ગી.અ-07, શ્લોક 08 to 12

સઘળા પદાર્થોમાં કારણરૂપે ભગવાનની વ્યાપકતાનું કથન

रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो:।
प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु।।८।।

અર્થ : હેકૌન્તેય ! જળમાં રસ તે હું છું. શશીમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું અને પુરુષોમાં પુરુષાર્થ તે હું છું. ।।૮।।

હવે જે કાંઈ કાર્ય દેખાય છે, તેના મૂળમાં પરમાત્મા જ છે. આવું જ્ઞાન કરાવવા માટેના વિષયનો આરંભ કરે છે. જેમ લોકોએ રૂપિયાને જ સર્વ શ્રેષ્ઠ માની રાખ્યા છે. સર્વે સુખનું કારણ, સર્વે વ્યવહારનું કારણ રૂપિયા જ છે. એવું માની રાખ્યું છે તો રૂપિયા પેદા કરવા અને તેનો સંગ્રહ કરવામાં જ લોભી આદમીની સ્વાભાવિક રુચિ થઈ જાય છે. વળી કોઈ પણ ક્રિયામાં તેનું જ અનુસંધાન આવી જાય છે ને દરેક ક્રિયામાં તથા સંબંધોમાં રૂપિયા ગોઠવાઈ જાય છે. તેવી જ રીતે દેખવા, સાંભળવા, માનવા અને સમજવામાં જે કાંઈ જગત છે, તેનું કારણ ભગવાન છે. (ગી. ૭/૬) ભગવાન સિવાય તેની સત્તા છે જ નહિ એવું હૃદયપૂર્વક માનવાથી ભગવાનમાં રુચિ થઈ જાય છે. પછી સ્વાભાવિક જ તેનું ભજન થાય છે. એવું બતાવવા આ વિષય અહીં આવ્યો છે. रसोऽहमप्सु कौन्तेय- હે કુંતીનંદન ! હું જળમાં ‘રસ’ છું. જળ રસતન્માત્રાથી પેદા થાય છે. રસતન્માત્રામાં રહે છે અને રસ તન્માત્રામાં જ લીન થાય છે. જળમાંથી જો ‘રસ’ તત્ત્વ કાઢી લેવામાં આવે તો જળ તત્ત્વ કાંઈ રહે નહિ. આથી રસ જ જળરૂપે છે, તે રસ હું છું. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ-આ સ્થૂળભૂતોના કારણ તત્ત્વોનાં નામ પણ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ છે. જેને પંચ તન્માત્રાઓ કહેવાય છે. પંચ તન્માત્રાઓ ઈન્દ્રિયો અંતઃકરણનો વિષય નથી. તે કેવળ શાસ્ત્રોથી અથવા યોગબળથી જાણવામાં આવે છે. મહાભૂતોનાં કાર્યોનાં (કાર્યરૂપ વિષયોનાં)નામ પણ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ છે. જે ઈન્દ્રિયો અને અંતઃકરણનો વિષય છે. પ્રાણીઓને જે પંચભૂતોમાં આસક્તિ કે રસ ઊભો થાય છે, તે તેના કાર્યો રૂપ, ગંધ આદિ વિષયોથી થાય છે; કારણ તન્માત્રાથી તો નથી અને તે તે ધર્મોનું તે તે ભૂતાધિકરણમાં પરમાત્મા સાથે સામાન્યાધિકરણ અહીં બતાવ્યું છે. છતાં પણ તાત્પર્ય એ થાય છે કે જળમાં રહેલો ‘રસ’ ધર્મ જલાધીન છે કે પરમાત્માધીન છે? તો ભગવાન અહીં અને બીજા વિભૂતિ પ્રકરણોમાં એ બતાવવા માગે છે કે તે તે અસાધારણ ધર્મો કે વિશિષ્ટ ગુણો તે તે અધિકરણોને અસાધારણ રીતે આધીન નથી. સાધારણ રીતે મારી સંમતિથી तदाधीनता મેં ગોઠવેલી છે. તેઓને આપી છે. ‘કર્તું અકતુર્ંં અન્યથા કર્તુમ્‌’ અસાધારણ સત્તા મારી છે. હું તેમાં ફેરફાર કરવા સ્વતંત્ર છું. આ વસ્તુ સાધકના સમજવામાં આવે તો જગતરસના માધ્યમો પણ ભગવાનમાં રુચિ કરવાના કે સર્વત્ર દર્શન કે અખંડદર્શનનાં સાધનો બની શકે. એવા હેતુથી આ પ્રકરણનો આરંભ કર્યો છે. अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते। इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता:(१०/८) એવું આગળ કહ્યું છે.

