વ–૦૪ : ફૂવારાનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવાનો યોગાભ્યાસ.

મુખ્ય મુદ્દાઃ

૧.ત્રીસ લક્ષણે યુક્ત સંતના સંગમાં સર્વે સાધનનો સમાવેશ થઈ જાય છે.

ર.ભગવાનની મૂર્તિ પ્રથમ સમગ્રપણે ધારવાનો પ્રયાસ કરવો. દરેક ઈન્દ્રિયોના વિષય માધ્યમથી ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવાનો અભ્યાસ કરવો.

૩.જીવમાં મૂર્તિ ધારવાથી જીવમાં રહેલાં રાગ–દ્વેષ, વાસના નાશ થાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે એક સાધન કર્યા થકી કલ્યાણને અર્થે જેટલાં સાધન છે તે સર્વે એક સાધન વિષે આવી જાય ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે ત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન, કર્મ, વચને રાખે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.

અહીં આપણને એેક શંકા થાય છે કે રાજનીતિના વચ.ગ.મ.પ્ર.૧રમા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે ‘એકને વિષે સર્વે આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ’ એમ કહીને ‘પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધનથી મોટું સાધન છે.’ એમ કહ્યું છે જ્યારે વચ.ગ.મ.પ્ર.૬૬મા તથા વચ.ગ.પ્ર.૩૩મા ‘ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે’ એમ કહ્યું છે. માટે મહારાજના વચનોથી શ્રેષ્ઠ સાધન તરીકે વિરોધાભાસ ઊભો થતો હોય એવું ભાસે છે. એક જગ્યાએ ત્રીસ લક્ષણે યુક્ત સાધુનો સંગ, બીજી જગ્યાએ પુરુષ પ્રયત્ન અને ત્રીજી જગ્યાએ ભગવાનનો દૃઢ આશરો સર્વ સાધનમાં એક મોટું સાધન છે. તેમાં આપણે કયું ગ્રહણ કરવું તેનું સ્પષ્ટીકરણ ન હોય તો મનમાં ભ્રાંતિ સર્જાય છે ત્યારે શું કરવું ? તો તેનું સમાધાન એ છે કે મહારાજના વચનોમાં વિરોધાભાસ નથી; વિષય અથવા ક્ષેત્ર અલગ અલગ છે.

ભગવાનને પામવા જે સામગ્રી જોઈએ તેમાં ત્રિપુટી છે. એક પામનાર જીવાત્માનો પ્રબળ પ્રયત્ન. બીજું પામવા યોગ્ય ધ્યેય એટલે ધ્યેયની અનંતતા કહો કે મહિમા કહો કે દુર્લભતા કહો તે છે. તેમાં પુરુષ પ્રયત્ન શ્રેષ્ઠ અને સમગ્રતાને આવરીલે એવું સાધન છે અને ત્રીજું આ બન્ને વચ્ચે સંબંધ જોડનાર વિવિધ સામગ્રી છે. તેમાં સાધુગુણથી યુક્ત સંતનો સમાગમ અતિ મહત્ત્વનો છે.

આ ત્રણેય સાધનોમાં પણ અનેક પેટા સામગ્રીઓ છે પણ તે તે વિભાગમાં એકને અપનાવે તો તે વિભાગના તમામ સાધન તેના અંતર્ગત આવી જાય એવો વચનામૃતમાં કહેવાનો આશય છે. સંત સમાગમ કરે ને પુરુષ પ્રયત્ન ન કરે તો કલ્યાણ પામી જાય એમ નથી અથવા પુરુષ પ્રયત્ન અને સત સમાગમ બન્ને કરે પણ ભગવાનનો આશ્રય ન હોય તો કલ્યાણ પામી જાય એમ પણ નથી. એક સાધન કરે તો ત્રિપુટીનો એક વિભાગ સંપૂર્ણપણે ચરિતાર્થ થઈ જાય એવું વચનામૃતમાં મુખ્ય સાધન કહેવાનું તાત્પર્ય છે. વળી આ ત્રણેયમાં વિરોધાભાસ પણ નથી. પૂરકતા છે. સંત સમાગમ સહિત સાચો પુરુષાર્થ પણ આશ્રયનો પૂરક બનીને આશ્રયને દૃઢ કરાવે છે, પણ ઘાતક નથી. કદાચ સંત સમાગમ વિનાનો પુરુષાર્થ આશ્રયનો વિરોધી બની શકે. તેવી રીતે દૃઢ આશ્રય પણ સંત સમાગમપૂર્વકનો હોય તો પુરુષાર્થનો ઘાતક નહિ જ બને. તે આશ્રય પણ પરમાત્માને રાજી કરવાના પુરુષાર્થને અતિ વેગ આપનારો બને છે, માટે વિરોધાભાસ નથી. એક બીજાનાં પૂરક છે. તેથી સંત સમાગમ પણ મહારાજને રાજી કરવાનો પુરુષાર્થ અને અભિમાનશૂન્ય થવા માટે આશ્રયને અતિ દૃઢ કરાવે છે. તેથી મહારાજ અહીં કહે છે કે ત્રીસ લક્ષણે યુક્ત સંતના સમાગમમાં સર્વે સાધન આવી જાય છે.

પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે ભગવાનનો એકાંતિક ભક્ત હોય તે કેવો અભ્યાસ કરીને બહાર દેખાતી મૂર્તિની(પૃથ્વી પર હાજર હોય ત્યારે મહારાજની મૂર્તિ અથવા અત્યારે પ્રતિષ્ઠિત હરિકૃષ્ણ મહારાજ આદિ મૂર્તિને) અંતરની વૃત્તિમાં એટલે કે હૃદયવૃત્તિમાં રાખે ? અને તે મૂર્તિ ભેળું પોતાના મનને કેમ ચલાવે ? કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે અને કેવી રીતે બહાર વૃત્તિ રાખે ? લય અને વિક્ષેપ થકી કેવી રીતે જુદો પડે ? એવી રીતે છ મુદ્દાનો પ્રશ્ન પૂછયો. સંતોએ જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો છે.

પછી મહારાજે સ્વયં તેનો ઉત્તર કર્યો. અહીં વસ્તુસ્થિતિ આપણે સમજી લઈએ. જેમ વિદ્યુત પ્રવાહ મોટા પાવર સ્ટેશનમાંથી નાનામાં આવે. ત્યાંથી ટ્રાન્સફોર્મરમાં થઈ ઘરમાં મીટરમાં અને છેવટે લાઈટ થાય છે. તેમ આત્મચૈતન્યમાંથી વૃત્તિ ઊઠે છે. ત્યાંથી નીકળી અંતઃકરણમાંથી પસાર થાય છે. તે અંતઃકરણ ચાર છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તેના ગોલક(એટલે સ્થૂળ દ્રવ્યાત્મક ભાગ) માંથી પસાર થાય અને તે બધાને ચેતનવંતા અને સક્રિય બનાવે છે. ત્યાંથી ઈન્દ્રિયોના ગોલકમાં થઈ વિષયમાં જાય છે. ત્યારે તે તે પ્રકારની વૃત્તિ ગણાય છે. દા.ત.મનોવૃત્તિ, ચિત્તવૃત્તિ વગેરે.

બાહ્યવિષય અહીં ભગવાનની મૂર્તિ છે. અહીં અભ્યાસ એ પ્રકારનો કરવાનો છે કે પ્રથમ બાહ્ય મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરવી. પછી મૂર્તિ સહિત તે વૃત્તિ અંતરમાં લઈ જઈને ત્યાં અંતરમાં સ્થિર કરવી. વળી ત્યાંથી બહાર મૂર્તિ હોય ત્યાં લાવવી. આ ત્રણે પ્રકારમાં કુશળતા વધે એવો અભ્યાસ કરવો. એ પ્રક્રિયા વધુ સ્પષ્ટ થાય એટલા માટે મહારાજે જળના ફુવારાનું દૃષ્ટાંત આપ્યું. તે અભ્યાસ કરવા માટે વૃત્તિ બે પ્રકારે કરવી. એટલે કે બે અનુસંધાન રાખવાં. એક પોતાના આત્મામાં રહેલી મૂર્તિમાં વૃત્તિને પાછી વાળીને (સ્થિર કરવા પ્રયત્ન કરવો) રાખવી. બીજી વૃત્તિ મન અને નેત્ર દ્વારા જે બહાર મૂર્તિ રહેલી છે તેમાં રાખવી. બહાર જે ભગવાનની મૂર્તિ જોવી તે નખશિખાપર્યન્ત સમગ્ર મૂર્તિનું ચિંતવન કરવું પણ એક એક અંગનું જુદું જુદુ ચિંતવન ન કરવું.

