વ–૦પ : ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

પ્રતિપાદિત વિષયઃ

દૃઢ આશ્રયનું સ્વરૂપ.

મુખ્ય મુદ્દાઃ

૧.જે કાંઈ ઈચ્છે તે ભગવાન થકી ઈચ્છે બીજા થકી નહિ.

ર.આશ્રયમાં ઢીલાશ હોય તે ભક્તનો ઘસારો ખમી ન શકે.

૩.ઉત્તમ ભક્તની ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન સરખી માનસી પૂજા કરવાથી સો જન્મે ઉત્તમ થવાનો હોય તો આ જ જન્મે ઉત્તમ થાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે આજ્ઞા કરી કે વાંકડા વાંકડા પ્રશ્ન કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેવો જ પ્રશ્ન પૂછયો જે, દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા । મામૈવ યે પ્રપદ્યન્તે માયામેતામ્‌તરન્તિ તે ।। એ શ્લોકમાં કહ્યું છે કે જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમય માયા તેને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે. તેને માયા વિના કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે. આવો જ એક વાતનો પ્રંસંગ વચ.લો.૧૦મા આવ્યો છે. ત્યાં મહારાજ વાત કરે છે કે ભગવાનના દૃઢ ભક્તને માયા અતિશય સુખદાયી છે. માયાના કાર્યરૂપ ઈન્દ્રિયો અંતઃકરણ એ સર્વે ભગવાનની ભક્તિને અતિશય પુષ્ટ કરી આપે છે. ત્યારે પણ સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીએ મહારાજને આ જ વસ્તુ પૂછી કે હે મહારાજ પરમેશ્વરનો ભક્ત ભગવાનની મૂર્તિને ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા સંકલ્પ વિકલ્પ કરીને દુઃખ કેમ આપે છે ? ત્યારે મહારાજ કહે છે કે તે ભક્તના આશ્રયમાં કાંઈક કાચ્યપ છે. જો દૃઢ આશ્રયવાળો ભક્ત હોય તો માયા દુઃખ દઈ શકતી નથી.

અહીં મહારાજ એમ ઉત્તર કરે છે કે ભગવાનનો દૃઢ આશ્રય થયા પછી પણ જ્યાં સુધી પ્રારબ્ધના આધારે વર્તમાન શરીર છે ત્યાં સુધી માયાના કાર્યરૂપ ઈન્દ્રિયો, અંતઃકરણ રહેવાના અને તેની મર્યાદાઓ પણ રહેવાની. પૂર્વે જે જે ભક્તો થઈ ગયા છે તેમાં પણ તે હતા; પરંતુ જે ભક્તને પરિપૂર્ણ નિશ્ચય હોય જે એ ભગવાનને વિષે કોઈ માયિક ભાવ નથી અને ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તેથી પર છે. એવો દૃઢ નિશ્ચય હોય તે ભગવાનની માયાને તરી ચૂકયો છે. પોતામાં તો માયાનું કાર્ય ઈન્દ્રિયાદિક પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે. તો પણ એ માયાને તર્યો કહેવાય.

વળી બ્રહ્માદિક દેવ, વશિષ્ઠ, પરાશર આદિક ૠષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તો શું તે મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત જ છે ને સર્વે માયાને તર્યા કહેવાય. જો એમ ન માનીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય જ નહિ. એટલે કે ભગવાનનું તે વાકય ખોટું પડે પણ તે તો ખોટું પડે જ નહિ. મહારાજે વચ.લો.૪માં પણ એમ જ બતાવ્યું છે કે બ્રહ્મા જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળને પાર પામ્યા ન કહેવાય. એ કુતર્ક તે શું ? તો એ ભગવાન એમ કેમ કરતા હશે ? અને ભગવાનને એમ સમજે જે એ તો સમર્થ છે. તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એમ ભગવાનને નિર્દોષ, માયારહિત સમજે તો તે માયાને તર્યો કહેવાય. માટે પરમાત્માને વિષે માયાનો કોઈ ભાગ નથી. એવી દૃઢ માન્યતા થવી એ જ માયા સંતરણ છે.

