ગમ–૬૦ : વિક્ષેપ ટાળ્યાનું અને પક્ષ રાખ્યાનું

પ્રતિપાદિત વિષયઃ

વિક્ષેપ ટાળવાની સમજણના ઉપાય

મુખ્ય મુદ્દાઃ

૧.આત્મનિષ્ઠા, વિષયનું તુચ્છપણું તથા ભગવાનના મહિમાના અનુસંધાનથી વિક્ષેપ નડતો નથી.

વિવેચન :–

આ વચનામૃતમાં પ્રથમ શ્રીજી મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની પ્રેરણા કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે આ સંસારને વિષે કેટલીક જાતના(અનંત જાતના) વિક્ષેપ આવે છે તેમા કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ? ઉત્તરના અનુસંધાને ભગવાનના ભક્તને અંતરે ભગવાન સંબંધી સુખ આવે છે તેનો અખંડ પ્રવાહ કેવી રીતે રહે ? તે પ્રવાહમાં ભગવાન સંબંધી સુખમાં વિચ્છેદ કે વિક્ષેપ કેમ વર્તે તો ન થાય ?

ત્યારે મહારાજ કહે છે કે જેમ અમને વર્તાય છે, અનુભૂતિ થાય છે તેમ અમે કહીએ છીએ. જે એક તો દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. મહારાજે વચ.ગ.પ્ર.પ૮મા વિક્ષેપ પણ ત્રણ પ્રકારના વર્ણવ્યા છેઃ દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર. આત્માના અનુસંધાનથી દેહને અંગે પ્રર્વતેલા વિક્ષેપો દૂર થાય છે અને માયિક પદાર્થ માત્રના નાશવંતપણાના વિવેકના અનુસંધાનથી કુસંગથી–ફેલફિતૂરથી થતા વિક્ષેપને દૂર કરે છે. કુસંગ જગત પ્રધાનતાને જ વધારે છે તેને આ અનુસંધાન દૂર થાય છે અને ભગવાનના મહિમાનું અનુસંધાન તે અંતરના પૂર્વ સંસ્કારને પણ રોકીને ભગવાનને માર્ગે પ્રવર્તાવે છે. માટે આ ત્રણ વાનાં હોય તો મહારાજ કહે તેને વિક્ષેપ આડો આવતો નથી. પરંતુ બીજા કોઈ ભગવાનના ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થતો હોય એ તો સારી પેઠે જણાય છે એ ન જણાય એમ નથી.

અહીં પ્રશ્નનું હાર્દ એ છે કે ભગવાનના ભક્તને ભગવાન સંબંધી સુખમાં વિક્ષેપ ન આવવો જોઈએ. તેને માટે આત્મનિષ્ઠાદિ ઉપરાંત જે જરૂરી છે તેને માટે મહારાજ આગળ વાત કરે છે. જેને અખંડ ભગવાનનું સુખ અનુભવવું હોય તેને ભગવાનના ભક્તની સાથે આત્મબુદ્ધિ અને ભગવાનના ભક્તનો પક્ષ અવશ્ય જોઈએ. આ બે વાનાં હોય તો ભગવાનના ભક્તના દુઃખે દુઃખી થવાય છે. મહારાજ કહે, ભગવાનના ભક્તોને દુઃખ આવે તો તો અમને અંતરમાં જરૂર જણાઈ આવે છે ને દુઃખ પણ થાય છે. એ તો રઘુનાથદાસની જેમ આસુરી ભાવનાવાળો હોય તો ન થાય. જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે તમામ સંત–સત્સંગી રોવા લાગ્યા પણ રઘુનાથદાસને શોક ન થયો. એને તો એની ચિંતા હતી કે હવે ગાદીનો અધિકારી કોણ ? સ્વામી ગયાનું દુઃખ નથી.

