્ત બાઈ હોય તેની બાઈઓએ સેવા કરવી.
પછી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે સત્સંગમાં વર્તમાનના પ્રબંધની વ્યવસ્થા ન હોય તો પણ પંચવિષય બંધન ન કરી શકે તે પુરુષનાં લક્ષણ કહો ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષ પણે હોય અર્થાત્પ્રશસ્ત આચરણ તરફ પોતાના હૃદયનું વિશેષ ખેંચાણ હોય. બીજા થકી સારું કરવું છે એવું નહિ પણ સ્વભાવિક સારું કરવું છે એવો હૃદયભાવ હોય. આસ્તિકપણું હોય જે આ લોકમાં સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસુ ફળ તેને જરૂર પરલોકમાં ભોગવવું પડે છે એવી દૃઢ મતિ જેને હોય તે વ્યક્તિ પાપ થકી અને દુષ્કર્મ થકી ડરીને રોકાય છે. મૃત્યુ પછી આપણે કરેલાં કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. આ આસ્તિકતા માણસને પાપ કરતા રોકે છે ને માણસને માણસ બનાવે છે. એ વર્તમાન બુદ્ધિમાં કર્મ કરતી વખતે જેટલી હોય તેટલું તેને બંધન ઓછું થાય છે.
વળી મહારાજ કહે, જેને લાજ હોય જે ભૂંડુ કર્મ કરીશું તો લોકમાં શું મુખ દેખાડીશું ? માટે લાજ તો વૈરાગ્યની દુર્બળતાની ખામીને પણ દૂર કરે છે. જે લાજ હોય ને વૈરાગ્ય ન હોય તો પણ લોક નિંદિત કર્મથી રોકાઈ જાય ને સહેજે જ સદાચરણનું પાલન થાય. ‘લાજ વિનાના માનવી તેને મોટા મોટા કાન(ગધેડો)’ એવી કહેવત છે. લાજ ઓછી થાય એટલી માણસમાં પશુતા આવે છે. પશુને કોઈ કાર્ય બીભત્સ કે નિંદિત નથી હોતું. જો લાજ ઓછી થાય તો માણસમાં પણ એવી વિચારધારા આવી જાય છે. માટે મહારાજ કહે શાસ્ત્રનો વિશ્વાસ, આસ્તિકતા અને લાજ આ ત્રણ વાનાં હોય તો તેને સત્સંગની મર્યાદાથી બહાર નીકળી જાય તો પણ તેને પંચવિષય બંધન કરી ન શકે અને તેનાથી નબળું કર્મ થાય નહિ. મહારાજે મયારામ ભટ્ટ, મૂળજી બ્રહ્મચારી, નિષ્કુળાનંદ સ્વામી એમનાં દૃષ્ટાંત આપ્યાં. એવી જાતના જે પુરુષ હોય તેને કોઈ જાતનું બંધન થાય નહિ.