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે ? ત્યારે મહારાજે ગીતાનો શ્લોક કહીને આશ્રયનું રૂપ સમજાવ્યું કે…

સર્વધર્માન્‌પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ।।૧૮–૬૬।।

પોતાના દેહાભિમાનના કારણે શાસ્ત્રથી વિરુદ્ધ એવા પોતાની બુદ્ધિથી કલ્પિત સર્વ ધર્મો જે મારા અભિપ્રાયથી વિપરીત છે તેનો ત્યાગ કરીને, કર્મયોગાદિ કોઈ એક યોગનો આશ્રય લઈને મારે શરણે આવ. બીજા દેવોની ઉપાસના છોડીને મારો એકનો જ આશ્રય કર. હું તને સર્વ પાપો થકી છોડાવીશ. તું શોક ન કર.(ગોપાળાનંદસ્વામી ભાષ્યઃ૧૮–૬૬) એ શ્લોકમાં કહ્યા મુજબ ભગવાનના અનન્ય આશ્રયનું રૂપ છે. આશ્રયનું શાસ્ત્રમાં અનેક પ્રકારે નિરૂપણ કર્યું છે. જેમ કે…

વિશ્વાસો વરણં ન્યાસઃ કાર્પણ્યં ચ સ્થિરા મતિઃ ।

આનુકૂલ્યસંકલ્પઃ પ્રાતિકૂલ્ય વર્જનં, ષડ્‌વિદ્યા શરણાગતિઃ ।।

આમ ષડંગ શરણાગતિ કહી છે એ જ આશ્રય કહ્યો છે.

વળી…

આનુકૂલ્યસ્ય સંકલ્પઃ પ્રાતિકૂલ્યસ્ય વર્જનં ।
રક્ષિષ્યતીતિ વિશ્વાસો ગોતિૃંત્વ વરણં તથા ।।
આત્મનિક્ષેપકાર્પણ્યં ષડ્‌વિદ્યા શરણાગતિઃ।

આશ્રય થવાના આ છ અંગો કહ્યાં છે.

કૃતાનુકૂલ્ય સંકલ્પઃ પ્રતિકૂલ્યં વિવર્જયન્‌।
વિશ્વાસશાલી કૃપણઃ પ્રાર્થયન્‌રક્ષણં પ્રતિ ।।
આત્માનં નિક્ષિપતિ યદ્‌વિપ્રદેવસ્ય પાદયોઃ સા પ્રપત્તિઃ ।

અહીં અંગાંગીભાવ હોવાથી આત્મનિક્ષેપ–પોતાને પરમાત્માના ચરણમાં મૂકી દેવો એ અંગી છે. બીજાં અંગો છે. હે મહારાજ, તમે જ મારી કલ્યાણ પ્રાપ્તિના ઉપાય છો એવી આર્તભાવે હૃદયથી પ્રાર્થના કરવી તે શરણાગતિ છે અથવા આશ્રય છે.

અનન્યસાધ્યે સ્વાભીષ્ટે મહાવિશ્વાસપૂર્વકમ્‌।
તદેકોપાયતાયાઞ્ચા પ્રપત્તિઃ શરણાગતિઃ ।।

તેમાં તદેકોપાયતાયાઞ્ચા એ આશ્રયનું રૂપ છે. સાચા શરણાગતની આ નિશાની છે અથવા ટેક છે કે જે કાંઈ મારે જોઈએ છે તે તમારી પાસે જ માગીશ બીજા પાસે નહિ. બીજાનું દીધેલું મારે અગ્રાહૃા છે.

બ્રહ્માનંદ સ્વામીએ કહ્યુ કે…

જેમ ચાતક આંટી રાખે રે… સુણ બેની.

