સ–૧૧ : પુરુષ પ્રયત્નનું

પ્રતિપાદિત વિષયઃ

પુરુષપ્રયત્ન અને પરમાત્માની કૃપા.

મુખ્ય મુદ્દાઃ

૧. જે સાધક પૂર્ણ પુરુષપ્રયત્ન કરે છે તેના ઉપર જ ભગવાનની કૃપા થાય છે.

ર. ભગવાનના ધામની પ્રાપ્તિ પુરુષપ્રયત્નથી નથી થતી પણ પરમાત્માની કૃપાથી જ થાય છે.

૩. પરમાત્મા કૃપા અને ન્યાય બન્ને સદ્‌ગુણોને યોગ્ય ન્યાય આપે છે.

વિવેચન :–

આ વચનામૃત પુરુષપ્રયત્ન અને પરમાત્માની કૃપાનું છે. પોતાના આત્મકલ્યાણ માટે પુરુષપ્રયત્ન કયા ભાગમાં કરવો અને પરમાત્માની કૃપાનો કેટલો ફાળો છે તે મહારાજે બતાવ્યું છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યુ છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલુ કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?

મહારાજે તેનો ઉત્તર કર્યો કે સદ્‌ગુરુ અને સત્‌શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્યને પામ્યો હોય અને દૃઢ શ્રદ્ધાવાન હોય. અહીં એક વાકયમાં મહારાજે માર્મિક વાત કહી દીધી છે. ભાવનાની ત્રિપુટી બતાવી દીધી છે. મુમુક્ષુઓ અને સાધકો સાધનો તો ઘણાં કરતાં હોય છે. શક્તિ પણ ખર્ચતા હોય છે, પણ અહીં મહારાજે ખાલી વૈરાગ્ય અને શ્રદ્ધા હોય એવું ન કહેતાં સદ્‌ગુરુ અને સત્‌શાસ્ત્રને વચને કરીને વૈરાગ્યવાન હોય અને દૃઢ શ્રદ્ધાવાન હોય. સાધક પોતાની મેળે ઘણી વખત વૈરાગ્યને પકડી લે છે અને પોતાના મનમાં ગોઠવી લે છે કે આને વૈરાગ્ય કહેવાય અને આને શ્રદ્ધા કહેવાય. અથવા આને ભક્તિ કહેવાય અને પછી કરવા લાગે છે, પણ ફળ આવતું નથી. પછી તેને તેમાં નાસ્તિકતા ઊભી થાય છે. તેમાં વૈરાગ્યનો કે ભક્તિનો દોષ હોતો નથી પણ પોતે તે વસ્તુને સમજી નથી શકયા તેનો દોષ હોય છે. માટે સદ્‌ગુરુનાં વચને કરીને વૈરાગ્યને પામ્યો હોય કે તેને વચને શ્રદ્ધાવાળો હોય એટલે કે ભક્તિ પણ તેને વચને કરનારો હોય પણ મનમુખી કરનારો ન હોય.

ઘણી વખત સદ્‌ગુરુઓ પણ પોતાનો સ્વાર્થ પાર પાડવા અને પોતાનો સર્વ કરતાં અધિક પ્રભાવ અનુયાયી વર્ગ ઉપર પાડવા પોતામા જે હોય તે જ સર્વોપરી છે અને તેથી સારું હોય તો પણ દોષિત છે એવું શિષ્ય – અનુયાયી વર્ગના માનસમાં ઠસાવતા હોય છે. એટલા માટે મહારાજ કહે છે કે ખાલી સદ્‌ગુરુનાં વચને એમ નહીં, પણ સદ્‌ગુરુ અને સત્‌શાસ્ત્રનાં વચને કરીને વૈરાગ્ય, ભક્તિ, શ્રદ્ધાવાળો હોય. ઘણી વખત સત્‌શાસ્ત્રોનાં વચનો એટલે કે શિક્ષાપત્રી કે વચનામૃતમાં એકાદ કે જૂજ વચનો શિષ્યોની હાજરીમાં સદ્‌ગુરુને પણ મૂંઝવણમાં મૂકી દેતા હોય છે ને સદ્‌ગુરુપણામાં આડખીલી રૂપ બનીને એ વચનો આંખના કણાની જેવી પીડા ઊભી કરતા હોય છે.