અહીં સાધકને પ્રથમ સમગ્ર મૂર્તિને પોતાના હૃદયમાં સ્થિર કરવાની જરૂર છે. પછી તેના એક એક અંગનું ધ્યાન લાભદાયી થાય. કોઈપણ વસ્તુના સામાન્ય જ્ઞાનપૂર્વક વિશેષ જ્ઞાન હોય તો જ તે આનંદ આપનારું થાય પણ સામાન્ય જ્ઞાન વિનાનું વિશેષ જ્ઞાન શકય આમ નથી અને લાભદાયી પણ નથી. સમગ્ર મૂર્તિનું ધ્યાન સામાન્ય જ્ઞાનને સ્થાને છે. માટે મહારાજ સમગ્ર મૂર્તિનું એક સાથે ચિંતવન કરવાનું કહે છે. યોગના મતે સમાધિ હમેશાં અશેષ વિશેષ જ્ઞાન વિષયક હોય છે. એક દેશની હોતી નથી. તેમજ ધારણા પણ અંગી–વ્યક્તિત્વયુક્ત વ્યક્તિની હોય છે. માટે ધ્યાન પણ સમગ્ર વ્યક્તિનું કરવાનું છે. સમગ્ર મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં મૂર્તિ સિદ્ધ થઈ જાય. પછી એક એક અંગનું ધ્યાન કરવું એવો વિધિ છે, પણ સમગ્ર મૂર્તિ ચૈતન્યમાં સ્થિર થયા સિવાય એકએક અંગનું ધ્યાન કરીએ તો જોઈએ તેટલો આનંદ આપનારું થતું નથી. તેથી પ્રથમ સંપૂર્ણ મૂર્તિનું ધ્યાન કરવું. એ સિદ્ધ થઈ જાય એટલે તેના અનુસંધાનપૂર્વક એક એક અંગનું ધ્યાન કરવું. એ સિદ્ધ થયા પછી ચિહ્‌ન અને તિલનું ધ્યાન કરવું. ત્યાર પછી વસ્ત્રો, આભૂષણો વગેરે સહિત ધ્યાન સિદ્ધ કરવું. પછી મુક્તોએ સહિત ધ્યાન સિદ્ધ કરવું. મહારાજ કહે દિવ્ય તેજમાં મુક્તો સહિત ભગવાનને જોવા એવી અમારી ઉપાસના છે. આવો યોગશાસ્ત્રાનુસારી મહારાજનો અભિપ્રાય છે.

કોઈ કહશે કે એક એક અંગ પ્રત્યક્ષ કરવાથી સમગ્ર મૂર્તિ પ્રત્યક્ષ થાય તો એ રીત સાચી નથી. લોકમાં ભાવિ દંપતી લગ્ન પહેલાં અથવા પ્રત્યક્ષ મળ્યા પહેલાં એક બીજાના મનમાં સમગ્ર મૂર્તિનુ ચિંતવન કરે છે. વિશેષ પ્રત્યક્ષ પછી, વિવાહ–મિલન થયા પછી થાય છે. તેવું જ પરમાત્માની મૂર્તિમાં જાણવું. તે પણ એક ઈન્દ્રિયથી–ચક્ષુ ઈન્દ્રિયથી સંપૂર્ણ પ્રથમ કરીને બીજી ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ કરવા અભ્યાસ કરવો. તો મૂર્તિ પ્રત્યક્ષ કરવામાં અને તેનો સ્વાદ લેવામાં વિશેષ ફાયદો અને સિદ્ધિ થાય છે. સિદ્ધ દશા આવ્યા પછી ગમે તેમ કરી શકે છે. પ્રથમ સાધન કાળમાં તેમ નથી થઈ શકતું. માટે મહારાજ કહે છે કે સમગ્ર મૂર્તિને જોવી. જેમ દૂરથી સમગ્ર પર્વત કે મોટું મંદિર સમગ્રપણે જુએ તેમ મૂર્તિને જોવી. તે બાહ્ય મૂર્તિ ૮–૧૦ ફૂટ દૂર ધારવી. પછી નાસિકાના અગ્ર ભાગમાં લાવવી. વળી પાછી દૂર લઈ જવી. વળી પાછી ભ્રૂમધ્યમાં લાવી અંતરમાં ઉતારવી. જીવ ચૈતન્યમાં સ્થાપી, સ્થિર કરીને નિર્વિકલ્પપણે જોઈ રહેવું. જો કાંઈ સંકલ્પ થાય તો વળી બહાર લાવવી. દૂર લઈ જવી. આડી અવળી ડોલાવવી. પતંગની માફક ઊંચે લઈ જવી. વળી નજીક લઈ જીવમાં ધારવી. આવી યોગકળા(અભ્યાસ–એકસરસાઈઝ) કરવી. તેથી મૂર્તિ ધારવાની કુશળતા પ્રાપ્ત થાય છે.

