ગી.અ-06, શ્લોક 33 to 36

મનના નિગ્રહનો વિષય

અર્જુન બોલ્યા

योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्‌ स्थितिं स्थिराम्‌।।३३।।

અર્થઃ હે મધુસૂદન ! જે આ યોગ સમભાવરૂપે આપે કહ્યો, એની સ્થિતિ (મનની) ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી.

હવે અર્જુન પ્રથમ ભગવાને જે સમતારૂપ યોગ કહ્યો તેને વિશદરૂપે જાણવા માટે ફરીવાર પ્રશ્ન કરે છે કે, હે મધુસૂદન ! અત્યાર સુધી અનાદિ કાળથી અને વાસનાથી ભેદ દૃષ્ટિથી જોતાં એવા સાધકોને તમોએ જે યોગ કહ્યો તે પ્રમાણે અનુભવી શકાય એવું હું જોતો નથી. તમે તો સર્વજ્ઞ ભગવાન છો, માટે કહો છો પણ અજીત મનવાળો હું તે મારાથી શક્ય દેખાતું નથી. કારણ કે મન અતિ ચંચલ છે. જે સતત વિષયોનું અભ્યાસી છે, છતાં જગતના પણ કોઈ એક વિષમયાં સ્થિર રહેતું નથી.

चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवत्‌ दृढम्‌।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्‌।।३४।।

અર્થઃ કેમ કે હે કૃષ્ણ ! મન ચંચળ,વિહ્વળ કરનાર, બળવાન અને દૃઢ છે; તેનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું.

આ મન એવું ચંચળ હોવાથી સાધકથી એક સ્થાને સ્થાપવું અશક્ય છે. પુરુષને જબરજસ્તીથી વ્યાકુળ બનાવીને દૃઢપણે અન્યત્ર ચાલ્યું જાય છે. જગતના અભ્યસ્ત વિષયોમાં પણ ચંચળતા ધરાવતા મનનો નિગ્રહ આત્મસ્વરૂપમાં કે પરમાત્માના સ્વરૂપમાં કરવો તે વિરુદ્ધ ગતિમાં વહેતા પ્રચંડ વાયુપ્રવાહને વીંજણો લઈને રોકવા જેવું દુષ્કર છે. મનનો નિગ્રહ-દુષ્કર કહેવાનો અર્જુનનો હેતુ-ભગવાનની વાતને ઉડાડી દેવાનો કે પોતાની નાદારી બતાવવાનો નથી; પરંતુ જેવું મન પ્રબળ છે એવો જ તેને નિગ્રહ કરવાનો પ્રબળ ઉપાય આપ ભગવાન બતાવો એવો અભિપ્રાય છે.

ભગવાને ‘કામ’ (કામના) ન રહેવાના પાંચ સ્થાન બતાવ્યાં છે. ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, વિષય અને પોતે (જીવ) (૩/૪૦, ૩/૩૪, ૨/૫૯) વાસ્તવમાં કામ પોતામાં અર્થાત્‌ જડ્‌ચિદ્દ ગ્રંથિમાં રહ્યો છે. ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, વિષયોમાં તેની પ્રતીતિ થાય છે. કામ જ્યાં સુધી પોતાનામાંથી (જીવમાંથી) નિવૃત્ત નથી થતો,ત્યાં સુધી સમયે સમયે આ કામ ઈન્દ્રિયો વગેરેમાં પ્રતીત થતો રહે છે; પરંતુ જ્યારે જીવમાંથી નિવૃત્ત થઈ જાય છે (रसोप्यस्य परं दृष्टवा निवर्तते) ત્યારે ઈન્દ્રિયો વગેરેમાં પણ તે નથી રહેતો. આથી પ્રતીત થાય છે કે જ્યાં સુધી જીવમાં કામના છે, ત્યાં સુધી મન સાધકને વ્યથિત કરતું રહે છે. તેથી સાધકને હેરાન-પરેશાન કરવામાં ઘણું સમર્થ હોવાથી અહીં મનને ‘પ્રમાથી’ બતાવવામાં આવ્યું છે અને એવી જ રીતે જીવમાં રહેલી કામના જ્યારે ઈન્દ્રિયોમાં આવે છે ત્યારે ઈન્દ્રિયો સાધકના મન અને સાધક બન્નેને વ્યથિત કરતી રહે છે. તેથી બીજા અધ્યાયના સાઠમા શ્લોકમાં ઈન્દ્રિયોને પણ પ્રમાથી બતાવવામાં આવી છે. इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन:। આથી તાત્પર્ય એ થયું કે કામના જ્યારે મન, ઈન્દ્રિયોમાં આવે છે, ત્યારે તે સાધકને વ્યથિત કરી દે છે. એકલા જીવમાં પડી હોય તો પણ જીવને એમ ને એમ વ્યથિત કરી દેનારી છે. જેથી સાધક પોતાની ઉપર કાબૂ નથી રાખી શકતો.

