પ્રતિપાદિત વિષયઃ
દૃઢ નિષ્કામી વર્તમાનના ઉપાય અને ફળ.
મુખ્ય મુદ્દા
૧.નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોક તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહેતું નથી.
ર.નિષ્કામી ભક્તની કરેલી સેવા ભગવાનને ખૂબ ગમે છે.
૩.મન, પ્રાણ અને દેહને સત્સંગના નિયમોમાં વશ કરવાથી દૃઢ નિષ્કામ વ્રત રહી શકે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજે મોક્ષના અંગની વાત કરી છે. આપણા અંતરનું વલણ કેવું હોય તો ભગવાન રાજી થાય. તેની વાત કરી છે. મહારાજ કહે કે અમે અમારા અંગની વાત કરીએ છીએ. પછી તમો બધાએ મોક્ષમાં ઉપયોગી અને ભગવાન રાજી થાય એવું તમારા માટે અંગ માન્યું હોય તે કહેજ્યો. પછી મહારાજ પોતાનું અંગ કહે છે.
મહારાજ કહે, ‘અમને તો જે પદાર્થમાં હેત જણાય તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય.’ અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર કે પદાર્થમાત્રની સ્મૃતિ થઈ હોય તો તેનું અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. ભગવાનના ભક્તનો કોઈ રીતે અભાવ ન આવે. પંચવિષય ભોગની કોઈ દિવસ ઈચ્છા થતી નથી. જે દિવસથી અમે જન્મ્યા છીએ તે દિવસથી દ્રવ્ય કે સ્ત્રી ભોગ સંબંધી ભૂંડો ઘાટ થયો હોય તો અમને સમગ્ર પરમહંસના સમ છે. અમે સદાય નિર્દોષ છીએ. અમારા અંતરમાં એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે. આવી અમારી અડગ સ્થિતિ છે. પછી બીજાએ પણ પોતપોતાના અંગ કહ્યા; પણ મહારાજે જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આલોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં અને અમારે પણ તે ભક્ત ઉપરથી હેત ઓછું થાય નહીં. જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તેથી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ અમારી પાસે જ છે અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ્ય છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાઉ છેટે છે. અમને નિષ્કામી ભક્તના હાથની કરી જ સેવા ગમે છે. બીજો કોઈ સેવા ચાકરી કરે તો એવી ગમતી નથી. આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દૃઢ નિષ્કામી છે તો એમણે કરેલી સેવા અતિશય ગમે છે. અમે જે જે વાર્તા કે ક્રિયા કરીએ છીએ તેમાં નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અમે પણ જે દિવસના પ્રગટ થયા છીએ તે દિવસના નિષ્કામી વર્તમાનને જ દૃઢ કરતા આવીએ છીએ. નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો તેના ઉપર અમારો અતિશય કુરાજીપો થઈ જાય છે. અમને દુઃખ પણ ઘણું થાય છે અને એમ થઈ જાય છે કે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વ્હાલો છે. તેને ને અમારે આ લોક પરલોકમાં દૃઢ મેળાપ રહે છે.
ત્યારે હરજી ઠક્કરે પૂછયું જે એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દૃઢ થાય ? ત્યારે મહારાજ કહે તેના મુખ્ય ત્રણ ઉપાય છે. એક તો મનને વશ કરવું. પોતાને અંતઃકરણથી નોખો માનવો. મનથી પોતાને નોખો માનવો. અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું, દેહ નથી, અંતઃકરણ રૂપ નથી. મન મારુ સ્વરૂપ નથી. મનને નબળી વાતમાં પોતાનો ટેકો કે પ્રોત્સાહન ન આપવું, પણ અંદરથી તેનાથી અલગ પડીને નબળાઈથી રોકવું અને મનને ભગવાનની કથાશ્રવણાદિક જે ભક્તિ તેમાં અખંડ જોડી મેલવું. નવરું ન થવા દેવું. સેવામાં, સત્ક્રિયામાં, ભક્તિમાં મનને ભારિત રાખવુ પણ શુભ ક્રિયા રહિત મનનું પ્લેટફોર્મ ખાલી થવા ન દેવું. દેહને પણ સતત ભક્તિ આદિમાં નિમગ્ન રાખવું. મનનું પ્લેટફોર્મ ખાલી થાય ત્યારે મન વિશેષ નબળા સંકલ્પ કરે છે. મન પર શુભ જવાબદારી લાદીને તેની પાસે રસપૂર્વક અદા કરાવવી. શુભ ક્રિયામાં રસહીન મનને નબળાઈમાં રસ પડે છે ને સંકલ્પ કરાવીને જીવને કલ્યાણના માર્ગમાંથી ચલિત કરે છે. માટે જેમ ભૂત વશ થયો હોય અને તેને કામ ન બતાવે તો તે ભૂત તેને જ ખાવા તૈયાર થાય તેમ નવરુ મન ધણીને જ ખાઈમાં નાખે છે. માટે ભૂતની જેમ તેને ભગવાનની ભક્તિ રૂપી વાંસડામાં વળગાડી રાખવું. જ્યારે અખંડ કથાદિ, નવધાભક્તિમાં રસપૂર્વક મન વળગી રહે ત્યારે મન વશ થાય છે.