જો પ્રથમથી જ મનની વૃત્તિમાં મૂર્તિ ન પકડાતી હોય તો જે ઈષ્ટ મૂર્તિનાં દર્શન કરતા હોઈએ અથવા આપણને વધુ ગમતી મૂર્તિને ધારવા ઈચ્છતા હોઈએ તેના સ્થિર નેત્રથી મન પરોવીને દર્શન કરવાં. પછી દર્શન કરતાં કરતાં જ આંખો બંધી કરી દેવી. બંધ આંખે પણ સ્પષ્ટ દર્શન થાય છે કે કેમ તે તપાસ કરવો. જે ભાગનું સ્પષ્ટીકરણ ન થતું હોય તેનું ત્યારે ને ત્યારે આંખ ખોલીને વધુ એકાગ્ર થઈ દર્શન કરી લેવું. પછી આંખો બંધ કરીને જોવું અને થોડો કાળ મૂર્તિ સામે ઊભા રહી યથાસમય અભ્યાસ કરવાથી વૃત્તિમાં મૂર્તિ પકડાય છે અને પછી આગળ વચનામૃતમાં કહ્યો તે પ્રમાણે અભ્યાસ કરવો. તો મૂર્તિ હૃદયમાં ધારી શકાય છે ને જીવમા શાંતિ થાય છે.

મહારાજ કહે છે કે આવી રીતે મૂર્તિને ધારતાં કયારેક આળસ કે નિદ્રા જેવું જણાય તો મૂર્તિને વૃત્તિ દ્વારા દૂર લઈ જવી. વળી નજદીક લાવવી, આડી અવળી ડોલાવવી, બાળકો જેમ પતંગ ઉડાડે છે તેમ ઊંચે ઊંચે લઈ જવી. વળી પાછી નજદીક લાવવી. આવી યોગકળાથી સચેત થઈને આળસ નિદ્રા ટાળવી. જ્યારે મૂર્તિને અંતરમાં ઉતારે ત્યારે અંતરમાં જે મૂર્તિ છે અને બહારથી અંદર લઈ જવામાં આવેલ મૂર્તિ બંને એક થઈ જાય છે. આવી રીતે નેત્રવૃત્તિ દ્વારા યોગકળાનો અભ્યાસ કરવો. આ જ વિષયમાં સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્ર.ર વાત નં–૩૪માં કહ્યું છે કે ”જીવમાં પંચ વિષયરૂપી રાગ રહ્યો છે તે કયારે ટળે ?’ તો જ્યારે આત્મસત્તા રૂપ થઈને વારંવાર પ્રતિલોમ દૃષ્ટિ કરે તથા ભગવાનની મૂર્તિને ધારે. તે કેમ ધારે ? તો જાણીએ આગળથી ભગવાન ચાલ્યા આવે છે તે ભગવાનની મૂર્તિને ત્વચાએ કરીને સ્પર્શ કરે. તે કરતે કરતે દેહને સાંખ્ય વિચાર કરીને ખોટો કરતો જાય ને ભગવાનની મૂર્તિને જીવમાં ધારતો જાય. પછી એમ ને એમ ધારતે ધારતે જ્યારે દેહના ભાવ ખોટા થઈને કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે. પછી જાણીએ ભગવાન ભારે ભારે શણગાર પહેરીને આગળ ચાલ્યા આવે છે. પછી તે ભગવાનના નેત્રે કરીને દર્શન કરતે કરતે મૂર્તિને પ્રતિલોમપણે કરીને જીવમાં ઉતારતા જવું ને દેહના તથા ઈન્દ્રિયોના ભાવને ખોટા કરતા જવું.

જ્યારે કેવળ જીવમાં ભગવાનની મૂર્તિ જ રહે પણ બીજો કોઈ આકાર ન રહે ત્યારે વળી તે ભગવાનની મૂર્તિને બહાર લાવે. પછી જાણીએ ભગવાન ગાતાં ગાતાં ચાલ્યા આવે છે. પછી શ્રવણ ઈન્દ્રિયની વૃત્તિ દ્વારા… એમ પાંચ ઈન્દ્રિયો, ચાર અંતઃકરણ દ્વારા તથા તે સર્વર્ર્નો નિષેધ કરીને એકલા જીવસત્તા દ્વારા વારંવાર લોમ પ્રતિલોમ કરીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે જીવમાં રાગ રહ્યા છે તે ટળે પણ તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ જે જીવમાં રાગ છે તે ન ટળે. મહારાજ પણ મૂર્તિનો આવો જ અભ્યાસ કરવાનું અહીં કહે છે. મહારાજ કહે છે મૂર્તિ ધારવામાં વ્યાધિ, શોક વગેરે કોઈ વિક્ષેપ આવે તો પણ વધુ સચેત થઈને યોગકળા દ્વારા તે દૂર કરવા પણ વિક્ષેપ દ્વારા યોગકળા દૂર ન થઈ જવા દેવી.