ઉપર કહ્યા તેવા ગુણેયુક્ત હોય પણ જો ”આત્મા તો અસંગી છે ને તેને કોઈ પાપ લાગતું નથી તથા ભગવાનનો મહિમા અતિ સમજે જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ ગયું તો પણ તેનો શો ભાર છે ?” એવી જે આત્મનિષ્ઠા ને મહિમા તે સાચાં નથી પણ વ્યક્તિના નબળા આશયના પરિણામરૂપ છે. તે ધર્મ પાળવામાં મોટા વિધ્નરૂપ છે. એવી દાનતવાળા હોય તે ધર્માચરણ કે પવિત્રાચાર રાખી શકતા નથી. ઉલ્ટું વધુ પાપમાં પ્રવર્તે છે અને વધુ બંધનમાં પડે છે. સામાન્ય રીતે પણ મહિમાજ્ઞાન ધર્મનિષ્ઠાને શિથિલ બનાવે છે. માટે મહારાજ કહે, આત્મનિષ્ઠા અને અતિ મહિમા હોય તો પણ ધર્મનિષ્ઠા દૃઢ રાખવી હોય તો તેના આશયમાં ભગવાનને રાજી કરવાનું તાન હોય–ગ્રિથ હોય તો ધર્માચરણ થકી ઢીલું ન પડે અને ભગવાનને રાજી કરવા પંચ વર્તમાન અને સદાચરણ ઉલ્ટું દૃઢ બને. જેને અંતરમાં ભગવાનને રાજી કરવાનું તાન અને આશય જ હોય તો. નહિ તો ઉપરથી મહિમાનું ગાન કરે ને એનાથી અંતરમાં નબળો આશય પૂરો કરતા હોય છે. તેથી મહારાજ કહે, સત્શાસ્ત્રનો વિશ્વાસ, આસ્તિકતા અને લાજ આ ત્રણ ગુણો હોય અને સાથે સાથે અંતરમાં ભગવાનને રાજી કરવાની દૃઢ ગ્રંથિ હોય પછી તેને આત્મનિષ્ઠા કે મહિમા હોય તો પણ ધર્માચરણથી મોળા પાડી શકતા નથી અને એનું ઉલ્ટુ ધર્માચરણ શુદ્ધ અને દૃઢ બનાવે છે. કોઈ દેશકાળ, તથા માયિક પદાર્થ બંધન કરી શકતા નથી. તે વિના મહારાજ કહે ગમે તેવો જ્ઞાનવાળો, ભક્વિાળો હોય તેને પણ કદાચ બંધન થાય ખરું.
પછી મહારાજે પોતાને જે જે વસ્તુ નથી ગમતી તે વાત કરી. તેમાં પ્રથમતો મહારાજ કહે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર સદ્ગુણનો કે બ્રહ્મપણાનો હોય તો પણ અહંકાર નથી ગમતો. બીજું દંભ ન ગમે. પોતાના હૃદયમાં ભક્તિ ધર્માદિ થોડા હોય તો પણ કૃત્રિમતાથી નાટ્યાત્મક રીતે ઝાઝા બતાવવા તે દંભ કહેવાય. તે અમને ગમતો નથી અને પોતાને અને ભગવાનને અભેદપણે ભજે પણ સ્વામીસેવક ભાવે ન ભજે તે ન ગમે. નિયમમાં શિથિલતા ન ગમે. ભગવાનનો મહિમા તો મોટો સમજે પણ પોતાને અતિશય તુચ્છ માને તે ન ગમે. એમ કરવા પાછળ તેના અંતરમાં કાંઈક નબળાઈનું પોષણ કરવાનું દ્વાર ખુલ્લું રાખવા માટે યુક્તિ હોય છે. પોતાને ભગવાનનો સંબંધ માનીને પછી અતિ તુચ્છ માનવું તે ભગવાનની અવહેલના ગણાય. માટે ભગવાનને અનુરૂપ પોતાનું રૂપ માનવું એ ભક્તની ફરજ છે. આપણે મહારાજને અક્ષરાધિપતિ માનીએ તો પોતાને બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ માનવું અથવા પ્રયન્ત કરવો કે અભ્યાસ કરવો જોઈએ.
હવે જે પોતાને ગમે છે તે કહે છે કે મહિમા સમજે, બ્રહ્મરૂપ માને, ધર્મમાં દૃઢ રહે, દૃઢ ભક્તિ કરે તો પણ સત્સંગમાં બીજા નાના ભક્ત હોય; પણ જો તેને દૃઢ નિશ્ચય હોય તો તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણીને વાતમાં પોતાનો કેફ ન લાવે એ અમને બહુ ગમે. પોતાના અહંકારની ચિકિત્સા પોતાને અતિ તુચ્છ(નિરાધાર)માનીને નથી કરવાની પણ ભગવાનના ભક્તની પાસે તુચ્છતા સ્વીકારીને કરવાથી ભગવાન રાજી થાય છે, કેવળ તુચ્છતાથી નહિ.