ગઅ-૦૯ : જાણપણારૂપ દરવાજાનું

પ્રતિપાદિત વિષયઃ

જાણપણારૂપ ધામને દરવાજે ઊભું રહેવું.

મુખ્ય મુદ્દાઃ

૧.કલ્યાણના માર્ગની વિવેકશક્તિ એ જાણપણું છે.

ર.શુદ્ધ અને પવિત્ર આશયથી કરાયેલી સત્સંગ સંબંધી ક્રિયાઓ નિર્વિકલ્પ સ્થિતિમાં વિધ્નરૂપ થતી નથી.

વિવેચન :–

આ વચનામૃત જાણપણાનું છે. મહારાજ સર્વ હરિભક્તો પ્રત્યે કહે છે કે અમારા જે મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને કહીએ છીએ તે સાંભળીને પછી જેવી રીતે તમે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી તમે કહી દેખાડયજો. એમ કહીને મહારાજ બોલ્યા જે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત સાવધાન થઈને ઊભા છે. તે જાણપણામાંહી જે અક્ષરધામ તેમાં ભગવાનનાં દર્શન કરે છે અને દરવાજાની અંદર માયિક પદાર્થને પેસવા દેતા નથી.

જાણપણું એટલે વિવેકની જાગૃતિ. તે વિવેક એટલે શિષ્ટાચાર નહિ પણ કલ્યાણના માર્ગને ઓળખવો તે વિવેક છે. વિવેકશક્તિ એ ભગવાનનું મનુષ્યો પ્રત્યે વિશિષ્ટ પ્રદાન છે. મહારાજે તમામ મનુષ્યોને તે શક્તિ આપી છે. મહારાજ કહે છે મોટા સંત છે તે વિવેકરૂપી દરવાજે સાવધાન થઈને ઊભા છે. જેમ રાજાના શૂરવીર દ્વારપાલ દરવાજે સાવધાનપણે ઊભા રહીને ચોરચકારને પેસવા દેતા નથી. હથિયારબંધ ઊભા છે. તેમ સંત પણ કોઈ માયિક પદાર્થને માંહી ભગવાનને ધાર્યા છે ત્યાં પેસવા દેતા નથી. આવી રીતે હાનિ–વૃદ્ધિ, માન–અપમાન સુખ–દુઃખ આદિક અનંત વિધ્ન આવે તેણે કરીને પોતાના મુકામ થકી ડગતા નથી. એટલે કે જાગૃતિ લુપ્ત થવા દેતા નથી.

મહારાજ કહે, ત્યારે કોઈને શંકા થાય જે ત્યાંથી ડગતા નથી તો દેહની ક્રિયા જે ખાનપાનાદિક કેમ કરતા હશે ? તેનું સમાધાન એ છે કે પાણિયારી જળ સિંચે ત્યારે જે જાગૃતિ રાખે છે અને ઘાડેસ્વાર જે રસ્તે આવતા વિધ્નોમાં સુરત રાખીને બચે છે. આ બન્ને દૃષ્ટાંતોમાં સ્વજાળવણી અને વિધ્ન પરિહાર એક સાથે કેવી રીતે કરવામાં આવે છે તેનું વિશેષે કરીને દૃષ્ટાંતથી સમજાવ્યું છે. મહારાજ પોતાના મોટા મોટા પરમહંસો છે તેમની સ્થિતિની વાત કરે છે. તેમની સ્થિતિ તો નિવિર્કલ્પ સ્થિતિ છે. તેથી વાર્તાનું બીજ એ છે કે નિર્વિકલ્પ સ્થિતિને વહન કરતાં કરતાં સવિકલ્પ સ્થિતિનો નિભાવ કરી શકાય કે નહિ ? દેહના ખાનપાનાદિક વ્યવહારો તથા સત્સંગ સંબંધી શુભ વ્યવહારો સવિકલ્પ સ્થિતિના વ્યવહારો ગણાય. જ્યારે નિર્વિકલ્પ સ્થિતિમા તો તે પણ છૂટી જવા જોઈએ. એટલે વચનામૃતમાં પ્રશ્ન કરાયો છે કે જો મોટા મોટા સંતો એવી રીતે વર્તે છે તો દેહનો વ્યવહાર, ખાન–પાનાદિ કેમ કરતા હશે ? માટે આ સવિકલ્પ સ્થિતિમાં વ્યવહારોનો નિભાવ નિર્વિકલ્પ દશામાં રહીને થાય કે કેમ ? અને સવિકલ્પ વ્યવહારોના જે ચિત્તમાં સંસ્કારો પડેે તે સંતોની તે નિર્વિકલ્પ સ્થિતિમાં વિરોધ ઊભો કરે કે તે સ્થિતિમાં મદદરૂપ બની શકે કે કેમ ? આવો પ્રશ્ન છે. તેનું મહારાજે આ વચનામૃતમાં માર્ગદર્શન કર્યુ છે.

