ગમ–૪૦ : એક દંડવત પ્રણામ અધિક કર્યાનું

પ્રતિપાદિત વિષયઃ

એક દંડવત પ્રણામ અધિક કરવો.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાનના ભક્તના દ્રોહે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય છે તથા કષ્ટ થાય છે તેવું બીજા કોઈ પાપે કરીને થતું નથી.

ર.ભગવાનના ભક્તની સેવા કરવાથી આ જીવનું રૂડું થાય છે તેવું બીજા કોઈ સાધનથી થતું નથી.

૩.અપરાધ માફ કરાવવા નિયમથી એક દંડવત અધિક કરવો.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજ ગઢપુરમાં પોતાના ઉતારે વિરાજ્યા છે. સવારમાં પોતાનું નિત્ય કર્મ–પૂજા કરીને શ્રીકૃષ્ણની પ્રતિમાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછયું : હે મહારાજ, આજે તમે એક પ્રણામ અધિક કેમ કર્યો ? સંતો મહારાજની ક્રિયાનું કેટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરતા ! મહારાજે ઉત્તર કર્યો કે નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે, હે ભગવાન ! આ દેહાદિકને વિષે અહંમમત્વ હોય તે ટાળજો.

આજ તો અમે સાંજે વિષ્ણુપુરાણની કથામાં દુર્વાસા–ઈન્દ્રની કથા સાંભળીને સૂતા હતા. દુર્વાસાના અપમાનથી ઈન્દ્રની અધોગતિ થઈ અને સર્વનાશ થયો. ઈન્દ્રને દરદર ભટકવું પડયું. તેને લઈને સમગ્ર દેવતા અને ત્રિલોકીને પીડા થઈ. તે બઘું જોઈને આજે અમને એવો વિચાર થયો જે ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઈ જાણ્યે અજાણ્યે દ્રોહ થઈ આવે તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને નથી થતું. માટે જાણ્યે અજાણ્યે મને, વચને, દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેના દોષના નિવારણને માટે આજે એક પ્રણામ અધિક કર્યો.

મહારાજ કહે અમે તો એમ માન્યું છે કે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે થતું નથી. ”સંત સંતાપ સે જાત હૈ રાજ ધર્મ અરૂ વંશ, તુલસી તીનોં ટીલે ન ટિકે રાવણ કૌરવ ઔર કસ”– એમનું જે અધઃપતન થયું તે કોઈ હિંસા કે બ્રહ્મહત્યાદિક પાપથી થયું નથી. કેવળ ભક્તના અપરાધથી થયું છે. નરસિંહ મહેતાને સંતાપ દેવાથી રા માંડલિક જેવા ધર્મિષ્ઠ રાજાને દરદર ભટકવું પડયું છે. સંપ્રદાયના ઈતિહાસમાં પણ મોટા સંતોનો અપરાધ કરનાર સુખેથી મરી પણ શકયા નથી.

મહારાજ કહે તેના અપરાધથી જેવું કષ્ટ આ જીવને થાય છે તેવું બીજા કોઈ પાપથી થતું નથી. સ્વામીની વાતોમાં મભમ વાત લખી છે કે કોઈએ સંતનો દ્રોહ કરેલો. ખૂબ કષ્ટ પામેલા હોવાથી દાંતે તરણા લઈ સ્વામીને પ્રાર્થના કરી કે કાં તો કષ્ટમાંથી ઉગારો ને કાં તો દેહ છોડાવો. સ્વામી કહે તમે જેનો અપરાધ કર્યો છે તેની પાસે માફી માગો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એક બે દૃષ્ટાંતો આપી વાત કરતા કે સદ્‌.નારાયણદાસ સ્વામી તથા બીજા મોટા સંતોનો અપરાધ કરનાર સંતો હતા તો તેને પણ કષ્ટ પડયા છે. પૂ.શાસ્ત્રીજી મહારાજનો અપરાધ કરનારના ઉદાહરણો પણ યાદ કરવા યોગ્ય છે.

વળી મહારાજ કહે ભગવાનના ભક્તની મને, વચને, દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને આ જીવનું રૂડું થાય છે ને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. એટલે કે પુણ્ય, તપ આદિકથી પણ નથી થતું. વળી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા, ને ક્રોધ એ ચારે કરીને થાય છે. જ્યારે ભગવાનના ભક્તનું સન્માન થાય છે તે જેમાં એ ચારવાનાં ન હોય તેનાથી થાય છે.

અધ્યાત્મ માર્ગના દોષોની વિચિત્રતા એ છે કે પોતામાં જે દોષ હોય તેની ઝાંખી બીજામાં થાય છે. બીજામાં થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી પરંતુ નિર્દોષ પુરુષોમાં પણ થાય છે અને તેનો અપરાધ કરવાની પ્રેરણા આપે છે. લોભીને સાધુઓ, રાંકા, મફતિયા ને બીજાને ભારરૂપ દેખાતા હોય છે. ઈર્ષ્યાવાળાને સાધુઓની આજીવિકા, તેનું સન્માન, પોતાના હૃદયમાં ખૂબ જ દાહ ઉત્પન્ન કરે છે. ક્રોધથી પણ વિવેકહીન બની જવાય છે. માનથી ત્યાગીઓ પાસે પણ પોતાના અધિક સન્માનની અપેક્ષાઓ રખાતી હોય છે. તે જ્યારે પૂરી ન થાય ત્યારે તે ઈચ્છા દ્રોહ કરવામાં કારણ બની જાય છે. માટે મહારાજ કહે, આ ચાર વાનાં ન હોય તો જ તેનાથી ભગવાનના ભક્તનું સન્માન થઈ શકે છે.

માટે મહારાજ કહે, આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય ને દેહ મૂકયા કેડે પણ પરમ સુખિયા થવું હોય તેણે ભગવાનના ભક્તનો મને, વચને, દેહે કરીને દ્રોહ ન કરવો. ખાલી મરીને પછી સુખિયા થવા માટે આ વાત નથી. આ દેહે જીવતાં પણ પરમ શાંતિ પ્રાપ્તિ કરવી હોય તો આ માર્ગ લીધા જેવો છે. જાણ્યે અજાણ્યે કયારેય ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તો વચને કરીને તેની પ્રાર્થના અને મને કરીને તથા દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા. ફરી ન થાય તેનો ખ્યાલ રાખવો. માફી માગીને ફરી તેમજ કરવાથી તો ઉલ્ટું બમણું થાય છે. માટે તેમ ન કરવું. મહારાજ કહે, ભગવાનના ભક્તનો અપરાધ ન થાય માટે આજથી અમારા ભક્તો નિયમ રાખે કે પૂજા કરીને દરરોજના નિયમના દંડવત કરતાં એક અધિક કરીને ભગવાન પાસે ભક્તનો અપરાધ ન થાય અને અજાણ્યે થયો હોય તો તેના નિવારણ માટે માફી માગવી.