વિના સ્વાતિ નીર નવ ચાખે રે… સુણ બેની.

વળી લોકમાં કહેવત છે કે ‘નાગરથી ઉજળા એટલા કોઢિયા.’ તેમ ભગવાન કરતાં બીજા સારું આપે તો પણ તે કલંક છે. કપાળનો કોઢ છે. તેમ માનનારો હોય છે. આશ્રયમાં નિષ્કામતા જ હોવી જોઈએ એવું સજ્જડ બંધન નથી. પૂર્વના ભક્તોએ સકામ નિષ્કામ માંગણીઓ તો કરી જ છે પણ એક જડતા કહો કે પછી સજ્જડતા. ઈષ્ટદેવ સિવાય બીજા પાસે નહિ એ દૃઢ આશ્રિતમાં ચોક્કસ જોવા મળે છે ને હોવું જોઈએ. ગીતામા સર્વધર્માન્‌… શ્લોકમા શરણં વ્રજ – મારે શરણે આવ તેમાં વિધિ કહ્યો છે.

જેમ બ્રાહ્મણને આજ્ઞા છે કે સ્નાત્વા ભુંજીત । સ્નાન કરીને ભોજન કરવું એવો વિધિ છે. તેમાં વિધિ ભાગ શું છે ? તો સ્નાત્વા–સ્નાન કરીને એ વિધિ ભાગ છે. ભોજન કરવું એ રાગ પ્રાપ્ત છે. તેમાં તો રાગ પ્રેરણા છે. કોઈ પ્રેરણા દેવાની જરૂર નથી, પણ રોકવાની જરૂર છે. તેમ અહી શરણં વ્રજ માં વિધિ ભાગ કયો છે ? પરમાત્માની આજ્ઞા ભાગ કયો છે ? તો સર્વ ધર્માન્‌પરિત્યજ્ય –તારા દેહાભિમાન અંગે ઉઠતા સર્વ અનુસંધાનો–પછી સ્થૂળ દેહ સંબંધી, સૂક્ષ્મ દેહ સંબંધી એટલે માનસિક ભાવો સંબંધી, યોગ્ય અયોગ્ય તથા કારણ દેહના ભાવો એ બધામાં તારું માન્યું હોય કે આટલું તો જોઈએ જ. આમ વ્યાજબી ગણાય. આવું તે કાંઈ ચાલે ? એ બધા દેહાભિમાન સંબંધી મનના માનેલા ધર્મોને છોડીને, તેનું બીજ સારી રીતે–બીજી વાર અંકુરિત ન થાય તેમ છોડીને. બીજો વિધિ ભાગ એ છે કે મામ્‌ એકં અહી માં શરણં વ્રજ એટલું કહ્યું હોત તો ચાલત પણ એકં શા માટે ? મા શબ્દ જ એક વચન છે. એકં પુનરાવર્તન કરવાની શી જરૂર છે ? પણ એકં એટલે કે બીજાનો આધાર મૂકીને મારો આધાર લે. જ્યાં સુધી બીજાનો આધાર હોય ત્યાં સુધી ભગવાન બરાબર અપનાવતા નથી.