મહારાજ કહે અમારા મોટામોટા પરમહંસો છે જે નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયા છે તે પોતાના દેહનો વ્યવહાર અને સત્સંગનો શુભ વ્યવહાર કરે છે તો પણ પોતાની નિર્વિકલ્પ સ્થિતિનો નિભાવ કરી રહ્યા છે. મહારાજે રાજાના શૂરવીર દરવાણીનું દૃષ્ટાંત આપ્યું છે કે અતિ જાગૃત અવસ્થામાં ઢાલ, તલવાર બાંધીને તે શૂરવીર દરવાજે ઊભા હોય છે. ચોરચકારના કટકા કરી નાખવા એવો અંતરમાં પ્રબળ નિર્ણય કરીને ઊભા છે અને એ પ્રમાણે સાવધાનીથી ઊભા છે. તેમની આંખો વેધક દૃષ્ટિથી વિધ્નોને ખોળે છે તોપણ સુરતી મહારાજમાં રાખી રહ્યા છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળા પરમહંસો પણ શ્રીજીમહારાજ પ્રત્યે અંતરમાં સુરતી બાંધીને જાગૃતિના દરવાજે ઊભા છે. મનમાં મહારાજની મૂર્તિ વિના ખાનપાનાદિ સર્વે ક્રિયા તથા બીજા વ્યવહારોના અંતરમાં જે મૂર્તિ વિરુદ્ધ સંસ્કારો–વાસનાઓ તેના કટકા કરવા કમર કસીને ઊભા છે. માટે વ્યવહાર થાય છે તો પણ સ્થિતિ અખંડ જાળવી રહ્યા છે. એવી રીતે તે વ્યવહારોનો નિભાવ કરે છે.

સવિકલ્પ દશાના જે સંસ્કારો નિર્વિકલ્પ સ્થિતિમાં મદદ રૂપ બની શકે કે કેમ ? તે પ્રશ્નનું સમાધાન એ છે કે જે આશયથી એ વ્યવહારો થાય છે તેવું તેનું પરિણામ અંતરમાં જમા થાય છે. વ્યવહારો ભલે અનુલોમ પ્રકારના હોય એટલે કે જગતવિષયક હોય પણ તે ખાનપાનાદિક કરીને કે ઊંઘ આરામ કરીને ભક્તિનિભાવ કે ભક્તિને પુષ્ટ કરવા. એવા અંતરના સાચા આશયથી થયેલા હોય તો તે વ્યવહારો સવિકલ્પ સંસ્કારો ઊભા કરનારા હોવા છતાં નિર્વિકલ્પ સ્થિતિ તરફ લઈ જનારા બની રહે છે. તેવી જ રીતે અતિશુદ્ધ આશયથી સત્સંગના શુભ વ્યવહારો નિર્વિકલ્પ સ્થિતિમાં લઈ જવા મદદરૂપ બને છે, પણ નિર્વિકલ્પ સ્થિતિમાં વિઘાતક બનતા નથી. માટે મહારાજ કહે છે અમારા જે મોટા મોટા પરમહંસો છે જે નિર્વિકલ્પ સ્થિતિવાળા છે તે વચનામૃતમાં કહ્યા પ્રમાણે મહારાજમાં અને મહારાજની મરજીમાં સુરતી રાખીને નિર્વિકલ્પ સ્થિતિમાં રહીને સવિકલ્પ ક્રિયાઓનો પણ નિભાવ કરે છે. છતાં પોતાની સ્થિતિમાંથી ડગતા નથી અને ડગી ન જવાય તેની જાગૃતિ રાખે છે.