સ–૧૩ : નિશ્ચય ટળ્યા ન ટળ્યાનું

પ્રતિપાદિત વિષયઃ

નિશ્ચય ટળવો – ન ટળવો.

મુખ્ય મુદ્દાઃ

૧. શાસ્ત્રનો આધાર લઈને (લક્ષણો જોઈને) નિશ્ચય કર્યો હોય તો તે ટળતો નથી.

ર. પોતાના મનની મેળે કરેલો નિશ્ચય ટળી જતાં વાર લાગતી નથી.

વિવેચન :–

આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. જેને ભગવાનનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ થયો હતો કે નહોતો થયો ? ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું કે જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય અને શાસ્ત્રની રીતે થયો હોય તો ટળે નહીં. એ તો જ્યારે શાસ્ત્ર બહાર ભગવાન ચરિત્ર કરે ત્યારે ટળે. ત્યારે મહારાજ કહે કે ભગવાને એવું કયું ચરિત્ર કર્યું કે જે શાસ્ત્ર બહાર હોય ? એવું કોઈ ચરિત્ર નથી કે જે શાસ્ત્ર બહાર હોય. કેમ જે શાસ્ત્રમાં ભગવાનનું સમર્થપણું, અસમર્થપણું વગેરે અનેક ભાવો કહ્યા છે. માટે કોઈ પણ ચરિત્ર શાસ્ત્ર બહાર છે જ નહીં. ત્યારે સંતોએ મહારાજને પૂછયું જે હે મહારાજ તો પછી નિશ્ચય થાય ને મટી જાય છે તે શાથી થાય છે તે આપ જ કહો.

ત્યારે મહારાજ કહ્યું કે બે પ્રકારની પ્રતીતિ છે. એક શાસ્ત્રીય પ્રતીતિ અને બીજી મનઃકલ્પિત પ્રતીતિ. શાસ્ત્રને સમાન્તર સાથે રાખીને ભગવાનના અવતાર વ્યક્તિત્વમાં ડોકિયું કરવામાં આવે ત્યારે તેમાં અતિ માનુષત્વ દેખાય કે અનુભવાય તેને શાસ્ત્રીય પ્રતીતિ કહેવાય છે; પરંતુ શાસ્ત્રની સાથે નહીં વિચારીને કેવળ લૌકિક માન, વખાણ, સ્વાર્થ કે કોઈ પૂર્વગ્રહને કારણે જે વ્યક્તિત્વમાં ઊંચી પ્રતીતિ આવે તે મનઃકલ્પિત પ્રતીતિ છે. તે લાંબો સમય નભતી નથી. મહારાજ કહે છે કે શાસ્ત્રમાં ભગવાનનાં પણ લક્ષણો લખ્યાં હોય છે ને નિશ્ચયના કરાવનારા સંતના પણ લક્ષણ બતાવ્યાં હોય છે. જ્યારે ભક્ત, ચરિત્ર સાંભળવા દ્વારા કે પ્રત્યક્ષપણે ભગવાનથી નજીક થાય છે ત્યારે ભક્તને ભગવાનના વ્યક્તિત્વમાં કંઈક અલૌકિક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યારે તેને હૃદયમાં એમ થાય છે કે ‘આ ભગવાન છે’ સાથે સાથે શાસ્ત્રોનું અનુસંધાન મનમાં કરેલા નિશ્ચયની વધારે પુષ્ટિ કરે છે. મનમાં થયેલી પુષ્ટિ શાસ્ત્ર અને ભગવાનની પ્રતીતિને વળી વધારે દૃઢ કરાવે છે. આમ તેનો નિશ્ચય દૃઢ થાય છે.

જ્યારે નિશ્ચયને નાશ થવાના સંજોગો ઊભા થાય ત્યારે શાસ્ત્ર તેને રોકે છે અને વિરોધાભાસી ચરિત્ર હોય તો પણ તેની હાજરીમાં તેને ભગવાનપણાની યાદી અપાવે છે. માટે તેનો નિશ્ચય નાશ નથી પામતો. જ્યારે મનઃકલ્પિત કરેલા નિશ્ચયમાં ઉલટી પ્રક્નિયાને રોકનાર કોઈ હોતું નથી. મન નિશ્ચય કરનારું હોય છે, પણ તે તો તૂટી ગયું હોય છે. માટે શાસ્ત્ર સહિત પ્રતીતિ એ જ સાચી પ્રતીતિ છે. વ્યાસજીએ પણ વ્યાસસૂત્રમાં કહ્યુ છે કે ‘શાસ્ત્રયોનિત્વાત્‌।'(બ્રહ્મસૂત્રઃ૧–૧–૩), શાસ્ત્રં યોનિઃ પ્રમાપકમ્‌યસ્ય સઃ ઈતિ શાસ્ત્રયોનિઃ તસ્માત્‌શાસ્ત્રયોનિત્વાત્‌ પરમાત્માના વ્યક્તિત્વનું યથાર્થ માપ તો એક શાસ્ત્ર પાસે જ છે. માટે તેને છોડીને જે નિશ્ચય થાય તે મનમુખી નિશ્ચય થાય છે. તેનો વિશ્વાસ નહિ. તે શાસ્ત્ર અનુસંધાન પણ સાચા સંત થકી સમજાય છે. માટે સંતને ઓળખવા માટે (નિશ્ચય કરવા માટે) પણ શાસ્ત્રને સાથે રાખીને હૃદયની ભાવના કરવી.

મહારાજે તો ત્યાં સુધી કહ્યુ કે લૌકિક સંબંધો મા, બેન, દીકરી, પત્ની તેનો નિર્ણય અને વ્યવહારો પણ શાસ્ત્ર થકી જ પ્રવર્તેલા છે. જેણે શાસ્ત્ર વાંચ્યાં નથી તે પરંપરાથી ચાલી આવેલા શાસ્ત્રના અર્થને અનુસરીને વ્યવહાર કરે છે. માટે ભગવાનને જાણવા માટે શાસ્ત્રજ્ઞાન જરૂરી છે. તે સંસ્કૃત શાસ્ત્રજ્ઞાન ન હોય તો પ્રાકૃત શાસ્ત્રો જેવા કે વચનામૃત, શિક્ષાપત્રી, નિષ્કુળાનંદ કાવ્ય, હરિલીલામૃત વગેરે સંસ્કૃતનો અનુવાદ જ છે. શાસ્ત્રાભ્યાસ વિના કેવળ જડતા અને મનમુખીપણું જ આવી જાય છે. માટે જ શિક્ષાપત્રીમાં મહારાજે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત શાસ્ત્રનો અભ્યાસ કરવાનું કહ્યુ છે. જૂના સંતો તથા હરિભક્તો જે અભણ હતા તે પણ બહુશ્રુત તો હતા જ. સાચા સંતોના મુખથી સદ્‌ગ્રંથો સાંભળવાના ખૂબ જ અભ્યાસી હતા. મહારાજ કહે સત્‌શાસ્ત્રમાં જેને અડગ વિશ્વાસ હોય છે તેનો જ નિશ્ચય અડગ રહે છે. કલ્યાણ પણ તેનું જ થાય છે. જે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગતા નથી.