ગમ–૩૬ : અખંડવૃત્તિના ચાર ઉપાયનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનમાં અખંડ વૃત્તિ રાખ્યાના ઉપાય.

મુખ્ય મુદ્દો        

૧. ચાર ઉપાયથી ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે.

ચિત્તનો ચોટવાનો સ્વભાવ  શૂરવીરપણુ વૈરાગ્ય ભય.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજ કહે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો : ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે. ત્યારે શ્રીજી મહારાજ કહે એના ઉપાય તો ચાર પ્રકારના છે. ચિત્તનો ચોટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય અને વૈરાગ્ય. તેમાં જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય. જેમ પુત્ર કલત્રાદિકમાં ચોટે છે તેમ પરમેશ્વરમાં ચોટે. જેમ મીરાંબાઈ નાના હતા ત્યારથી ભગવાનની મૂર્તિમાં કોઈક પ્રસંગને લઈને અચાનક મન ચોટી ગયું પછી ”ગોવિંદો પ્રાણ હમારો મુને જગ લાગ્યો ખારો” વળી ભાગવતમાં પણ ગોપિકાઓના ભગવાન પ્રત્યે વચનો છે જે ‘હે ભગવાન, જ્યારથી અમને તમારાં ચરણનો સ્પર્શ થયો છે ત્યારથી જગતના વિષયો અમને ઝેર જેવા થયા છે.’ સત્સંગના ઈતિહાસમાં પણ એવા ઘણા દાખલાઓ છે જે મહારાજનો એકવાર પ્રસંગ થતાં સંસાર છૂટી ગયો છે. માટે જેનો ચોટવાનો સ્વભાવ હોય તેને ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોટયું તેણે કરીને તેને અખંડ ચિંતવન થાય છે.

બીજો ઉપાય શૂરવીરપણું છે. જેના હૈયામાં અતિશય શૂરવીરપણું હોય તેના હૈયામાં ભગવાન વિના બીજો ઘાટ ઉપજે અથવા ભગવાન પ્રત્યે જતાં રસ્તામાં કોઈ અડચણ કે ટોકર લાગે તો પોતે અતિ શૂરવીર હોવાથી અતિશય વિચાર ઉપજે ને તે વિચારે કરીને ઘાટ માત્ર ટાળી નાખે ને અડચણ માત્રને દૂર કરે ને અખંડ ભગવાનને સંભારે. કારણ કે શૂરવીરતા અન્ય સંકલ્પો અને અન્ય અતંરાયોનું તત્કાળ નિવારણ કરવાના સ્વભાવવાળી છે. જેમ ધ્રુવ, ભર્તૃહરિ, રાજાભાઈ ડાંગર, સૂરદાસ, તુલસી બીજા એવા ભક્તો હોય તે વિધ્નમાત્ર દૂર કરી ભગવાનને અખંડ સંભારે છે.

ત્રીજો ઉપાય છે ભય. જેના હૃદયમાં જન્મ, મૃત્યુ, નરક, ચોરાશી તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનને અખંડ સંભારે છે. ભય તે ભગવાન વિરુદ્ધ કર્માન્તરનું નિવારણ કરનારો છે. જેમ અજામિલ મૃત્યુના મુખમાંથી મુકાયા પછી અખંડ આરાધના કરીને ભગવાનને પામ્યો તેવો ભાગવતમાં ઉલ્લેખ છે. ભગવાનના ભક્તને સામાન્ય ભયના પ્રસંગમાં પણ ભગવાન વધારે યાદ આવે તો જેને જન્મ મૃત્યુ વગેરે સાચા મનાય અને દેખાય તો જરૂર તેની બીકે ભગવાન અખંડ સાંભરે.

ચોથો ઉપાય છે વૈરાગ્ય. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો માનીને તે આત્માને વિષે પરમાત્માને ધારીને અખંડ ચિંતવન કરે છે. વૈરાગ્ય છે તે પરમાત્માથી ઈતર રાગનો નિવર્તક છે. તેથી બીજા રાગનું નિવારણ કરીને અખંડ ભગવાનનું ચિંતવન કરાવે છે. આપણા નંદસંતો અને ત્યાર પછીના મહાનુભાવ સંતો બધા જ આનાં ઉદાહરણો છે. આ ચાર ઉપાયે કરીને ભગવાનનું અખંડ ચિંતવન થાય છે એ વિના તો ભગવાન કૃપા કરે તો ભલે, નહિ તો બીજા અનેક ઉપાય કરે તો પણ અખંડ ચિંતવન ન થાય અને અખંડ ચિંતવન થવું એ પણ ભારે કામ છે. એ તો જ્યારે અનેક જન્મનાં સુકૃત ઉદય થાય ત્યારે તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય છે. તે વિના તો દુર્લભ છે.

મહારાજે અખંડ વૃત્તિના સાધનની વાત વચ.ગ.પ્ર.૪૯ માં કહેલ છે. બ્રહ્માનંદ સ્વામીએ અખંડવૃત્તિનું સાધન પૂછયું છે. ઉત્તરમાં મહારાજે અંતર્દૃષ્ટિ ને અખંડવૃત્તિના સાધન તરીકે બતાવી છે. જ્યારે વચ.ગ.મ.૪ માં અખંડવૃત્તિની દુર્લભતા ને ઉપાયો બતાવ્યા છે. અખંડસ્મૃતિ થાય એવી શ્રદ્ધા જોઈએ ને શ્રદ્ધામાં ખામી હોય તો તેટલી માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછયપ છે ને માહાત્મ્યમાં ઓછયપ છે એટલે એટલી નિશ્ચયમાં પણ ઓછયપ છે માટે માહાત્મ્ય ને શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય અને એમ કહીને ભગવાનનો અસાધારણ મહિમા બતાવ્યો છે. છતાં પણ વચનામૃત સાથે વિરોધ નહીં આવે. અહીં જે ચાર સાધન કહ્યા છે તે અંતર્દૃષ્ટિ અને મહિમા–શ્રદ્ધાની તુલનાએ થોડા આંતરભાગના છે. જ્યારે આ સાધનો બહિર્ભાગને બતાવનારા છે. તેમા પણ અંતર્દૃષ્ટિ એ અભ્યાસનું જ એક સ્વરૂપ છે ને મહિમા તો બધા જ સાધનોની ભૂમિકા બની રહે છે.

વળી મહારાજ કહે કે આ જીવને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. આ જીવને દેહ તથા દેહના સંબંધી તથા દેહનું ભરણ–પોષણ કરનારા તેમા તો પંચવિષય કરતાં પણ વધુ હેત છે. માટે તેમાંથી હેત તૂટયું તે માયાને તરી રહ્યો છે. દેહ છે તે સર્વે સ્નેહનું મૂળ છે. પંચવિષયમાં જે હેત છે તે પણ દેહને લઈને છે. દેહના પોષણને અર્થે છે ને સંગામાં જે હેત છે તે પણ દેહના માધ્યમથી જ છે. માટે દેહમાં સર્વેથી અધિક સ્નેહ છે અને તે જ માયા છે. તેમાંથી જેને હેત તૂટે તેને ભગવાનમાં હેત થાય છે અને ભગવાનમાં હેત થાય તો તેને અખંડવૃત્તિ ભગવાનમાં રહે છે. જેને અખંડવૃત્તિ રહે તેને કોઈ સાધન બાકી રહેતાં નથી.