ગમ–ર૯ : ભગવાનમાં આસક્તિવાળાના લક્ષણોનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય તેનાં લક્ષણ.

મુખ્ય મુદ્દા        

૧.દેહાદિકની આસક્તિને ઉલ્લંઘીને ભગવાનમાં આસક્તિ કરવી.

ર.પરમાત્માના એકાંતિક સંતની સેવાથી ભગવાનમાં આસક્તિ થાય છે.

વિવેચન :–

આ વચનામૃત ભગવાનમાં અતિ આસક્તિનું છે. મહારાજ કહે કે જે ભક્તનું ચિત્ત ભગવાનની મૂર્તિને વિશે અતિ આસકત થયું હોય તેનાં આવાં લક્ષણ હોય જે પોતે માર્ગે ચાલી અતિશય થાકી ગયો હોય ને બેઠું થવાની શરીરમાં શકિત ન હોય અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય અથવા ગમે તેવી રાજ્ય સમૃદ્ધિએ કરીને અવરાઈ ગયો હોય તેવા સમયમાં ભગવાનની કથાવાર્તાનો પ્રસંગ નીસરે તો જાણે કોઈ જાતનું દુઃખ,પીડા કે આવરણ છે જ નહિ તેવો સાવધાન થઈને અતિશય તત્પર થઈ જાય. ત્યારે જાણીએ જે એને ભગવાનમાં દૃઢ આસક્તિ છે.

ભગવાનની કથાવાર્તાને અહીં મહારાજે ભગવાનના સ્વરૂપ તરીકે મૂકી છે. ખરેખર તો સ્વરૂપ ભગવાનની મૂર્તિ જ છે પણ કથાવાર્તા ભગવાનના સ્વરૂપ તથા મહિમાનો પ્રકાશ કરનારી હોવાથી સ્વરૂપનાં બીજાં પાસાંઓમાં સૌથી મુખ્ય હોવાથી કથાવાર્તામાં આસક્તિ થઈ એટલે સ્વરૂપમાં આસક્તિ થઈ જ જાય છે. માટે મહારાજે કથાવાર્તાને સ્વરૂપ માનીને જ વાર્તા કરી છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે ભગવાનમાં આસક્તિ શાના આધારે માપી શકાય છે ? એ ભક્ત કથાવાર્તામાં કેટલો સમય ખર્ચે છે તેના ઉપર થી કે પછી..? એક વસ્તુ તો નક્કી જ છે કે જેને જેમાં આસક્તિ હોય તે બીજામાં સમય ઓછો ખર્ચીને વધારેમાં વધારે પોતાના આસક્તિ સ્થાનમાં ખર્ચે.

કોઈ ભક્ત આખો દિવસ કથાવાર્તા જ સાંભળ્યા કરે છે અથવા સંભળાવ્યા જ કરે છે. બીજો ભક્ત છે તે આ ભક્તના જેટલો કથાવાર્તામાં સમય ખર્ચતો નથી ભગવાન રાજી થાય તેવી અન્ય ક્રિયા–સેવા વગેરે કરે છે. કથાવાર્તામાં મર્યાદિત સમય આપે છે. તો આ વચનામૃતના આધારે પરમાત્માના સ્વરૂપમાં કોની વધારે આસક્તિ કહેવાય ?

જો આપણે એમ કહેશું કે કથાવાર્તામાં ઝાઝો સમય ખર્ચે છે તેની જ તો. મહારાજે ચોખ્ખું લખ્યું છે. ત્યારે બાધ એ આવે છે કે આપણાં જે નંદસંતો મુકતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો કદાચને અત્યારના ભક્તો જેટલો સમય કથાવાર્તામાં ખર્ચી નહિ શકતા હોય. કારણ કે ત્યારની પરિસ્થિતિની આપણે કલ્પના કરી શકીએ છીએ કે એ પરિસ્થિતિમાં અત્યારની સરખામણીમાં શકય ન બની શકે. પ્રથમ તો રહેવા, બેસવા કે સામા બેસનારાની સુલભતા ન હતી. એથી આપણે એમ તો નહીં કહી શકીએ કે અત્યારે જે ભક્તો છે તેની સરખામણીમાં તેઓ કમ હતા. એમ તો કોઈ પણ શુદ્ધ દિલ કબૂલ ન કરે. તો પછી મહારાજ કયા મુદ્દા ઉપર વધારે ભાર દેવા માગે છે ? કઈ વસ્તુ સ્પષ્ટ કરાવવા માગે છે ?

