પ્રતિપાદિત વિષયઃ
પ્રેમલક્ષણા ભક્તિ પરિશુદ્ધ ભાવથી કરવી.
મુખ્ય મુદ્દાઃ
૧.રસિક ભક્તિમાં પ્રથમ ભાવની–આશયની શુદ્ધિથી ભક્તિ કરવી.
ર.ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો.
વિવેચન :–
મહારાજની આગળ પ્રેમભક્તિના કીર્તન ગવાતાં હતાં તે સાંભળીને મહારાજે વાત કરી. આ કીર્તનોમાં પ્રેમભક્તિનું જે પ્રકારનું અગ કહ્યું એવું અંગ ઝીણાભાઈનું છે તથા તેવાં અંગ પર્વતભાઈ ને મુળજીને હતાં. મહારાજ કહે છે, જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષયને વિષે પ્રીતિ ટળી જાય છે. તેને આત્મનિષ્ઠા તો રાખ્યા વિનાની જ રહે છે. એવો પ્રેમલક્ષણા ભક્તિનો સહજ સ્વભાવ અને પ્રભાવ છે. પ્રેમલક્ષણા ભક્તિ જેમાં આવે છે તેને પંચવિષયના સુખ સાથે વેર બંધાય છે. જેમ ગોપીઓનાં વચન છે જે હે ભગવાન ! જ્યારથી તમારાં ચરણનો સ્પર્શ થયો છે ત્યારથી અમને જગતનાં સુખ ઝેર જેવાં લાગે છે. મહારાજ કહે છે તેને આત્મનિષ્ઠા રાખ્યા વિના રહે છે. પ્રહ્લાદને પરમાત્મામાં પ્રેમ થયો તો તે સહનશીલતાની સીમા બની ગયા.
માટે પ્રેમલક્ષણાનું સાચું લક્ષણ પરમાત્મામાં પ્રેમ કરવો એટલું જ નથી, પણ પંચવિષયની પ્રીતિ, ભોગપ્રીતિ અને અન્ય માયિક વ્યક્તિની પ્રીતિ તે તેને સહન ન થાય અને ઝેર જેવી લાગે. તે ગોપીભક્તિનું સાચું લક્ષણ છે.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે નરસિંહ મહેતા સખાભાવે ભગવાનને ભજતા અને નારદાદિક ભક્તો તો દાસભાવે ભગવાનને ભજે છે તે બે પ્રકારમાં કોની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?
મહારાજ બોલ્યા જે, નરસિંહ મહેતા, ગોપીઓ, નારદ, સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી. એ તો એક પ્રકાર જ છે. શુદ્ધ ભક્તિ જ છે. દેહ તો પુરુષનો કે સ્ત્રીનો બેય માયિક ને નાશવંત છે. ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી. ગોપી પણ નથી અને ગોપ પણ નથી. એ તો કેવળ ચૈતન્ય અને સત્તા માત્ર છે. ગોપીભાવ અને સખાભાવ એ તો ભગવાનને સેવવા માટે ભાવાત્મક માધ્યમ છે. આ જીવ દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો આકાર બંધાય છે. સેવાનો જેવો અવકાશ હોય તેવો થઈને ભગવાનની સેવા કરે છે; પરંતુ ભગવાનની સેવા કરવા માટે ગોપી થવું ફરજિયાત નથી. ગોપીઓનો ભગવાનને સેવવા માટે જે વિશુદ્ધ અને દિવ્યભાવ હતો તે હોવો જરૂરી છે.
મહારાજ કહે છે કે આ લોકમાં ભગવાનના ભક્ત થઈને ગોપીભાવથી ભગવાનને ભજવા જતાં જો ભક્તના હૃદયમાં જરાપણ કચાશને કારણે ભોગબુદ્ધિની મલિનતા આવીને પરમાત્મા કે તેના વિશુદ્ધ ભક્તોમાં કામ બુદ્ધિ થઈ જાય તો સત્સંગમાં જે પાપ થાય છે તે વજ્રલેપ થાય છે અર્થાત્ગોપીભાવ સંસારી ભાવને મળતો ભાવ છે. તે પોતે સંસારી નથી, દિવ્ય જ છે પણ બિલકુલ મળતો હોવાથી અંદરની કચાશવાળા ભક્તોને વિશુદ્ધભાવમાંથી પણ માયિક ભાવમાં લપસી પડતાં વાર લાગતી નથી. ભગવાનના બીજા રૂપવાન સ્ત્રી અથવા પુરુષ ભક્તોમાં તે ભાવની ઝલક આવી જાય તો વજ્રલેપ પાપ થાય છે. મહારાજ કહે છે કે રસિક માર્ગે લાખો લપસ્યા છે, પાર તો કોઈક જ ઉતરે છે. કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તેથી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તેનું વધુ પાપ છે. માટે ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય, ગોપીભાવની વિશુદ્ધ પ્રીતિ કરવી હોય તેને કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં અર્થાત્અંદરના મૌન ઈરાદામાં રહેવા દેવું નહિ. આશયમાં લગારેક મલિનતા આવી તો પ્રેમલક્ષણા ઊભી નહીં રહે. કાં ! જે સત્સંગી હરિજન છે તે તો પોતાના મા, બેન કે દીકરી હોય તેવા છે. આ સંસારમાં અતિ પાપી ને મલિન હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે પણ કુદૃષ્ટિ રાખે છે. માટે જેને ભગવાનના ભક્તમાં કુદૃષ્ટિ થાય તે અતિશય પાપી છે અને તેનો કોઈ કાળે છૂટકો થતો નથી. માટે આવી જાતના પાપનો ત્યાગ કરીને રસિક ભક્ત થાય તો ભગવાન પાસે પહોંચાય.