મહારાજ તો અક્ષરધામની સામગ્રી પીરસતા હોવાથી જરા ભાર મૂકીને કહે છે કે સદ્‌ગુરુ અને સત્‌શાસ્ત્રનાં વચને કરીને વૈરાગ્યને પામ્યો હોય, દૃઢ શ્રદ્ધાવાન હોય અને એવો વૈરાગ્ય અને એવી શ્રદ્ધા જ અક્ષરધામમાં જવામાં મદદરૂપ થઈ શકે છે. મનઃકલ્પિત વૈરાગ્ય અને ભક્તિ આલોકની આજીવિકામાં જરૂર ઉપયોગી થાય છે. ઉલ્ટી વાસ્તવિકતા કરતાં સારી આજીવિકા ઊભી કરી આપે છે. આગળ મહારાજ કહે છે કે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય તેને અતિ દૃઢ પાળતો હોય, અહિંસા ધર્મને વિષે દૃઢ પ્રીતિવાન હોય આ બે વસ્તુ ધર્મનો સાર છે.

મહારાજ કહે છે કે એક નિષ્કામધર્મ હોય તો ધર્મ સંબંધી સર્વે રહે છે અને તેવો જ શાસ્ત્રમાં અહિંસા ધર્મ સર્વથી મોટો કહ્યો છે ને કલ્યાણનું મૂળ કહ્યો છે. માટે પુણ્યરુચિ વ્યક્તિને ધર્મમાં રુચિ થાય છે ને ભગવાનમાં પણ તેને જ રુચિ થાય છે. આત્મનિષ્ઠા પરલોક સાધનનું બીજ છે. પોતાને દેહથી જુદો આત્મા ન માને અને દેહ માને તો તેને પરલોક માટે કાંઈ પુરુષાર્થ કરવાનો અર્થ જ રહેતો નથી. માટે આ પાંચ વાનાં દૃઢ હોય તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું તે શાળ પછી ઊગે નહિ. તેમ કહ્યા એવે ગુણે કરીને યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે. આટલું પુરુષ પ્રયત્ને કરીને થાય છે. પરમેશ્વરની કૃપા પણ એવે લક્ષણે કરીને યુક્ત હોય તે ઉપર જ થાય છે. ત્યારે તે ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. શ્રુતિમાં કહ્યુ છે જે ‘નિરંજનઃ પરમં સામ્યમુપૈતિ ।’ ભગવાનના તુલ્યપણાને પામે છે. એવી સામર્થી છે તે ભગવાનની કૃપાથી આવે છે.

ત્યારે નિત્યાનંદ સ્વામી એ પૂછયું જે, જો એ અંગમાંથી કાંઈ ન્યૂનતા હોય તો શી ગતિ થાય છે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ, અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે. વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. વળી મનુષ્ય થાય ત્યારે પણ પૂર્વે કહ્યા એવા ગુણે યુક્ત થાય ત્યારે કૃપાનું પાત્ર બને ને ભગવાનના અક્ષરધામને પામે. અક્ષરધામની પ્રાપ્તિમાં મહારાજ ન્યૂનતા ચલાવતા નથી.

અહીં ઈશારાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અક્ષરધામ, ગોલોક વગેરે ધામોનું અસ્તિત્વ અલગ શાસ્ત્રમાં કહ્યું છે અને ભગવાને પણ માન્ય રાખ્યું છે. વળી એવું પણ સ્પષ્ટ થઈ જાય છે કે બીજા ધામો કરતાં અક્ષરધામની પ્રાપ્તિ માટે વધુ મૂલ્ય ચૂકવવું પડે છે. માટે બીજા કરતાં કાંઈક તેમાં વિશેષતા પણ રહી છે. એથી એવું પણ સ્પષ્ટ થાય છે કે મહારાજે જે પોતાનું અક્ષરધામ માન્યું છે તે સર્વે ધામોમાં વિશેષ છે. તેથી ધામના ધણી એવા મહારાજ પણ સર્વ અવતારોમાં વિશેષ છે. એવું મહારાજના પોતાના શબ્દોથી સ્પષ્ટ થાય છે. ટૂંકમાં મહારાજ આવું કાંઈક માને છે. માટે મહારાજ કહે છે કે સાધક એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને અક્ષરધામને પામશે.

પછી નૃસિહાનંદ સ્વામીએ પૂછયું જે, આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે ? ત્યારે મહારાજ કહે, જો ખબડદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.

