ગઅ-૧૦ : વૃંદાવન અને કાશીના નાશનું

પ્રતિપાદિત વિષયઃ

વૃંદાવન અને કાશીનો મહા પ્રલયમાં પણ નાશ થતો નથી.

મુખ્ય મુદ્દાઃ

૧.વૃંદાવન અને કાશી પવિત્ર ભૂમિ જરૂર છે પણ તેને અવિનાશી ન ગણી શકાય.
ર.તે તીર્થભૂમિ અધ્યાત્મ સાધનામાં જરૂર મદદરૂપ થાય.
૩.તીર્થભૂમિનો આજીવિકામાં ઉપયોગ ન કરવો જોઈએ.

વિવેચન :–

મહારાજ પાસે માધ્વી સંપ્રદાયનો એક બ્રાહ્મણ આવ્યો. તેને મહારાજે પ્રશ્ન પૂછયો કે તમારા સંપ્રદાયમાં વૃદાંવનને નિત્ય કહ્યું છે અને શિવમાર્ગમાં કાશીને નિત્ય કહ્યું છે. આ બન્ને ભૂમિ(પૃથ્વી) ઉપરના સ્થાન તો નિત્ય હોઈ ન શકે. આ માટે કોઈ પ્રબળ શાસ્ત્રપ્રમાણ બતાવો તો અમને મનાય. વળી મહારાજે ભાગવતમાંથી ચાર પ્રકારના પ્રલયની વાર્તા બતાવી. તે પ્રમાણે તો પૃથ્વીનો પણ પ્રલય થઈ જાય તો વૃદાંવન અને કાશી શેના આધારે રહેતા હશે ? ત્યારે તે વિદ્વાન બ્રાહ્મણને મહારાજની શંકા વ્યાજબી લાગી અને તેને મહારાજમાં ભગવાનપણાની પ્રતીતિ આવી. તે મહારાજનો આશ્રિત થયો. મહારાજે તેને પાંચ તત્ત્વો અનાદિ છે. તેઓમાં એક બીજા વચ્ચે શો સંબંધ છે વગેરે પોતાનો સિદ્ધાંત કહ્યો.

આ વચનામૃતના સંવાદ ઉપરથી વિશેષ જાણવા જેવી વાત તો એ છે કે દરેક સંપ્રદાયોમા પોતાના ઈષ્ટદેવની પ્રાગટય ભૂમિ, લીલાભૂમિ તથા સંપ્રદાયના પ્રવર્તક મહાવિભૂતિઓની જન્મભૂમિ વગેરેને દરેક સંપ્રદાયવાળા દિવ્ય માને છે. તે તો વ્યાજબી છે, પણ નિત્ય પણ માનતા હોય છે તે કેટલું વ્યાજબી છે ? તેનો વિચાર કરવો ઘટે છે. તેમાંથી આપણે કે બીજા કોઈ બાદ નથી હોતા. મહારાજે કહ્યા મુજબ તેને નિત્ય સિદ્ધ કરવા માટે શાસ્ત્રના વચનોનો સહારો શોધીને રજૂ કરાય છે. ‘યત્ર નિત્ય સન્નિહિતો વિષ્ણુઃ।’ અહીં પ્રભુનો નિત્ય નિવાસ છે. પૃથ્વી ઉપરની વ્રજભૂમિ નિત્ય છે. તેનો મહાપ્રલયમાં પણ નાશ થતો નથી. કાશીમાં મૃત્યુ પામવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તેનો મહા પ્રલયમાં નાશ થતો નથી. તે તીર્થધામોમા નિવાસ કરવાથી તેની મુક્તિ થાય છે. ઈત્યાદિક મહિમા વાકયો બતાવ્યા છે.

મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે ‘આ ગઢડું અને આ દરબાર અમને દેખાતો નથી. તમે બધા ધામમાં બેઠા છો તેમ હું દેખું છું’ ઈત્યાદિક મહિમા વાકયોથી આપણે તેનો સદ્‌આશયથી સદ્‌ઉપયોગ કરવાનો છે. દિવ્ય દૃષ્ટિથી દિવ્યભાવમાં જીવવું એ બરાબર છે, છતાં પણ તે સ્થાનને કોઈપણ રીતે નિત્ય અને અવિનાશી સ્વીકારી ન શકાય. જ્યારે પૃથ્વીનો જ પ્રલય નિશ્ચિત હોય તો તે સ્થાનોની તો વાત જ કયાં કરવી ? વળી કાશીમાં મરવાથી મુક્તિ મળે છે તો પછી જીવ ગમે તેવા દુષ્કર્મ કરીને અંતે કાશીમાં ચાલ્યો જાય તો તેને તો મુક્તિ જ મળી જવાની. કાશીવાળા ગમે તેમ જીવન જીવે તો પણ તેને તો જમની બીક જ ન રહે, કારણ કે મૃત્યુના સાક્ષાત્‌દેવ શિવજીની નગરી ગણાય. ગઢડાની સીમમાં કે સારંગપુરની સરહદમાં મરે તેને જમપુરી નહિ. તે શાસ્ત્રના સિદ્ધાંતો આપણા હૃદયમાં બેઠેલા અંતર્યામીને પૂછીએ તો કેટલીક હા પડે છે ? તે પણ તપાસવું જોઈએ.

શું તેઓ ગમે તેવું આચરણ કરે અને આવા મહિમાને ઓથે હજુ પણ ગમે તેમ કરતાં ફરે અને તેને ઈશ્વરના કોઈ નિયમ લાગુ ન પડે તેવું શકય બને ખરું ? તે વિચાર માગી લે તેમ છે. ત્યારે બીજી બાજુ શાસ્ત્રકારો તથા મહાપુરુષોના વચનમાં નાસ્તિક તો ન લાવી શકાય. તો તેનું સમાધાન શું હોઈ શકે ?

તો તેને શાસ્ત્રના આધારે પૂર્વાપર વિચારીએ તો એ હોઈ શકે છે કે ભગવાન જે ભૂમિમાં પ્રગટ્‌યા કે લીલા કરી અથવા મહાપુરુષોની પવિત્ર કર્મભૂમિ છે, તીર્થ ભૂમિ છે. ત્યાં મુમુક્ષુને સાધનામાં ફાયદો થાય છે તેનું કારણ એ છે કે ભગવાન કે મહાપુરુષોએ તે ભૂમિમાં રહી મહા સત્કર્મો કર્યા છે. તે કર્મો તેને તો ભોગવવા પડતા નથી. તે કર્મો ત્યાંના વાયુમંડળમાં અને ભૂમિમા ઓતપ્રોત થઈને સદાકાળ રહે છે.(કર્મ ભોગવ્યા વિના નાશ પામતા નથી) ત્યાં જે જીવાત્માઓ ભગવાન અને મહાપુરુષોના સિદ્ધાંતને અનુરૂપ સાધનાનો આદર કરે તો તે વાતાવરણમાં ઘૂમતા મહા કર્મો આને જલ્દી મદદ કરે છે અને અલ્પ સાધનોને પણ જલ્દી વેગ આપીને મોટા ફળની પ્રાપ્તિ કરાવે છે. માટે સાધના માટે તે ભૂમિ અગત્યની છે. તે સાધના તો કરતા ન હોય અથવા પુરુષાર્થહીન થઈને બેસે અને કેવળ તીર્થના મહિમાને ઓથે દેહ અને પોતામાં પડેલી નબળાઈનું પોષણ કરે. તેનું તે તીર્થભૂમિ રક્ષણ ન કરી શકે. પછી ભલે કાશી, વૃંદાવન કે આપણાં તીર્થસ્થાનો હોય. તે ઉત્તમ ભૂમિ છે. તેમાં કોઈ ના નથી, પણ જેને મોક્ષ માર્ગે પ્રગતિ કરવી છે, તેને એનો પણ ઓથ લઈને ભોગનું પોષણ કરવું છે તેને તે ફાયદામાં થતી નથી. ઉલ્ટું દોષનો અને પાપનો વધારો કરે છે.