પ્રતિપાદિત વિષયઃ
સોનું અને સ્ત્રી અતિ બંધનકારી છે.
મુખ્ય મુદ્દા
૧.સોનું અને સ્ત્રી ગમે તેવા ધીરજવાનની ધીરજને ખતમ કરી દે છે.
ર.જેને પરમાત્માનો સાચો સેવક થવાની દૃઢ ઝંખના જાગે તે જ તે બેના બંધનથી મુકાઈ શકે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે શ્રીમદ્ભાગવતાદિ સત્શાસ્ત્ર છે તે સત્ય છે. એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતુ નથી. દા.ત.આ સમયે ગ્રહણ થશે તો તે સમયે જ થાય છે. કિંચિત્પણ ફેર નથી પડતો. તેવી જ રીતે તેમા કહ્યું છે કે સુવર્ણ વિશે કલિનો નિવાસ છે.
અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ ।
દ્યૂતં પાનં સ્ત્રિયઃ સૂના યત્રાધર્મશ્ચતુર્વિધઃ ।।
પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત્પ્રભુઃ ।
માટે મહારાજ કહે, તે અમને દીઠું પણ ગમતું નથી. મહારાજ કહે નિશ્ચય પણ જેને શાસ્ત્રોનો વિશ્વાસ હોય તેને થાય અને થયા પછી ટકે. શાસ્ત્ર જ પરમાત્માના પ્રથમ પરિચાયક છે. જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય એટલે આત્મા પરમાત્મામાં રસવાળો હોય તો પણ તેની દૃષ્ટિ તેના રૂપને વિષે તણાયા વિના રહે નહિ. માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. સોનું(ધન) વ્યવહારમાં અતિ ઉપયોગી થઈ હૃદયમાં લોભ ઉત્પન્ન કરીને બંધન ઊભું કરે છે. જ્યારે સ્ત્રી ભોગની કામના ઊભી કરીને મોહના ફંદામા નાખી બંધન ઊભું કરે છે. માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે.
મહારાજ કહે એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પોતાને બ્રહ્મરૂપ માનીને પરમાત્માની શુદ્ધ ભાવે ઉપાસના કરે અને પ્રકૃતિ અને તેનું કાર્યરૂપ જગત તેમા અતિ વૈરાગ્ય પામે. તેમાં દોષ દૃષ્ટિ અતિ દૃઢ કરે અને તેના પ્રસંગોથી દૂર રહે ત્યારે ન થાય, નહિ તો જરૂર બંધન થાય.