ગઅ–૧૯ : ત્યાગીના બે કુલક્ષણનું

પ્રતિપાદિત વિષયઃ

ત્યાગાશ્રમીના કુલક્ષણો.

મુખ્ય મુદ્દાઃ

૧.ત્યાગી થઈને સંબંધીમાં હેત રાખવું તથા કામના રાખવી તે મોટું કુલક્ષણ છે.

ર.પોતાના સેવકમાં પણ અતિ હેત ન રાખવું.

વિવેચન :–

આ વચનામૃતમાં ત્યાગીના કુલક્ષણની વાત કરી છે. મહારાજે વાત કરી જે જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે ત્યાગી, તેને બે કુલક્ષણ છે. જે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી અર્થાત્‌સત્સંગનું પણ ગૌરવ ઘટાડે છે. તેમાં એક તો કામના અને બીજા પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. મહારાજ કહે છે એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. પશુઓ પોતાનાં બચ્ચાંમાં અને બચ્ચાં માતા પિતામાં સ્નેહ કરે છે. તેમાં કોઈ સકારણતા કે વૈચારિકતા હોતી નથી. મનુષ્યમાં ગૃહસ્થાશ્રમમાં એક બીજામાં સકારણતા હોય છે. અમારું વ્રુદ્ધાવસ્થામાં પોષણ કરશે. વારસો મળશે વગેરે કંઈક સકારણતા હોય છે. જ્યારે પશુઓમાં તો એવું હોતું નથી. તો પશુઓ શું વિચારીને સ્નેહ કરતા હશે ? તેમ મહારાજ કહે, ત્યાગી થઈને સંબંધીમાં સ્નેહ રાખે છે તેમાં શું વિચારીને કરતા હશે ? કોઈ વૈચારિકતા કે સકારણતા વ્યાજબી દેખાતી નથી; પરંતુ કેવળ સ્વભાવવશતા કે પશુતાનાં દર્શન થાય છે. જે તેના આશ્રમ માટે કલંક રૂપ છે.

કર્મ પાછળ ફળની ઈચ્છા રાખવી તેને અહીં કામના કહી નથી, પણ સ્ત્રી ભોગ સંબંધી ઈચ્છાને અહીં મહારાજે કામના કહી છે. તેમાં પણ મહારાજ કહે, જેને પોતાના સંબંધીમાં હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. પંચ મહાપાપ થકી પણ મોટું પાપ તેને અમે ગણીએ છીએ. માટે ત્યાગીઓએ તો આ દેહ અને દેહના સંબંધી થકી પોતાના ચૈતન્યને જુદો માનવો અને સંબંધીઓને ચોરાશી લાખ જાતના સંબંધીની હારે ગણવા. સંબંધી હોય તે સત્સંગી હોય તો પણ તેમાં હેત ન કરવું. એક તો દેહના સંબંધીનુ હેત પડયું જ છે તેમાં ભગવાનના ભક્તપણાનું માહાત્મ્ય સમજી હેત કરે પછી સમય જતાં સંબંધીનું હેત તે પ્રધાન થઈ જાય છે અને પેલું ગૌણ થઈ જાય છે અને અંતે તેનો જન્મ ખરાબ થઈ જાય છે. જેમ માખણ ને ગરમ કરીને ઘી બનાવવા ચૂલા ઉપર મૂકવામા આવે ત્યારે જેમ જેમ ગરમ થઈને શુદ્ધ ઘી બને તેમ તેમાં પડેલાં મેલ–કીટુ તળિયેથી વછૂટીને ઉપર આવે અને ઘીના ઉપર ભાગમાં તરી બાઝી જાય. તેમ અંતકાળે તો નબળી વસ્તુ જીવમાંથી છૂટીને ઉપર આવશે ત્યારે ભગવાનનો સંબંધ યાદ નહિ આવે ત્યારે એનો જન્મ ખરાબ થઈ જશે. જેમ ભરતજીને અંતે મૃગબાળ યાદ આવીને જન્મ ખરાબ કરાવી દીધો તેમ.

મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે પોતાનો સંબંધી ન હોય પણ દેહની સેવા ચાકરી કરતો હોય તો તે જો હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. સર્પની લાળ જેમ પ્રાણ હરે તેમ જેમાં આપણો સ્વાર્થ હોય તેનું ભગવાનની જેમ ચિંતવન કરાવીને મોક્ષમાં અતિ વિધ્નરૂપ બને છે. માટે તેમાં અતિ હેત ન કરવું. આમ કુટુંબીમાં હેત, કામના, અને સેવકમાં પ્રીતિ એ ત્રણ ત્યાગીના મોક્ષમાર્ગનાં કલંકો છે. તેમાં કામના દુર્ગુણ તરીકે કલંક છે. સેવકમાં, ભક્તમાં પ્રીતિ એ લોકમાં દુર્ગુણ નથી ગણાતો પણ મોક્ષમાર્ગમાં મર્મ સ્થાનીય લપસણો પોઈન્ટ (બિન્દુ) છે. મોટા ભાગના તેમાં લપસી પડે છે. જ્યારે સંબંધીમાં પ્રીતિ એ આશ્રમના બંધારણથી વિરુદ્ધ છે. હિન્દુ ધર્મનું આશ્રમ સંવિધાન સનાતન છે તેનાથી વિરુદ્ધ છે, માટે પાપ છે.

ભારતનું સંવિધાન રચાયું હોય અને તેમાં એક વસ્તુને ગુહ્નો ગણવામાં આવ્યો હોય. દા.ત. રોડ પર જમણી સાઈડમાં વાહન ચલાવવું એ ગુહ્નો ગણાય (KEEP LEFT) પછી કોઈ એવો પ્રશ્ન કરે કે અમેરિકામાં તો ડાબી સાઈડ ગુહ્નો છે અહીં જમણી સાઈડ કેમ ? ડાબી કેમ નહીં ? તો તે શંકા યોગ્ય નથી. જેના સંવિધાનમાં જેમ લખ્યું તે કાયદો અને તેના વિરુદ્ધ આચરણ ગુહ્નો ગણાય. નહીં તો ગૃહસ્થાશ્રમમાં તો તે જ માબાપ પૂજનીય છે, સેવવા, માનવા યોગ્ય છે. પછી આ આશ્રમમાં આવતાં પાપરૂપ કેમ થઈ જાય ? ઓછામાં ઓછું ફળ ન થાય તો કાંઈ નહીં પાપ તો નહિ જ ગણવું જોઈએ ને ? પણ એવો તર્ક ન ચાલે. શાસ્ત્રોનું સંવિધાન કહે આ કરવું તે પુણ્ય ને આમ કરવુ તે મહા પાપ. તે તેમ બરાબર ધર્મની ઘણી બાબતોમાં માનવીય તર્કનું સમાધાન ન પણ હોય. તેમાં જરૂર સતર્કતા તો હશે જ પણ તે આર્ષદૃષ્ટિમાં જણાણી હશે. માટે ત્યાગીએ કુટુંબીમાં સ્નેહ રાખવો તે કલંક રૂપ છે. તે આર્ષ નિર્ણય છે. તેનું લૌકિક સમાધાન કઠિન છે. માટે મહારાજ કહે, આ ત્રણ વાનાં હમેશાં યાદ રહે તે માટે મંડળના મોટેરાઓએ નાનાને દરરોજ યાદી આપવી. નાનાએ શ્રદ્ધાથી સ્વીકારવી. તેમાં ફેર પડે તો વળતા દિવસે ઉપવાસ કરવો. એવું મહારાજનું અનુશાસન છે. કોઈને એવો કુતર્ક પણ થાય કે સંબંધીનું હેત છે તેને તો ભૂલવાનું છે. તેને તો કયારેય યાદ ન કરીએ તો જ ભૂલાય અને મહારાજે તો ઉલ્ટું દરરોજ યાદ કરાવીને તાજું કરવાનો રસ્તો ચીંધ્યો. તો એવું ન સમજવું.

મહારાજે દરરોજ યાદ કરવાનું કહ્યું છે તે ત્યાગાશ્રમના સંવિધાનને યાદ કરવાનું છે. સંવિધાનના નિયમોને તાજા કરી યાદ રાખવા માટે આજ્ઞા છે. સંબંધીના હેત ને તાજું કરવાની આજ્ઞા નથી કરી.