મહારાજ વચનામૃતમાં કહે છે કે મહા પ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાના કરનારા ભગવાન વિના બીજાને ન જાણવા. એટલે કે બીજાને ન યાચે અને જે જે સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી ઈચ્છે પણ ભગવાન વિના બીજાને સુખદાયક ન જાણે. એટલે કે બીજા પાસેથી કદી યાચના ન કરે. યાચના કર્યા વિના પણ બીજા આપવા તૈયાર થાય તો પણ સ્વીકારે નહિ. જેમ ગરીબની પત્ની પતિવ્રતા હોય તો બીજા ધનવાનનું સામેથી આપેલ સુખ સ્વીકારે તો નહિ પરંતુ તેની સામું દૃષ્ટિ પણ ન કરે. તેમ ભગવાનનો શરણાગત નિષ્કામ તો હોવો જોઈએ પણ તેમાં એટલી સજ્જડતા નથી કે તે ન હોય તો શરણાગતિ જૂઠી થઈ જાય. શરણાગત માગે છે અને ખરેખર માગવા માટે તો શરણાગતિ છે. જગત પદાર્થ નહિ. છતાં માગણીને તેમાં સ્થાન જરૂર છે. બીજાની પાસે માંગણીને જરા પણ અવકાશ નથી. જો થાય તો શરણાગતિ જૂઠી થઈ જાય છે. માટે મહારાજ કહે છે કે જેમ પ્રભુની મરજી હોય તેમ રહે એ શરણાગત જીવ કહેવાય.

ત્યારે નાજે ભક્તે પૂછયું કે જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય, તેના જેવું નિશ્ચયનું બળ દેખાડતો હોય તે શી રીતે કરીને કળ્યામાં આવે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે સરસ નરસ નિશ્ચય તથા આશરો તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. ભગવાનના ભક્ત ભેળા રહેતા હોઈએ ત્યારે ભક્તો સાથેનો આપણો અંગત વ્યવહાર એ ભગવાન સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ અથવા સમય આવ્થો હોય તો કેવો કરીએ તેનું સ્પષ્ટ પ્રતિબિંબ હોય છે. આશ્રયની મંદતાવાળો કયારેય ભેળા રહેતા હોય તો પણ બીજા ભગવાનના ભકતોને વ્યવહારમાં ગૈારવ ન આપી શકે. ભગવાનના ભકતો સાથેના વ્યવહારમાં પણ પોતાના વ્યક્તિત્વને ઘસારો ન આવવા દે અને સ્વઅનાદર સહન ન કરી શકે. એને તો સ્વસન્માનમાં જ રસ હોય છે. પછી ભલે બોલ્યામાં સાચા કરતાં પણ સારો દેખાવ કરી શકતો હોય; પણ તેના વ્યવહારમાં હમેશાં સ્વાર્થ શૂન્યતા તો ભાગ્યે જ હોય છે.

એકનો સ્વાર્થ અને બીજાને ઘસારો જરૂર આવતો હોય છે. એવો જ્યારે વ્યવહાર થાય તો ઘસારાવાળાથી આવા મદ આશ્રયવાળા ભકતને આંતરછાલ ઉખડી ગયા જેવું વસમું લાગે છે. તેને એવો હરખ થતો નથી કે ભકતને માટે આપણે ઘસારો આવ્યો તો આપણું સારું થશે. એ ભક્તએ તો પોતાને માટે જેટલો ઘસાય એમાં જ પોતાનું સારું માન્યું છે. એ આશ્રયની મંદતાની નિશાની છે. સત્સંગમાં બીજા ભકતનું ગૈારવ, ચડતી, સન્માન સમૃદ્ધિ જોઈને બળતરા થવી, ઈર્ષા ભાવ થવો, અર્ધબળેલા કાષ્ટની પેઠે ધુંધવાવું, સત્સંગનુ સુખ ન આવવું, પોતાનો જ ગુણભાવ આવવો વગેરે આશ્રય મંદતાની નિશાની છે. જે ભેળા રહેતાં, સાથે વ્યવહાર પાડયા થકી અને લાંબે સમયે ખબર પડે છે. મહારાજ કહે તેવા ભકત હોય તે સત્સંગની ભીંસ ખમી ન શકે. પોતાનો ઘસારો બીજા ખમે ત્યાં સુધી કોઈ વાંધો નહીં, પણ જો તેવું ન હોય તો કોરે ખસી જાય અને પોતાને ઘસારો આવવા ન દે ત્યારે એમ જાણવું જે આશ્રયમાં ખામી છે.