એક વિશેષ વાત એ છે કે કાર્યનું અસ્તિત્વ કારણને આધારે છે તો પણ કારણની અપેક્ષાએ કાર્યમાં વિશેષ ગુણ હોય છે. વિશેષ રસ હોય છે. જેમ આંબો કારણ છે તો પણ તેના કાર્યરૂપ ફળમાં જે વિશેષતા કે રસ હોય છે તે આંબામાં નથી હોતો તો પણ સ્વતંત્ર સત્તા કારણની જ હોય છે. કાર્યની નથી હોતી. માટી કારણ છે ઘડો કાર્ય છે. ઘડામાં જળ ભરાય છે, ઠંડું થાય છે. તે વિશેષતા માટીમાં નથી પણ માટી વિના ઘડાની સ્વતંત્ર સત્તા ન હોઈ શકે. અહીં ભગવાન એ બતાવવા માગે છે કે જગત અને જગતના પદાર્થોની સત્તા મારે આધીન છે ને તેની જે રસરૂપતા છે કે વિશિષ્ટતા છે તે પણ મારે આશ્રિત છે. છતાં માટી આદિ તત્ત્વો કારણ હોઈને વિકારી છે. જ્યારે પરમાત્મા કારણ હોવા છતાં નિર્વિકાર છે. જ્યારે રસાદિ કાર્ય રસરૂપતા ધરાવે છે વિશેષતા ધરાવે છે પણ નાશવંત ધર્મો છે. જ્યારે પરમાત્મામાં તે ધર્મો અખંડ અને અવિનાશી અને અનંત છે એેવું વિભૂતિ યોગનું તાત્પર્ય છે.

प्रभास्मि शशिसूर्ययो: ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ કરવાની જે એક વિલક્ષણ શક્તિ ‘પ્રભા’ છે. स्वाश्रयातिरिक्त प्रसारि तेजो द्रव्य विशेष: ને प्रभा કહેવામાં આવે છે. प्रभा થી જ સૂર્ય અને ચંદ્ર જગત ઉપર ઉપકારક થઈ શકે છે; નહિ તો ન થઈ શકે. માટે તે બન્નેમાં પ્રભાની પ્રધાનતા છે. ભગવાન કહે છે કે ‘પ્રભા’ મારું સ્વરૂપ છે. प्रभा રૂપતન્માત્રામાંથી ઉત્પન્ન થાય છે. રૂપતન્માત્રામાં બે શક્તિઓ હોય છે. એક તો ‘પ્રકાશિકા’ અર્થાત્‌પ્રકાશ કરવાવાળી અને બીજી ‘દાહિકા’ અર્થાત્‌બાળવાવાળી. તેમાં ‘પ્રકાશિકા’ શક્તિને प्रभा કહે છે અને દાહિકા શક્તિને તેજ કહે છે. ‘પ્રકાશિકા’ શક્તિ, દાહિકા શક્તિના વિના પણ રહી શકે છે. જેમ કે મણિ, ચંદ્ર વગેરેમાં. સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશિત અર્થાત્‌ प्रभा નું પ્રાધાન્યપણું છે. જ્યારે અગ્નિમાં ‘દાહિકા’ શક્તિનું પ્રાધાન્યપણું છે. તે દાહિક શક્તિથી જગત ઉપકારક થાય છે. प्रभा જેમ રૂપતન્માત્રામાંથી ઉત્પન્ન થાય છે તેમ લીન પણ રૂપતન્માત્રામાં થાય છે અને રહે પણ રૂપતન્માત્રામાં જ. જો ચંદ્ર અને સૂર્યમાંથી प्रभा કાઢી લેવામાં આવે તો ચંદ્ર અને સૂર્ય નિઃસત્વ થઈ જશે. માટે प्रभा એ પરમાત્માની વિભૂતિ છે.