એ કામ પોતામાં રહેવાને કારણે મનનું પદાર્થો પ્રત્યે ગાઢ ખેંચાણ રહે છે. એનાથી મન કોઈ પણ રીતે તેઓની તરફ જવાનું છોડતું નથી. (निग्रह: किं करिष्यति ૩/૩૩) અને હક કરીને બેસી જાય છે. પછી તે બળવાનમાં ઉપદ્રવી થઈ જાય છે અને નિર્બળમાં નીંભર થઈને બેસી જાય છે. એવા અર્થમાં તેને દૃઢ કહ્યું છે. મનનું આવું વર્તન કોઈ વાતે દૂર થનારું હોતું નથી. માટે બળવાન કહ્યું છે. જે સાધકને જબરજસ્તીથી વિષયોમાં લઈ જાય છે. મનમાં આવી પ્રમથનશીલતા, દૃઢતા અને બળવત્તા ત્યાં સુધી રહે છે જ્યાં સુધી જીવ પોતામાંથી કામને સર્વથા કાઢી નથી નાખતો. જ્યારે સાધક જીવમાંથી જ કામનારહિત થઈ જાય છે અથવા પરમાત્માની વિશુદ્ધ કામનાવાળો બની જાય છે, ત્યારે તેમના ઉપર મનની પ્રમથનશીલતા, દૃઢતા કે બળવત્તાની કોઈ અસર થતી નથી અને મનની ચંચળતા પણ આપોઆપ દૂર થાય છે અથવા તે ચંચળતા તેને હરકત કરનારી બનતી નથી.

શ્રીભગવાન બોલ્યા

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्‌।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।।३५।।

અર્થઃ હે મહાબાહો ! ચંચળ મનને વશ કરવું એ અત્યંત કઠણ છે એમાં શંકા જ નથી; પરંતુ હે કૌંતેય ! સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય.

महाबाहो સંબોધનનું તાત્પર્ય શૂરવીરતા બતાવવાનું છે અર્થાત્‌ અભ્યાસ કરતા કંટાળવું નહિ જોઈએ. પોતાનામાં ધૈર્યપૂર્વક તેની જ શૂરવીરતા રાખવી જોઈએ. ભગવાન અહીં અર્જુનને ધીરજ આપે છે. તેની વાતનો અર્ધાંગીકાર કરે છે. ભગવાન કહે છે, અર્જુન ! સાચી વાત છે કે મનોનિગ્રહ દુષ્કર છે પણ અશક્ય નથી. એટલા માટે અર્જુનની માન્યતા પોતાની માન્યતાની (વસ્તુ સ્થિતિની) વિલક્ષણતા બતાવવા શ્લોકમાં ‘तु’ શબ્દ લખ્યો છે. ભગવાન કહે છે, દુષ્કર જરૂર છે પણ અશક્ય નથી. તેનો નિગ્રહ જરૂર કરી શકાય છે. અર્જુનના પ્રશ્નમાં અશક્યતાનો ઈશારો છે. ભગવાન તેનો અંગીકાર કરતા નથી. અર્જુન કહે છે ‘वायोरिव सुदुष्करम्‌’ ત્યારે ભગવાન કહે છે शक्योऽवाप्तुमुपायत: શક્ય છે. મનની ચંચળતા છે તે ભગવાનને પણ માન્ય છે.

अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।

અહીં ભગવાન સંબોધનમાં ‘कौन्तेय’ શબ્દ વાપરીને કુન્તી માતાની યાદ અપાવે છે. સતી કુંતાજી બહુ જ વિવેકી, ધૈર્યવાન અને ભોગોથી વૈરાગ્યવાળાં હતાં. તેમણે જીવનમાં અનેક ઝંઝાવાતો જોયા હતા ને સહન કર્યા હતા; છતાં પણ કુંતાજીએ તેનાથી નહિ થાકીને કૃષ્ણ પાસે ‘વિપત્તિ અમને આવે’ એવું વરદાન માગ્યું હતું. અંતરના સાચા વૈરાગ્ય વિના એવું વરદાન કોઈ માગી ન શકે. એવું વરદાન માગવાવાળા ઈતિહાસમાં કોઈક જ વિરલા હશે. તેથી ભગવાન અર્જુનને તેની મહા વૈરાગ્યવતી અને પુરુષાર્થવતી માતા કુંતીની યાદી આપીને ઈશારો કરે છે. અર્જુન, તારે પણ પરમાત્માને માર્ગે વૈરાગ્ય રાખીને અભ્યાસ કરવાનો છે. હિંમત હારી જઈને થાકી જવાનું નથી.

મનને વારંવાર ‘ધ્યેય’માં લગાડવાને ‘અભ્યાસ’ કહેવામાં આવે છે આ અભ્યાસ દીર્ધકાલીન હોવો જોઈએ. જ્યારે ઉત્સાહનો ઊભરો આવ્યો ને થોડા કૂદકા મારી લીધા એનાથી કામ થતું નથી.

નિરંતર થવો જોઈએ. થોડા દિવસ કરીને પછી સંકેલીને મૂકી દેવાથી કોઈ પરિણામ આવતું નથી. વળી તે અભ્યાસ અંતરના રસપૂર્વક (મહિમાપૂર્વક) થવો જોઈએ. જો અભ્યાસ લાંબો સમય અને નિરંતર હોય પણ રસ વગર ને શુષ્ક મનથી કરવામાં આવે તો પરિણામ આવતું નથી. સાથે સાથે ઈતરવસ્તુ પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે, તેનાથી મનને પાછું વાળવાનું છે. એવી રીતે કરવું તે મનોનિગ્રહનો અને આત્મયોગ કે પરમાત્માયોગ સિદ્ધ કરવાનો ઉપાય છે.

મનને નિગ્રહ કરવાના અનેક ઉપાયો વચનામૃત જેવા સદ્‌ગ્રંથોમાં તથા યોગસૂત્રોમાં બતાવ્યા છે. પોતાના અંગ પ્રમાણે ગ્રહણ કરીને તેનો અભ્યાસ કરવો તે વધુ મહત્ત્વનું છે. તે ઉપરાંત સંતોએ બતાવેલ એક ઉપાય સરસ છે. જે સાધકના ઉપયોગમાં જલ્દી આવે એવો જાણી અભ્યાસ કરવા અહીં ઉલ્લેખ કરીએ છીએ.

ભગવાન મારી સામે ઊભા છે અથવા મારા હૃદયમાં બિરાજમાન છે, એવું સમજીને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. ભગવાનના જમણા પગની પાંચ આંગળી પર મનથી જ પાંચ નામ લખી દેવાં. આંગળીઓના ઉપરનો ભાગ છે, તેના ઉપર લંબાઈમાં એક એક પર્વે ત્રણ નામ લખી દેવાં. ચરણની પીંડીનો આરંભ છે, ત્યાં બે નામોના કડાં (ઝાંઝર) બનાવી દેવાં પછી પીંડી ઉપર લંબાઈમાં ત્રણ નામો લખી દેવાં. ઘૂંટણોની ઉપર અને નીચે એક એક નામનું ગોળ કડું બનાવી દેવું, અર્થાત્‌ ગોળાકાર નામ લખી દેવું, ઉરુ (જાંધ) ઉપર લંબાઈમાં ત્રણ નામ લખી દેવાં. કમરમાં બન્ને બાજુ બે નામોનો કંદોરો બનાવી દેવો. ત્રણ નામો પાંસળી ઉપર લખી દેવા. બે નામો ખભા ઉપર અને ત્રણ નામો ભુજા ઉપર (કોણીથી ઉપરનો હાથનો ભાગ) લખી દેવાં. કોણીથી ઉપર અને નીચે બે-બે નામોનું કડંુ બનાવી દેવું. પછી ત્રણ નામો કોણીની નીચે ને પોંચાની ઉપરના ભાગમાં લખી દેવાં. પાંચેયમાં બે નામોનું કડું બનાવી દેવું તથા પાંચ આંગળીઓ ઉપર પાંચ નામો લખી દેવાં. ગળામાં ચાર નામોનો હાર પહેરાવવો. કાનમાં બે નામોનાં કુંડળ પહેરાવવાં. છ નામોથી મુગુટ બનાવી દેવો.

