પ્રતિપાદિત વિષયઃ
ભગવાનનો છ પ્રકારનો નિશ્ચય.
મુખ્ય મુદ્દાઃ
૧. સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચયમાં તફાવતનું મુખ્ય કારણ દેહભાવ અને આત્મભાવ રહે છે.
ર. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના ભેદમાં મહિમાનું વધારે ઓછાપણું કારણરૂપ છે.
વિવેચન :–
આ વચનામૃત નિશ્ચયના છ પ્રકારના ભેદનું છે. નિશ્ચયના મુખ્ય બે ભેદ છે તેમાં એક તો સવિકલ્પ નિશ્ચય અને બીજો નિર્વિકલ્પ નિશ્ચય. પરમાત્મા સાથે બુદ્ધિમાં અથવા જીવમાં સંબંધ સ્થાપિત કરવો તે પ્રક્રિયાને નિશ્ચય કહેવાય છે. લૌકિક વ્યવહારમાં પણ આપણે એ અનુસંધાનથી ભાષાપ્રયોગ કરીએ છીએ. જેમકે કોઈ દૈવી જીવ હોય, સજ્જન આત્મા હોય, સત્સંગી ન હોય, પછી મહિમા સાંભળી કંઠી બાંધે, મહારાજની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને મહારાજનો સંબંધ થયો. આ બાહ્ય પ્રક્રિયા છે. નિશ્ચય અંદરની એટલે કે અંતઃકરણ અને જીવમાં થતી પ્રક્રિયા છે. તેથી પરમાત્મા સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરવો, મમત્વનો કે મારાપણાનો યોગ્ય નાતો જોડવો તે નિશ્ચય કહેવાય છે.
નિશ્ચયના મુખ્ય બે પ્રકાર છે. એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ. કલ્પ એટલે દેહભાવ અથવા દૈહિક કલ્પના તેને સહિત હોય એટલે સવિકલ્પ. સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચયમાં મુખ્ય ભેદ એ છે કે સવિકલ્પ નિશ્ચય દેહભાવ સાથે સાથે ભગવાન સાથેનો સંબંધ એટલે કે નિશ્ચયનો પણ નિભાવ કરે છે. ત્યારે તે સવિકલ્પ નિશ્ચય કહેવાય છે. જ્યારે દેહભાવ ગૌણ થઈને અથવા દૂર થઈ કેવળ બ્રહ્મરૂપની ભાવનાપૂર્વક મહારાજ સાથે જે સંબંધ સ્થાપિત થાય એટલે કે નિશ્ચય થાય ત્યારે તેને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય છે.
સવિકલ્પ નિશ્ચયમાં મુમુક્ષુ સાધક પોતે દેહભાવવાળો હોવાથી તેની દૃષ્ટિમાં દેહભાવ પ્રધાન રહે છે અને તેથી તેની ઝાંખી તેને પરમાત્મામાં પણ દેખાય છે. તેથી તેની કલ્પના પરમાત્મામાં પણ દેહભાવ સહિતની થાય છે. માટે પરમાત્મા સાથેના સંબંધને નીચી કોટીમાં લાવી દે છે. તેમાં ટળી જવાની શકયતાઓ વધારી દે છે તેથી તેને સવિકલ્પ બનાવી દે છે. જ્યારે દેહભાવ ન હોય ને શુદ્ધ બ્રહ્મરૂપની ભાવના હોય ત્યારે ભગવાન સાથે તો સંબંધ વિઘટન કરનારાં પરિબળો ખૂબ ઓછા થઈ જાય છે અથવા તો કહો કે તમામ દૂર થાય છે તેથી તે સંબંધની અથવા નિશ્ચયની બળવત્તા વધારીને તેને નિર્વિકલ્પ કક્ષામાં લઈ જાય છે.