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછયું જે એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ ને આ જન્મને વિષે ઉત્તમ ભકત થાય કે ન થાય ?ત્યારે મહારાજ બોલ્યા, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ ભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કે પાંચ રૂપિયાનું ખર્ચ કરે છે તેમજ ઉત્તમ સંતને અર્થે પણ કરે. આવી રીતે ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો તે કનિષ્ઠ ભકત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા સો જન્મે કરીને ઉત્તમ ભકત જેવો થનારો હોય તે આ ને આ જન્મે કરીને થાય છે. એવું ભગવાન અને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.

અહીં એ મર્મ છે કે ભક્તોને માનસી પૂજામાં યાદ કરવા અને ભગવાનતુલ્ય ભાવના અને આદર આપવો એ ભગવાન પ્રત્યે પૂર્ણ આશ્રય કે પૂર્ણ ભક્તિની સાચી નિશાની છે. બાહ્ય પૂજા સેવા કે તે પ્રત્યે વિનય સન્માન બતાવવું તે તો આશ્રમ કે વ્યવહારની મર્યાદાથી પણ ભાવના ન હોય તોય કરવાનું થતું હોય છે, પણ મનમાં તો એ મર્યાદા નડતી નથી. ત્યારે પણ અતિ પ્રેમથી તેને સંભારે છે ને મનથી તેની સેવા કરે છે. તેથી એક તો પોતાનામાં કંઈક ખામી છે એવું તેને મનાય ત્યારે જ તે થાય. વળી હૃદયથી સાચી ભાવના હોય તો જ અંતરમાં પૂજા થાય અને તે સો ટકા સાચી પૂજા છે. પેલામાં ખામી હોવાને અવકાશ છે. માટે સાચી ભાવના થતાં જ તેની અધ્યાત્મ માર્ગે ઉન્નત્તિ થાય છે.

વળી વચનામૃતનાં આ વચનો ઉપરથી એવુ પણ તારવી શકાય કે વચ.ગ.અં.પ્ર.૩પમાં કહ્યા લક્ષણવાળા સંત કે ભકતની સેવા કરે તો ભગવાનને તે ખૂબ વહાલો લાગે છે. એટલું જ નહીં પણ પોતાની સેવા કરે તેના કરતાં પણ ભકતની સેવા કરે તે વધારે વહાલો લાગે છે. વચનામૃતના શબ્દોનું વિશ્લેષણ કરીએ તો એમ થાય કે સો ગણું વધારે ફળ કે વધારે મહત્તા મહારાજે પોતાને મુખે બતાવી છે. તેથી અનુમાન એવું પણ કરી શકીએ કે એવા પ્રત્યક્ષ ઉત્તમ ભક્તમાં ભાવના જાળવી રાખવી તે સો ગણી અઘરી પણ હશે. નહીં તો એવું ફળ ન મળે. માટે તેમાં ઊંડાણ તો જરૂર છે. તે શું છે ?તે ભક્તોએ હૃદયમાં ઊંડો વિચાર કરવો ઘટે છે. બાકી પોતાની મેળે પોતાની ઉત્તમતા માનીને અથવા પોતાના વાડાના અનુયાયીઓ દ્વારા પોતાની ઉત્તમતા સાબિત કરી આ શબ્દોનો લાભ લેનારા વાસ્તવિક કરતાં પણ અનેક ગણા મળી રહે છે. તેનાથી મહારાજ કહે છે તે કાર્ય થાય તેવું હોતું નથી. ઉત્તમ હોય તેની માનસી પૂજા કરવાથી ઉત્તમ થવાય છે પણ કૃત્રિમતાથી પોતાની ઉત્તમતા દેખાડનારાની માનસીપૂજા કરવાથી ઉત્તમ થવાતું નથી. એટલું જરૂર કે આપણે પણ તેના જેવો દેખાવ કરવામાં હોંશિયાર થઈ શકીએ ખરા, ઉત્તમ નહિ.