તાત્પર્ય એ થયું કે ભગવાનના જમણા અંગમાં ચરણથી લઈને મુકુટ સુધી ચોપન નામો અથવા મંત્રો આવવાં જોઈએ અને ડાબા અંગમાં મુકુટુથી લઈને ચરણ સુધી ચોપન નામો અથવા મંત્રો આવવાં જોઈએ અથવા પોતાની રીતે ભગવાનના શ્રીઅંગમાં નખથી માડીને શિખાપર્યંત ૧૦૮ નામો-મંત્રો આવવાં જોઈએ. આનાથી સાધક ધ્યાન અને મંત્ર જપ બન્ને સાથે કરી શકે છે. આવી રીતે સાધક મૂર્તિના ધ્યાન માટે અને નામ જપ માટે પોતાની રીતે પણ સમય, ક્રિયા કે અનુકૂળતા પ્રમાણે ગોઠવી મૂર્તિનો ‘અભ્યાસ’ કરી શકે છે. આવો અભ્યાસ સાધક પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચારી શકે છે. કોઈ ક્રિયા કે કોઈ ચેષ્ટાઓને આધારે પણ કરી શકે છે.

સાથે સાથે સંસારના વિષયો, ભોગો, માન-બડાઈ વિગેરેથી મનને પાછું વાળવું. તે તરફ વૈરાગ્ય કેળવવો. તો જ સાચા સ્વરૂપથી અભ્યાસ થઈ શકે. જ્યાં સુધી પ્રબળ રાગની હાજરી હોવાની ત્યાં સુધી કરેલો અભ્યાસ પણ નિષ્ફળ જાય છે. જેનાં ઉદાહરણો શાસ્ત્રોમાં અનેક જોવા મળે છે. માટે અભ્યાસ અને વૈરાગ્યની સહાયથી મનને વશ કરી શકાય છે.

असंयतात्मना योगो दुष्प्राप इति मे मति:।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत:।।३६।।

અર્થઃ જેણે મન વશ કર્યું નથી, તેને યોગ દુર્લભ છે પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો (મનુષ્ય) ઉપાયથી (તેને) પ્રાપ્ત કરી શકે છે, એવું મારું માનવું છે.

ભગવાન કહે છે કે, મારા મતે તો જેનું મન વશમાં નથી તેના દ્વારા યોગ સિદ્ધ થવો કઠિન છે. કારણ કે યોગની સિદ્ધિમાં મનનું વશમાં ન હોવું જેટલું બાધક છે, એટલી મનની ચંચળતા બાધક નથી. મનને વશ કરવું અને મનને એકાગ્ર કરવું તેમાં થોડો તફાવત રહેશે. જે સાધકની દૃષ્ટિમાં હોવો જરૂરી છે. જેમ પતિવ્રતા સ્ત્રી છે, તે મનને વશમાં તો રાખે છે; છતાં પણ એનો અર્થ એમ ન કરી શકાય કે તે આખો દિવસ કે સારો સમય પોતાના પતિમાં એકાગ્ર રહે છે. તે બીજાં પણ કાર્યો કરે છે. તેનું મન બીજાં કાર્યોમાં પણ પરોવાય છે. જે કાર્યો પતિની સેવારૂપમાં હોય. એટલું જરૂર કે તેની કોઈ ચેષ્ટાઓ બીજા પુરુષને કેન્દ્રમાં રાખીને હોતી નથી. જે કાંઈ ચેષ્ટાઓ છે તે પોતાના પતિને કેન્દ્રમાં રાખીને કરતી હોય છે. તેથી તેનું મન વશ થયું ગણાશે. છતાં એકાગ્ર છે કે કેમ ? તે આગળની વાત છે. મનને વશ થવામાં એટલી જ જરૂરત રહે છે કે, મન ધ્યેય કેન્દ્રિત રહે. ધ્યેયકેન્દ્રના પરિઘથી કયારેય બહાર ન જાય, વિરુદ્ધ ન જાય. જ્યારે એકાગ્ર તેને કહેવાશે કે તે કેન્દ્રથી જ ચલિત ન થાય. કેન્દ્રથી જ બહાર ન જાય.