એ જે સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચય છે તેમાં વળી ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા ત્રણ ત્રણ ભેદ છે. એમ કુલ છ ભેદ થયા. સવિકલ્પતા અને નિર્વિકલ્પતામાં મુખ્ય દેહભાવના તથા બ્રહ્મભાવના કારણ મનાય છે. તેમ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદ થવામાં પરમાત્માનો મહિમા વધારે અથવા ઓછો જણાવો તે કારણ રૂપ છે. જેમ મહિમા વધારે તેમ તે તૂટવાની શકયતા ઓછી. તેટલો તે નિશ્ચય ઊંચી કક્ષા ગણવામાં કારણરૂપ ગણાય છે. તેમાં સવિકલ્પ નિશ્ચયમાં ભગવાનમાં અન્ય મનુષ્ય જેટલા અથવા આપણામાં હોય તેટલા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિ દોષો પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનપણાનો નિશ્ચય રહે એટલે કે આપણે બાંધેલો ભગવાનપણાનો સંબંધ ચાલુ રહે પણ તેથી વધારે દેખાય તો ન રહે. તે એમ સમજે છે કે એટલું તો બધામાં હોય. આપણામાં પણ હોય તો પણ ભગવાનની મહાનતા છે. તે સ્વીકારવામાં મનને કોઈ તકલીફ ન પડે કારણ કે એટલો તો પોતાના અને બીજા સામાન્ય માણસો કરતાં વધારે અને વિશેષ ભગવાનમાં માને છે. ત્યારે તેને કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય ગણાય.
જ્યારે સામાન્ય માણસ કરતાં બમણા દોષ દેખાય તો પણ નિશ્ચય તૂટે નહિ તો મધ્યમ સવિકલ્પ નિશ્ચય ગણાય. માણસ કરતાં અમર્યાદ દોષો હોય તો પણ નિશ્ચય ન જાય તો ઉત્તમ સવિકલ્પ નિશ્ચય ગણાય. કારણ કે સવિકલ્પ નિશ્ચયમાં ભક્ત એમ માને છે કે ભગવાન સર્વ કર્તાહર્તા છે માટે ભક્તો પણ છે.
જેમ આપણા પાડોશમાં કોઈ ખૂબ ધનવાન હોય અને ખૂબ સાહેબી તથા ભોગ ભોગવતો હોય તો પણ સજ્જન માણસને તેના તરફ વિકૃત ભાવના થતી નથી. તે મનમાં માને છે કે તે કમાયા છે, ભગવાને તેને આપ્યું છે ને ભોગવે છે તો શો વાંધો? એમ માની દોષબુદ્ધિ નથી કરતા અથવા આપણી બેન કે દીકરી હોય તે લગ્ન કરી સાસરે જાય ત્યારે તેના દિયર, નણંદ વગેરે તેની મશ્કરી કરે અને આપણે જાણીએ તો પણ મન સમાધાન કરી લે કે તે તો કરે એમાં શું ? એટલે કે તેના સંસાર વ્યવહારને આપણે જાણીએ છીએ તો પણ કોઈ હીનભાવના તેમના તરફ થતી નથી. કારણ કે તેટલું મનમાં સમાધાન કરવાનું સમાજમાંથી જ આપણને બળ મળી રહે છે. આપણા સંબંધો તેઓની સાથે તોડી નાખતા નથી. ઉલ્ટા મધુર વ્યવહારો જોઈને ખુશી થાય કે ઠીક છે. તેઓ સંસારમાં શાંતિથી રહે છે.
તેમ ભગવાનનો ભક્ત ભગવાનમા પણ સામાન્ય માણસથી બમણા દોષો દેખે તો પણ પરમાત્માનો મહિમા સમજીને તેને બુદ્ધિમાં પાચન કરતા શીખીને નિશ્ચયને અખંડ રાખે છે અને ઉત્તમ સવિકલ્પમાં તો બેમર્યાદ દોષોને પણ માનસિક રીતે પાચન કરીને–સમાધાન કરીને નિશ્ચયને નિભાવે છે.
હવે નિર્વિકલ્પ નિશ્ચયમાં તો ભક્ત પોતે જ બ્રહ્મ ભાવનાથી જીવે છે માટે પોતે દોષોથી નિર્લેપ રહેતાં શીખ્યો છે. તો ભગવાનને પ્રતાપે દોષો પોતાને અડતા નથી. ભગવાનનો તેનાથી પણ વધુ મહિમા સમજીને ભગવાનને અતિ નિર્લેપ સમજે છે. ત્યારે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય છે. ઉત્તમ સવિકલ્પ નિશ્ચય અને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયમાં બન્ને એકદમ નજીકના ભેદ હોવા છતાં પાયાનો તફાવત એ છે કે સવિકલ્પમાં ભક્ત ભગવાનનો મહિમા ખૂબ સમજે છે. સૃષ્ટિના કર્તાહર્તા ભગવાન છે એવું સમજે છે; પરંતુ પોતાના દેહની ભૂમિકા હોવાથી તેની બુદ્ધિમાં– સમજણમાં તો એમ રહે છે કે ભગવાન વિષય ભોગવે છે.
