પ્રતિપાદિત વિષયઃ
સમયાનુસાર માનસી પૂજા કરવી.
મુખ્ય મુદ્દાઃ
૧.પોતાના મનમાં ગમતા પદાર્થોથી ભગવાનની માનસી પૂજા કરવી.
ર.ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય અથવા વઢે તો પણ પોતાનાં ભાગ્ય માનવાં ને રાજી થકા સેવા ભજન કરવું.
વિવેચન :–
આ વચનામૃત માનસી પૂજાનું વચનામૃત છે. ભગવાનની મૂર્તિમાં હેત વધારવા માટે માનસી પૂજા એ સુંદર મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. મહારાજે વચનામૃતમાં કહ્યા પ્રમાણે માનસી પૂજા કરે તો તેને તુરંત મહારાજની મૂર્તિમાં હેત વધતું જાય છે. મહારાજ કહે છે તેના જીવને સમાસ ઘણો થાય છે. વળી ભગવાનની મૂર્તિમાં હેત છે કે નહિ અથવા વધુ ઓછું છે તેની ખબર પણ માનસી પૂજાના આધારે પડી રહે છે. બાહ્ય અથવા સ્થૂળ પૂજા પ્રેમ ભાવનાથી પ્રેરિત જ હોય એમ કયારેક ન પણ બને. રૂઢિ, પરંપરા, લોક લાજ અથવા વ્યવહાર નિભાવવા પણ કયારેક બાહ્ય પૂજા થતી હોય છે. જ્યારે માનસી પૂજામાં આ પરિબળો બાધ કરતા નથી. તેથી અતરમાં સાચો પ્રેમ હોય તો જ માનસી પૂજા બરાબર થાય. માટે માનસી પૂજા અંતરનો પ્રેમ વધારવાનું જેમ સાધન છે તેમ આપણો મહારાજમાં કેવો પ્રેમ છે તે જોવાનું પણ સાધન છે. માટે માનસી પૂજામાં જેમ જેમ રુચિ થશે તેમ તેમ મૂર્તિમાં પણ પ્રેમ વધતો જશે.
મહારાજે કહ્યું કે માનસી પૂજા ૠતુને અનુસારે કરવી. શાસ્ત્રમા કહ્યું છે’યથા દેહે તથા દેવે’ જુદી જુદી ૠતુમાં દેહને જુદી જુદી સાનુકૂળતા અને પ્રીતિ થાય છે. માટે તે જ પ્રમાણે ભગવાનને પણ માનસી પૂજામાં ૠતુના અનુસંધાને અને દેહભાવને અનુસંધાને ઉપચાર સમર્પણ કરવા. આપણે માનસી પૂજા ભલે બ્રહ્મભાવના કરીને કરીએ પણ ભગવાનને અર્પણ મનમા ગમે એ પદાર્થો કરવા. તેમાં ઉનાળામાં ઠંડા, પવિત્ર, સુગંધી જળથી સ્નાન કરાવવું. મલિયાગર ચંદન ચર્ચવું , પાતળું ઘાટું વસ્ત્ર, સુગંધી મોગરા, ડોલરના હાર વગેરે પહેરાવવાં. ચંદન ચર્ચી મળવું. શણગાર ધરાવી નીરખવા. પ્રેમથી ભેટવું. ચંદન વગેરે આપણા અંગને વળગ્યા છે વગેરેથી ભાવિત થવું.
શિયાળામાં ઊના જળથી સ્નાન, ગરમ ભારે કિંમતી વસ્ત્રો, ઘરેણાં શૃગાંર ધરાવી નીરખવાં. ચોમાસામાં મહારાજ પલળીને આવ્યા છે તેમ ધારવું. તે વસ્ત્રો કોરાં કરાવવાં. ઘરના અંદરના ભાગમાં સુંદર ઢોલિયા ઉપર પધરાવવા. ઉત્તમ પ્રકારના ભોજન જમાડવા. તેમાં પણ મહારાજે કહ્યું કે જે ભોજન પોતાને વધારે ભાવે તે ભગવાનને વિશેષ જમાડવા. પોતાને કદાચ સાદા ભોજનની વધારે રુચિ હોય તો તે ભોજનથી માનસી પૂજામાં મહારાજને તૃપ્ત કરવા. તેમજ પોતાના મનને ગમતાં વસ્ત્રો, બીજી સામગ્રી જ્યાં પોતાને મનમાં વધારે રુચિકર અને રસપ્રદ જણાતી હોય એવી જ સામગ્રી માનસી પૂજામાં મહારાજને અર્પણ કરવી. તેનાથી આપણું મન પણ જલ્દી કેન્દ્રિત થશે તથા તેવું અર્પણ કરવામાં મનમાં રુચિ થશે. તેથી ભગવાનની મૂર્તિમાં પ્રેમ વિશેષ થશે.
મહારાજે અહીં માર્ગદર્શન માટે અલગ અલગ ૠતુનું કહ્યું છે પણ તેવી જ વિવિધતા દરેક મહિનાની ૠતુ પ્રમાણે મહારાજને નવીન વસ્તુઓ સમર્પિત કરાય. આજના શહેરી જીવનમાં દરરોજના પોતાના દૈહિક ખાવાપીવાના ક્રાર્યક્રમ અલગ હોય અથવા શનિ–રવિના અલગ ક્રાર્યક્રમ હોય તેમ મહારાજને પણ તે જ પ્રમાણે માનસી પૂજામાં અલગ અલગ સામગ્રી–સ્થાન–હવામાન વગેરેથી પૂજી શકાય. આધુનિક ટેકનોલોજી જે દેહ, મનને સુખરૂપ અને શોભારૂપ જણાતી હોય અને પવિત્રતા–અપવિત્રતાનો બાધ ન હોય તો તેનાથી પણ માનસી પૂજા કરીને મૂર્તિમાં પ્રેમ સંપાદન કરી શકાય છે. એવી રીતે મનને ગમતા પદાર્થોથી પૂજા કરવાથી મનને કંટાળો–થાક લાગતો નથી, નવીન ઉત્સાહ રહે છે. તેથી મૂર્તિમાં પ્રેમ પણ નવીન ને નવીન રહે છે.
વળી મહારાજે આ વચનામૃતમાં એક બીજી વાત કરી છે. ભગવાન અને ભગવાનના ભક્ત પોતા ઉપર રાજી થાય ત્યારે પણ પોતાનાં ભાગ્ય માનવાં અને શિક્ષાને અર્થે પોતાને વઢે ત્યારે પણ પોતાના ભાગ્ય માનવાં જે મારામાં કોઈક દુર્ગુણ હશે તે દૂર થશે. એમ વિચારીને રાજી થવું, પણ કોઈ પણ પ્રસંગમાં શોક ન કરવો અને કચવાવું નહિ. પોતાના જીવને અતિ પાપી ન માનવો. ભગવાન અને તેના ભક્ત મળ્યાથી ભાગ્યવાન માનવો. એમ સતત આનંદમાં પ્રસન્ન રહીને ભજન કરે તો તેના હૃદયમાં સમાસ વધારે થાય છે.