અહીં એક શંકા થાય છે કે ભગવાન કૃપાસાધ્ય છે કે ક્રિયાસાધ્ય એટલે કે સાધનાથી સાધ્ય ? ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે કે પોતાની મોટાઈ જોઈને કલ્યાણ કરે છે ? બીજો પ્રશ્ન એ થાય છે કે ભગવાન કૃપાળુ છે કે ભગવાન ન્યાયી છે ? હવે કૃપા અને ન્યાય બેય વિરોધી સ્વભાવવાળા છે. જો ન્યાયને વળગી રહેવા જાય તો કૃપા ઓછી થઈ જશે અને કૃપાને વળગી રહે તો ન્યાય યથાર્થ રહી નહીં શકે. અને જો અદલ ન્યાય પ્રમાણે જ કલ્યાણ કરે તો કૃપાનું સ્થાન કયાં રહ્યું ? તો એ વાત શાસ્ત્રને માન્ય નથી. કારણ કે ભગવાનને અતિ કૃપાળુ ગણાવ્યા છે.

આ શંકાનું સમાધાન એ છે કે ભગવાન કુપાળુ પણ છે અને ન્યાયી પણ છે. બન્ને ગુણોનો અવિરોધપણે નિભાવ કરે છે. ત્યાં એક દૃષ્ટાંત શાસ્ત્રકારો આપે છે કે પૃથ્વીમાં ખેડૂતો ખેતી કરે ત્યારે જમીન તેને હજારગણું આપે છે એવું કહેવાય છે. એટલે કે એક બીજ વાવે તો હજાર બીજ તેમાંથી પાકે છે. આવો પૃથ્વીનો સ્વભાવ છે, પણ જે પૃથ્વીના પેટાળમાં સોનું, હીરા, ઝવેરાતની ખાણો નીકળે છે તેને કોઈ વાવવા ગયું નથી. તે તો પૃથ્વી વાવ્યા વિના આપે છે.

પૃથ્વી ખેડૂતને બીજ વાવતાં અનેકગણું આપે એ તેનો ન્યાય છે. જ્યારે સોનું, હીરા વગેરે જે આપે છે તે કોઈની મહેનતનાં ફળ નથી. તે પૃથ્વીની કૃપા જ છે. હવે સવાલ એ છે કે પૃથ્વી હીરા, ઝવેરાત એને આપે છે કે જે પૃથ્વીની ઉપરનો ભાગ–પોપડો તોડી તેના પેટાળમાં પ્રવેશ કરે ત્યારે જ ઝવેરાતથી નિહાલ કરી દે. નહિ તો ખેડૂત ઉપરની સપાટી ઉપર મહેનત કર્યા કરે તો તેની મહેનત પ્રમાણે આપ્યા કરે છે પણ કીમતી ધાતુ તેની મહેનત પ્રમાણે આપે એવું નથી.

સંસારના નિયમ પ્રમાણે જીવ જીવ્યા કરે ત્યારે ભગવાન ન્યાયના પલ્લાને હાથમાં રાખીને ફળ આપ્યા કરે પણ કોઈ જીવ શરણાગત થઈને પોતાનું સર્વસ્વ પરમાત્માને ધરી દે અને તેને પ્રસન્ન કરવા માટે સર્વસ્વ અર્પણ કરીને પણ જેટલું સહન કરવું પડે તેટલુ પ્રહ્‌લાદની જેમ સહન કરી લે ત્યારે પરમાત્માના હૃદયમાં પણ ધીરજ ખૂટી જાય છે. પરમાત્મા તે જીવને વશ થઈ જાય છે. ત્યારે તેને શું આપવું કે કેટલી મહેનત કરી છે એ જોવા ઊભા રહેતા નથી. ખુદ પોતાને પણ ભક્તને આપી દે છે. તો પોતાનું ધામ તો આપે જ એ કૃપા છે. ત્યારે મહેનત નથી જોવામાં આવતી. ત્યારે શું ભક્તે પુરુષાર્થ નથી કર્યો ? અને ભગવાને શું પુરુષાર્થ જોઈને તે પ્રમાણે તેનું ફળ આપ્યું છે ? ના. માટે ભગવાન એવા ન્યાયી અને કૃપાળુ છે કે તે બન્ને વસ્તુનો નિભાવ કરે છે. જ્યારે કલ્યાણ તો પોતાની કૃપાથી કરે છે. જીવનો પુરુષાર્થ તો તેને વિવશ કરવામાં અવશ્ય જરૂરી છે. તેના વિના પણ ચાલતું નથી. કેવળ પુરુષાર્થ જ પૂર્ણ છે એમ નથી. જો પુરુષાર્થ જ ન કરે તો પાત્રતા વિના ભગવાન કૃપા કયાં વરસાવે ? માટે જીવને માટે બન્ને જરૂરી છે.