અ–૦ર : નાહી ધોઈને પૂજા કર્યાનું

પ્રતિપાદિત વિષયઃ

ઉપશમ દશા અને તેની પ્રાપ્તિનાં સાધન.

મુખ્ય મુદ્દાઃ

૧.બીજાને પંચવિષય જન્મમરણના કારણ બને તો ભગવાનના ભક્તને કેમ બનતા નથી ?

ર.ઉપશમ દશા.

૩.નિર્માનીભાવે અને ગરજપૂર્વક જો ભગવાનના ભક્તની સેવા કરવામાં આવે તો તે ઉપશમ પામવાનું સહેલું સાધન છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછયો છે. જે જીવમાત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે અર્થાત્‌પંચવિષય તેનો જીવન રસ છે. તે દૂર થતાં તેનું જીવન શકય રહેતું નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જેમ માછલું છે તે જળમાં હરે છે, ફરે છે, ક્રીડા કરે છે પણ જળથી દૂર થાય તો તેની ચેતના હરાઈ જાય છે અને તરફડીને મૃત્યુ પામે છે. તેમ પંચવિષય છે તે માછલાને જળની જેમ આ જીવને જીવનરૂપ થઈ ગયા છે. કાંતો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે છે, પણ એ જીવ પંચવિષયના ચિંતવન વિના અને પંચવિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. તેમાં પણ સ્થૂળભોગ કરતાં પણ એ ભોગવેલા વિષયોનું રસપૂર્વકનું ચિંતવન એ જ એના જન્મ મરણ–ચોરાસીમાં જવા માટેનું કારણ છે.

સ્થૂળ વિષય તો જીવનમુક્તો પણ ભોગવતા હોય છે. મહારાજ કહે નારદ–શુકાદિક સિદ્ધો પણ સમાધિથી બહાર હોય ત્યારે ભોગવે છે પણ તે એનો જીવનયાત્રા નિભાવ માત્ર છે. બદ્ધ જીવની જેમ જન્મમરણનું કારણ નથી. કારણ કે ભોગવ્યા પછી એ પંચવિષયના વિષયરસનું ચિંતવન કે ઘુંટણ નથી કરતા. માટે સાચું જન્મમરણનું કારણતો વિષય ભોગવ્યા પછી અથવા ભોગવ્યા વિના પણ અંતઃકરણમાં વિષયરસનું ઘુંટાઈ ઘુંટાઈને થતું ચિંતવન જ છે. મહારાજ કહે છે કે જેમ વડનું વૃક્ષ હોય તેનાં મૂળ તે જ વડને લીલો રાખે છે. કદાચ વીઘા એકનો વડલો હોય, વાવાઝોડાથી સર્વે મૂળ ઉથલી ગયા હોય ને જો એક જ નાની વડવાઈ પૃથ્વીમાં ચોટી હોય તો પણ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપરથી કદાચિત્‌પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે. એ જ એને જન્મ મરણનો હેતુ છે.

પંચવિષયની આવી પ્રબળતા, ભયંકરતા અને દુષ્ટતા છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને પણ છે. તો ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ થતા નથી ? એ પ્રશ્ન છે.

સંતોથી યથાર્થ ઉત્તર થયો નહિ. ત્યારે મહારાજે ઉત્તર કર્યો. માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનના બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે છે ત્યારે તે ઉપશમના બળે કરીને એ ભક્તને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી કે સાબરમતી જેવી નદી બે કાંઠામા વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ વચ્ચે ટકી શકે નહિ. તેમ ઉપશમના વેગે કરીને તે ભક્તના ઈન્દ્રિયોને ગમે તેવા રમણીય ભોગ ગોચર થાય પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરે ત્યારે પૂર્વ જન્મને વિષે દેખ્યા હોય ને આ જન્મમાં વીસરી જાય તેવી તેની વિસ્મૃતિ થાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય.

ઉપશમ સ્થિતિને સમજવા મહારાજે બે દૃષ્ટાંત આપ્યાં છે. એક તો ઉપરનું મહી કે સાબરમતીમાં જેમ બે કાંઠા સમું ઘોડાપૂર આવે–પાણીનો પ્રબળ પ્રવાહ આવે તેવી જ રીતે મૂર્તિની સ્મૃતિના જોરે મૂર્તિમાં અથવા મૂર્તિના સ્મરણમા રસ પેદા થવો જોઈએ. એટલું જ નિંહ પણ વેગવાન પૂરનો પ્રવાહ ચાલવો જોઈએ. જેમ સાત ખોટયનો એક પુત્ર દૂર દેશમાં ભણવા ગયો હોય ને રજામાં ઘેર આવવાનો હોય ને મા રસપૂર્વક– કાગડોળે તેનુ ચિંતવન કરતી હોય. જેમ પતિવ્રતા પરદેશ ગયેલા પતિને યાદ કરતી હોય. એવા રસની સાથે ચિંતવનનો પ્રવાહ ચાલે તથા બીજું દૃષ્ટાંત મહારાજે એ આપ્યું કે તુરત પરણેલા સ્ત્રી પુરુષને ઊજાગરો ને ત્રણ દિવસનો પગપાળા પંથ કરાવ્યો હોય ને પછી મળે તો પણ જેવી વિષય શૂન્યતા અને રસશૂન્યતા સર્જાય છે તેવી જ રસહીનતા ભગવાનના ચિંતવને કરીને જગતના વિષયોમાં સર્જાય ત્યારે તેને ઉપશમ સ્થિતિ કહેવાય.

એવી ઉપશમ સ્થિતિનો અતિ મોટો મહિમા છે. તેણે કરીને પંચ વિષય જન્મમરણના હેતુ રહેતા નથી. એવું ત્રણ દેહથી પર થઈ મહારાજની મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં થાય છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ મહારાજને વિનંતિ કરી કે હે મહારાજ ! તમે કહ્યો જે ઉપશમનો ઉપાય તે તો અતિ કઠણ છે. બીજો કોઈ સુગમ ઉપાય હોય તો કહો. ત્યારે મહારાજે તેવો ઉપાય પણ બતાવ્યો કે જે ભક્ત ભગવાનનો અતિ મહિમા સમજતો હોય અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી, દર્શનમાં અતિ વેગવાન શ્રદ્ધા વર્તતી હોય તેને તેવી ઉપશમ દશા આવે છે અર્થાત્‌જેમ સ્થૂળ વિષય અલગ છે ને વિષયરસ અલગ છે. તેમ જેને ભગવાનના ભક્તની સેવામાં રસ જણાય છે તેને તે ઉપશમ દશા આવે છે.

સ્થૂળ–સેવા અલગ છે ને સેવારસ અલગ છે. જેમ વિષયરસ જન્મમરણ લીલા રાખે છે તેમ સેવારસ ઉપશમ દશા લાવે છે. સેવારસ જન્મમરણના મૂળને ઉથલાવી નાખે છે. ભક્તના અંતઃકરણમાં મહી સાબરમતીના પૂર જેવો ભક્તિરસ લાવે છે અને સેવારસ એ વિષયને સૂકવીને ઉડાડી મૂકે છે. પણ એ ભક્તને સેવાની સાથે સેવારસ પકડાવો જોઈએ. મહારાજ કહે આના જેવો પ્રબળ અને સહેલો ઉપશમ દશા પામવાનો બીજો ઉપાય નથી; પરંતુ એ સેવારસમાં મહારાજે મુશ્કેલી એ બતાવી છે કે સેવા કરતાં કરતાં એ ભક્તને સેવારસ આવતાં પહેલાં માનરસ આવી જાય છે અને તેમાં જ તેને સ્વાદ આવી જાય છે. તે માનનો હરામ ચસકો લાગી જાય છે. કારણ કે નિસ્વાર્થભાવે સેવા કરતાં ભક્તને માનરસ આવવાની શકયતાઓ ઘણી વઘી જાય છે. એક તો બીજાની સેવા કરે છે તેથી તેની ચાહના ભક્તોમાં અને બીજામાં ખૂબ વધે છે. તેનું સન્માન વધી જાય, તેના વખાણ પણ થવા લાગે અને એ દરમ્યાન તેને મીઠું લાગી જાય. ધીરે ધીરે સ્વાદ આવવા લાગે તો હરામ ચસકો લાગી જાય. પછી હાથમાં આવેલી સેવાથી તેને ઉપશમ નથી આવતો પણ તેના હાથમાં હરામ ચસકો આવી જાય છે.

મહારાજ કહે છે માની ભક્તની કરેલી સેવા અમને ગમતી નથી. કાળ વર્ષમાં કોદરા ખાય તેવી લાગે છે. દરિયાવ દિલના મહારાજ અને તેમના એવા જ મોટા સંત ભક્ત છતાં જીવના રૂડા માટે સામાન્ય જીવને જાળવે છે, પણ તેને ઉપશમ જેવી મહાપ્રાપ્તિ સાધનનું અનુષ્ઠાન કરવા છતાં મળતી નથી. ‘દીધે દોકડે ખત ઊભું રહે’ તેવું થાય છે. માટે મહારાજ કહે છે કે નિર્માની થઈને, દાસનો દાસ થઈને જો તેને સેવામાં અને દર્શન આદિકમાં વેગવાન શ્રદ્ધા ઉપજે તો તેને ઉપશમ દશા પ્રાપ્ત થાય છે.

પછી શુકમુનિએ પૂછયું જે જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ? ત્યારે મહારાજ કહે છે કે આ મૂળજી બ્રહ્મચારી ને રતનજી તથા અયોધ્યાવાસી કયાં અતિ ડાહ્યા છે ? તો પણ તેને કલ્યાણનો અતિશય ખપ છે તો તેને ભગવાન રાજી થાય તેમ કરતાં આવડે છે. માટે મહારાજને રાજી કરવા કે ઉપશમ દશા પ્રાપ્ત કરવી કે જન્મમરણથી રહિત થવું તેમાં અતિ બુરુિદ્ધની જરૂર પડે છે એવું નથી, પણ અતિશય ખપની જરૂર પડે છે. અતિ ગરજની જરૂરયાત છે. જો ખપ અને ગરજ ન હોય તો બુદ્ધિવાળા તો જગતમાં ઘણા હશે પણ તે ઉત્તમ બુદ્ધિથી તેઓ પોતાના માથે લટકતા જન્મમરણના દુઃખને દૂર કરી શકતા નથી. કારણ કે ખપ કે ગરજશૂન્ય છે. માટે આ માર્ગમાં બુદ્ધિ અને ડહાપણ કરતાં પણ ખપ કે ગરજની વધારે જરૂર છે અને તે જો હોય તો જરૂર તેને સેવામાં રસ આવે છે ને ઉપશમ દશા પણ પ્રાપ્ત થાય છે.