પ્રતિપાદિત વિષયઃ
અક્ષરધામની સેવા પ્રાપ્તિનાં સાધનો, આપત્કાળમા પણ ધર્મથી ન પડવું, પ્રકૃતિ જવાનો ઉપાય,જ્ઞાનાંશનો વૈરાગ્ય.
મુખ્ય મુદ્દાઃ
૧.સોળ સાધને કરીને મહારાજની સેવામાં રહેવાય છે.
ર.જેને વચનની ખટક છે તે કયારેય ધર્મથી ન પડે.
૩.ગરજ જણાય તો પ્રકૃતિ તત્કાળ ટળે છે.
૪.જ્ઞાનાંશનો વૈરાગ્ય સર્વે બંધન કાપી નાખે છે.
પ.કથાવાર્તા સાંભળવામાં જેટલી પ્રીતિ તેટલા શ્રેષ્ઠ ગુણો આવે છે.
૬.બાઈઓ ભાઈઓએ પરસ્પર એક બીજાનો વ્યક્તિગત વધારે મહિમા ન સમજવો.
વિવેચન :–
આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શાં છે ? ત્યારે મહારાજે અક્ષરધામની પ્રાપ્તિ માટેની યોગ્યતા તથા ત્યાં રહીને ભગવાનની સેવા માટેનાં સોળ સાધનો બતાવ્યાં.
૧. એકાંતિક ધર્મમાં શ્રદ્ધા તથા ભગવાનની સેવામા ઉત્સાહ અને તત્પરતા.
ર. સ્વધર્મ–પોતપોતાના વર્ણાશ્રમનો ક્રિયાકાંડ તથા બીજા પ્રત્યે આવતી ફરજનું આદર પૂર્વક અનુષ્ઠાન.
૩. વૈરાગ્ય–ભગવાન સિવાય ઈતર વસ્તુમાં અરુચિ.
૪. ઈન્દ્રિય નિગ્રહ–બાહ્ય તથા અંતઃકરણને તથા તેના વિષયમાંથી પાછા વાળવા, ભોગસંકોચ કરાવવો.
પ. અહિંસા–મન કર્મ વચને બીજાનો દ્રોહ ન કરવો તથા ઉદ્વેગ ન થાય તેવો આચાર.
૬. બ્રહ્મચર્ય–કામનાનો વિરામ. ત્યાગીઓએ તથા ગૃહસ્થોએ પોતાના આશ્રમ પ્રમાણે શીલવ્રતનું પાલન કરવું.
૭. સાધુનો સમાગમ–શ્રી હરિનો મહિમા સમજવા માટે તથા જગતનો મોહ નિવારવા માટે સાચા સંતનો મન, કર્મ, વચને સત્સંગ કરવો.
૮. આત્મનિષ્ઠા–આત્માના અનુસંધાનપૂર્વક પોતાને વિષે બ્રહ્મરૂપની ભાવના કરવી તથા ભગવાન તથા સત્સંગને અર્થે સહન શક્તિ.
૯. માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ.
૧૦. સંતોષ–ભગવાનની ઈચ્છાથી જે કાંઈ પ્રાપ્ત થાય તે દેહ નિભાવ માટે સંતોષ માનવો તથા તૃષ્ણારહિતપણું રાખવું.
૧૧. નિર્દભપણું–પોતે ભગવાનના માર્ગમાં જેવા હોય અર્થાત્ખામી હોય તેનો અંતરથી સ્વીકાર કરવો પણ કૃત્રિમતાથી નિર્દોષતાનું પ્રદર્શન ન કરવું.
૧ર. દયા– સર્વ પ્રત્યે અને ખાસ કરીને ભક્તો પ્રત્યે દુઃખ નિવારવા હમદર્દી ભરી કોમળવૃત્તિ.
૧૩. તપ–વિહિતભોગ સંકોચ. પરમાત્મામાં એકાગ્રતા વગેરે તપશ્ચર્યાઓ, ભગવાનને રાજી કરવાના અનુસંધાનપૂર્વક આચરણ.
