વ–૧૪ : વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે છે તે પાપી નથી તેનું

પ્રતિપાદિત વિષયઃ

ધર્મિષ્ઠતા–અધર્મિષ્ઠતા.

મુખ્ય મુદ્દાઃ

૧.વિમુખ જેને ધર્મિષ્ઠ જાણે છે તે ધર્મિષ્ઠ નથી ને પાપી જાણે છે તે પાપી નથી.

ર.સત્પુરુષનો દ્રોહ કરનારો છે તે જ અધર્મી છે અને તેનો ગુણ ગ્રહણ કરનારો છે તે સર્વથી ધર્મિષ્ઠ છે.

વિવેચન :–

આ વચનામૃતમાં વડોદરાના વાઘમોડિયા રામચંદ્રજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે હે મહારાજ જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે ?

આ પ્રશ્નની પૂર્વ ભૂમિકામાં પ્રસંગ એવો બન્યો છે કે કોઈ પવિત્ર વ્યક્તિ જીવનની લાઈન ફરી જવાથી એકદમ નીચે ઉતરી ગઈ છે. વર્ણ–આશ્રમના ધર્મ છોડી દીધા છે અને હિંસા–વટાળ વગેેરેમાં પૂર્ણ રીતે ડૂબી ગઈ છે અને વિશ્વામિત્રી નદીના કોતરમાં રહે છે. મહારાજના સંતો મહારાજની આજ્ઞાથી સત્સંગ અર્થે ફરી રહ્યા છે. ઠંડીના સમયમાં એક સંતને વધુ ઠંડી લાગી ગઈ. શરીર અવાચક બની ગયું. ત્યારે આ વ્યક્તિએ સંતને ઠંડી દૂર કરવામાં મદદ કરી. સંતનો જીવ બચી ગયો. સંતની જીવન રીતિ જોઈને તેને ખૂબ ગુણ આવ્યો. સંતોએ તેને મહારાજ પ્રગટ થયાની વાતો કરી અને અહીં નજીક વરતાલમાં બિરાજે છે ત્યાં દર્શને આવવા કહ્યું.

તે વ્યક્તિ આવ્યો. મંદિરનું કામ ચાલતું હતું. બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંતો પણ મહેનત મજૂરીનું મંદિર માટે કાર્ય કરી રહ્યા હતા. તે જોઈને તે વ્યક્તિને ખૂબ ગુણ આવ્યો. પછી મહારાજનાં દર્શન કર્યાં અને મહારાજને જોઈને તેમને તત્કાળ સમાધિ થઈ ગઈ. ત્યારે વાઘમોડિયાજી તે વ્યક્તિ વર્ણાશ્રમ અને સદાચારથી પડી ગયેલ છે તેને જાણે છે. માટે મહારાજને આ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ કુપાત્ર જીવ હોય તેને પણ કેમ સમાધિ થઈ જાય છે અને બીજા કેટલાક સુપાત્ર અને સદાચારી જીવ બેઠા હોય તેને કેમ સમાધિ થતી નથી ? વળી આ સદાચારથી બિલકુલ ઉતરી ગયેલા પતિત જીંદગી જીવનારને સમાધિ થઈ ગઈ. એટલે કે તેનો જીવ ભગવાનમાં ચોટે છે. જ્યારે પવિત્ર દેખાતા મનુષ્યોનો જીવ ભગવાનમાં જલ્દી ચોટતો નથી તેનું કારણ શું છે ?

ત્યારે મહારાજે ઉત્તર કર્યો છે. ધર્મ શાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે સ્નાન, શૌચ વગેરે પવિત્રતાના ધર્મો, વિનય સન્માનાદિક કુળ ધર્મો, યજ્ઞ, દાનાદિક તથા ત્યાગ તપશ્ચર્યાદિક વર્ણાશ્રમ ધર્મો થકી જે બહાર વર્તતો હોય તેને સર્વ લોક એમ જાણે છે જે આ કુપાત્ર માણસ છે. એવા કુપાત્રને પણ જો ભગવાનનો કે ભગવાનના અવતાર હેતુ માટે જીવનારા અને તેને માટે મરી મટનારા એવા પવિત્ર સંતનો જો હૈયામાં ગુણ આવે ત્યારે તેના હૃદયમાં દિવ્ય પુણ્યનો જથ્થો ઉત્પન્ન થાય છે. વર્ણાશ્રમના જે ધર્મ લોપ્યાનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય અને એનો આત્મા અતિશય પવિત્ર થઈ જાય છે. એનો જીવ પરમાત્મામાં ચોટે છે ત્યારે એને તત્કાળ સમાધિ થઈ જાય છે.

જ્યારે બીજી બાજુ જે પુરુષ શાસ્ત્રે કહ્યા એવા અનેક લોક પ્રસિદ્ધ યજ્ઞ, દાન પરોપકારાદિ સદાચાર ધર્મ પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે છે પણ ભગવાન અને ભગવાનના સાચા સંત તેનો દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે કે વર્ણાશ્રમ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે તેનું ચિત્ત કયારેય અનુકૂળ સંજોગો હોય તો પણ ભગવાનમાં ચોટતું નથી. માટે મહારાજ કહે છે કે સત્પુરુષના દ્રોહનો કરનારો છે તે તો પંચ મહાપાપનો કરનારો છે. તેથી પણ વધુ પાપી છે. કારણ કે પંચ મહાપાપ કર્યા હોય તો પણ કયારેક તેનો જીવ ભગવાનમાં ચોટવાનો અવકાશ રહે છે, પણ સત્પુરુષના દ્રોહના કરનારાને ભગવાનમાં ચોટવાનો અવકાશ જ રહેતો નથી. માટે કલ્યાણના પુંજરૂપ ભગવાનમાં જીવને ચોટવામાં અવરોધ બને એનાથી મોટું પાપ કયું હોઈ શકે ? તેથી તે સૌથી વધારે પાપી છે. ગમે તેવાં પાપ કર્યા હોય તો પણ સત્પુરુષને આશરે જઈને છૂટાય છે. એ જીવ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. સત્પુરુષનો દ્રોહી હોય તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહા પાપી છે. તેને કોઈ કાળે હૃદયમાં ભગવાનનાં દર્શન થાય જ નહિ. માટે શ્રીજી મહારાજ કહે છે કે વિમુખ જીવ જેને પાપી જાણે છે તે પાપી નથી. વિમુખ જીવ જેને ધર્મી જાણે છે તે ધર્મી નથી, પણ સત્પુરુષનો જેના હૃદયમાં ગુણ છે, આદર છે, સન્માન છે તે જ જીવ મહા પુણ્યશાળી છે ને પવિત્ર છે. જેને સત્પુરુષ પ્રત્યે કુભાવ છે, અનાદર છે તે અતિ પાપી, અપવિત્ર અને અતિ અનાદરણીય છે.