પ્રતિપાદિત વિષયઃ
ભગવાનના અવતારનું પ્રયોજન તથા એકાંતિક ધર્મ.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન પોતાના એકાંતિક ભક્તના ધર્મ– ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે અવતાર લે છે.
ર.જેને ભગવાનના ભક્તમા સમર્પણ નથી તેનો સત્સંગ જરૂર ઢીલો પડી જશે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ માયાને તરે છે ને અક્ષરધામને પામે છે અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકને પામે છે ને પુણ્યને અંતે તો પાછો પડે છે. જ્યારે ભગવાનના અવતાર તો ધર્મના સ્થાપનને અર્થે થાય છે(ધર્મ સંસ્થાપનાર્થાય….)પણ ભક્તિના સ્થાપન અર્થે નથી થતા. માટે ધર્મમાં ભક્તિ કરતાં શી વધારે મોટાઈ છે જે તેને માટે ભગવાન અવતાર લે છે ? સ્વામીથી યથાર્થ ઉત્તર ન થયો
ત્યારે મહારાજે ઉત્તર કર્યો. જે ધર્મના બે પ્રકાર છે. એક નિવૃત્તિ ધર્મ અને બીજો પ્રવૃત્તિ ધર્મ. તે બન્ને પણ ભગવાનના સંબંધ સહિત અને રહિત એમ બે પ્રકારના છે. તેમાં ભગવાનના સંબંધ સહિત જે ધર્મ છે તે તો મહારાજ કહે છે કે, શુક, સનકાદિક, ધ્રુવ, પ્રહ્લાદ, અંબરીષ એ આદિક ભક્જનોનો છે. તેને ભાગવદ્ધર્મ કહે છે.
ભાગવદ્ધર્મ અને ભક્તિ અલગ નથી; એ બન્ને એક જ છે. તેના સ્થાપનના અર્થે ભગવાનના અવતાર થાય છે. તે ગીતામાં પણ કહ્યું છે જે ‘પરિત્રાણાય સાધુનામ્…’ તેમજ ભાગવતમાં પણ કહ્યું છે જે ‘પરમહંસાનાં મુનીનામમલાત્મનામ્। ભક્તિયોગ વિધાનાર્થમ્…’ માટે ભગવાનના અવતાર ધર્મના સ્થાપનને અર્થે થાય છે. તે કેવળ વર્ણાશ્રમ ધર્મને અર્થે નહિ પણ ભગવાનના ભાગવત પરમહંસો છે તેનો ધર્મ બતાવવા અને સ્થાપવાને અર્થે થાય છે. એટલે કે એકાંતિક ભક્તિ પ્રવર્તાવવા થાય છે. માટે એકાંતિકનો ધર્મ તે ભક્તિ છે, પણ કેવળ ધર્મ નથી. માટે ભગવાનના અવતાર એકાંતિક ધર્મરૂપ ભક્તિનું જ સ્થાપન કરવાને માટે થાય છે એમ જાણવું. પછી મહારાજે પોતાને પણ એકાંતિકી ભક્તિ અને ભક્ત સિવાય બીજે કયાંય રસ નથી અને તેની સ્થાપના અને પ્રવર્તન એ જ પોતાનો હેતુ છે. એમ કહીને પોતાનું પરોક્ષપણે અવતારીપણું અને પોતાના ભક્તોને પોતાને વિષે શું કરવુંજોઈએ તે ઉપદેશ આપતા કહ્યું છે કે અમારો પણ મત એ છે કે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે અમે હેત કરીએ તો પણ થતું નથી.
અમને વન,પર્વત, વસ્તી વિનાનું એકાંત સ્થાન એમાં જ રહેવાનું ગમે છે. શુક, જડ ભરત, દતાત્રેય, ૠષભદેવ તેના જેવો અમારો એકાંતમાં રહેવાનો સ્વભાવ છે. મોટા શહેર પાટણમાં રહેવું ગમતું નથી. તો પણ ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ. જેમ ભગવાન પોતાનું ધામ છોડી દુઃખના સાગર સમા આ લોકમાં કેવળ પોતાના ભક્ત માટે આવે છે. તેવી જ રીતે અમને ભક્તોની સાથે રહેવામાં ગમે તેટલું દુઃખ પણ દેખાતું નથી. લાખો માણસોના ભીડામાં રહીએ છીએ તો પણ અમને નિર્બંધ રહેવાય છે. કારણ કે ભક્તોને માટે ભીડામાં રહીએ છીએ. અમારા આંતરિક રસથી ઘાટી વસ્તીમાં નથી રહેતા.
મહારાજ કહે, અમારે ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ અર્થાત્મુક્તિનું સાધન જાણીએ છીએ. પરમ ભક્તિ માનીએ છીએ. એને અર્થે અમે ધામમાંથી અહીં આવીએ છીએ. આવો મોટો અમારો આશય હોવાથી ભગવાનના ભક્તનો અલ્પદોષ અમને દેખાતો જ નથી. ભક્ત ગમે તેટલો વાંકમાં આવ્યો હોય તો પણ અમને તેનો અવગુણ આવતો નથી. જો તે અવગુણ અમારામાં હોય તો તેનો ત્યાગ કરી દઈએ છીએ. કોઈ મોટા વર્તમાન ચૂકે તો જ એનો અવગુણ આવે છે. ભગવાનના ભક્તને વાદ વિવાદમાં જીતીને કયારેય રાજી થવું નહિ, તેની પાસે હારીને રાજી થવું. તેનું અંતરથી સન્માન કરવું એ પરમાત્મા પ્રત્યેની ઉત્તમ ભક્તિ ગણાય છે. પરમાત્માના સન્માન કરતા પણ પરમાત્માને તે વધારે વહાલું લાગે છે.