૧૪. ગુણે કરીને મોટા ભક્તોમાં ગુરુભાવ–પોતાનાથી ધર્માદિ ગુણ વધારે હોય તો અહં અને દંભ છોડી સ્વીકારવા તથા તેમના પ્રત્યે અંતરથી સન્માન, વિનય વગેર દાખવવા પણ તેમના ગુણોમાં અસૂયા ન કરવી, પણ રાજી થવું.
૧પ. પોતાને બરોબરિયા ભક્તમાં મિત્રભાવ–પોતાને સમાન સ્થિતિવાળા તથા સમાન કક્ષાવાળા(પોતાના સરખી સેવા કરનારા)પ્રત્યે મિત્ર ભાવના રાખવી. સુહૃદપણું રાખવું; પણ ઈર્ષ્યા, સ્પર્ધા ન કરવી. સહકાર ભાવના રાખવી.
૧૬. પોતાથી ઉતરતા જે ભક્ત તેમાં શિષ્યભાવ રાખીને તેનું હિત કરવુ–પોતાથી ગુણોમાં ન્યૂન હોય તો તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. તેનું પ્રામાણિકપણે હિત કરવું, પણ તિરસ્કાર બુદ્ધિ ન કરવી.
આ સોળ સાધનોથી મહારાજની સેવાની પ્રાપ્તિ થાય છે. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછયો જે આપણા સર્વ સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિષે કયું લક્ષણ છે કે જેણે કરીને એમ જાણીએ જે એને આપત્કાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહિ ડગે ?
મહારાજે ઉત્તર કર્યો જે, જેને ભગવાનનાં નાનાં મોટાં વચન પર નિરંતર દૃષ્ટિ રહે અને વચન બહાર પગ દેવો પડે તે અતિ કઠણ પડે. વચનથી અધિક પણ નહિ ને ઓછો પણ ન વર્તે ત્યારે જણાય જે એ આપત્કાળમાં પણ ધર્મમાંથી નહિ પડે. ભગવાન તથા મહાપુરુષોએ બાંધેલ મર્યાદાથી અધિક વર્તન અહંને વધારે છે ને ન્યૂન વર્તન દોષનું પોષણ કરે છે. યથાર્થ આજ્ઞામાં વર્તવાથી પરમાત્મામાં નિષ્ઠા, પ્રીતિ વધે છે. માટે અધિક કે ઓછું બન્ને વર્તન દોષનું પોષક બને છે. માટે બરાબર વચનમાં વર્તવું એ જ આત્મરૂપ વર્તન ગણાય છે.
પછી મહારાજે વાત કરી જે આ જીવને પ્રકૃતિ ટળવી તે બહુ કઠણ છે. જો સત્સંગમાં સ્વાર્થ જણાય એટલે કે કલ્યાણની કે કોઈ પ્રકારની ગરજ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદાખાચરને મહારાજને રાખવાની ગરજ છે માટે સર્વ પ્રકૃતિનો ત્યાગ કરી દીધો. તેમ સત્સંગની કે સત્પુરુષની કે ભગવાનની ગરજ જણાય તો પોતાની પ્રકૃતિ ટાળતા વાર ન લાગે.
બીજી મહારાજે એવી વાત કરી જે, જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનમાં ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડયો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે કે જાગ્રત, સ્વપ્નમાં સંભાર્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. માણસની પ્રકૃતિ ઉપર ડંખ પડે ત્યારે કાયર થઈ જાય છે ને તેનું રક્ષણ કરવા અથવા સામાનો સામનો કરવા અંતિમ ઉપાયો પણ કરે છે. છતાં એવી પરિસ્થિતિમાં મહારાજ કહે તે પાછો પડતો નથી. માટે તેની ભગવાનમાં સાચી નિષ્ઠા છે એવો તેનો અર્થ થાય છે. પછી ગીતામાં કહ્યા મુજબ, યે યથા ભજન્તિ માં તાં તથૈવ ભજામ્યહમ્। મને પણ એટલો જ વહાલો બની જાય છે.