આ કર્મયોગ પ્રકરણ છે. તેમાં મન વશ થવું વધારે જરૂર છે. જ્યારે ફકત ધ્યાન યોગ જ હોય તો મન એકાગ્ર, કેન્દ્રિત થવું વધારે જરૂરી બની રહે છે. વાસ્તવમાં સાધકને અને ખાસ કરીને નિષ્કામ કર્મયોગ કે સેવાયોગના સાધકને મનને એક કેન્દ્રમાં નિગ્રહ કરવો એટલું બધું જરૂરી નથી, જેટલું મનને વશ કરવું (કેન્દ્રની પરિધિમાં રાખવું) જરૂરી છે. મન વશ થવામાં તેનું લક્ષ્ય જેટલું પવિત્રપણે, પ્રામાણિકપણે અને દૃઢતાથી પકડાય ત્યારે મન ભલે કેન્દ્રિત ન થાય પણ વશ તો જરૂર થઈ જાય છે. તે કેન્દ્રથી બહાર ભલે જાય પણ તેના પરિઘથી બહાર કદાપિ જશે નહિ. જો અંતરની પ્રામાણિકતાથી ધ્યેય નક્કી કર્યું હશે તો મન જેટલું પરમાત્મામાં અને એવા મન જીતેલા શુદ્ધ પુરુષોમાં નિષ્ઠા કરવાથી જલદી જીતાય છે. તેટલું મનને જીતવાની કવાયત કરવાથી પણ જીતાતું નથી અને શુદ્ધ પણ થતું નથી. મનની શુદ્ધતા તેના આંતર ઈરાદા ઉપર અવલંબે છે. તે જેટલો પરમાત્મ કેન્દ્રિત બને તેટલું મન શુદ્ધ થાય છે અને તત્કાળ વશ થાય છે. પછી તેને કેન્દ્રિત કરવાનો ઉપાય કરવામાં આવે તો તે જલ્દી ફળીભૂત થાય છે.

ભગવાને આગળ ઓગણત્રીસથી બત્રીસ શ્લોક સુધી ચાર શ્લોકમાં ચાર પ્રકારના યોગની પક્વતાની સ્થિતિ બતાવી છે. તેમાં એકત્રીસમા શ્લોકમાં-‘सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थित:।’ શબ્દોથી જે વાત બતાવી છે, તેમાં મુખ્ય બાધા-ભગવદ્‌ બુદ્ધિ ન હોવી. ભગવાનના ભક્તમાં પણ ભગવદ્‌ બુદ્ધિ ન થવી, તે છે. ‘आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।’ (૬/૩૨) શબ્દોથી જે વાત બતાવી છે. તેમાં મુખ્ય મુશ્કેલી પોતાના હૃદયમાં પડેલા રાગ-દ્વેષ છે. નાટકીય સાધકો જો એવી રીતે સમબુદ્ધિ કરે તો હૃદયમાં પડેલા રાગદ્વેષનો ઉપયોગ કયાં કરવો તે મોટી મૂંઝવણ છે, એ મુખ્ય મુશ્કેલી છે. અહીં અર્જુને ભૂલથી એ સ્થિતિમાં બાધક મનની ચંચળતાને માની લીધી અને પકડી લીધી. વાસ્તવમાં મનની ચંચળતા એટલી બાધક નથી; પરંતુ ભગવદ્‌ બુદ્ધિ ન થવી (ભગવાનના ભક્તોમાં પણ) અને રાગ દ્વેષ થઈ જવા એ બાધક બને છે. જ્યાં સુધી રાગદ્વેષ હૃદયમાં પડયા છે ત્યાં સુધી તેનો અંતર ઈરાદો કયારેય વિશુદ્ધ થઈ શકતો નથી. તે પવિત્ર ધ્યેય બોલવામાં બતાવી શકે છે પણ હૃદયમાં સ્થિર કરી શકતો નથી. સર્વત્ર ભગવદ્‌ બુદ્ધિ તો ઠીક પણ ભગવાનના ભક્તોમાં પણ ભગવદ્‌ બુદ્ધિ કરી શકતો નથી. ત્યાં સુધી રાગદ્વેષની હાજરીમાં મનને વશ કરવું મુશ્કેલ બની રહે છે. ભગવાને અહીં असंयतात्मना અને वश्यात्म શબ્દો વાપર્યા છે પણ ‘એકાગ્ર અને વિક્ષિપ્ત મન’ એ શબ્દો વાપર્યા નથી.