प्रणव: सर्ववेदेषु સઘળા વેદોમાં પ્રણવ (ૐકાર) મારું સ્વરૂપ છે. કારણ કે સૌથી પ્રથમ પ્રણવની ઉત્પતિ થઈ છે. પછી ત્રિપદા ગાયત્રી અને પછી વેદત્રયી પ્રગટ થઈ છે, માટે વેદોમાં પ્રણવ સૌથી મુખ્ય છે. તે મારું સ્વરૂપ છે એમ સમજો.

शब्द: खे-દરેક જગ્યાએ આકાશ (પોલાણ) છે. તે શબ્દતન્માત્રામાંથી ઉત્પન્ન થાય છે. શબ્દતન્માત્રામાં રહે છે અને શબ્દ તન્માત્રામાં લીન થાય છે. આથી શબ્દ એ આકાશનું સાર તત્ત્વ છે. માટે મારું સ્વરૂપ છે.

पौरुषं नृषु-મનુષ્યોમાં સાર વસ્તુ જે પુરુષાર્થ છે, જે કર્તૃત્વ શક્તિ તે મારું સ્વરૂપ છે. વસ્તુતાએ તો પરમાત્મતત્ત્વની અનુભૂતિ કરવી એ જ મનુષ્યનો મુખ્ય પુરુષાર્થ છે. પણ મનુષ્યોએ ધન વગેરેને જ પ્રાપ્ત કરવામાં મુખ્ય પુરુષાર્થ માની લીધો છે. તે તેની ભ્રમણા છે. તેથી પરમાત્માને ઉત્સાહપૂર્વક પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે તે જ સાચો પુરુષાર્થ છે અને તેને પ્રાપ્ત કરવામાં જ મનુષ્યનું સાચું મનુષ્યત્વ છે. તે વિના પશુતા છે.

पुण्यो गन्ध: पृथिव्यां च तेजश्चास्मि विभावसौ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु।।९।।

અર્થ : પૃથ્વીમાં પવિત્ર ગન્ધ તે હું છું અને અગ્નિમાં તેજ-પ્રભા તે હું છું. સર્વ ભૂતોમાં જીવન-શક્તિ તે હું છું અને તપસ્વીઓમાં તપ તે હું છું. ।।૯।।

पुण्यो गन्ध: ગંધ પૃથ્વીનું સાર તત્ત્વ છે. તેમાં પણ તુલસી આદિકનો પુણ્ય ગંધ છે તે ગંધ ગુણયોગથી પૃથ્વી સત્ત્વોન્મેષ કરવામાં કે સુખ પમાડવામાં કારણ બની શકે છે. પુણ્ય વિશેષણ આપવાનો હેતુ એ છે કે ગંધ માત્ર પૃથ્વીમાં રહે છે પણ તેમાં પુણ્ય અથવા પવિત્ર ગંધ તો પૃથ્વીમાં સ્વાભાવિક રહે છે; પરંતુ દુર્ગંધ તો કોઈ વિકૃતિથી સર્જાય છે. માટે પુણ્ય ગંધ પૃથ્વીનું સારતત્ત્વ છે ને તે પરમાત્માનું સ્વરૂપ છે.

तेजश्वास्मि विभावसौ-વિભાવસુ એટલે અગ્નિ, અને તેની દાહિકા શક્તિને અહીં તેજ શબ્દથી કહ્યા છે. તે અગ્નિનું સારતત્ત્વ છે. ભગવાન કહે છે,તે જ તન્માત્રા છે તે મારું સ્વરૂપ છે.