મહારાજ કહે છે કે વાદ વિવાદમાં ભગવાનના ભક્તને જીતીને રાજી થાય છે તે તો પંચમહાપાપના જે કરનારા છે તેથી પણ વધુ પાપી છે. તેણે કરીને ભગવાનનું અપમાન થાય છે માટે મોટું પાપ છે. દેહનો સંબંધી હોય અને તેને ભગવાનના ભક્તની સાથે કુહેત હોય તો અમારે પણ તે સંબંધીની સાથે કુહેત થઈ જાય છે. તેના હાથનું અન્નજળ પણ અમને ભાવતું નથી. કારણ કે અમે જે ભગવાનના ભક્તમાં હેત કર્યું છે તે દેહબુદ્ધિથી નથી કર્યું, આત્મબુદ્ધિથી કર્યું છે. અમારું જે કાંઈ છે તે સાચા ભક્તને સમર્પણ કરવા માટે છે. અને અમે પણ ખુદ સમર્પિત થઈને હેત કર્યું છે. જો એવું હેત કે સમર્પણ આ સત્સંગમાં જેનું નહીં હોય તેનું સ્વરૂપ ખુલ્લું થયા વિના રહેશે નહિ. કાં તો તેનો સ્વાર્થ ખુલ્લો પડશે અથવા તેને ઢાંકવા સાવધાનીથી દંભ કરવો પડશે. તે પણ કયારેક ગરમીના દિવસોમાં ખુલ્લો પડી જશે. મહારાજે મીણ પાયેલ દોરાનું દૃષ્ટાંત આપ્યું છે કે જેને ભગવાનના સાચા એકાંતિક ભક્તમાં અમારા જેવું સમર્પણ અને નિષ્ઠા નથી તેની ભક્તિ, ધર્માદિ, મીણ પાયેલ દોરાની પેઠે જેદી તેદી ઢીલા થયા વિના રહેતા નથી. મીણ પાયેલ દોરો જેમ શિયાળા, ચોમાસામાં અક્કડ રહે છે, પણ ઉનાળાની ગરમીમાં ઢીલો પડી જાય છે. તેમ મહારાજ કહે, સત્સંગમાં માન સન્માન થતું રહે અથવા બીજા આપણને થોડું થોડું સમર્પણ કરતા રહે ત્યાં સુધી તો આપણા ગુણો ઝગમગી રહે પણ સત્સંગમાં અપમાન થાય ને જે કાંઈ કરવું પડે તે આપણે જ સમર્પણ કરવું પડે ને તેને પ્રોત્સાહન ન મળે ત્યારે મીણના દોરાની પેઠે ઢીલું પડી જવાશે. કારણ કે પ્રથમથી ભક્તને માટે મનમાં સમર્પિત થવાનો સંકલ્પ કરેલો નથી. થોડો ઘણો લાભ લેવાનો સંકલ્પ હશે તો કયારેક કામ બગડી જશે.
પછી મહારાજ કહે, ભગવાનના ભક્તના ભીડામાંથી ખસી જઈને સ્વાર્થ, સ્વભાવનું રક્ષણ કરતાં કરતાં જેવું થાય તેવું ભજન કરવા લાગશે તેના અંતરમાં સત્સંગનું સુખ રહેશે નહિ. માટે દેહના સંબંધી સાથે, દેહમાં કે કોઈ સ્વાર્થમાં હેત રહી જાય એવો સત્સંગ કરવો નહિ. મહારાજ કહે, ગમે તેવું દુઃખ આવી પડે અથવા સત્સંગમાં ગમે તેવું અપમાન થાય તો પણ જેનું મન કોઈ રીતે સેવા સમર્પણમાંથી અને સત્સંગમાંથી પાછું ન પડે એવા જે સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારા સંગાં વહાલાં છે. અમારી નાત છે અને અમારો સમગ્ર પુરુષાર્થ તેવા ભક્તને માટે છે. ભગવાન ધામમાંથી અવતાર લે છે તે પણ એવા ભક્તોને માટે લે છે, પણ લેભાગુ ભક્તને માટે નહિ. મહારાજ કહે છે, અમારે દેહ છતે અને દેહ મૂકીને ભગવાનના ધામમા એવા ભક્ત ભેળું રહેવું છે. એવો અમારો નિશ્ચય છે અને તમે પણ એવો નિશ્ચય રાખજો. તમે અમારા આશ્રિત છો તે અમારે તમને હિતની વાત કરવી જોઈએ. આના જેવી કોઈ હિતકારી વાત નથી અને મિત્ર પણ હિતની વાત કરે તેને કહેવાય.