ગમ–૪૧ : માનરૂપી હાડકાનું

પ્રતિપાદિત વિષયઃ

માનનો ત્યાગ કરવો.

મુખ્ય મુદ્દા :

૧.માનમાંથી જીવને સ્વાદ આવે છે એવો તો કયાંયથી આવતો નથી.

ર.ભગવાન અને તેના ભક્તોને રાજી કરવા સેવા કરવી પણ કોઈ વખાણે તે સારુ ન કરવી.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપાવાકયથી શરૂઆત કરી છે. મહારાજ કહે છે કે જેને પરમેશ્વર પાસે જવું છે તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ સહિત કરવી પણ કોઈ વખાણે તે સારુ ન કરવી. સેવાની મહત્તા એ છે કે એ મોક્ષપ્રદાયિની છે અને ભગવાનની પ્રસન્નતા આપનારી છે. વચ.ગ.મ.૪૦મા જ મહારાજ કહે છે કે જે ભગવાનના ભક્તની મને, વચને, દેહે જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું કોઈ બીજે સાધને કરીને નથી થતું. અર્થાત્‌ તપ આદિક સાધના કરો કે યજ્ઞ દાનાદિક સત્કર્મ કરો તો પણ સેવા તુલ્યે આવતા નથી. એવો ભગવાન ને ભગવાનના ભક્તની સેવાનો મહિમા કહ્યો છે. એવી જે સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી અર્થાત્‌ગરજ રાખીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી. કોઈ વખાણે તે સારુ ન કરવી.

મહારાજ કહે આ જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. પછી ભલે તે પોતાનું અકલ્યાણ કરનારું હોય કે નુકસાન કરનારું હોય. જો કલ્યાણકારી હોય પણ તેમા વખાણ ન થતા હોય કે કોઈ પ્રકારનો આદર ન થતો હોય તો તે કરવું ગમતું નથી. એટલે તો મહારાજ કહે છે કે આ જીવને જેવો માનમાંથી સ્વાદ આપે છે તેવો તો કોઈ પદાર્થમાંથી નથી આવતો. મહારાજે સૂકા હાડકાનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ શ્વાન સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે છે પણ તે તો સૂકૂં છે તેથી તેના જ મોઢામાં લાગે ને લોહી નીસરે છે. પછી તેને ચાટીને આનંદ માણે છે. તેવું માની માણસનું છે.

માનીને કયારેય ભક્તિનો સ્વાદ આવતો નથી. જો આવે તો પોતાના રાગનો, માનનો જ સ્વાદ આવે છે. વળી માનની બાબતમાં એવું છે કે માન મૂકવાથી બીજા પાસેથી માન પ્રાપ્ત થાય છે અને માન રાખવાથી બીજા પાસેથી અનાદર પ્રાપ્ત થાય છે. માની વ્યકિત હમેશાં સ્વકેન્દ્રિત હોય છે. તેને જગતમાં પૂજવા જેવી વ્યક્તિ હોય તો પોતે જ લાગતી હોય છે. એવું જે એનું વલણ એ જ એને સમાજમાં અનાદરને પાત્ર બનાવે છે. જ્યારે ભગવાનની ભક્તિ છે તે પરકેન્દ્રિત છે, બીજાને આદર આપનારી છે, પૂજનારી છે. ભગવાન અને ભક્તને આદર આપનારી છે પૂજનારી છે. જેથી વિનય, સેવા, ભાવના બીજા પ્રત્યે અવશ્ય જરૂર પડે છે.

જગત અરીસા જેવું છે. બીજા જે આપણા તરફ લાગણીઓ રાખે છે તે ઘણું કરીને આપણી લાગણીઓનું જ પ્રતિબિંબ હોય છે. જ્યારે માનીના હૃદયમાં એક પોતાનો અહં જ સર્વોપરી હોય છે. બીજા બધા અનાદરને પાત્ર હોય છે. પોતાનો અહં જ પૂજય હોય છે. એવું એનું વલણ છે તે જ સામાના હૃદયમાં પોતાનો આદર થવા દેતું નથી. જ્યારે ભક્તના વિનય, વિવેક અને પારકા પ્રત્યેનો આદર જ પોતાનું સન્માન કરાવે છે. માટે ઉલ્ટું છે. માન મૂકે તો માન મળે છે પણ માન ઈચ્છે તો માન મળતું નથી. માની માણસોને કાચના વાસણની ઉપમા આપવામાં આવી છે. કાચના વાસણને જાળવવું ઘણું કઠણ પડે છે. એટલે તો પેકિંગ ઉપર લખ્યું હોય છે કે, (HANDLE WITH CARE) એ કાચનું વાસણ શોભાવાળું ઘણું હોય છે અજાણતામાં જરા ધક્કો લાગી જાય તો ટુકડા–ટુકડા થઈ જાય છે અને આપણો જ પગ કાપે ને લોહી કાઢે. માની માણસનું પણ તેવું હોય છે જ્યાં સુધી સાચવો તો ખૂબ શોભે પણ જરા ધ્યાન ન રહ્યું તો બસ પછી લોહી કાઢે ને લોહી પીવે પણ ખરા.

મહારાજ કહે માની હોય તે ભક્તિમાં પણ માન જડે તો જ ભક્તિ કરે. માન વિના તો ભક્તિ પણ કરતા નથી. નિર્માની એવા ભક્ત તો મહારાજે રતનજી અને મિયાંજી એ બે પાર્ષદોને વખાણ્યા. રતનજી દરબાર હતા અને ભાલમાં વટામણ ગામના હતા. મહારાજના હજૂરી પાર્ષદો તરીકે હતા. ઘણા શૂરવીર ભક્ત હોવા છતાં અતિ નિર્માની હતા. જ્યારે મિયાંજી સરધારના મુસલમાન ભક્ત હતા. મહારાજની માણકીની સેવા કરતા.

મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસજીની સાખી કહી છે. ‘કનક તજ્યો…..’ અધ્યાત્મ માર્ગમાં પણ ભક્તિની અથવા સદ્‌ગુણોની સાધનાની પ્રવૃત્તિના બે મોટા પ્રેરણાસ્રોત છે. તે એક તો પોતાનો અહં તથા બીજું ભગવાન અથવા તેના ભક્તની પ્રસન્નતા. તેમા પણ અહંને વશ થઈને તો માણસ એટલું બધું કરે છે કે તેટલું ભક્તિ માટે કે ભગવાનના રાજીપા માટે થઈ શકતું નથી. તેથી તો તુલસીદાસજીએ કહ્યું કે સર્વસ્વ ત્યાગ્યું ને ‘લઘુ ભોજન કરી જીએ માન કે રગ’ માનમાંથી એને એટલો બધો જીવનરસ તથા પુરુષાર્થને પોષણ મળે છે કે તેવો ભગવાનમાંથી નથી મળતો. કારણકે બંનેની હરિફાઈ થાય તો મોટા ભાગના અહં કેન્દ્રિત આગળ નીકળી જતા હોય છે. જ્યારે પરમાત્મકેન્દ્રિત હોય તેમા એટલી બધી તેજસ્વીતા જલ્દી આવતી નથી. વિરલ જ હોય છે. જ્યારે અહંમાં તો જન્મતાંની સાથે જ તેજસ્વીતા ભરેલી હોય છે. તેમાં એક જાતનું ઝનૂન હોય છે. માટે મહારાજ કહે, માનનો ત્યાગ કરવો ઘણો કઠણ છે અને માનનો ત્યાગ કરીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં મોટો જાણવો.