जीवनं सर्वभूतेषु-સર્વભૂતોથી બ્રહ્માદિક સર્વ દેહધારીઓમાં એવો અભિપ્રાપય છે. દરેક દેહધારીમાં એક જીવન શક્તિ હોય છે જેનાથી બધા જીવી રહ્યા છે. તેને પ્રાણશક્તિ કહેવામાં આવે છે. પ્રાણશક્તિને કારણે ગાઢ નિદ્રામાં સૂતેલો આદમી પણ મડદાથી વિલક્ષણ દેખાય છે. આદમી સૂવે છે પણ તેની પ્રાણશક્તિ કયારે પણ નિદ્રા લેતી નથી અને તે વિરામ લે એટલે દેહધારી મડદું બની જાય છે. તે જીવન શક્તિ મડદાને પવિત્ર બનાવે છે. ભગવાન કહે છે, તે જીવનશક્તિ તે મારું સ્વરૂપ છે. तपश्चास्मि तपस्विषु- દ્વન્દ્વ સહિષ્ણુતાને તપ કહેવામાં આવે છે પણ તે દ્વન્દ્વ સહિષ્ણુતા પરમાત્માની પ્રાપ્તિ હેતુ માટે હોવી જોઈએ, અન્યથા દ્વન્દ્વ સહિષ્ણુતા તો કર્મ વિપાક બની જશે. અર્થાત્‌કર્મના ફળરૂપે-દુઃખરૂપે બની જશે તપશ્ચર્યામાં તેની ગણત્રી નહિ થઈ શકે. જે દ્વન્દ્વ સહિષ્ણુતા પાછળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો કે પરમાત્માને રાજી કરવાનો ઈરાદો હશે, તે દ્વન્દ્વ સહિષ્ણુતા તપ ગણાય છે અને એવા તપને ધારણ કરવાથી જ તપસ્વીઓ સમાજ અને શાસ્ત્રમાં પુજ્યપણાને પામ્યા છે. અન્યથા કર્મના વિપાકને સહન કરવામાં તો નારકી જીવો પણ અગ્રેસર છે. ભગવાન કહે છે, તપસ્વિઓમાં તપ છે તે મારું સ્વરૂપ છે.

बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्‌।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्‌।।१०।।

અર્થ : હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ-કારણ તે હું છું, એમ તું સમજ ! બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ તે હું છું અને તેજસ્વીઓનું તેજ-પરાક્રમ તે હું છું. ।।૧૦।।

હે પાર્થ ! સઘળા પ્રાણીઓનું સનાતન (અવિનાશી) બીજ હું છું. અર્થાત્‌બધાનું કારણ હું છું. એમ તમે જાણો. આ અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન ‘ઉપધારય’ કહ્યું છે અને અહીં વિદ્ધિ કહે છે. એનું તાત્પર્ય એ છે કે આ સાર વાત હું કહી રહ્યો છું. તેને સારી રીતે સમજો અને સમજીને ધારણ કરો. તેમ કરવાથી ભગવાનમાં પ્રેમ જાગ્રત થાશે.

જેટલાં બીજ હોય છે તે બધાં વૃક્ષથી ઉત્પન્ન થયાં હોય છે અને વૃક્ષને ઊગાડીને નષ્ટ થઈ જાય છે. ભગવાન કહે છે કે, હું તેવું બીજ નથી. હું તો સનાતન છું અને અવ્યય છું. અર્થાત્‌મારી ઉત્પતિ નથી. મારો ઉપયોગ થઈ જતાં નાશ પણ નથી. એવું સૃષ્ટિનું અલૌકીક કારણ છું, બીજ છું. આ બીજ વિકારરહિત છે પોતે વિકૃતિ પામ્યા સિવાય સંસાર વૃક્ષને ઉત્પન્ન કરે છે. વળી જગતનું આશ્રય છે, પ્રકાશક છે. આદિ અને અંતથી રહિત, અનાદિ અને અનંત છે.