તો મહારાજ આ વચનામૃત દ્વારા એ કહેવા માગે છે કે અતિ થાક, તીવ્ર વેગ, પીડા, હડહડતું અપમાન, સમૃદ્ધિ વગેરેમાં આસક્તિ તે દેહાસકિત કે જગતની આસક્તિનાં સ્થાનો છે. જ્યારે પરમાત્માની આસક્તિ કરાવનારું સ્થાન છે ભગવાનની કથાવાર્તા. આ બંનેનું જ્યારે સામસામે–ઘર્ષણ ઊભું થાય ત્યારે કોના ભોગે કોની સિદ્ધિ થાય છે, તેને આધારે અતિ આસક્તિનું કેન્દ્ર નક્કી થાય છે. નહિ તો આપણે ભગવાનમાં સામાન્ય હેત છે ને કથામાં પણ હેત છે અને અનુકૂળતા હોય તો કથા સાંભળ્યા પણ કરીએ. એટલે કથા સાંભળે તે કમ છે એવું પણ નથી. પણ અતિ આસક્તિનું લક્ષણ કયું છે ? તે જાણવું હોય તો તેમા વિચાર માગી લે છે. જગતની ને દેહની આસક્તિના સ્થાનોને અતિલંઘન કરીને જ્યારે પ્રવર્તાય ત્યારે જ ભગવાનમાં અતિ આસક્તિ થઈ કહેવાય. સામાન્ય કાળમાં જે કરીએ તે સમયગુજારો કહેવાય. તે પણ ખોટો છે એવું નથી. તે પણ આસક્તિને કરાવનારો જ છે. જો સાચા ભાવમાં થાય તો.

અતિ થાકી ગયો હોય ને બેઠા થવાની શકિત ન હોય એ દેહાસકિતનું સ્થાન છે. તેને પાર કરીને પેલામાં જવાનું છે. ત્યારે તો દેહ કરતાં વધારે આસક્તિ ભગવાનમાં હોય તો જ થઈ શકે. નહિ તો તત્પરતા ન રહે.

જ્યારે રોગપીડા દેહ અને મન બંનેને વ્યથિત કરનારી છે.

અપમાનમાત્ર મનને ક્ષુબ્ધ કરનાર છે.

જ્યારે રાજ્ય સમૃદ્ધિ કે કોઈ પણ સત્તા કે વૈભવ પોતાના જીવની આસક્તિનું સ્થાન છે. આ આસક્તિ સ્થાનનો ભોગ દઈને જ્યારે પરમાત્માની આસક્તિ સાબિત થાય ત્યારે જ ભગવાનમાં અતિ આસક્તિ થઈ જાણવી. આ વિધ્નોની ગેરહાજરીમાં ભગવાનમાં આસક્તિ સાબિત કરી દેનારા તો આપણે ઘણા બધા છીએ. પેલા વિધ્નોની વાટ જોયા વિના હમણાં જ અતિ આસક્તિ છે એવું સાબિત કરી દઈએ પણ તે સાચા અર્થમાં અતિ આસક્તિ નથી. તે ખરે સમયે પાર ન ઉતરે.

આસક્તિમાં એક જાતનો વેગ હોય છે. તેને લઈને તેમાં એક પ્રકારની સામર્થી ઊભી થાય છે જે મોટા મોટા વિધ્નો પણ પાર કરીને લક્ષ્ય સુધી પહોંચાડે છે. પછી તે ભલે નિર્બળ પાત્ર દેખાતું હોય. ગોપીઓ, મીરાંબાઈ, ઝમકુબાઈ, પ્રહ્‌લાદ, ધ્રુવ, કચ્છના મૂળજી–કૃષ્ણજી, હેમરાજશાહ વગેરે અનેક ભક્તોના દૃષ્ટાંતથી ઈતિહાસમાં એેક વસ્તુ સ્પષ્ટ તરી આવે છે કે એની શકિતએ એને એ સ્થાને પહોચાડયા એવું નથી પણ એના હૃદયની પરમાત્મા તરફની અતિ આસક્તિએ એને લક્ષ્ય સુધી પહોંચાડયા હતા.

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું કે ભગવાનને વિશે એવી દૃઢ આસક્તિ શેના થકી થાય છે ? ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને એવી આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે તો તેને એવી આસક્તિ થાય છે.

પ્રબળ વિધ્નોનો નાશ કરનારી વચનામૃતામાં વર્ણવેલી અચળ પ્રીતિ બે પ્રકારે થાય છે. એક તો પૂર્વસંસ્કારે કરીને. બીજી, એવા સંત હોય જેને ભગવાનમાં એવી આસક્તિ હોય તેના રાજીપાથી. તેમના રાજીપાથી પોતાના જીવમાં એક પ્રકારની શકિત આવે છે. જેથી પ્રબળ વિધ્નો પાર કરીને મહારાજમાં અતિ આસક્તિ કરી શકે છે. એ બે જ તેને પામવાના ઉપાયો છે.