પછી મહારાજે મોટા ભક્તો સંતોના મહારાજ પ્રત્યે જોડાયાનાં મુખ્ય અંગ, ભક્તો તથા અંગોનાં નામ કહી બતાવ્યાં. જે તે ભક્તનાં ચરિત્ર, વર્તન જાણવાથી સ્પષ્ટ થઈ શકે છે અને આપણને ઉપદેશરૂપ થાય છે. પછી મહારાજ બોલ્યા જે આ તમે મોટેરા સંતો, ભક્તો, હમણાં રૂડી રીતે વર્તો છો પણ દેશકાળ વિષમ થાય તો એમ નો એમ રંગ રહે નહિ. માટે જેને વિષે જેટલો જ્ઞાનાંશ વધારે હોય તે વિષયના બધનને તોડીને નીકળે.
જ્ઞાનાંશ એટલે શું ? તો જીવ, જગત અને પરમાત્માની એક બીજા કરતાં જે વિલક્ષણતા. જેની દૃઢ ગ્રંથિ હૃદયમાં પડી ગઈ હોય. એટલે કે પરમાત્મની વિલક્ષણતા અને મહિમાની હૃદયમાં દૃઢ ગ્રંથિ પડી ગઈ હોય અને તેમાંથી જે વૈરાગ્ય ઉપજે પછી તેને કોઈ પ્રલોભન રોકી ન શકે. તે વડવાનળ અગ્નિ જેવો વૈરાગ્ય કહેવાય. તે સિવાયનો સાધારણ અગ્નિ જેવો વૈરાગ્ય કહેવાય. પેલાને દેશકાળ ઝાંખો ન પાડી શકે. મહારાજ કહે અમે રાત્રી દિવસ કથા વાર્તા વગેરે કરીએ છીએ તેનો એવો આશય છે જે કોઈકને ચટકી લાગી જાય અને એવો વૈરાગ્ય લાગે તો તેને દેશકાળની બીક ઓછી થઈને તે પાર ઉતરી જાય. તે વિના તો પ્રાકૃત બુદ્ધિ ગણાય.
પછી મહારાજે એવી વાત કરી કે જેને કથાવાર્તા સાંભળવામાં જેટલી પ્રીતિ હોય તેટલો તેને જગતનો અભાવ થાય છે અને કામાદિક દોષનો નાશ થાય છે.કથા સાંભળવામાં જેને આળસ હોય તેમાં સારા, મોટા ગુણ આવતા નથી. શ્રવણ ભક્તિમાં પ્રીતિ હોય તેમાં પ્રેમલક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ આવે છે. શ્રવણ ભક્તિનો મહિમા હરિલીલામૃતમાં કહે છે કે…
કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ,
હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.
સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે,
સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય.
જેને કથા અંતરમાં ન ભાવે, નહિ જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે,
સત્સંગનો કૃષ્ણ જ કથા પાયો, જો તે કદાપિ નબળો જણાયો,
સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી.
(હરિ.ક.૩ વિ–૧૦)
વળી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી જે બાઈ હરિભક્તો છે તેનું વ્યક્તિગત માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ. સૌનું સમપણે લેવું. એ સર્વે ભગવાનના ભક્ત છે, સારા છે. જો વ્યક્તિ વિશેષનો મહિમા સમજે અથવા ગુણ ગ્રહણ કરે તો મનન થાય, સ્વપ્નમાં આવે તો માર્ગમાં વિધ્ન થાય. તેમજ બાઈ હરિભક્તોએ પણ વ્યક્તિ વિશેષ મહિમા ન લેતાં સર્વે સારા છે એવો મહિમા સમજવો. તો પોતપોતાના ધર્મમાં વિધ્ન ન આવે.