બુદ્ધિશાળીઓની બુદ્ધિ એ મારું સ્વરૂપ છે. અર્થાત્‌ઉત્તમ નિર્ણય લેવાય છે, તે મારાથી લેવાય છે. તેજસ્વીઓ અર્થાત્‌પ્રતાપી પુરુષોનું જે તેજ છે, અનઅભિભવનીયતા કે પરાભિવભવ સામર્થી છે, તે મારું સ્વરૂપ છે. ભગવાન સમગ્ર સૃષ્ટિના કારણ છે. સંસાર હોતે સમયે પણ બધામાં પૂર્ણતાથી વ્યાપીને રહ્યા છે. સંસારનો નાશ થવા છતાં તેઓ રહે છે. તેઓનો નાશ થતો નથી. આવી ભગવાનની કારણતા સમજાવવા માટે ઉપનિષદોમાં સોનું, માટી અને લોઢાનું દૃષ્ટાંત આપ્યું છે. એકને જાણવાથી બધું જ જ્ઞાત થઈ જાય છે; પરંતુ ગીતામાં આ વસ્તુને બતાવવા ભગવાને બીજનું દૃષ્ટાંત આપ્યું છે અને બીજ કહીને પણ તે બીજમાં ન હોય તેવી પોતાની વિલક્ષણતા પણ બતાવી દીધી છે .બીજ કહીને ‘સનાતન અને અવ્યય’ એવાં બે વિશેષણ પોતાને માટે બતાવ્યાં છે. હું બીજ છું પણ બીજ જેમ વૃક્ષમાં પેદા થાય તેમ પેદા થયેલું બીજ હું નથી. હું તો સનાતન બીજ છું. વળી અવ્યય કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક બીજ વૃક્ષને ઉત્પન્ન કરીને નષ્ટ થઈ જાય છે, તેમ સંસારને ઉત્પન્ન કરીને હું નષ્ટ થઈ જતો નથી. ઊલટો સંસાર નષ્ટ થઈ ગયા પછી પણ હું નષ્ટ થતો નથી. અતિ વિલક્ષણતા તો એ છે કે બીજરૂપે સ્થિત મને કોઈ ઓળખી લે તો તેનો સંસાર તુર્ત નષ્ટ થઈ જાય છે, એવું અલૌકિક બીજ હું છું.

સોનું, માટી, લોઢું વગેરે કારણ દ્રવ્યો છે; પરંતુ તે ઉત્પાદન દ્રવ્યો કાર્યાવસ્થામાં દેખાય છે. સોનાના ઘરેણામાં સોનું અદૃશ્ય થઈ જતું નથી. માટીના ઘડામાં પણ માટીનું દર્શન સહેલાઈથી થાય છે પણ બીજનું દર્શન વૃક્ષમાં સદાકાળ થતું નથી અને બીજ ઉત્પન્ન કરીને વૃક્ષ વૃદ્ધ થઈ નષ્ટ થઈ જશે. છતાં એ બતાવવાનું તાત્પર્ય એ છે કે સંસાર-વૃક્ષનું કારણ પરમાત્મા ઉપરથી દેખાતા નથી એટલે જ તેનું જ્ઞાન કરાવવા આટલી મહેનત કરીને કહેવું પડે છે કે તમે ઘરેણામાં સોનાનું, ઘડામાં માટીનું દર્શન કરો છો તેમ સંસારમાં તેના કારણરૂપે પરમાત્માનું દર્શન કરો. ‘सर्वं वासुदेवं…’ એ જ વિજ્ઞાન સહિત જ્ઞાનનું પ્રયોજન ભગવાને શરૂમાં બતાવ્યું છે કે આ જાણકારી મળ્યા પછી તમને સંસારમાં તેના કારણનું અર્થાત્‌પરમાત્માનું દર્શન થાય.

बलं बलवतां चाहं कामरागविवर्जितम्‌।
धर्माविरद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ।।११।।

અર્થ : બળવાન મનુષ્યોનું કામ અને રાગ વર્જીત એવું શુદ્ધ બળ તે હું છું. અને હે ભરતર્ષભ ! ભૂત-પ્રાણીમાત્રમાં ધર્મથી અવિરૂદ્ધ એવો જે કામ તે હું છું. ।।૧૧।।

बलं बलवतां चाहम्‌… ધારણ આદિ શક્તિને બલ કહેવામાં આવે છે. અર્થાત્‌કોઈ કઠિન કાર્યને લાંબો સમય નિર્વહન કે નિભાવ કરવા છતાં થાક અથવા કંટાળાનો અભાવ હોવો તેને બળ કહેવામાં આવે છે. આમ તો મનુષ્યોને કે દેહધારી કોઈ પણને પોતાની મનોંવાછિત પ્રવૃત્તિ હોય અથવા આસક્તિના વિષયનું કેન્દ્ર હોય તો પણ તેને તેમાં થાક કે કંટાળાનો અભાવ અનુભવાય છે, ત્યારે તે રાગ કે કામનાનેભગવાનનું સ્વરૂપ ગણવું કે કેમ? ત્યારે ભગવાન કહે છે કે, બલવાનોનું બળ છે તે મારું સ્વરૂપ છે પણ તે બળ નિર્દુષ્ટ હોવું જોઈએ. કામ અને રાગથી રહિત હોવું જોઈએ. અર્થાત્‌શાસ્ત્ર, ધર્મ, ભગવાન કે સંતજન અનુમોદિત કાર્યને વહન કરવાની સામર્થીને ભગવાને પોતાના સ્વરૂપ તરીકે ગણાવ્યું છે. એવા કોઈ કાર્યને વહન કરવાની જો તમારામાં તાકાત હોય તો તે ભગવાનનું સ્વરૂપ છે, એમ સમજવું. અન્યથા ભગવાને સત્તરમા અધ્યાયના પાંચમાં શ્લોકમાં ‘कामरागबलान्विता:’ શબ્દોથી આસુરી સ્વરૂપ બતાવ્યું છે, તે ભગવાનનું સ્વરૂપ નહિ રહે. કામ વિષયથી જગતના પ્રાણીઓ પોતાની શક્તિથી ઉપરવટ પણ સંસારની જવાબદારીઓનું નિર્વહન કરે છે. મોટા સંતો એવું લખી ગયા છે કે ‘આ જીવે કરોડ કરોડ જન્મ લઈને સ્ત્રીને અર્પણ કર્યા છે’. અર્થાત્‌સ્ત્રીને અર્થે અથવા કામને અર્થે કરોડ જન્મ પણ નહિ, એથી પણ વધારે જન્મોને ધરીને તેને અર્થે જ પ્રવૃત્તિઓનો ભાર વેંઢાર્યો છે ને તોય થાકયો નથી. હજી કરોડ જન્મ ધરવાનો તેને માટે ઉત્સાહ ધરાવે છે. તો તે શું બળ છે? અને ભગવાનની વિભૂતિ છે? નહિ. માટે ભગવાન કહે છે કે, એવું બળ એ મારું સ્વરૂપ છે, જેના કામ કે રાગનો લેશ ન હોય અને જે ભગવાન કે સંતજન અથવા શાસ્ત્રને અનુમોદિત કાર્યભારની જવાબદારી વહન કરતું હોય ને થાક ન અનુભવાતો હોય પણ તેમાં નિત્ય ઉત્સાહ અને સ્ફૂર્તિની અનુભૂતિ થતી હોય તે મારું સ્વરૂપ છે, વિભૂતિ છે, એમ જાણવું.

અને તેવું જ કામના વિષયમાં ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું કે भुतेषु धर्माविरुद्ध: कामोऽस्मि… અર્જુન મનુષ્યોમાં ધર્મથી અવિરૂદ્ધ ધર્મયુક્ત કામ તે મારું સ્વરૂપ છે. અર્થાત્‌શાસ્ત્ર અને લોકમર્યાદા અનુસારે શુભભાવે કેવળ સંતાન તંતુ માટે જે કામ હોય છે તે ભગવાને વિભૂતિ કહી. તે તેવો કામ વ્યક્તિને આધીન હોય છે; પરંતુ જે કામમાં વિષય સુખનો અતિરેક કે ભોગાસક્તિથી પ્રેરાયેલા હોય તેમાં વ્યક્તિ કામને પરાધીન હોય છે અને તેને વશ થવાથી તે કામ વ્યક્તિને શાસ્ત્ર અને લોકમર્યાદાથી વિરુધ્ધમાં પણ ઢસડી જાય છે. ત્યારે તે કામ તેને સઘળાં પાપોનું, પતનનું અને અંગત દુઃખોનું કારણ બની રહે છે.

ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि।।१२।।

અર્થ : વળી જે કોઈ સાત્ત્વિક ભાવ-પદાર્થો છે. તેમજ રાજસ અને તામસ પદાર્થો છે, તે સઘળા મારામાંથી જ ઉપજેલા છે, એમ જાણ ! પરન્તુ-તે સઘળા-ભાવોમાં હું નથી, પણ તેઓ મારામાં-મારે આધારે છે. (એમ સમજ !) ।।૧૨।।

ये चैव सात्त्विका भावा: આ ઉપરાંત જે કાંઈ સાત્ત્વિક, રાજસ કે તામસ ભાવો છે, અર્થાત્‌ગુણ, પદાર્થો કે ક્રિયા છે તે બધા જ મારાથી જ ઉત્પન્ન થાય છે. તેમાં प्रहर्ष: प्रीतिरानन्द: सुखं संशान्तचित्तता (મા.મો. ૨૧૯/૨૭) ઈત્યાદિક સાત્ત્વિક ભાવો છે. ‘अतुष्टि: परितापश्च क्रोधो लोभ: (शोको मोह:) तथा ऽक्षमा: (૨૮) ઈત્યાદિક રાજસ ભાવો છે તથા अविवेकस्तथा मोह: प्रमाद: स्वप्नतन्द्रिता (૨૯) ઈત્યાદિક તામસ ભાવો છે, તે બધા ભાવો ખરેખર તો પ્રકૃતિના છે પણ પ્રકૃતિના આત્મપણે રહેલા મારા જાણો. પ્રકૃતિ અંતે તો મારું શરીર છે, હું તેનો શરીરી છું. અર્થાત્‌સૃષ્ટિ માત્રમાં જે કાંઈ શ્રેષ્ઠ બની રહ્યું છે, તે બધાનો આશ્રય, આધાર અને પ્રકાશક હું છું. અર્થાત્‌બધું જ પરમાત્માથી જ સત્તાસ્ફૂર્તિ પામી રહ્યું છે. આ ભાવોમાં જે કાંઈ વિલક્ષણતા દેખાય છે તે ભગવાનની છે. માણસની હંમેશાં તેની વિલક્ષણતા તરફ દ્રષ્ટિ-મન ખેંચાય છે, આકર્ષાય છે પણ ભગવાન બતાવે છે કે તે વિલક્ષણતા તેની નથી. તે વિલક્ષણતા મારી છે. તેથી મનુષ્યનું મન ખેંચાય તો મારા તરફ ખેંચાવું જોઈએ. તે વિલક્ષણતામાં જગતના, પ્રકૃતિના, ત્રણ ગુણોના કે વસ્તુ પદાર્થ કે વ્યક્તિના નહિ પણ મારાં દર્શન થવાં જોઈએ. મારી પ્રતિભાની ઝાંખી થવી જોઈએ. તો તે જીવાત્મા મુક્ત થઈ જશે અને ભક્ત થઈ જશે. જો તેને પ્રાકૃતિક બાબતોની કે વ્યક્તિ પદાર્થની વિલક્ષણતાના દર્શન થશે, તો તે તેમાં બંધાઈને સંસૃતિમાં ચાલ્યો જશે.

એ બધા ભાવો મારાથી मत्त एवेति तान्विद्धि જ ઉત્પન્ન થયેલા છે, એમ તું જાણ. ભગવાને આ અધ્યાયના શરૂઆતમાં વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાની પ્રતિજ્ઞા કરીને જાણવાવાળાની દુર્લભતા બતાવીને જ પ્રકરણનો પ્રારંભ કર્યો. પછી પોતાને તેઓનું કારણ બતાવ્યું અને જગતમાં વિલક્ષણભાવો ધરાવતી વિભૂતિને પોતાની બતાવી. પોતાને આધીન બતાવી અને પોતે જ તેના માલિક અને કારણ છે, તેમ બતાવ્યું.હવે તે વિભૂતિ પ્રકરણનો ઉપસંહાર આ શ્લોકથી કરતાં બતાવે છે કે, જે કાંઈ વિલક્ષણ ભાવો, વિભૂતિમાં બતાવેલા જ, એવું નહિ, પણ જે કાંઈ પ્રકૃતિના વિલક્ષણ ભાવો છે તેનું કારણ હું જ છું.

न त्वहं तेषु ते मयि-હું તેઓમાં નથી અને તે મારામાં નથી. તાત્પર્ય એ છે કે જેટલા પણ પ્રાકૃત ભાવો, પદાર્થો, ક્રિયાઓ છે, તે તમામ ઉત્પન્ન અને નષ્ટ થાય તેવા છે. હું ઉત્પન્ન તથા નષ્ટ થાઉં તેવો નથી. જો હું તેઓમાં હોઉં તો તેઓનો નાશ થતાં મારો પણ નાશ થઈ જાય. વળી તે મારામાં જો હોય તો હું અવિનાશી છું, તો તેમનો કોઈ દિવસ નાશ ન થવો જોઈએ પણ તેઓ તો નાશ થઈ જવાના સ્વભાવવાળા છે. માટે તે મારામાં નહિ ગણી શકાય.

જેવી રીતે વાદળાં આકાશમાંથી ઉત્પન્ન થાય છે, તેમાં રહે છે, અને તેમાં જ લીન થાય છે. તો પણ આકાશની નિર્લિપ્તતા જેવી છે, તેવી ને તેવી જ રહે છે. આકાશને વાદળાંના હોવાનો કે નહિ હોવાનો વિકાર કે વિશુદ્ધિ સ્પર્શ કરી શકતી નથી. તેમ આઠમા શ્લોકથી માંડીને અહીં સુધીની વિભૂતિઓનું વર્ણન કરીને પછી કહે છે કે ‘न त्वहं तेषु ते मयि’ તેથી હું અતિ વિલક્ષણ છું ને વિભૂતિ મારામાં હોવાથી મને વધારે વિશુદ્ધિ કે પવિત્રતા સમર્પિત કરી શકવા સમર્થ નથી અને મારી વિશુદ્ધતા કે નિર્વિકારીતાને ખંડિત કરવા સમર્થ નથી. હું તેનાથી અતિ અલિપ્ત છું. છતાં તે બધાનું અસ્તિત્વ મદાધીન સંપૂર્ણ પણે છે. આ વિજ્ઞાન છે અને તે વિજ્ઞાન સહિત તું મને ઓળખ.

ગીતામાં જ્યાં જ્ઞાનમાર્ગનું વર્ણન આવે છે ત્યાં બધું અલગ અલગ હોવું જરૂરી છે. સત્‌અસત્‌, ભાવ-અભાવ, પ્રકૃતિ-પુરુષ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વગેરે. કારણ કે તેમાં વિવેકનું પ્રધાનપણું હોય છે. જ્યારે ભક્તિમાર્ગમાં શ્રદ્ધાનું પ્રાધાન્ય હોય છે. માનવાનું પ્રાધાન્ય હોય છે. ભક્તિમાં ભગવાનમાં અનન્યતા હોવી જરૂરી છે. અન્યનો અભાવ માનવાનો હોય છે. જેમ ઉત્તમ પતિવ્રતાને એક પતિ સિવાય બીજો કોઈ પુરુષ જ દેખાતો નથી. તેમ આને ભગવાન સિવાય કોઈ દેખાતું નથી.

સાધકને શ્રદ્ધા અને વિવેક બન્ને જરૂરી છે. ભક્તિમાર્ગમાં શ્રદ્ધાનું પ્રાધાન્ય હોય છે ને જ્ઞાનમાર્ગમાં વિવેકનું પ્રાધાન્ય હોય છે પણ એનો અર્થ એવો ન કરવો જોઈએ કે ભક્તિમાર્ગમાં વિવેકનો અભાવ હોય છે અથવા હોવો જોઈએ. જ્ઞાનમાર્ગમાં શ્રદ્ધાનો અભાવ હોય છે કે હોવો જોઈએ. ભક્તિમાર્ગવાળા માને છે કે જે કાંઈ છે તે ભગવાનમાંથી થાય છે. જ્યારે જ્ઞાનમાર્ગવાળા અલગ માનીને પણ અંતે તેના માલિક ભગવાનને સ્વીકારે છે. બન્ને પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ કરીને ભગવાન સાથે સંબંધ જોડી દે છે.