મહારાજનો આશય એ છે કે સ્ત્રી અને પુરુષ દેહ તો માયિક છે. આત્મા શુદ્ધ સત્તામાત્ર છે. માટે ગોપીઓ વિશુદ્ધ પ્રેમલક્ષણાથી ભગવાનમાં જોડાણી તેમજ નારદાદિક તેવી જ વિશુદ્ધ પ્રીતિપૂર્વક સ્વામીસેવકભાવથી ભગવાનમાં જોડાયા છે. જેમ ગોપીઓની વિશુદ્ધ ભક્તિ પ્રેમલક્ષણા કહેવાય છે તેમ વિશુદ્ધ સ્વામીસેવકભાવને મહારાજે ઉપાસના ભક્તિ કહી છે. તેનું પણ લક્ષણ એ જ છે કે અન્યનો સંબંધ સહન ન કરી શકે. અન્યની એટલે કે ભગવાન અને ભગવાનના ભક્ત સિવાય સંસાર, સંગાં, કુટુંબ, પોતાનો દેહ શુદ્ધાં જો પેલા બેની સેવાનાં સાધન ન બને તો તે સહન ન થાય. આને ઉપાસના કહો અથવા સેવકભાવ માટેની પ્રેમલક્ષણા કહો બન્ને એક જ છે.
જેમ પ્રેમલક્ષણામાં ભોગ, લપસવાનું અને પાપનું કેન્દ્ર છે. તેમ વિશુદ્ધ ઉપાસનામાં પણ મોટું વિધ્ન બતાવતાં મહારાજ કહે છે કે સૌથી મોટું પાપ તો ભગવાનના ભક્તમાં દોષ બુદ્ધિ થાય, તેનો દ્રોહ થાય અને તેની સાથે વેર બંધાઈ જાય એ છે. તેનો છૂટકો કોઈ કાળે થતો નથી. પંચ મહાપાપનો છૂટકો થાય, પણ આવા પાપનો છૂટકો થતો નથી. પરિપક્વ દ્રોહબુદ્ધિ કોઈ ઉપાયે દૂર થતી નથી. તેને અસુર બનાવે જ છે. હજુ દ્રોહ કર્યાની શરૂઆત જ હોય અને તેના અંતરમાં અતિ પશ્ચાતાપ થાય જે હું મોટું પાપ કરું છું, મારા જેવો નીચ કોઈ ન ગણાય અને ભગવાનના ભક્ત તો બહુ મોટા છે. એવી રીતે ભગવાનના ભક્તનો અતિશય ગુણ સમજે અને પોતાનામાં દોષને જુએ તો તે દ્રોહબુદ્ધિ અને અસુરબુદ્ધિ નાશ પામે છે. પણ પરિપક્વ આસુરભાવ તો દૂર થતો જ નથી અને તેનું કારણ પણ પોતાના અંતરનો કોઈક લૌકિક નબળો આશય જ હોય છે.
ભગવાન પણ પોતાના ભક્તના દ્રોહ કરનારા ઉપર જેવા કુરાજી થાય છે તેવા કોઈ બીજા પાપે કરીને કુરાજી થતા નથી અને જેવા દુઃખાય છે તેવા બીજા કોઈ પાપે કરીને દુઃખાતા નથી. જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને બોલ્યા જે…
યસ્યામૃતામલયશઃ શ્રવણાવગાહઃ સદ્યઃ પુનાતિ જગદા શ્વપચાદ્વિકુણ્ઠઃ ।
સોહં ભવસ્ત્રય ઉપલબ્ધસુતીર્થકીર્તિશ્છિન્દ્યાં સ્વબાહુમપિ વઃ પ્રતિકૂલવૃતિમ્।।
।। ભાગ.૩–૧૬–૬ ।।
તમારા જેવા સાધુ, તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે. માટે તમે જય વિજયને શાપ દીધો તે બહુ સારું કર્યું છે. તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું તો બીજાની શી વાત કહેવી !
એવી રીતે વૈકુંઠનાથે સનકાદિક પ્રત્યે કહ્યું અને જય વિજય હતા તે ભગવદીયના અપરાધથી દૈત્ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે પોતાની મોટી પદવી થકી પડી ગયા છે. તે શાસ્ત્રમાં અને સત્સંગના ઈતિહાસમાં પણ વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઈચ્છવું તેણે પોતાના આશયમાં ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવું પાપ રાખવું નહિ અને જાણે અજાણે દ્રોહ થઈ જાય તો માફી માગીને જેમ રાજી થાય તેમ કરવું.