બીજો ઉપાય એ છે કે પ્રાણને નિયમમાં રાખવો. પ્રાણનો મુખ્ય વિષય છે આહાર. આહારથી પ્રાણ સંચાલિત થાય છે. માટે ગીતામાં ભગવાને કહ્યા મુજબ આહાર યુક્ત રાખવો. આહારને નિયમમાં રાખવો. તેમા સ્થિરતા કેળવવી, સંકોચ કેળવવો. મહારાજ કહે છે ખાધાની લોલુપતા અતિશય ન રાખવી. આહારમાં વિવિધતાની ને નિત્ય નવીનતાની જે તૃષ્ણા રહે છે તે જીહ્વા ઈન્દ્રિયની છે, પણ આહારની માત્રાની અધિકતા એ પ્રાણની તૃષ્ણા છે. જીહ્વાની વિહ્વળતા પણ આહારની લોલુપતાનો વધારો જ કરે છે. જેમ સામાન્ય ભોજન હોય તો માપસર ભોજન થાય પણ જો જીહ્વાને ગમતું આવે તો આહારની માત્રા થોડી ઘણી તો વધી જ જાય. માટે અનુકૂળતામાં તેને નિયમિત કરવા. પ્રતિકૂળતામાં તો સહજ નિયમમાં થાય છે પણ સાનુકૂળમાં અતિરેક જલ્દી થઈ જાય છે. માટે ત્યારે ખાસ નિયમિત કરવા. મહારાજ કહે, ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે જીભ દોડતી ફરે ત્યારે બીજી ઈન્દ્રિયો નિયમમાં હોય તે પણ મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો.
ત્રીજો ઉપાય છે દેહ નિયમન. સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. દેહની જે સ્થૂળ ટેવો ને પ્રકૃતિઓ તેનો કંટ્રોલ કરી, મહારાજની આજ્ઞા ને નિયમ તેમા સારી રીતે પ્રવર્તાવીએ ત્યારે દેહ નિયમન થયું કહેવાય. ધીરજથી દેહની ટેવો દૂર થાય છે. ઉતાવળ કરવા જાય તો દેહ કયારેક રોગનો ભોગ બની જાય ને નિયમન ન કરે તો મહારાજે કહેલ મર્યાદામાં ન આવે. માટે અસવાર ધીરજથી ઉદ્ધત અશ્વનું જેમ નિયમન કરે તેમ દેહને ધીરે ધીરે મહારાજના કહેલ નિષ્કામાદિક નિયમમાં સારી રીતે વર્તતાવવો. તો નિષ્કામી વર્તમાન અતિશય દૃઢ થાય છે અને એને વિશે એમ ન માનવું કે આ ત્રણ ઉપાય તો અતિ કઠણ છે. કઠિન તો જરૂર છે, પણ અશકય નથી. જેને ભગવાનને રાજી કરવાનો ખપ હોય તે તો કોઈ પણ કઠણ સ્વભાવનો ત્યાગ કરે અને મહારાજને રાજી કરવા અંતઃશત્રુનું બળ હોય તો પણ તેનો ત્યાગ કરે. ત્યારે મહારાજ કહે તે સાચા સાધક કહેવાય અને આદર રાખી નિત્ય અભ્યાસ કરે તો સ્વભાવ જરૂર ઓછા થાય છે ને ટળે છે.