ભગવાન કહે છે, वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत: જે તત્પરતાપૂર્વક સાધનામાં-નિષ્કામ સેવાયોગમાં લાગી જાય છે, તે ઉપયોગી એવો આહાર-વિહાર, સૂવું, જાગવું વગેરે ઉપાયોનો અને નિયમોનું નિયમિત રીતે અને દૃઢતાપૂર્વક પાલન કરે છે. જેનું મન વશમાં છે તે યોગની સિદ્ધિ મેળવી શકે છે, એવો મારો મત છે. અર્જુને મુશ્કેલી બતાવતાં ભગવાનને કહ્યું કે, एतस्याहं न पश्यामि चञ्चलत्वात्‌ स्थिरां स्थितिम्‌। તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत:इति मे मति:। ભગવાન કહે છે કે, હું એમ માનું છું કે ઉપાયથી તે યોગને પામી શકાય છે અને તેના ઉપાય તરીકે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। અભ્યાસ અને વૈરાગ્ય તેના ઉપાયો બતાવ્યા છે. તેમાં પણ ધ્યેયમાં જોડાવા, અભ્યાસ અને જગતથી સંબંધ વિચ્છેદ થવા માટે વૈરાગ્ય ઉપયોગી હોય છે. વસ્તુતાએ તો ભગવાનનો આશય કહો કે સિદ્ધાંત કહો તે એમ છે કે મનને વશ કરવાનો તથા યોગને-પરમાત્માને પામવાનો મુખ્ય ઉપાય નિષ્કામ કર્મયોગ-નિષ્કામ સેવાયોગ છે. અભ્યાસ-વૈરાગ્ય તેના સહાયક ઉપકરણો છે. (रा.भा. उपायतस्तु वश्यात्मा पूर्वोक्तेन मदाराधनरुपेण अन्तर्गतज्ञानेन कर्मणा जितमनसा यतमानेन अयमेव समदर्शनरुपो (भगवद्‌दर्शनरुपो) योगो अवाप्तुम्‌ शक्य:। ता.चं.- (નિષ્કામ કર્મયોગ) मनो निग्रहोपाय: अभ्यासवैराग्ये तु तस्यैवाङ्गतया उक्ते इति भाव:। તેથી એક માત્ર વિશુદ્ધ ઈરાદાથી નિષ્કામ સેવાયોગ કરે તો ભગવાનને પામવા ને પ્રસન્ન કરવા પૂરતું ધ્યાન બની રહે, એવો મારો મત છે. એવો ભગવાનનો અભિપ્રાય છે. અભ્યાસ વૈરાગ્ય તેની ત્વરિત ગતિ લાવે છે અને રસ્તાની દૃઢતા લાવે છે.

યોગસિદ્ધિમાં અર્જુને મનની ચંચળતાને બાધક માની અને તેને રોકવાનું વાયુને રોકવાની જેમ અસંભવ બતાવ્યું. તેના સમાધાનમાં ભગવાને મનના નિગ્રહ માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બને ઉપાયો બતાવ્યા. આ બન્નેમાં પણ ધ્યાનયોગીને માટે ‘અભ્યાસ’ મુખ્ય છે. (૬/૨૬) ‘વૈરાગ્ય’ જ્ઞાનયોગીને માટે વિશેષ ઉપયોગી છે. યોગસૂત્રોના પ્રારંભમાં પ્રથમ યોગ જે બતાવ્યો છે, તે વૈરાગ્યના આધારે ‘જ્ઞાનયોગ’ બતાવ્યો છે. સાધક તેમાં સક્ષમ બની જાય તો અષ્ટાંગ યોગ સાધવાની મહેનત કરવાની જરૂર નથી. શ્રીજી મહારાજ વચ.ગ.પ્ર.પ્ર. ૨૫માં કહે છે કે, જો ચિત્ત નિર્વાસનિક (વૈરાગ્યવંત) થઈને ભગવાનને વિષે જોડાય છે, જ્યારે ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી, તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો છે. વળી વૈરાગ્ય ધ્યાનયોગમાં સહાયક છે તો પણ ધ્યાનયોગમાં રાગ રહેવા છતાં પણ મનને રોકી શકાય છે. જો એમ કહેવામાં આવે કે રાગની હાજરીમાં મન નથી રોકાતું તો એક આફત આવે છે. પાતંજલ યોગદર્શન અનુસાર ચિત્તવૃત્તિઓનો નિરોધ અભ્યાસથી જ થઈ શકે છે.