વ–૧પ : દૈવી–આસુરી થયાના હેતુનું

પ્રતિપાદિત વિષયઃ

દૈવીપણા તથા આસુરીપણામાં કારણરૂપ પરિબળો.

મુખ્ય મુદ્દાઃ

૧.અનાદિકાળના દૈવી અને આસુરી જીવો છે.

ર.જીવ જેવા કર્મો કરે તેવા ભાવને પામે છે.

૩.જીવ જેવો સંગ કરે છે તેવા ભાવને પામે છે.

૪.જેના ઉપર સત્પુરુષનો રાજીપો થાય તે દૈવી અને જેના ઉપર કોપ થાય તે આસુરી થઈ જાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શોભારામ શાસ્ત્રીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે હે મહારાજ ! દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિ કાળના છે કે કોઈ યોગે કરીને થયા છે ?

મહારાજે ઉત્તર કર્યો કે આ જગતમાં દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે.’દ્વૌ ભૂતસર્ગો લોકેસ્મિન્‌ દૈવ આસુર એવ ચ’ એ ગીતા વાકયને અનુસારે સંસારમાં કેટલાક જીવો સ્વાભાવિકપણે સાત્વિક પ્રકૃતિવાળા હોય છે. ધર્મમાં વર્તવાના સ્વભાવવાળા હોય છે. દેવોની ઉપાસના કરવાવાળા હોય છે. પરમાત્મામાં પ્રીતિ રાખનારા તથા નવધા ભક્તિ કરનારા હોય છે. સત્કર્મ કરનારા અને ઈન્દ્રિયો અંતઃકરણનું નિયમન કરનારા હોય છે. આ બધા દૈવી જીવો કહેવાય છે. જ્યારે કેટલાક જીવો ભગવાન તથા તેના ભક્તનો અકારણ વિરોધ કરનારા, મદ્યમાંસ સેવનારા, પરપીડા ઉપજાવનારા, કલેશપરાયણ અતિ તામસી પ્રકૃતિના હોય છે. દંભ, અભિમાનપરાયણ હોય છે. તે આસુરી કહેવાય છે.

આ બે પ્રકારે દેખાતા જીવો અનાદિના એવા છે કે કોઈ નિમિત્તે કરીને થયા છે ? એ પ્રશ્નનો ઉત્તર કરતાં મહારાજ કહે છે કે કેટલાક જીવ તો સૃષ્ટિના આરંભથી જ દૈવી આસુરી ભાવો લઈને આવે છે. જ્યારે બીજા કેટલાક જીવ છે તે સૃષ્ટિમાં આવ્યા પછી જેને જેવો સંગ થયો તેવા તેવા થઈ જાય છે. એટલે કે તેને દૈવી આસુરી થવામાં સારો અથવા નબળો સંગ નિમિત્ત કારણ બને છે. જ્યારે બીજા કેટલાક જીવો છે તે સૃષ્ટિમાં આવ્યા પછી જેવાં જેવાં કર્મો કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. જો તે સારાં સારાં કર્મો કરતા જાય તો વધુ વધુ દૈવી ભાવને પામી મુમુક્ષુ બની મુક્ત ભાવને પામી જાય છે અને નબળાં નબળાં કર્મો કરતા જાય તો છેવટે આસુરી ભાવને પામતા જાય છે. માટે તેમાં તો પોતાનાં કરેલાં કર્મો તે દૈવી આસુરીપણામાં નિમિત્ત કારણ બને છે.

વળી મહારાજ કહે છે કે દૈવી આસુરીભાવમાં મુખ્ય કારણ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. દૈવી આસુરીની મુખ્ય ઓળખાણ કે લક્ષણ પણ એ જ છે કે ભગવાનના સાચા ભક્ત સાથે પ્રીતિ એ દૈવીનું અને ભગવાનના સાચા ભક્ત સાથે વિરોધ એ આસુરીનું મુખ્ય લક્ષણ છે. મહારાજ કહે છે કે જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા.

અહીં એક ખાસ સૂક્ષ્મ નિરીક્ષણ કરવા જેવું છે. જય વિજય ભગવાનના દરબારમાં પાર્ષદ તરીકે રહેલા હતા. તેથી ભગવાન સાથે તેને વિરોધ નહોતો અથવા એટલો સ્પષ્ટ નહોતો. અસુરભાવ પામવામાં તે કારણ ભૂત નથી બન્યા. સાચા સત્પુરુષ એવા સનકાદિકો સાથે વિરોધ થયો ત્યારે પેલા બધા જ શુભ વાનાંની હાજરી હોવા છતાં ખુદ ભગવાનની હાજરી હોવા છતાં આસુર ભાવને તેઓ પામી ગયા. જ્યારે પ્રહ્‌લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો હતો. તમામ અશુભ દેશકાળ હતા તો પણ પરમ ભાગવત સંતપણાને પામી ગયા. માટે મહારાજ કહે દૈવી આસુરીપણાનું મુખ્ય નિમિત્ત કારણ સત્પુરુષનો કોપ અને અનુગ્રહ જ છે અને દૈવી આસુરીનું મુખ્ય લક્ષણ પણ એ જ છે. ભગવાનના સત્પુરુષમાં પ્રીતિ એ દૈવીનું મુખ્ય લક્ષણ છે. જ્યારે ભગવાનના સત્પુરુષનો વિરોધ કે દ્રોહ કરવો એ પાકી આસુરી સંપત્તિનુ મુખ્ય લક્ષણ છે. માટે મહારાજ કહે છે કે મોટા પુરુષનો જેના ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. બીજું દૈવી આસુરી થયાનું કોઈ કારણ નથી. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ અને જે રીતે રાજી થાય તેમ જ કરવું.