પ્રતિપાદિત વિષયઃ
યોગનિષ્ઠા તથા સાંખ્યનિષ્ઠા.
મુખ્ય મુદ્દા
૧.અભ્યાસ દ્વારા મનને કેન્દ્રિત કરી સુખ દુઃખથી પર થવું તે યોગદૃષ્ટિ છે.
ર.આપાત રમણીય સુખોની પાછળ ભયંકર દુઃખો રહેલા છે તેને જોતા શીખવું તે સાંખ્યદૃષ્ટિ છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે જે ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા ભગવાનના ભક્તને ભકિતમાં કોઈ વિક્ષેપ આડો આવે કે ન આવે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે નિષ્ઠા બે પ્રકારની છે. એક તો યોગનિષ્ઠા અને બીજી સાંખ્યનિષ્ઠા.
યોગનિષ્ઠા એટલે કે યોગની સ્થિતિથી દૃઢ થતી નિષ્ઠા અને સાંખ્ય વિચારથી દૃઢ થતી નિષ્ઠા એટલે સાંખ્યનિષ્ઠા.
તેમા યોગનિષ્ઠાવાળો અભ્યાસના જોરે પોતાની વૃત્તિને મૂર્તિમાં રાખે છે. તેને સમજણનું બળ ઓછું હોય છે પણ અભ્યાસની કુશળતા વધારે હોય છે.
જ્યારે સાંખ્યનિષ્ઠાવાળાને સમજણનું બળ વધારે હોય છે. તે મનુષ્યના સુખ અને દુઃખ બંનેનું પરિમાણ–માપ કરી રાખીને પોતાના અંતરમાં તેની ગ્રાહ્યતા–અગ્રાહ્યતા નક્કી કરી રાખે. તેમજ સિદ્ધ, ચારણ, ગંધર્વ, દેવતા ને ચૌદ લોકમાં જ્યા જ્યા સુખ છે, તેનું માપ કાઢી રાખે. ચૌદ લોકમાં જ્યા જ્યાં જેટલાં જેટલાં દુઃખની સંભાવના છે તેનું પણ માપ કરી રાખે. સુખ અને દુઃખ બંને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખે. અક્ષરધામપર્યંત બંને પાસાં વિચારીને પોતાની દૃષ્ટિ આગળ રાખે તો પછી તેને દેશકાળે વિક્ષેપ આવવાનો સંભવ રહેતો નથી. જ્યારે યોગવાળાને અભ્યાસનું બળ હોવાથી દેશકાળે ભગવાનમાં વૃત્તિ રહે છે તે બીજે ઠેકાણે ચોટી જાય તો તેને વિધ્ન થાય છે. માટે બંને જો એકને વિશે આવે તો તેને કોઈ ખામી રહેતી નથી.
સાંખ્ય એટલે શું ? તો સુખની પાછળ જે દુઃખ રહ્યું છે તેનું માપ કાઢવું; તે જ સાંખ્યદૃષ્ટિ કહેવાય. સુખના રળિયામણા પડદા પાછળ રહેલા ભયંકર દુઃખનું જો કોઈ માપ કાઢી શકે તો તેને સાંખ્યદૃષ્ટિ આવી કહેવાય. કેવળ પોઝીટીવ–સુખનું માપ કાઢી શકે તો યોગદૃષ્ટિ કહેવાય. ભજન, ધ્યાનનું સુખ તે યોગદૃષ્ટિ છે. જ્યારે કોઈપણ સુખની પાછળ રહેલી હેરાનગતિ સમજવામાં આવી જાય તે સાંખ્યદૃષ્ટિ કહેવાય છે.