જ્યારે નિર્વિકલ્પ કનિષ્ઠ નિશ્ચયમાં ભગવાનને વિષયદૃષ્ટિ છે જ નહીં. ભગવાનને આકાશની જેમ નિર્લેપ માને છે. જે મહારાજે વચનામૃતમાં અન્ય જગ્યાએ ભગવાનનો મહિમા સમજાવતાં કહ્યું છે કે જેમ સોનું ને બીજી ધાતુ અલગ અલગ છે. બીજી ધાતુને દાટતાં ધૂળ ભેળી ધૂળ થઈ જાય. જ્યારે સોનાને કાટ ન લાગે. તે જૂનું ન થાય. તેની કિંમત ઓછી ન થાય. કારણ કે તે અતિશય જુદી જ જાતિ છે. તેમ સાધક, મુક્ત, દેવતા, ૠષિઓ આ બધાથી ભગવાનની જાતિ જુદી છે. જેમ કે સામાન્ય લોખંડને કાટ લાગે પણ સ્ટેનલેસ સ્ટીલને કાટ ન લાગે. તે તો કનિષ્ઠ અને ઉત્તમ સવિકલ્પ પ્રમાણે છે. સ્ટેનલેસ સ્ટીલ અને સોનું એ બેનો જેવો ભેદ છે સ્ટીલને ભલે કાટ ન લાગે તો પણ સ્ટીલ તે સ્ટીલ છે ને સોનું તેની જાતિ જ અલગ છે. કાટની સંભાવના જ ઉડી જાય છે. એવો તફાવત ઉત્તમ સવિકલ્પ અને કનિષ્ઠ નિર્વિકલ્પની સમજણમાં રહેલો છે.
નિર્વિકલ્પ નિશ્ચયની કક્ષામાં આવ્યા પછી પણ મહારાજ કહે છે કે જેમ જેમ ભક્ત ભગવાનનું ભજન તથા ઉપાસના કરતો જાય છે તેમ તેમ તેની દૃષ્ટિ સૂક્ષ્મ થતી જાય છે ને ભગવાનનો મહિમા અપાર ને અપાર થતો જાય છે. તે ભક્તની પણ શક્તિ સામર્થ્ય વધતાં જાય છે ને ભગવાન સાથે સ્વામી–સેવક ભાવ દૃઢ થતો જાય છે. તેમ જ્યારે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભક્ત તો શ્વેતદ્વીપને વિષે રહ્યા જે નિરન્નમુક્ત તેના જેવો પોતે થઈને વાસુદેવ ભગવાનની ઉપાસના કરે છે. જ્યારે અનંત કોટી બ્રહ્માંડો જેના રોમ છિદ્રમાં ઉડતા ફરે છે એવું જે ભગવાનનું અક્ષરધામ તેની સમતા પામીને એટલે કે અક્ષરરૂપ થઈને મહારાજને સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ, સર્વ અવતારના અવતારી માનીને ઉપાસના કરવી તે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળાની સમજણ છે. નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તોમાં બ્રહ્મરૂપની ભાવના તો દરેકની સમજણમાં છે પણ જેમ જેમ સામર્થી વધતી જાય તેમ નિશ્ચયની કક્ષા ઊંચી થતી જાય છે. તેમાં કારણભૂત સૂક્ષ્મ વિષયનો ત્યાગ છે.