મહારાજ કહે છે કે ભક્તને જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય પણ ભગવાનના ભક્તને તો જરૂર દુઃખ થાય છે અને કોઈ ભગવાનના ભક્તને મારી નાખતો હોય અથવા દુઃખ દેતો હોય અને તે ભગવાનના ભક્ત માટે મરે અથવા ઘાયલ થાય તો તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ હોય તે પણ મટી જાય છે. એવો તેનો પક્ષ રાખવાનો પ્રતાપ છે અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની જેમ હૈયામાં વસમું લાગે ને વેર ભાવે આંટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટળે નહીં. એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય, ત્યાગેયુક્ત હોય, તપેયુક્ત હોય તે સર્વે વૃથા છે. બીજા કોટી સાધન કરે તો પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં.

મહારાજને વચ.ગ.અં.૧૧મા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે છે તેવી સમાધિ વિના પણ ભક્તના હૃદયમાં શાંતિ રહે તેવો કોઈ ઉપાય છે ? તેના ઉત્તરમાં મહારાજ કહે છે દેહ ને દેહના સંબંધીમાં પ્રીતિ છે તેવી ને તેવી પ્રીતિ ભગવાનના ભક્તમાં રહે ને તેનો પક્ષ રહે તો તેને નિર્વિકલ્પ સમાધિ વિના પણ તેવી જ શાંતિ રહે છે. તેને સમાધિ વિના પણ નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનનું સુખ આવે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. વચ.ગ.અ– માં મહારાજ કહે છે તેને કોઈ અંતઃશત્રુ પરાભવ કરી શકતા નથી એવો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે.

વળી મહારાજ કહે છે કે જેના હૃદયમાં ભગવાનના ભક્તનો ખુલ્લો પક્ષ નથી અને એમ માનતો હોય કે આપણે તો બધા સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ ? તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. મહારાજ વચ.ગ.મ. પ મા કહે છે કે લોકમાં કહે છે કે ‘સાધુને તો સમદૃષ્ટિ જોઈએ’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સનકાદિકે અને ધ્રુવ પ્રહ્લાદાદિકે તો ભગવાન ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. ભગવાનની અનન્ય ભક્તિ છે તે ભગવાનને ભગવાનના ભક્ત તરફ પક્ષપાતીની છે. ભકિત તો પક્ષપાતી સ્વભાવવાળી છે જ્યારે સજ્જનતાને ન્યાય ખૂબ પ્રિય હોય છે. સજ્જનતા સમદૃષ્ટિને વરેલી છે.

શાસ્ત્રમાં સમદૃષ્ટિની વાત આવે છે કે સમદૃષ્ટિ રાખવી જોઈએ. સમદૃષ્ટિ એટલે ન્યાયની દૃષ્ટિ રાખવી જોઈએ. કોઈ બે પક્ષોનો વૈવાદિક નિર્ણય આપવો હોય તો કોઈનો પણ પક્ષ રાખ્યા વિના તટસ્થપણે ન્યાયપૂર્ણ નિર્ણય આપવો જોઈએ તો તે સજ્જન વ્યક્તિ ગણાય અને તેવી વ્યક્તિઓ સમાજમાં ઘણી હોય છે. તે ન્યાયપ્રિય વ્યક્તિઓ પણ જો પોતાનો ને પારકાનો એ બે વચ્ચે નિર્ણય આપતી હોય તો તટસ્થતા રહેતી નથી. જ્યારે પોતાનો સ્વાર્થ પણ ન્યાય માટે જતો કરે ત્યારે તેને સમદૃષ્ટિવાળા સજ્જન કહેવાય. બીજાને માટે તો સરખા જોખવામાં ઘણા હોંશિયાર હોય છે તેમા ઝાઝી વિશેષતા નથી. તે પણ પક્ષપાત નથી કરતા એટલા સારા છે પણ આ પોતાનો પણ પક્ષ નથી લેતા તે એથી પણ સારા છે.

અહીં એથી પણ એક ડગલું આગળ વાત છે અને તે એ છે કે કોઈ બીજાને માટે તો ન્યાય વિરુદ્ધ પક્ષપાત નથી કરતા અને પોતાના સ્વાર્થનો પણ ન્યાય વિરૂદ્ધ પક્ષપાત નથી કરતા. તો પછી ભગવાનના બીજા ભક્ત ખાતર એમણે ન્યાયને મૂકીને પક્ષ કરવો કે કેમ ? એના ઉત્તરમાં મહારાજે કહ્યું છે કે લોકમાં કહે છે કે સાધુને તો સમદૃષ્ટિ જોઈએ એ શાસ્ત્રનો મત નથી. પૂર્વે મોટા મોટા ભક્તોએ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે. માટે એક સમદૃષ્ટિ છે. બીજી પક્ષપાતી દૃષ્ટિ છે. પક્ષપાતી દૃષ્ટિમાં પણ બે વિભાગ છે. એક તો પોતાના સ્વાર્થ માટે પક્ષપાત છે અને બીજો ભગવાનના ભક્ત માટે પક્ષપાત છે. સમદૃષ્ટિ તે સજ્જનોનો માર્ગ છે. તે યુધિષ્ઠિર જેવા ન્યાયને વરેલા પુરુષનો અભિપ્રાય છે. સ્વાર્થ માટે પક્ષપાત એ અસજ્જનોનો માર્ગ છે એ ધૃતરાષ્ટ્ર દૃષ્ટિ છે અને ભક્તનો પક્ષ ખેંચવાની દૃષ્ટિ છે તે શ્રીકૃષ્ણની દૃષ્ટિ છે. ધૃતરાષ્ટ્ર અને શ્રીકૃષ્ણ ભગવાન બંને સમદૃષ્ટિ વિભાવમાં નહીં આવે છતાં પણ તે સરખા તો નહિ જ કહેવાય. ધૃતરાષ્ટ્રનો પક્ષપાત પેટ્ટુ, કદર્ય અને નરી અધમતા ભરેલો છે. મોહથી નીતરતો તરબોળ છે અને અધોગતિને નોતરનારો છે. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનનો પક્ષપાત એવો નથી. એ તો ભક્તિ અને કલ્યાણથી તરબતર છે. એવો પક્ષપાત જે જીવ કરે તે આત્મકલ્યાણને પમાડનારો છે. ભગવાનના ધામને પમાડનારો છે.

ધૃતરાષ્ટ્રની દૃષ્ટિ ગૃધ્ર દૃષ્ટિ છે જ્યારે પેલી તો રાજહંસની દૃષ્ટિ છે. વિવેકથી ભરપૂર છે અને એટલું પણ કહી શકાશે કે સજ્જનોની જે સમદૃષ્ટિ છે તે યુદ્ધિષ્ઠિર મહારાજની દૃષ્ટિ છે. તેનાથી પણ એક ડગલું આગળ ઊંચી આ દૃષ્ટિ છે. તેથી ભક્ત સમદૃષ્ટિ નથી રાખી શકતા માટે હીન છે એમ સમજવાની જરૂર નથી. મહારાજ કહે છે કે જે પુરુષ એમ જાણે જે ”આપણે કાંઈક અવળું સવળું બોલીએ(અર્થાત્‌ભક્તનો પક્ષ રાખીને બોલીએ) તો આપણો માણસ અવગુણ લેશે(સજ્જન માણસો અવગુણ લેશે કે તમે ન્યાયને સમજતા નથી અર્થાત્‌ન્યાયી નથી)” એવી રીતે પોતાની સારપ્ય વધારવા સારુ ભગવાનનું કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે કે તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. એટલે કે તે ભક્ત ગણાતો હોય તો પણ તે ભક્ત નથી. પૂર્ણ ભક્ત થવા માટે આપણે ચોવીસ કલાક ભક્તિ કરીએ તે બરાબર છે પણ સાથે સાથે ભગવાનના ભક્તનો પક્ષ નથી તો ભક્તિની પૂર્ણતા નથી ગણાતી. તેથી મહારાજ કહે છે કે પોતાના સંગાંવ્હાલાં અથવા મા–બાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દૃઢ પક્ષ રાખવો.

મહારાજ કહે અમારો અતિ દયાળુ સ્વભાવ છે. લીલા તૃણને પણ તોડીએ નહીં; પણ કોઈ ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ જોતો હોય ને તે પોતાનો સગો વ્હાલો હોય તો પણ જાણીએ તેની આંખ ફોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુઃખવે તો તેનો હાથ કાપી નાખીએ. એવો અભાવ આવી જાય છે પણ ત્યાં દયા નથી રહેતી. માટે મહારાજ કહે, એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય.