ગમ–૬૭ : ગંગાજળિયા કૂવાનું

પ્રતિપાદિત વિષયઃ

સ્વામીસેવક ભાવ.

મુખ્ય મુદ્દાઃ

૧.જીવ અને પરમાત્મા વચ્ચે મહારાજને મતે સ્વામીસેવકભાવ સંબંધ એ સનાતન સંબંધ છે.

વિવેચન :–

આ વચનામૃત સ્વામીસેવકભાવનું વચનામૃત છે. જીવ અને પરમાત્મા વચ્ચે પરમાર્થ સંબંધ કયો છે ? મહારાજ અને આપણા આત્મા વચ્ચે સનાતન સંબંધ કયો છે ? તેનું જો ભાન થઈ જાય અને તે સંબંધભાવમાં આપણે જીવતાં શીખી જઈએ તો મૃત્યુ પછી મુક્તિ પામવી એવું નથી. જીવતાં છતાં તે મુક્તભાવને પામી ગયો છે ‘ભાવો હિ ભવ કારણમ્‌’ ભગવાન પ્રત્યે કયા ભાવ– સંબંધમાં તે જીવન વિતાવે છે તે જ તેના બંધનનું અને મુક્તિનું કારણ બને છે.’તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ્‌’ સામાન્ય બુદ્ધિને પણ સમજાય જાય એવી રીતે મહારાજે મોક્ષનું અતિ ઉત્તમ રહસ્ય કહી દીધું છે.

પરમાત્માની સેવા એ જ મુક્તિ છે ને મુક્તિનું સાધન પણ છે. વિલંબ તો આપણા ભાવ પરિવર્તનનો જ છે. અત્યારે આપણે કર્માધીન દેહવાળા છીએ. માયિક શરીરવાળા છીએ એટલું જ. તેમા શક્તિ, સામર્થી આદિક ઓછા છે એટલું; પણ તેમા સેવા કરવાની ક્ષમતા તો છે જ. શા માટે માયિકભાવમાં જીવવું ? તે પરમાત્મા શરીરની શક્તિ–સામર્થીની કયાં અપેક્ષા કરે છે ? આટલી યોગ્યતાઓ મેળવ્યા પછી જ નિમણૂક આપીશ. પછી જ નિયુક્તિ પત્ર આપીશ. અરે! એમણે તો નિયુક્તિ પત્ર બનાવીને તૈયાર જ રાખ્યા છે. આપણે સહી જ કરવાની બાકી છે. તુરત જ આપણી મુક્કક્ષામાં ગણતરી શરૂ થઈ જાય છે. શક્તિ, સામર્થી ઓછી વધારે રહેવાની જ. આપણી જે સ્વીકૃતિની તૈયારી છે એ જ આપણને મુક્તિકક્ષામાં પ્રવેશ કરાવનારું પગથિયું છે, પ્રથમ સોપાન છે.

કોઈ પણ માયિક કે નાશવંત વસ્તુ, સત્તા, ભાવનાની ઈચ્છા કરવી તે કામના કહેવાય. પરંતુ કોઈ સનાતન, અવિનાશી વસ્તુ, સત્તા સંબંધી ઈચ્છા કરવી તે ઉદ્દેશ કહેવાય અથવા સિદ્ધાંત કહેવાય. તેને કામના કે સકામતા ન કહેવાય. ઈચ્છા કરવા માત્રથી સકામ બની જવાતું નથી. જો તે ઈચ્છાનો વિષય પરમાત્માની સેવા જ હોય તો તે સકામતા નથી; પરંતુ તે ઉદ્દેશ બની જાય છે. તે ધ્યેય બની જાય છે. સકામતા જીવને સંસારમાં ખેંચી જાય છે. ધ્યેય માણસને ઉપર ઉઠાવે છે. કામના મર્યાદિત હોય છે. ધ્યેય અમર્યાદિત હોય છે. જ્યારે આપણે ભગવાન કે ભક્તની સેવાને ધ્યેય બનાવીએ છીએ ત્યારે આટલી જ સેવા કે આ જ સેવા એવું નથી રહેતું. ગમે તે ભાગમાં આપણી સેવાની યોગ્યતા ને ભગવાનની ઈચ્છા જ પૂરતા છે અને તે અમર્યાદિત રહે છે. એવું જે ધ્યેય તેને સિદ્ધાંત પણ કહેવામાં આવે છે તે જીવનમાં હોવું જરૂરી છે. તે ન હોય તો જીવન અધોગતિમાં કયારે ચાલ્યું જાય તેનું ઠેકાણું રહેતું નથી.

મહારાજે જીવ અને પરમાત્મા વચ્ચેનો સંબંધ સ્વામીસેવકભાવ માન્યો છે. મહારાજની માન્યતા એ છે કે વેદો–ઉપનિષદો અને શાસ્ત્ર એમ કહે છે કે પરમાત્મા અને જીવાત્મા વચ્ચે સ્વામીસેવકભાવ સનાતન સંબંધ છે. હોવો જ જોઈએ અને કરવો જોઈએ.

જુદા જુદા આચાર્યોના આ વિષયમાં અલગ અલગ મત અને અભિપ્રાયો છે. શંકર સ્વામી આત્મા સો પરમાત્માનો તાદાત્મ્ય સંબંધ માને છે. આત્મા અને પરમાત્મા એક જ છે એમ માને છે અને તેને જ કલ્યાણના સાધન તરીકે ઓળખાવે છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી ગોપીભાવને કલ્યાણના સાધન તરીકે ગણાવે છે. શ્રી રામાનુજસ્વામી શેષશેષીભાવ કે કિંકરભાવને કલ્યાણનું સાધન માને છે. જ્યારે મહારાજ સ્વામીસેવકભાવને સનાતન સંબંધ માને છે. શાસ્ત્રો અને શુદ્ધ વિવેકને આધારે તટસ્થ મૂલવણી કરતાં સ્વામીસેવકભાવમાં જરૂર વિશેષતા જણાય છે. પોતાને જ્યારે પરમાત્મા માને ત્યારે તો મહારાજ કહે છે કે તે પરમાત્મા થકી કોઈ સુખ કે ઐશ્વર્ય પામી શકતો નથી. પાણીના ધરામાં સ્નાન વગેરેનું સુખ લેવુ હોય તો પણ કમસે કમ મુખ ભાગ બહાર રહેવો જોઈએ. તેને પણ પાણીમાં લીન કરી દઈશું તો નહાવાનું કે પીવાનું સુખ નહીં આવે. ઉલ્ટુ મૃત્યુનું દુઃખ આવે તેવી પરિસ્થિતિ સર્જાશે. જ્યારે ગોપીભાવથી કલ્યાણને રસ્તે ચાલતાં મહારાજ કહે છે કે મોટાઈ પામ્યાનો રસ્તો છે પણ હજારો ને લાખો લપસી ગયા છે પણ ઉગર્યો તો કોઈક જ છે. જ્યારે શેષભાવ કરતાં સેવકભાવમાં જે ભાવની વિશાળતા આવે છે તે મુક્તિમાં વધુ રમણીય છે. માટે શાસ્ત્રોનો બતાવેલ સનાતન માર્ગ ભગવાનને પામવા માટે સ્વામીસેવક ભાવ અનેક દૃષ્ટિએ વધારે બંધ બેસતો અને શ્રેષ્ઠ છે. જે મુક્તિદશામાં પણ ચાલુ રહે છે.

મુખ્ય વાત તો એ છે કે મુક્તિદશામાં જે આપણે કરવાનું છે તે આજથી પણ આપણે શરૂ કરીને મુક્તિદશાની ઝાંખી અત્યારથી જ કરી શકીએ તેવો સહેલો શ્રેષ્ઠ માર્ગ મહારાજે બતાવ્યો છે. મહારાજ કહે છે કે દેહ મૂકયા પછી પણ મહારાજ અને આપણી વચ્ચે સ્વામીસેવકભાવ સંબંધ જેમનો તેમ રહે છે. એ જ મહારાજની અનંતતા છે. સાધર્મ્યપણાને પામવા છતાં મહારાજનું અનંતપણું જળવાઈ રહે છે. સાધર્મ્યપણું તો પોતે જેટલો મહિમા, સુંદરપણું જણાય તેટલું ભગવાન તેને આપે છે. તેનો અર્થ એમ નથી કે ભગવાનનો અંત આવી ગયો. આપણી બુદ્ધિ કે ભાવનો અંત આવી ગયો છે. માટે મહારાજ આપણને તેવા બનાવે છે છતાં ત્યારે મહારાજ તો અપાર ને અપાર દેખાય છે ને ઉલટો સેવકભાવ દૃઢ થતો જાય છે. આને જ મહારાજે વચ. ગ.પ્ર.૪૦ માં ઉપાસના પણ કહી છે. માટે શ્રીજી મહારાજને વિશે આપણા હૃદયમાં જેટલો સેવકભાવ તે જ આપણા કલ્યાણનો શ્રેષ્ઠ પાયો છે.