સવિકલ્પ અને નિર્વિકલ્પની દૃષ્ટિમાં મહત્ત્વના દેખાતા વિષયોના બે વિભાગ કરવા હોય તો આ પ્રમાણે કરી શકાય. એક તો જગતના કામ, લોભ, સ્વાદ આદિક દોષોનું વહન કરનારા સ્થૂળ પંચવિષય છે અને એ પંચ વિષયને ભક્ત વટાવીને ઉચ્ચ સ્થિતિમાં જાય છે તો પણ તેની બુદ્ધિમાં સત્તા, શાસન, ઐશ્વર્ય વિગેરેનું સૂક્ષ્મ મહત્ત્વ રહે છે. જેમ સ્થૂળ વિષયો જીવને રોકે છે ને તેમાં તેને રસબુદ્ધિ છે, સ્વાદ છે. તેમ તેનો ત્યાગ કર્યા પછી પણ સૂક્ષ્મ સ્વાદ સત્તા પ્રત્યે, ઐશ્વર્યમાં અથવા કાઈ નહીં તો મને બધા માને, મારું કાંઈક મહત્ત્વ હોવું જોઈએ એમાં રહે છે. આ બધા સૂક્ષ્મ વિષય છે. તે તેને નિર્વિકલ્પ નિશ્ચયમાં અથવા નિર્વિકલ્પ સ્થિતિમાં આગળ વધતાં રોકી રાખે છે. જેમ સ્થૂળ પંચવિષય સવિકલ્પમાં તેને મુખ્ય અવરોધ કરે છે. તેમ નિર્વિકલ્પમાં આ સૂક્ષ્મ વિષયો આપણી સત્તા, માન પછી ઐશ્વર્ય તેની ઈચ્છા, સ્વાદ, રસબુદ્ધિ અને તેમાં મહત્ત્વબુદ્ધિ તે ભગવાનનો સૂક્ષ્મ મહિમા જાણવામાં આપણને નિષ્ફળ બનાવી દે છે. તેથી સ્થૂળ પંચવિષયથી આ સૂક્ષ્મ પંચવિષય ખૂબ ભયંકર હોય છે કારણ કે તે તો સાધકો, ઉત્તમ ભક્તો, સંતો તેને જ પકડે છે. સામાન્ય ભક્તો તરફ તે વિષયોનું ખાસ લક્ષ્ય હોતું નથી.
સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી નિર્વિકલ્પ નિશ્ચયનો ભેદ સમજાવતાં કહે છે કે(પ્રકરણ–૩ વા.૩૧) બદ્રિકાશ્રમના મુક્ત કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે. જ્યારે અક્ષર મુક્તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે. (પ્રરકરણ–ર વા.ર,૩,૪) કારણકે કયારેક દેશકાળની વિષમતામાં કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને વૈરાટપુરુષ ને સંકર્ષણની મોટાઈ કે ઐશ્વર્ય જોઈને તેમાં મહત્ત્વ બુદ્ધિ થાય પછી ભગવાનની મોટાઈ સમજીને તે ઘાટને ટાળી નાખે છે; પરંતુ પોતામાં અગોચર તે વિષયનું મહત્ત્વ પડેલું હોવાથી મુક્તને તે કક્ષામાં રૂંધી રાખે છે. આગળ વધતા રોકે છે.
જ્યારે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તોને મહાપુરુષના ઐશ્વર્ય જોઈને મહત્ત્વ બુદ્ધિ જાગે. જ્યારે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં તો એક શ્રીજી મહારાજના સ્વરૂપ સિવાય ભક્તનું મન કયાંય અટકે નહીં અને બીજું પોતાના મનમાં ધારી ન શકે. એવી સ્થિતિવાળો હોય. સદ્. ગોપાળાનંદ સ્વામીની વાતોમા પ્ર.ર વા. ૧ થી ૪ તથા પ્રકરણ ૩ વા. ૩૧મા જુદા જુદા દૃષ્ટિકોણથી વિસ્તારથી વર્ણવ્યા છે.
પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછયું જે એવા ભેદ શાણે કરીને થાય છે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે પ્રથમ ગુરુ પાસે મુમુક્ષુ આવે ત્યારે વકતા જે ગુરુ તેને વિષે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિક જે શુભ અથવા અશુભની થયેલી અસર તથા શિષ્યની જે મંદ તીક્ષ્ણપણે રહેલી શ્રદ્ધાને લઈને નિશ્ચયમાં ભેદ પડે છે. માટે સારા દેશાદિક સેવવા અને વક જે ગુરુ પણ સુધા શાંત હોય તેનો અર્થ એ છે કે અંતઃશત્રુ રહિત હોય અને સમર્થ હોય તેવા ગુરુ થકી નિશ્ચય કરવો. કોઈક સંજોગોવશાત્કનિષ્ઠ નિશ્ચય થઈ ગયો હોય તો પણ જો પોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે અને ઉત્તમ દેશાદિકનું સેવન કરે તથા ઉત્કૃષ્ટ ગુરુ મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય છે અથવા અભ્યાસ કરતાં કરતાં જન્માંતરે ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે.