ગી.અ-06, શ્લોક 05 to 10

આત્મ-ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવત્પ્રાપ્ત પુરુષનાં લક્ષણો

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्‌।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:।।५।।

અર્થઃ પોતાના વડે પોતાનો સંસાર-સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે; કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે.

उद्धरेदात्मनात्मानम्‌…પોતાની જાતથી પોતાનો ઉદ્ધાર કરવો-એનું તાત્પર્ય એ છે કે, પ્રાકૃત પદાર્થ, વ્યક્તિ, ક્રિયા અને સંકલ્પમાં આસક્ત ન થવું, તેમાં ફસાવું નહિ પણ તે બધી જ સામગ્રીનો પોતાના કલ્યાણમાં સદુપયોગ કરવો. પોતાની જાતને તેની સાથે એક થવા દેવી નહિ. પોતાની જાતને તેનાથી અલગ માનીને તેનાથી ઉપર ઉઠાવવી એને પોતાનો ઉદ્ધાર કર્યો કહેવાય છે. વસ્તુતાએ તો પોતાની જાતને પરમાત્માની સેવામાં અખંડપણે જોડી દેવી એ જ પોતાના આત્માનો ઉદ્ધાર કહેવાય.

મનુષ્યમાત્રમાં એક એવી વિવેકશક્તિ છે, જેને કામમાં લાવવાથી તે પોતાનો ઉદ્ધાર કરી શકે છે. જ્ઞાનયોગનો સાધક એ વિવેકશક્તિથી આત્મા-અનાત્માનો વિભાગ કરીને, ચૈતન્યરૂપ બનીને, બ્રહ્મરૂપ બનીને ભગવાનમાં જોડાઈને પોતાનું કલ્યાણ કરી લે છે. જ્યારે ભક્તિયોગનો સાધક એ જ વિવેકથી ‘હું ભગવાનનો છું અને ભગવાન મારા છે’ એવો નિશ્ચય કરીને ભગવાન સાથે આત્મીયતા કેળવીને પોતાનું કલ્યાણ સાધી શકે છે. નિષ્કામ સેવાયોગ (કર્મયોગ)નો સાધક એ જ વિવેકથી પોતાને મળેલાં શરીર, ઈન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે કોઈ સામગ્રીને ભગવાનની માનીને વિશુદ્ધભાવે ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં જોડીને પોતાના આત્માનો ઉદ્ધાર કરી લે છે.

સાધકે એવો વિચાર કરવો જોઈએ કે ‘હું શરીર નથી’ કારણ કે શરીર સદાય બદલાતું રહે છે; ચૈતન્ય બદલાતો નથી. આ શરીર પણ ‘મારું’ નથી. કેમ કે શરીર ઉપર મારું આધિપત્ય ચાલતું નથી. તે જેમ રાખવા ઈચ્છું તેમ નથી રહી શકતું. જેટલા દિવસો રાખવા ઈચ્છું તેટલા દિવસો નથી રહી શકતું. જેવું સબળ બનાવવા ઈચ્છું છું તેવું નથી બની શકતું અને આ શરીર મારા માટે પણ નથી મળ્યું. ભગવાનને સમર્પણ કરવા માટે મળ્યું છે તેથી જ તો ભગવાનને સમર્પણ કરવાથી શાંતિ થાય છે અને મારા માટે વાપરતાં ઉત્પાત અને અશાંતિ થાય છે.જો મારા માટે હોત તો સદાય મારા પાસે જ રહેત પણ તે તો રહેતું નથી. એવી માન્યતા દૃઢ કરી તેનો સદુપયોગ કરે તો પોતાના આત્માનો ઉદ્ધારક બને છે. અહીં એક શંકા થાય છે કે આત્માના ઉદ્ધાર માટે તો ભગવાન અવતાર ધારે છે. સંતમહાત્મા વિચરે છે. ગુરુઓ પુરુષાર્થ કરે છે ને શાસ્ત્રો ઉપદેશ આપે છે. માટે આત્માના ઉદ્ધારકો તો તેઓ છે. પછી પોતાના આત્માનો પોતે જ ઉદ્ધાર કરવો એવું શા માટેે કહ્યું ? તો તેનું સમાધાન એ છે કે અવતારો, સંત કે ગુરુજનો આપણો ઉદ્ધાર ત્યારે જ કરી શકે કે પ્રથમ જીવ પોતાનું કલ્યાણ કરવા પોતે પ્રબળ ઈચ્છા કરે. પછી એમનામાં શ્રદ્ધા ને વિશ્વાસ કરે. એટલું પ્રથમ આપણે જાતે કરવાનું છે એટલું જો પ્રથમ આપણે ન કરીએ તો, શ્રદ્ધા-વિશ્વાસ આપણને તેઓ કરાવી શકતા નથી. જો આપણને આત્મોદ્ધારની-કલ્યાણની ભૂખ જ ન હોય, તો તેઓ શું કરી શકે? અને જો આપણે તીવ્ર સંકલ્પ અને શ્રદ્ધા-વિશ્વાસ કર્યા વિના તેઓ જાતે જ કરાવી શકતા હોત તો આપણો ઉદ્ધાર ક્યારનો થઈ ચૂકયો હોત. કારણ કે તેઓ તો સૃષ્ટિના આરંભથી જીવોના ઉદ્ધારની પ્રતિજ્ઞા લઈને જ બેઠા છે. તેઓ થઈ ગયા છે, હાલમાં છે ને ભવિષ્યમાં રહેશે. તો ય આપણે જેવાના તેવા છીએ. એનો અર્થ એ છે કે, આપણે કાંઈક કરવાનું બાકી છે. તે ખૂટે છે અને તે એ છે કે ‘આપણે પોતે જ પોતાના ગુરુ થવાનું છે.’ આપણા ઉદ્ધાર માટે આપણને મોક્ષની, એ ભગવાનની ભૂખ-ગરજ ઊભી કરવાની છે. તેઓમાં શ્રદ્ધા-વિશ્વાસ અચળ કરવાનો છે. અત્યાર સુધી આપણે ભગવાન, સંત, ગુરુ કે શાસ્ત્રોની વાત નથી માની. માટે આપણો ઉદ્ધાર નથી થયો. જેમણે તેઓનામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખીને તેઓની વાત માની લીધી છે. તેઓનો ઉદ્ધાર થઈ ચૂકયો છે. માટે પોતે પોતાનો ઉદ્ધાર એટલે શાસ્ત્ર, ભગવાન કે ગુરુમાં શ્રદ્ધા વિશ્વાસ કરી તેઓની આજ્ઞાનુસાર ચાલીને પોતાનું આત્મકલ્યાણ સાધવું કે ભગવાનમાં જોડાવું. તેને પોતે જ પોતાનો ઉદ્ધાર કર્યો કહેવાય.

બીજી વાત એ છે કે આપણું પતન પણ આપણે પોતે જ કર્યું છે. શ્રીજી મહારાજ પણ બતાવે છે કે બીજાનો વાંક કાઢવો અથવા ઈન્દ્રિયો અંતઃકરણનો પણ વાંક કાઢવો, તે જીવની મૂર્ખતા છે. વાંક તો જે અવળું કરે છે તેનો જ છે. આપણે સંસારને અને સંસારની વિકૃતિઓને પકડી છે. તેણે જીવને પકડ્યો નથી. જેમ કે બાલ્યાવસ્થા એણે છોડી નથી; પરંતુ એ સ્વભાવિક જ છૂટી ગઈ છે અને તુરત તેણે જુવાનીના સંબંધને પકડી લીધો. ‘હું જુવાન છું.’ પણ એનો જુવાનીની સાથે કાયમ સંબંધ નહિ રહે. વૃદ્ધપણાને પકડશે પણ પછી ? તો પછી જોડવા માટે કાંઈ ચીજ નથી. એટલે જૂની આસક્તિને પકડી લે છે. શરીર સંસારની સાથે જે સંયોગ છે, સંબંધ છે તેનો આપોઆપ પ્રતિક્ષણ વિયોગ થઈ રહ્યો છે. તેનો વિયોગ આવ્યા પહેલાં હૃદયથી સ્વીકારી લે તો સંસારથી છૂટી શકાય છે, ઉદ્ધાર થઈ જાય છે.

नात्मानमवसादयेत्‌-તે પોતાની જાતને પતન તરફ ન લઈ જાય-એનું તાત્પર્ય એ છે કે પ્રાકૃત પદાર્થોની સાથે પોતાનો સંબંધ ન જોડે. તેમને હૃદયમાં મહત્ત્વ આપીને તેનો દાસ ન બની જાય. પોતાને તેને આધીન ન બનાવી દે. જેવી રીતે કોઈને ધન મળ્યું, અધિકાર મળ્યો, વિદ્યા,આવક મળી, તો તેમના મળવાથી તે પોતાને મોટો, શ્રેષ્ઠ કે મહાન અથવા સ્વતંત્ર માને છે. વસ્તુતાએ ધન, અધિકાર, વિદ્યા મોટા થયા કે પોતે ? પોતે મોટો છે છતાં તેનો દાસ બની જાય છે અને ધનાદિનો મોટો મહિમા સમજે છે. પોતાનું પતન કરે છે ને પાછો પોતાનું ઉત્થાન માને છે.

आत्मैव ह्यात्मनो बन्धु: એ પોતે જ પોતાનો બંધુ છે, પોતે જ પોતાનો ગુરુ છે. પોતે જ સહાયક છે, બીજો કોઈ બંધુ કે સહાયક છે જ નહિ. જ્યારે ભગવાન પાસે પહોંચવાનો ઉદ્દેશ્ય કરી લે, ધ્યેય બનાવી લે અને બીજાનો વાંક ન કાઢે. પોતાનામાં જ ખામી જોતા શીખી જાય. પોતાની ખામીને પકડતા શીખી જાય અને તેને દૂર કરતા શીખી જાય. પોતે બીજાનામાંથી ઉપદેશ લેતા શીખી જાય. ત્યારે તે પોતે જ પોતાનો ગુરુ બન્યો ગણાય. બીજાને ગુરુ ધારીને આખરે તો તેઓ આપણી ખામીઓ બતાવે છે અને તેને દૂર કરવાનો ઉપદેશ આપે છે. તે પણ જો આ ગ્રહણ ન કરે તો નકામું. જ્યારે પોતે જ પોતાનામાં ભૂલ દેખે, પોતે જ અંતર્દૃષ્ટિ કરીને, પ્રતિલોમ દૃષ્ટિ કરીને, પોતાની ખામી પકડતા શીખે અને દૂર કરતા શીખે તો તેને બીજે ઠેકાણે ઉપદેશ લેવા જવાની જરૂર નહિ રહે. આથી મૂળમાં આપણે જ આપણા બંધુ કે ગુરુ બનવાનું છે. તે સિવાય મોક્ષના માર્ગનું કામ થશે નહિ.

आत्मैव रिपुरात्मन: જે મનુષ્ય જન્મ પામીને પોતાના આત્માનો ઉદ્ધાર નથી કરતો તે પોતાનો જ શત્રુ છે. ભાગવતમાં (સ્કં.૧૧-૨૦-૧૭) તેને આત્મહત્યારો અર્થાત્‌ પોતાના આત્માની હત્યા કરનારો કહ્યો છે. नृदेहमाद्यं सुलभं सुदुर्लभं प्लवं सुकल्पं गुरुकर्णधारम्‌। मयानुकूलेननभस्वतेरितं पूमान्‌ भवाब्धिं न तरेत्‌ स आत्महा।। મનુષ્યદેહ દુર્લભ છે તે સુલભ થઈને મળ્યો છે. તે ભવસાગર તરવા માટે મજબૂત અને સક્ષમ નાવ છે ગુરુ નાવિક છે. અનુકૂળ સામગ્રીરૂપી અનુકૂળ પવન છે. આટલું મળ્યા પછી જે ભવસાગર તરતો નથી, તો તે આત્મહત્યારો છે. એમ શાસ્ત્રો કહે છે. જ્યારે પોતે જ પોતાને દેહરૂપ માની લે છે, ત્યારે પોતે જ પોતાનો શત્રુ બનીને પોતાને નુકશાની કરે છે. પ્રાકૃતિક પદાર્થોની સાથે તાદાત્મ્યતા બાંધી લે છે. પોતાની ખામીઓ, સ્વભાવો સાથે એકતા સાધી લે છે, ત્યારે તેના જેવો બીજો કોઈ તેનો શત્રુ નથી. એટલા માટે જ શ્લોકમાં બે વખત एव શબ્દનો પ્રયોગ કર્યો છે.        

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित:।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्‌।।६।।

અર્થઃ જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર છે; પરંતુ જેણે પોતાનું મન જીત્યું નથી તેનું મન જ તેના પરમ શત્રુ જેમ વર્તે છે.

बन्धुरात्मात्मनस्तस्य… શરીરમાં ‘હું’ અને ‘મારું ’ન રહે, તો પોતે જ પોતાનો મિત્ર છે. પોતાના મિત્રની જેમ પોતાનું હિત કરી શકે છે અને જો પોતાને દેહરૂપ જ મનાતો હોય અને તેનાથી આગળ માની ન શકાતું હોય, તો પોતે જ પોતાના આત્માનો શત્રુ છે. શત્રુની જેમ નુકસાન દેનારો ને આત્મકલ્યાણનું કામ બગાડનારો બને છે. શ્રીજી મહારાજે વચ.સા.૪માં આત્મા-અનાત્માનો વિવેક બતાવ્યો છે. તે જ શબ્દો અહીં આવ્યા છે, અનાત્મા-આત્મા. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો કે પોતે પોતાનો ગુરુ થવું એટલે શું? તો શાસ્ત્રોના, ગુરુઓના ઉપદેશની સાથે પોતાના જીવનને સરખાવીને અથવા કલ્યાણના માર્ગમાં જે કોઈ આગળ રહેલાની સાથે પોતાનું જીવન સરખાવીને પોતાની ત્રુટિઓ કે ખામીઓને પકડી પાડવી અને તેને સુધારવી. એ પોતે પોતાનો ગુરુ થયો કહેવાય. ગુરુનું કાર્ય છે શિષ્યના જીવનનું ઘડતર કરવું પણ શિષ્યના મનમાં જ્યાં સુધી ન જાગે કે મારે સુધારો કરવો છે, ત્યાં સુધી ગુરુના પ્રયત્નો નિષ્ફળ છે. શિષ્યને સુધારો કરવાની તાલાવેલી લાગે તો ગુરુની હાજરીની પણ ઝાઝી જરૂર નથી જણાતી.

પોતાનામાં પોતા સિવાય બીજાની (શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેની) સત્તા નથી અનુભવાતી. તેની આવશ્યકતા નથી રાખી, અનાત્મા પદાર્થોનો આશ્રય સર્વથા ત્યાગ કરી દીધો છે અને પરમાત્મામાં સ્થિતિ થઈ છે. તેણે પોતાની જાતને જીતી લીધી છે એમ કહેવાય. ‘जितं जगत्‌ केन मनो हि येन’ જગત જીત્યું કોણે ગણાય ? અને ક્યારે ગણાય છે? તેના ઉત્તરમાં શ્રીજી મહારાજ (વચ.સા.૧) બતાવે છે કે જેણે મન જીત્યું તેણે જગત જીતી લીધું છે અને મન ત્યારે જીત્યું ગણાય કે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, સ્વભાવ છોડીને વિષયથી પાછા વળી જાય અને ભગવાન તરફ વહે ત્યારે મન અને જગત પણ જીતાણું કહેવાય અને પોતાની જાતને પણ જીતી ગણાય. પોતાની જાત જીતાણી તેની ઓળખાણ શી છે? તો હરખ-શોક રાગ-દ્વેષ, ઈર્ષા અભિમાન વગેરે દ્વન્દ્વોનું વિસજર્ન થતું જાય ને ભગવાનમાં સ્થિરતા થતી જાય તેને પોતાની જાત જીતાણી જાણવી. એ તેમની ઓળખાણ કે લક્ષણ છે.

अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्‌

અનાત્મા એટલે શું? કોણ? તો તેનો નિર્ણય કરવો ઘણો કઠિન છે. આત્મા, પરમાત્મા સિવાયની તમામ સામગ્રી અનાત્મા છે. તેમાં પણ શરીર અને શરીરભાવના મુખ્ય અનાત્મા છે. તેની જેના હૃદયમાં પ્રધાનતા જાગે છે તેના જેવો અનાત્મા કોઈ ન હોઈ શકે. અનાત્મા તો આખું જગત ભર્યું છે-પ્રકૃતિથી તો આખું જગત ભર્યું છે પણ તે અનાત્મક નથી. જો તે પોતાના કલ્યાણના ઉપયોગમાં આવતું હોય તો. માટે ચોખ્ખું અનાત્મા તો દેહભાવ છે. જેના હૃદયમાં તે ઊઠે છે પછી તે આત્મા છે તો ય અનાત્મપણે વર્તે છે અને તે પોતાનો મોટામાં મોટો દુશ્મન છે. જે પોતાનું સ્વરૂપ નથી કે આત્મા નથી તેને પોતાને માટે આવશ્યક અને સહાયક સમજે છે. તેને પોતાનું સ્વરૂપ માની લે છે અને જે પોતાને વાસ્તવિક સહાયતા કરનારા છે ભગવાન અથવા તેના સાચા ભક્ત તે પોતાના આત્માના કલ્યાણમાં સહાયક છે અને અતિ જરૂરી છે. તેનો આશ્રય કરતો નથી તેને જ પરાયા માને છે, શત્રુ માને છે. એવો અનાત્મ થઈને જે કોઈ વર્તે છે, તે પોતાની જ સાથે શત્રુતાનો વર્તાવ કરે છે. વ્યક્તિ જ્યારે પ્રકૃતિજન્ય પદાર્થોની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરી લે છે-અહીંથી જ પોતાની સાથે શત્રુતાની શરૂઆત થઈ જાય છે. તેમાં પણ તે માન, મોટાઈ, કીર્તિ વગેરે ઈચ્છતો જાય છે તેમ તેમ તે પોતે જ પોતાની શત્રુતા વધારતો જાય છે.

जितात्मन: प्रशान्तस्य परमात्मा समाहित:।
शीतोष्णसुखदु:खेषु तथा मानापमानयो:।।७।।

અર્થઃ જેણે પોતાનું મન જીત્યું છે તેને પરમાત્મા પ્રાપ્ત થયા જ છે; કારણ કે તે પરમ શાંતિ પામ્યો છે. આવો મનુષ્ય ટાઢ-તડકામાં, સુખ-દુઃખમાં તેમજ માન-અપમાનમાં સ્થિર રહે છે.

છઠ્ઠા શ્લોકમાં अनात्मन: પદ અને અહીં जितात्मन: પદ આપ્યું છે. એનું તાત્પર્ય એ છે કે જે ‘અનાત્મ’ બની ગયો હોય છે. તે શરીર વગેરે પ્રાકૃત પદાર્થોની સાથે ‘હું’ અને ‘મારા’પણું કરીને, પોતાની સાથે શત્રુતાનો વર્તાવ કરે છે. જે ‘જિતાત્મા’ છે તે શરીર વગેરે પ્રાકૃત પદાર્થો સાથે શત્રુતા રાખી તેનો સંબંધ વિચ્છેદન કરીને પોતાની જાત સાથે મિત્રતાનો વર્તાવ કરે છે. આ રીતે ‘અનાત્મા’ મનુષ્ય પોતાનું પતન કરે છે ને જીતાત્મા મનુષ્ય પોતાનો ઉદ્ધાર કરે છે.

जितात्मान: જે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કોઈ પણ પ્રાકૃત પદાર્થની પોતાને માટે સહાય નથી લેતો અને તે પ્રાકૃત પદાર્થોની સાથે કિંચિત્‌ માત્ર પણ પોતાપણાનો સંબંધ નથી જોડતો, તેનું નામ जितात्मा છે. જિતાત્મા મનુષ્ય પોતાનું તો હિત કરે જ છે પણ તેના દ્વારા બીજાનું પણ ઘણું મોટું હિત કરે છે.

शीतोष्णसुखदु:खेषु… (प्रशान्तस्य) અહીં શીત અને ઉષ્ણનો ગરમ અને ઠંડુ એટલો જ અર્થ નથી થતો. જો એટલો જ અર્થ ગ્રહણ કરીએ તો જિતાત્મા પુરુષ કેવળ સ્પર્શેન્દ્રિય વિષયમાં જ શાંત રહે છે. બાકી શ્રવણ, નેત્ર, રસના, ઘ્રાણ-એ ઈન્દ્રિયોના વિષયો બાકી રહી જશે. તેમાં તેનું પ્રશાંતપણું નહિ આવે. એટલે તેમાં તેનું જિતેન્દ્રિયપણું નહીં આવે. આથી शीतोष्ण પદ અનુકૂળતા અને પ્રતિકૂળતાના અર્થના વાચક લેવાના છે. શીત અર્થાત્‌ અનુકૂળતા પ્રાપ્તિ થતાં હૈયામાં એક જાતની શીતળતા માલૂમ પડે છે અને ઉષ્ણ અર્થાત્‌ પ્રતિકૂળતાની પ્રાપ્તિ થતાં હૈયામાં એક જાતનો સંતાપ માલૂમ પડે છે. તાત્પર્ય એ છે કે હૈયામાં ન શીતળતા રહે અને ન સંતાપ રહે; પરંતુ ધ્યેય કે ઉદ્દેશ્યમાં સાતત્ય રહે ત્યારે સમાહિતતા આવે છે. ઈન્દ્રિયોને અનુકૂળ, પ્રતિકૂળ વિષય, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિ થવા છતાં પણ હૈયામાં શાંતિનો ભંગ ન થવો જોઈએ. કારણ કે તે શાંતિ પરમાત્મતત્ત્વને અવલંબિત છે, નહિ કે અનુકૂળતા પ્રતિકૂળતા ઉપર. અનુકૂળતામાં રાજી થઈ જવાથી અને પ્રતિકૂળતામાં નારાજ થવાથી પરમાત્મા સાથેની એકતારતા ભંગ થઈ જાય છે. જેને પ્રશાંતતા શબ્દથી કહી છે. તેનો ભંગ થઈ જાય છે. માટે તેની હૈયામાં અસર ન થવી જોઈએ તો જ પરમાત્માની સાથે અખંડ તંતુ જોડાયેલો રહી શકે.

હવે સુખ અને દુઃખનો શો અર્થ સમજવો? લૌકિક દૃષ્ટિ અને જેની પાસે ધન, સંપત્તિ, વૈભવ, સ્ત્રી, પુત્ર વગેરે અનુકૂળ સામગ્રીની વિપુલતા હોય, તેને લોકો સુખી કહે છે. જેની પાસે તે વસ્તુઓનો અભાવ હોય તેને લોકો દુઃખી કહે છે.

આમાં શાસ્ત્ર દૃષ્ટિ કંઈક અલગ છે અથવા કહો કે મહાપુરુષો જે કહી ગયા છે તેમની દૃષ્ટિ અલગ છે. જેમની પાસે બહારની સુખદાયી સામગ્રી નથી. તે ભોજન કયાં કરશે-એનો પત્તો નથી. પાસે પહેરવા પૂરા કપડાં નથી. રહેવાને માટે સ્થાન નથી અને સાથે કોઈ સેવા કરવાવાળો નથી. એવી અવસ્થા હોવા છતાં પણ જેના મનમાં દુઃખ, સંતાપ નથી હોતાં. જે- કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિની આવશ્યકતાનો અનુભવ નથી કરતો; પરંતુ દરેક હાલતમાં બહુ જ પ્રસન્ન રહે છે તે સાચો ‘સુખી’ કહેવાય છે. જેની પાસે બહારની સુખદાયી સામગ્રી પૂરતી છતાં અંતરમાં રાત્રીદિવસ શાંતિ નથી. ભય, ચિંતા, તૃષ્ણામાં અને તણાવમાં દિવસો કાઢે છે તે ખરેખર ‘દુઃખી’ છે.

ઉપર્યુક્ત બે પ્રકારનાં સુખ-દુઃખ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાચો સાધક કે સાચો નિષ્કામ સેવક બહારની સામગ્રીને લીધે સુખી દુઃખી થતો નથી. વાસ્તવમાં તો સાચો સાધક કયારેય પણ હરખ-શોક કે સુખ-દુઃખની લાગણીઓથી ગમગીન થતો જ નથી. તે તો પોતાનું લક્ષ્ય નિર્માણ કર્યું છે તેને પૂર્ણ કરવામાં જ પોતાનું ધ્યાન વધારે ને વધારે કેન્દ્રિત કરતો રહે છે. જેથી દુન્યવી બાબતોથી નિવૃત્ત થતો રહે છે. ગીતામાં જ્યાં જ્યાં સમતાની વાત બતાવી છે. समदु:खसुख (૧૨/૧૩, ૧૪/૨૪) शीतोष्ण सुखदु:खेषु सम: (૧૨/૧૮) ત્યાં બહારની સામગ્રીમાં ‘સમતા’ અને અંતરની અંદર સુખ-દુઃખ રહિત અર્થાત્‌ પ્રસન્નતા અને ખિન્નતાથી રહિત થવાને માટે કહેવામાં આવ્યું છે. જ્યારે પરમાત્માના સ્વરૂપમાં ‘મમતા’ને કહેવામાં આવ્યું છે. समत्वं योग उच्यते તેનો અર્થ પણ આ ત્રણ અનુસંધાનમાં જ રહેલો છે. જ્યાં સમતાની વાત બતાવી છે, ત્યાં સાધન સામગ્રીની વિષમતા તો છે જ પણ તેની અસર ન પડવી જોઈએ. જ્યાં સુખ-દુઃખમાં સમાન થવાની વાત આવે છે ત્યાં સુખ-દુઃખની સત્તા તો છે જ; પરંતુ તેની અસર પડતી નથી અને જ્યાં પરમાત્માના સ્વરૂપમાં ‘મમતા’ બતાવી છે ત્યાં પણ જગત સંબંધી મારું ને માલિકીના વ્યવહારો તો છે જ પણ તેની અસર ન થવી જોઈએ. જે ખાલી વ્યવહાર પૂરતું જ રહેવું જોઈએ.

અહીં શીત-ઉષ્ણ અને સુખ-દુઃખમાં પ્રશાંત (સમાન) રહેવાની વાત કહેવામાં આવી છે. અનુકૂળતાથી સુખ થાય છે. अनुकूल वेदनीयं सुखम्‌ અને પ્રતિકૂળતાથી દુઃખ થાય છે. प्रतिकूलवेदनीयं दु:खम्‌ એટલા માટે જો શીત-ઉષ્ણનો અર્થ અનુકૂળતા-પ્રતિકૂળતા લેવામાં આવે તો શ્લોકમાં આપેલા સુખ-દુઃખ શબ્દો વ્યર્થ થઈ જશે અને સુખ-દુઃખ અર્થ લેવાથી શીત-ઉષ્ણ કહેવાનું વ્યર્થ થઈ જશે. કેમ કે સુખ-દુઃખ અંતે તો અનુકૂળ-પ્રતિકૂળતાના જ પર્યાય કે વાચક છે. ત્યારે અહીં શ્લોકમાં શીત-ઉષ્ણ અને સુખ-દુઃખ બધાં જ પદોની સાર્થકતા કેવી રીતે રહેશે? આને માટે શીત-ઉષ્ણ દ્વારા પ્રારબ્ધ અનુસાર આવવાવાળી અનુકૂળતા-પ્રતિકૂળતાને લેવામાં આવે અને સુખ-દુઃખ દ્વારા વર્તમાનમાં કરવામાં આવનારા ક્રિયમાણ કર્મોની પૂર્તિ-અપૂર્તિ તથા તેમના તાત્કાલિક ફળની સિદ્ધિ-અસિદ્ધિને લેવામાં આવે તો એ પદોની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે. તાત્પર્ય એ થયું કે ચાહે પ્રારબ્ધની અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ હોય કે ચાહે ક્રિયમાણની તાત્કાલિક સિદ્ધિ-અસિદ્ધિ હોય આ બન્નેમાં પ્રશાંત રહે-સમતા ધારણ કરે.

વળી આ અધ્યાય-પ્રકરણ અનુસાર પણ ઉપર્યુક્ત અર્થ યોગ્ય દેખાય છે; કારણ કે આજ અધ્યાયના ચોથા શ્લોકમાં આવેલા नेन्द्रियार्थेषु (अनुषज्जते) પદને અહીં શીત-ઉષ્ણ પદ દ્વારા પ્રારબ્ધનુસાર પ્રતિકૂળતા-અનુકૂળતા કહેવામાં આવેલ છે અને न कर्मसु अनुषज्जे પદોને અહીં સુખ-દુઃખ પદ દ્વારા ક્રિયમાણ કર્મોના ફળમાં સમતાનું કહેવામાં આવ્યું છે. તેથી ત્યાં બન્ને પરિસ્થિતિમાં આસક્તિ રહિત થવાનું કહ્યું છે. જ્યારે અહીં બન્ને પરિસ્થિતિમાં પ્રશાંત (સમતા)માં રહ્યાનું બતાવ્યું છે.

તથા मानापमानयो:(प्रशान्तस्य) આગળ જેમ બતાવ્યું તેમ માન-અપમાનમાં પણ પ્રશાંત (સમતામાં) રહે છે. હવે અહીં કોઈને શંકા થાય કે માન-અપમાન પણ પ્રારબ્ધનું જ ફળ છે તો શીત-ઉષ્ણમાં માન-અપમાનને અંતર્ભાવ કેમ ન કરાયા ? તો તેનું સામાધાન એમ છે કે માન-અપમાનને એટલા માટે અલગ લેવામાં આવ્યા છે કે શીત-ઉષ્ણ તો દૈવેચ્છાકૃત પ્રારબ્ધનું ફળ છે. જ્યારે માન-અપમાન પરેચ્છાકૃત પ્રારબ્ધનું ફળ છે. એમાં બીજી વ્યક્તિઓની ઈચ્છાઓ વધારે ભૂમિકા ઉપર દેખાય છે. દૈવેચ્છાથી થાય તેનું સહન થાય પણ સામેની વ્યક્તિ જ્યારે પ્રતિકૂળતા ઊભી કરતી હોય ત્યારે માણસને સહન નથી થતું અને તેમાં પણ સમાન ભૂમિકાવાળી વ્યક્તિ (બરોબરિયા) અપમાન કરે ત્યારે તો બિલકુલ સહન ન થાય અને જ્યારે સહન ન થાય, મગજ સસણી ઊઠે ને ધીરજ ન રહે ત્યારે ધ્યેયનો માર્ગ ચૂકી જવાય. મોક્ષનો માર્ગ ઘડીભર ભૂલી જઈને સામાની સાથે બાંયો ચડાવીને તૈયાર થઈને ઊભા રહી જવાય છે. માટે કહ્યું કે, જેને લક્ષ્ય નક્કી થઈ ગયું છે અને લક્ષ્ય ઉપર ચાલવાનું નક્કી થઈ ગયું છે, તેણે માન-અપમાનમાં પણ સમતા જાળવવાની છે. આ માન-અપમાનમાં સ્થિરતા કહો કે નિંદા-સ્તુતિમાં સ્થિરતા કહો બન્ને સમાન ગણાશે. તાત્પર્ય એ થયું કે નિષ્કામ સેવક કે સાધક બીજાઓ દ્વારા કરવામાં આવેલા માન-અપમાનમાં અને નિંદા-સ્તુતિમાં પ્રશાંત રહે છે, સમતા જાળવી રહે છે. પોતાની આંતર શાંતિમાં કિચિંત્‌ માત્ર પણ ફરક પડવા દેતો નથી.

માન-અપમાન કે નિંદા-સ્તુતિમાં સ્થિર રહેવા માટેનો ઉપાય-સાધકનું કોઈ માન કરે, આદર કરે ત્યારે સાધક એમ ન માને કે એ મારા કર્મોનું, મારા ગુણોનું, મારા સારાપણાનું ફળ છે; પરંતુ એમ માને કે એ તો માન-આદર કરવાવાળાની સજ્જનતા છે કે ઉદારતા છે. ઘણી વખત એવું પણ હોય છે કે માન ગ્રહણ કરનારને સભાનતા હોતી નથી. સામાની સજ્જનતા કે ઉદારતાને પોતાનો ગુણ માની લેવો, એ ઈમાનદારી ન કહેવાય. જ્યારે કોઈ અપમાન કે નિંદા કરે ત્યારે એવું માને કે એ મારા કર્મોનું જ ફળ છે. એમાં અપમાન કરવાવાળાનો કોઈ દોષ નથી. મારું પ્રારબ્ધ કે મારા કર્મોનું ફળ જ છે. તો તે બિચારો કરી શું શકે? તેણે તો મારા કર્મનું ફળ ભોગવાવી શુદ્ધ કરવામાં મદદ કરી. આવું માનવાથી પ્રતિકૂળતાના આવેગો શાંત થઈને અપમાન કે નિંદામાં પણ પ્રશાંતતા જાળવી શકાય છે. જો સાધક કે કોઈપણ વ્યક્તિ માન-સ્તુતિને પોતાનો (જન્મજાત) ગુણ કે હક માનશે અને અપમાન-નિંદાને બીજાઓના ઉપર જ મઢશે કે મઢવા પ્રયત્ન કરશે તો તે માન-અપમાનમાં કયારેય પ્રશાંત-સમતાવાળો બની શકવાનો જ નથી. તે સાચી સાધુતા પણ કયારેય મેળવી શકતો નથી. કપડાં જરૂર મેળવી લેશે.

परमात्मा समाहित શીત-ઉષ્ણ, સુખ-દુઃખ, માન-અપમાન, નિંદા-સ્તુતિ-આટલી પરિસ્થિતિઓમાં પ્રશાંત અર્થાત્‌ નિર્વિકાર અને ધ્યેયની સમતુલા ધારણ કરી રાખવાથી સિદ્ધ થાય છે કે, તેનામાં પરમાત્મા સારી રીતે નિવાસ કરીને રહ્યા છે. ગીતાની દૃષ્ટિ એ તે સાચો સાધુ છે ને તેનામાં સાધુતા નિવાસ કરીને રહી છે. કાષાયંબર તો ગમે તે લઈ શકે છે પણ સમતુલા બધા લઈ શકતા નથી. તેથી અહીં શ્લોકમાં બતાવ્યું કે પરમાત્મા समाहित: ‘હિત’ શબ્દ ધારણ અને પોષણ માટે વપરાય છે. પૂર્ણ વિકાસ અને તેને અંગે પૂરી ઊર્જા પૂરી પાડવી તેને હિત કહેવાય છે. તે પરમાત્મા સિવાય સાચી રીતે કોઈ કરી શકતું નથી. અહીં તેને બે ઉપસર્ગો લગાવ્યા છે. સમ+આ+હિત-એટલે આવો થયો, તેમાં પરમાત્મા ઓતપ્રોત નિવાસ કરીને રહ્યા છે. તેનાથી મોટી સાધુતા કઈ હોય શકે ? કારણ કે અંદરથી પરમાત્માનો આનંદ મળ્યા વિના માન-બડાઈ, વખાણ, આત્મસ્તુતિ વગેરેનો રસ દૂર થતો જ નથી અને બાહ્ય સમતુલા, અંદરની સમતુલા અને પરમાત્મામાં મમતા કે આત્મીયતા કેળવી શકાતી નથી. જો તેમ રહેવાય છે તો તેનો અર્થ એ છે કે અંતરમાં તેને પરમાત્માનો તે રસ પ્રાપ્ત થાય છે અને આ બધા રસ શુષ્ક થઈ ગયા છે. માટે તે તેમ રહી શકે છે. ગીતામાં સાધકને માટે કે સાધુ જીવનને માટે સર્વ શ્રેષ્ઠ વસ્તુ સમતાને બતાવી છે. (૫/૧૯ , ૬/૨૨ વગેરે)

ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रिय:।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चन:।।८।।

અર્થઃ જે મેળવેલા જ્ઞાન અને અનુભવથી તૃપ્ત થયો છે, જે આત્મનિષ્ઠ અને જિતેન્દ્રિય છે અને જેને મન માટી, પથ્થર અને સોનું એ સૌ સમાન છે, તે યોગી છે, સ્થિર છે.

ज्ञानविज्ञानतृप्तात्मा-અહીં કર્મયોગનું પ્રકરણ છે. તેથી કર્મ કરવાની યોગ્ય અને શાસ્ત્રીય જાણકારીનું નામ ‘જ્ઞાન’ છે. જ્યારે તે કર્મોની સિદ્ધિ-અસિદ્ધિમાં નિરંતર ભગવાનને કેમ યાદ કરવા અને તે કર્મ સાંગોપાંગ ભગવાનના લાભાર્થે કેમ કરવામાં આવે તો થાય તે સંબંધી જાણકારીને ‘વિજ્ઞાન’ કહેવામાં આવે છે.

સ્થૂળ શરીર દ્વારા થનારી ક્રિયા, સૂક્ષ્મ શરીર દ્વારા થનારું ચિંતન અને કારણ શરીર દ્વારા થવાવાળી સમાધિ અર્થાત્‌ દૃઢતા કે નિષ્ઠા એ ત્રણેને પોતાને માટે કરવા એ જ્ઞાન નથી અને એમ કરવાથી અંતરની તૃપ્તિ પણ થતી નથી. અહીં તો બતાવે છે કે ज्ञानविज्ञानतृप्तात्मा કારણ કે ક્રિયા, ચિંતન કે દૃઢતા અંતે તો પ્રકૃતિનાં પરિણામો છે. હા, તેનાથી જરૂર તૃપ્તિ થાય કે તે જ ક્રિયા, ચિંતન કે દૃઢતા પરમાત્માને માટે, પરમાત્માને રાજી કરવા માટે અથવા તેના સાચા ભક્તની વિશુદ્ધ સેવાને માટે કરવામાં આવે તો તે પ્રાકૃતિક હોવા છતાં તે તૃપ્તિને આપનારા બને છે. માટે આત્માને પરમાત્માનો અથવા તેના સાચા ભક્તનો સેવક માનવો એ ‘વિજ્ઞાન’ છે. એ જ્ઞાન નથી પણ ‘વિજ્ઞાન’ છે. કર્મ એ જ્ઞાન છે પણ કર્મયોગ એ વિજ્ઞાન છે. ચેષ્ટા એ જ્ઞાન છે પણ સેવા વિજ્ઞાન છે.

टस्कूथ: કૂટ એટલે એરણ. તે એક લોહ પિંડ હોય છે. લોઢું, સોનું, ચાંદી વગેરેના અનેક જુદા જુદા આકાર બનાવવા માટે તેના ઉપર રાખીને ટીપવામાં આવે છે, ત્યારે તે લોઢું, સોનું વગેરે અલગ અલગ આકાર ધારણ કરી લે છે પણ પેલો લોહ પિંડ જેવો હોય તેવો ને તેવો જ રહે છે. તેમાં રંચ માત્ર ફેરફાર થતો નથી. ટિપાવામાં સાથે હોવા છતાં તેમાં વિકૃતિઓ આવતી નથી. એક રૂપ જ રહે છે. તેને કૂટ કહે છે. એવી જ રીતે જે સાધક, અનુકૂળતા-પ્રતિકૂળતા, માન-અપમાન વગેરે વિવિધ પરિસ્થિતિઓમાં પણ નિર્વિકારપણે સ્થિર રહે છે જેથી कूटवत्‌ तिष्ठति इति कूटस्थ:। કહેવામાં આવે છે.

विजितेन्द्रिय: કર્મયોગના સાધકે ઈન્દ્રિયોના નિયમન ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે. કેમ કે કર્મ કરવામાં પ્રવૃત્તિ હોવાને કારણે તેને કાંઈક ને કાંઈક રાગદ્વેષ થવાની પૂરી સંભાવના રહે છે. એટલા માટે ગીતામાં કહ્યું છે કે सर्वकर्मफलत्यागं तत: कुरु यतात्मवान्‌ (૧૨/૧૧) અર્થાત્‌ કર્મફળના ત્યાગમાં જીતેન્દ્રિયપણું મુખ્ય છે. આ રીતે સાધન અવસ્થામાં ઈન્દ્રિયો પર વિશેષ સંયમ રાખનારો સાધક સિદ્ધ અવસ્થામાં આપોઆપ જીતેન્દ્રિય બની જાય છે.

समलोष्टाश्मकाञ्चन: લોષ્ટ એટલે માટીનું ઢેફંુ. અશ્મ એટલે પથ્થર અને काञ्चन એટલે સોનું-આ બધામાં સિદ્ધ કર્મયોગી સમાન રહે છે. એક સોનાથી બનાવેલી વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને એક સોનાથી બનાવેલી કૂતરાની મૂર્તિ હોય તો વજનમાં બન્ને બરાબર હોવાથી તેની કિંમત તો સોનીની દૃષ્ટિએ બરાબર રહેશે; પરંતુ વિષ્ણુ ભગવાન પરમ પૂજ્ય છે. જ્યારે કૂતરો પરમ અપૂજ્ય છે. માટે વ્યવહાર તો અલગ રહેવાનો પણ જગતના તમામ પદાર્થો નાશ પામવાવાળા છે. એવા માપથી તમામ સમાન દેખાશે. સમાન હોવાનો અર્થ એવો નથી કે તેને માટીનું ઢેફું, પથ્થર તથા સોનાનું જ્ઞાન નથી હોતું. એ બરાબર જાણે છે કે આ ઢેફું, પથ્થર તથા સોનું છે. તેની નાણાંકીય કિંમતમાં આટલો તફાવત છે. એવું જ્ઞાન તેને સારી રીતે છે. તેનો વ્યવહાર પણ તેને અનુરૂપ, જેવો થવો જોઈએ તેવો જ કરે છે. સોનાને તિજોરીમાં સુરક્ષિત રાખે છે. જ્યારે ઢેફું પથ્થર તેને બહાર જ રાખે છે. એવું હોવા છતાં પણ સોનું ચાલ્યું જાય તો તેના મન પર ફટકો નથી લાગતો અને સોનું મળી જાય તેના મન પર કોઈ વિશેષ અસર પડતી નથી. તે બધાને નાશવંત અને બોજારૂપ તો જરૂર દેખે છે. જેમ કોઈ સોનાની સોય હોય, સ્ટીલની સોય હોય અને એક બાવળની શૂળ હોય તે ત્રણેની કિંમત અલગ છે પણ જો પોતાના શરીરમાં કોઈ લાગી જાય અથવા ખૂંચી જાય તો સોનાની હોય તો માણસ એમ નથી કહેતો કે રહેવા દો સોનાની છે, તે બહુ સારી લાગે છે. કિંમત હોવા છતાં એ બધું શરીરથી અલગ કર્યા પછી જ કિંમત કરાય પણ શરીરના ભાગમાંથી તો તેને જલ્દી કાઢવી જ પડે છે. એમાં કોઈ પણ માણસ, ઉતાવળો જ થાય છે. તેમ સોનું કે લોખંડ નાશવંતને માયિક હોવાથી અધ્યાત્મમાં સાવધાની ન રાખે તો વિઘ્નરૂપ જરૂર બને છે. માટે તેને તેના આવવા જવાથી કોઈ હર્ષ-શોક રહેતો નથી. આ પદાર્થો તેના અંતઃકરણમાં કોઈ વિકાર પેદા કરી શકતા નથી. સાર એ નીકળે છે કે નાશવંત પદાર્થેમાં તેની દૃષ્ટિ આ પદાર્થ મને ઉપયોગી કેટલો છે એવી ન રહેતાં આ પદાર્થ મને મોક્ષમાર્ગમાં અંતરાય કેટલો કરી શકે છે તે જ જોયા કરે છે અને તેનું માપ કર્યા કરે છે. તેથી આર્થિક માપ તેના અંતઃકરણને ક્ષોભ કરી શકતું નથી. વ્યવહાર ભલે અલગ અલગ કરે તો પણ નાશ થવા ટાઈમે ક્ષોભ સમાન રહેશે.

सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते।।९।।

અર્થઃ સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો શ્રેષ્ઠ છે.

सुहृन्मित्रार्युदासीन…આઠમા શ્લોકમાં પદાર્થોની સમતા બતાવી, હવે આ શ્લોકમાં વ્યક્તિઓમાં સમતા બતાવે છે. વ્યક્તિઓમાં સમતા બતાવવાનું તાત્પર્ય એ છે કે વસ્તુ તો પોતાના તરફથી કોઈ ક્રિયા નથી કરતી. આથી તેમાં સમબુદ્ધિ થવી સુુગમ છે; પરંતુ વ્યક્તિ તો પોતાને માટે અને બીજાને માટે પણ ક્રિયા કરે છે, પોતાના વિરુદ્ધમાં પણ ઘણી વખત ક્રિયા હોય શકે, ત્યારે તેમાં સમબુદ્ધિ થવી કઠિન છે. એટલા માટે વ્યક્તિઓના આચરણને જોઈને પણ જેની વિચારધારા બદલાઈ ન જાય અને જેની બુદ્ધિમાં કે વિચારોમાં કોઈ વિષમતા કે પક્ષપાત નથી થતો, એવો સમબુદ્ધિવાળો પુરુષ પેલા શ્લોકમાં વર્ણવેલ કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે.

सुहृद्‌ मित्र-वयोविशेष अनङ्गीकारेण स्वहितेषिण: सुहृद:। सवयसो हितैषिण: मित्राणि। અહીં સુહૃદ મિત્ર, બંધુ તથા અરિ, દ્વૈષી તથા ઉદાસીન, મધ્યસ્થી વગેરે એક બીજાના પર્યાય જેવા લાગે છે; પરંતુ ઊંડાણથી શાસ્ત્રકારોએ તેનું પૃથ્થક્કરણ કર્યું છે અને તેની વ્યાખ્યાઓ આપીને અલગ કર્યા છે. એમાં બંધુ (કુટુંબી) શબ્દ સહજપણે પિતા ભાઈ વગેરે માટે વપરાય છે. જ્યારે મિત્ર શબ્દ-સમાનવયસ્ક માટે વપરાય છે. તો સૃહૃદ શબ્દનો અર્થ શો? ઉંમરને નહિ જોઈને આપણું હિત કરનારાને સુહૃદ કહેવાય. જે માતાની જેમ જ; પરંતુ મમતારહિત (મોહરહિત) થઈને વિના કારણ સહુનું હિત ઈચ્છવાના અને હિત કરવાના સ્વભાવવાળા હોય, તે સુહૃદ કહેવાય. જે ઉપકારના બદલામાં ઉપકાર કરવાવાળો હોય તેને મિત્ર કહે છે.

બંધુ શબ્દનો વિરોધી દ્વેષી શબ્દ છે. જેમ બંધુમાં સહજ હિતૈષિતા છે તેમ દ્વેષીમાં વિના કારણ (વિના અપકાર) અહિતૈષિતા રહેલી હોય છે. તેથી અરિનો અર્થ શો લેવો તો निमित्तत: अनर्थेच्छव: अरय: કોઈ નિમિત્તથી જેમાં શત્રુતાનાં બીજ વવાયેલાં હોય તેને અરિ કહેવાય છે. જ્યારે કોઈ કારણ વિના પણ લોહીના પરિભ્રમણની જેમ જેનામાં શત્રુતા ઝરતી હોય તેને દ્વેષી કહેવાય છે-जन्मत: एव अनिष्टेच्छव: द्वेष्या:

હવે મધ્યસ્થી શબ્દ પણ દ્વેષી-બંધુની અપેક્ષાવાળો છે. જે દ્વેષી પણ ન હોય અને બંધુ પણ ન હોય તે મધ્યસ્થી કહેવાય. બે જણા પરસ્પર વાદવિવાદ કરી રહ્યા હોય, તેમને જોઈને તે બન્નેની લડાઈ બંધ થાય અને બન્નેનું હિત થાય એવી ચેષ્ટા કરવાવાળો ‘મધ્યસ્થી’ કહેવાય. તે મામલામાં સામેલ (ઈન્વોલ્વ) થાય છે. ત્યારે ઉદાસીન કોને કહેવો તો બે જણાની લડાઈ-વાદવિવાદ જોઈને પણ જે તટસ્થ રહે છે. (તે મામલામાં સામેલ થતો નથી) કોઈનો કિચિંત્‌ પણ પક્ષપાત કરતો નથી અને પોતાના તરફથી કોઈ સલાહ દેતો નથી, તેને ઉદાસીન કહેવાય.

साधवो-धर्मशीला: અત્યાર સુધી જે ચર્ચા કરી તે એક ને એક હેતુથી પ્રતિસંબંધીવાળા હતા. એમની ચર્ચા કરી. હવે સાધારણપણે વખાણવા યોગ્ય અને નીંદવા યોગ્ય પુરુષોની ચર્ચા કરતાં કહે છે કે साधवो-એટલે ધર્મશીલ પુરુષો અને पापा: એટલે પાપપ્રિય પુરુષો-એમાં પણ સમાનતા રાખવાવાળા. અહીં શંકા થાય કે એવામાં સમાન બુદ્ધિ કેમ રાખી શકાય? તો કહે છે કે જેને આત્મસ્વરૂપનું એક જ પ્રયોજન છે ને તે પામી ગયા હોવાથી તેને સુહૃદો પાસેથી પણ કોઈ સહકારની જરૂર નથી અને પાપીઓ સાથે કોઈ વિરોધ નથી અર્થાત્‌ અતિ શ્રેષ્ઠ સ્થિતિને પામી ગયા છે, માટે જ તો તેને કોઈ ઉપાદેયતા રહી નથી. હવે તો ધ્યાનને યોગ્ય એકાંત સ્થાનની તેને જરૂર છે. માટે તેને યોગ્ય વર્ણન આગળના શ્લોકોમાં કર્યું છે. એવો હોવાથી તેમાં પણ તે સમબુદ્ધિ કરી શકે છે અથવા સાધુ-પુરુષો અને પાપીઓમાં સમબુદ્ધિ કરવી એટલે કરુણાપૂર્વકની મમતાબુદ્ધિ કરવી. બન્નેનું હિત કરવાની બુદ્ધિ રાખવી, તે છે. તે બન્નેના દુઃખ નિવારણની ઈચ્છા રાખવી. જ્યાં વિષમબુદ્ધિ અધિક રહેવાની સંભાવના છે, ત્યાં પણ સમબુદ્ધિ થવી એ વિશેષ છે. ત્યાં પણ સમતા રાખી શકે છે. તો બધી જગ્યાએ સહેલાઈથી રાખી શકશે.

આ શ્લોકમાં ભાવ, ગુણ, આચરણ વગેરેની ભિન્નતાને લીધે નવ પ્રકારના જીવોનાં નામ આવ્યાં છે. એ જીવોના ભાવ, ગુણ, આચરણ વગેરેની ભિન્નતાને લીધે તેઓની સાથે વર્તાવ કરવામાં વિષમતા આવી જાય તો એ દોષી નથી. કારણ કે એ વર્તાવ તો તેમના ભાવ, આચરણ, પરિસ્થિતિ વગેરેના અનુસાર જ છે અને તેમને માટે છે. પોતાને માટે નહિ. પણ એ બધામાં પરમાત્મા છે એમાં ફરક ન આવવો જોઈએ અને પોતાનાથી એ બધાની સેવા થાય-એ ભાવનામાં પણ ફરક ન આવવો જોઈએ. તેમાંથી કોઈપણનું દુઃખ દૂર કરવાની ભાવના સમાન રહેવી જોઈએ, ત્યારે સમબુદ્ધિ કે સમતા આવી ગણાય. તે ક્યારે થાય ? તો જેને પરમાત્મતત્ત્વમાં ગાઢ પ્રીતિ કે મમતા થાય ત્યારે જ એવી અદ્‌ભુત સમતા શકય બને છે. ત્યારે તેને કોઈનો પક્ષપાત નથી રહેતો. ત્યારે તેના હૃદયમાં બધાની સેવા અને હિત કરવાની ભાવના ઊઠે છે. કારણ કે ભગવાન બધા જ પ્રાણીઓના સુહૃદ છે-सुहृदं सर्वभूतानाम्‌ (૫/૨૯) એવી જ રીતે તેનો સાચો ભક્ત કે આરાધક પણ સઘળાં પ્રાણીઓનો સુહૃદ બની જાય છે. सुहृद: सर्वदेहिनाम्‌ (ભાગ. ૩/૨૫/૨૧)

અહીં સૃહૃદ, મિત્ર વગેરે નામો લીધા પછી साधुष्वपि च पापेषु પણ કહી દીધું છે. ખરેખર સૃહૃદાદિકમાં સમબુદ્ધિ કે સમ પ્રયોજનતા હોઈ શકે પણ સિદ્ધ થયા પછી પણ અથવા યોગારૂઢ થયા પછી પણ સાધુનો સંગ તો સતત પરમાત્માના મહિમાની વૃદ્ધિ માટે તેમજઅનર્થોના નિવારણ અથવા સંભવિત અનર્થોના નિવારણ માટે પાપીના સંગનો ત્યાગ તો જરૂર કરવો જોઈએ. તે બન્નેમાં સમબુદ્ધિ કેવી રીતે સંભવી શકે? (તાત્પર્ય ચં.) તો તેનું સમાધાન એ છે કે અહીં સામાન્ય સાધકની વાત નથી કરતા પણ અતિ ઉત્કૃષ્ટ સાધકો છે, જે સાધના સિદ્ધિની પારાકાષ્ઠાએ પહોંચ્યા છે, તેને કોઈની ઉપજીવ્યતા રહી નથી. કૃતકૃત્ય થઈ ચૂકયા છે, તેને એવું થઈ શકે છે.

તાત્પર્ય એ છે કે સંસારમાં આચરણોનું જ પ્રાધાન્ય હોય છે. આચરણોની જ અસર પડે છે, આચરણોથી જ મનુષ્યની પરીક્ષા થાય છે અને આચરણોને આધારે જ સાધુ પુરુષોમાં શ્રદ્ધા-અશ્રદ્ધા થાય છે. તેથી સંસારના મનુષ્યોની સીધી દૃષ્ટિ આચરણો ઉપર જ જાય છે. તેથી જ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે (પ્ર. પ.વાત ૨૮૫) આ સહુનાથી નિયમ સરસ પાળીએ તો માણસ શક ખાઈ જાય છે, પણ ભગવાનનો મહિમા તો (પ્ર.૧, વાત ૧૯૪) મોટો છે અને આચરણ તપાસવું તે ખોટું પણ નથી. જરૂર તેનાથી વ્યક્તિનું માપ નીકળે છે. આચરણથી જ સદ્‌ભાવના પેદા થાય છે પણ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ એકાંતિક સંતોની દૃષ્ટિમાં જે તત્ત્વ પ્રાપ્તિ છે. પરમાત્માનો આશ્રય કહો કે પ્રાપ્તિ કહો તે પેલા કરતાં પણ વધારે મહત્ત્વની વસ્તુ છે અને તેમાં જેની દૃષ્ટિ સ્થિર થઈ છે ત્યારે તેવા મહાપુરુષોએ મહાપાપીઓને પણ ઊંચા લઈ લીધા છે. તેને બધામાં પરમાત્માનું જ દર્શન-સમતા અથવા પરમાત્માના મમત્વની સ્થિતિને પામી જાય છે અને એવા વિષમ આચરણવાળામાં પણ જ્યારે ભગવાન દેખાય ને સમતા રાખી શકે તો બીજે તો જરૂર રાખી જ શકશે; એવો અભિપ્રાય છે. માટે શ્લોકમાં વિશિષ્ટ શબ્દ પણ મૂકયો છે કે એવી समबुद्धिर्विशिष्यतै-એ એની બીજાથી શ્રેષ્ઠતા છે.

અહીં સાધકને કેવું દેખાય છે એના ઉપરથી સાધકની સ્થિતિ જણાઈ આવે છે. દા.ત. દ્રોણાચાર્યે પાંડવ-કૌરવની પરીક્ષા લીધી અને દરેકને પૂછયું કે, તને શું દેખાય છે? ભીમ, દુર્યોધન વગેરે બોલ્યા બધું જ દેખાય છે. અર્જુન કહે, એક પક્ષીની આંખ જ દેખાય છે. તો સાચું કોણ ? ભીમ વગેરે જ છે. અર્જુન સાચો નથી. તો પણ-ભીમ વગેરે દૃશ્યને જોવે છે જ્યારે દ્રોણ દૃશ્યને નથી જોતા પણ જોનારાની પરીક્ષા કરે છે. તેથી અયથાર્થ હોવા છતાં તેની દૃષ્ટિમાં અર્જુન પ્રથમ શ્રેણીમાં આવે છે. તેથી સમબુદ્ધિ રાખી શકે છે, તે દેખનારા સાધકની શ્રેષ્ઠતા છે પણ બધા જ સમ છે એવું સમજી લેવાનું નથી. દૃશ્યમાં સમાનતા હોય તે બધાને દૃષ્ટિથી દેખાય છે પણ દૃષ્ટામાં સમબુદ્ધિ છે તે બધાને સ્થૂળ દૃષ્ટિથી દેખાતી નથી. સાધકની ગુણવત્તા તો તે જ છે. કારણ કે સાધકે જેમ જગતને જોયા કરે છે તેમ ઊલટી દૃષ્ટિ કરીને પોતાને પણ જોવાનો છે. પોતાની સાધકતા પણ માપવાની છે અને પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. સંસારમાં બહુધા બીજાનાં આચરણો ઉપર દૃષ્ટિ રહે છે.

શ્રીજી મહારાજના શબ્દોમાં કહીએ તો જોનારો અનંત પદાર્થ (અને બીજી વ્યક્તિ) ને જોયા કરે છે, પણ જોનારો છે પોતે પોતાને જોતો નથી… તે મૂર્ખમાં મૂર્ખ, અજ્ઞાનીમાં અજ્ઞાની છે. (વચ.ગ.પ્ર.પ્ર.૨૦) માટે સાધકે પોતાના હૃદયમાં ઊઠતા ભાવોને જોવાના છે અને તે ભાવોનું નિયમન કરવાનું છે. બીજાનાં આચરણો ઉપર દૃષ્ટિ રહેવાથી જે દૃષ્ટિથી આપણું કલ્યાણ થાય છે, તે દૃષ્ટિ બંધ થઈ જાય છે અને આપણા મોક્ષમાર્ગમાં અંધકાર થઈ જાય છે. એટલા માટે બીજાઓના શ્રેષ્ઠ અને નિકૃષ્ટ આચરણ ઉપર દૃષ્ટિ ન રાખતાં તેમની તાત્ત્વિકતા અથવા વાસ્તવિક સ્વરૂપ ઉપર દૃષ્ટિ રહેવી જોઈએ. જ્યારે સ્વરૂપ ઉપર દૃષ્ટિ રહેશે તો તેના આચરણ ઉપર દૃષ્ટિ નહિ થાય અથવા નહિ રહે. જ્યારે દૃષ્ટાએ પોતાના તરફ જે દૃષ્ટિ કરવાની છે તે કેવળ પોતાના આચરણ ઉપર દૃષ્ટિ રાખવાની છે. તો જ પોતાનું શુદ્ધિકરણ શકય બને છે. જેની દૃષ્ટિ બીજાના આચરણ ઉપર જ કેન્દ્રિત (ફોકસ) થઈ છે તેના હાથમાં (સમજણમાં) તાત્ત્વિકતા આવતી જ નથી. (એવા શુભ હેતુથી આ શ્લોક લખાયા છે) એમાં પણ કેવળ બીજાના અશુદ્ધ આચરણ ઉપર જ જેની દૃષ્ટિ રહે છે તેનું તો નિશ્ચય જ અધઃપતન જ થાય છે. એવા અશુદ્ધ આચરણને જે માણસ પોતાની દૃષ્ટિમાં પ્રાધાન્ય આપે તો જરૂર તેના હૃદયમાં નબળાઈ પડી જ છે. તે વિના તે શક્ય નથી. તેથી ભગવાન અહીં પાપીઓમાં પણ સમબુદ્ધિ રાખવાવાળાને શ્રેષ્ઠ બતાવે છે. માટે બતાવ્યું કે समबुद्धिर्विशिष्यते

ગીતા સમતાને જ ‘યોગ’કહે છે ‘समत्वं योग उच्यते’ (૨/૪૮) અને સમતાને જ સાધુ પુરુષો કે સિદ્ધ પુરુષોનું લક્ષણ બતાવે છે. ज्ञेय: स नित्य संन्यासी (૫/૩) અને ગીતાની જે સમતા છે, તે પરમાત્મામાં અનન્ય મમતાનો પર્યાય છે. માટે તો તેણે તે સમતાને સાધુપુરુષોનાં લક્ષણમાં પણ જોડી છે અને તે આવતાં તેનામાં બીજા સાધુતાના ગુણો આપોઆપ આવવા લાગે છે. વિષ્ણુપુરાણમાં પ્રહ્‌લાદજીએ પણ કહ્યું કે समत्वमाराधनमच्युतस्य (૧/૧૭/૯૦) આમ ગીતાને મતે આ વસ્તુનો અપાર મહિમા બતાવ્યો છે. ત્યાં સુધી બતાવ્યું કે તે જ સાચો સાધુ છે न निरग्निर्न चाक्रिय:। (૬/૧)

એવી સમતાને પ્રાપ્ત કરવાનો ઉપાય છે બૂરાઈરહિત થઈ જવું અને બૂરાઈરહિત થવાનો ઉપાય છે. (૧) કોઈને બૂરું ન માનવું (૨) કોઈનું બૂરું ન કરવું. (૩) કોઈનું બૂરું ન વિચારવું. (૪) કોઈની બૂરાઈ ન જોવી (૫) કોઈની બૂરાઈ ન સાંભળવી. (૬) કોઈની બૂરાઈ ન કહેવી. આ છ બાબતોનું દૃઢતાથી પાલન કરીએ તો આપણે બૂરાઈ રહિત થઈ જઈએ. બૂરાઈરહિત થતાં જ આપણે ભલાઈવાળા બની જઈશું. ભલાઈને લાવવા માટે પ્રયત્ન કરવાની સાથે આપણે બૂરાઈનો ત્યાગ સર્વથા કરતા નથી. તેથી આંશિક ભલાઈ, બૂરાઈનું પોષણ આપતી રહે છે ને બૂરાઈને નિભાવતી રહે છે. સર્વથા ત્યાગ થવા દેતી નથી. આંશિક ભલાઈથી ભલાઈનું અભિમાન આવે છે અને તે ફકત બૂરાઈના પોષણનું જ કામ કરે છે. જેટલી બૂરાઈ રહે છે તે પૂરેપૂરી ભલાઈના અભિમાન ઉપર નભતી રહે છે માટે ભલા થતાની સાથે બૂરાઈ પર ચાંપતી નજર રાખી તેને દૂર કરવી.

योगी युञ्जीत सततमात्मानं रहसि स्थित:।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रह:।।१०।।

અર્થઃ યોગીએ એકલા એકાંત સ્થળમાં રહી, મનને સદા ચીવટથી અંકુશમાં રાખી, ઈચ્છામાત્ર અને સંગ્રહવૃત્તિને ત્યજી દઈ પોતાના મનને નિરંતર પરમાત્મામાં એકાગ્ર કરવું જોઈએ.

જે સ્થિતિ કર્મયોગથી પ્રાપ્ત થાય છે તે સ્થિતિ ભગવાનના ધ્યાનયોગથી પણ પ્રાપ્ત થાય છે અથવા નિષ્કામ કર્મયોગ અને ધ્યાન યોગ એક બીજાના પૂરક પણ બની રહે છે. નિષ્કામ સેવાયોગની સાથે ભગવાનનું ધ્યાન પણ સમયે સમયે એક અંગરૂપ છે. ધ્યાન યોગ સતત વિનિયોજિત થતો નથી; પરંતુ થોડો પણ જો કરાય તો કર્મયોગને ઘણું બળ આપનારો બને છે. માટે અહીં ભગવાન તેના એક પ્રબળ અંગરૂપે અથવા અવશ્ય ભાગ રૂપે ભગવાન ધ્યાનયોગ બતાવી રહ્યા છે. જેણે નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવા કરવી છે તેણે સત્ત્વગુણ વૃદ્ધિ કરવી અને સત્ત્વગુણ વૃદ્ધિ સમયે પરમાત્માનું ધ્યાન કરવું તો તેનો નિષ્કામ સેવાયોગ બળવાન બને છે અને વિશુદ્ધ પણ બને છે.

योगी युञ्जीत सततं आत्मानं रहसि स्थित:।

અહીં યોગી શબ્દ કર્મયોગના સાધકને માટે વપરાયો છે. કારણ કે તે પ્રકરણ છે. સતતનો અર્થ સર્વકાલ એવો નથી; કારણ કે એવું તો યોગશાસ્ત્ર પણ બતાવતું નથી અને કોઈની શક્તિ પણ ન હોય કે બધો જ સમય ધ્યાનમાં બેસી રહે કે બેસી શકે. માટે હંમેશાં નિયમિતપણે સત્ત્વાદિક સમયે પોતાના આત્માને અર્થાત્‌ મનને ધ્યાનમાં લગાડવું. ઈતર વિષયનિરોધશાળી વૃત્તિવાળું કરવું. તો પછી सततं નો અર્થ શો લઈશું? તો તેમનું તાત્પર્ય એ છે કે જ્યારે એકાંતમાં ધ્યાન કરવા બેસો ત્યારે તો ભગવાનમાં જોડાયેલા રહો પણ વ્યવહાર વેળાએ પણ નિર્લિપ્ત રહીને ભગવાનમાં જોડાયેલા રહો. કારણ કે વ્યવહાર વેળાએ ભગવાનમાં ન જોડાવાથી લિપ્તતા વધુ થાય છે. તો ધ્યાનમાં પણ તે યાદ આવે છે. જ્યારે વ્યવહાર વેળાએ પણ ભગવાનને સતત યાદ કરતા રહેવાથી ધ્યાન વેળાએ તુરત મન ધ્યાનમાં સ્થિર થઈ જાય છે અને ધ્યાન સમયે સારી રીતે ચિંતન થવાથી વ્યવહાર સમયે પણ ચિંતન થતું રહે છે. બેઉ સમયે કરેલું ચિંતન એકબીજાનું પૂરક બની રહે છે. તાત્પર્ય એ છે કે સાધક સંસારમાં તો ભગવાનને ભેળવે પણ ભગવાનમાં સંસારને ભેળવવાનો નથી અર્થાત્‌ સાંસારિક કાર્યો કરતાં કરતાં પણ ભગવત્‌ સ્મરણ કરતો રહે.

સાધક મોટે ભાગે એ ફરિયાદ કરે છે કે અમારું મન ભગવાનમાં બરાબર નથી લાગતું, તો તેનું કારણ શું છે? તો તેનું કારણ એ છે કે સાધક સંસાર સાથે સંબંધ તોડીને ધ્યાન નથી કરતો પણ ધ્યાન કરે છે ત્યારે પણ સંસાર સાથે પ્રથમ સંબંધ જોડીને ધ્યાન કરે છે. ધ્યાનમાં બેસતી વખતે પહેલાં જ વિચારીને બેસે ત્યારે જ ‘અમુક કામ કરવાનું છે આટલું લેવાનું છે, આટલું આપવાનું છે ફલાણા ભાઈને મળવાનું છે’ વગેરે…! પછી ધ્યાનમાં ફલાણા ભાઈ જ આવીને ઊભા રહે ને લેવા દેવાનું જ કરવા માંડી જવાય છે. માટે ઓછામાં ઓછું ધ્યાન કરતી સમયે તો તે સંબંધો તોડીને બેસવું, પોતાના કોઈને ન માનવા. કયાંય વધારે મમતા ન રાખવી. જો રહે તો ધ્યાનમાં તે જ સાંભરવાના છે, માટે નિર્લિપ્તતા કેળવીને ધ્યાનનું રક્ષણ કરવું.

ધ્યાન કરવું તે એકાંતમાં (रहसि स्थित:) બેસીને કરવું. જનવજિર્ત દેશ હોય તો પણ જો દૂર વસેલ વસ્તીથી શબ્દો આવે તો તે શબ્દોના અર્થ કરવામાં, કોના છે વગેરે ચિંતવન કરવામાં મન ધંધે લાગી જાય. માટે નિજર્ન પ્રદેશ હોય એટલું જ જરૂરી નથી. અંદરના ભાગમાં પણ હોવું જરૂરી છે.જેથી ધ્યાનમાં વિક્ષેપકારક શબ્દ કાને ન અથડાય અને જો શબ્દ આવશે તો તેનું સમાધાન રહેશે નહિ. એટલે નિજર્ન દેશ તો હોવો જરૂરી છે સાથે નિઃશબ્દ પણ જરૂરી છે.

एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रह:।

નિઃશબ્દ દેશ હોય અને એકાંત હોય તો પણ એકાંતમાં પણ સાથે રહેનાર શિષ્યવર્ગ કે સહાધ્યાયી બ્રહ્મચારીઓ વગેરે ન હોવા જોઈએ. તેથી એકાકી લખ્યું-ધ્યાન યોગનો સાધક જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે વાતચીત પણ ન થવા માટે બીજો ન જોઈએ અને સેવક વગેરેમાં જો રાગ હોય તો તે કયાં ગયો હશે? તેની ચિંતા થાય ને ધ્યાનમાં તે યાદ આવે. માટે કહે છે એકાકી ધ્યાન કરવું. કેટલાક સાધકો એકાકીનો અર્થ એમ કરે છે કે પરમાત્મા સિવાય કયાંય સ્નેહ-સંબંધ નહિ રાખનારો થાય. એવો ભાવ લાવે છે તે પણ જરૂર સહાયક છે.

બહારથી પોતાના સુખને માટે પદાર્થ અને સંગ્રહનો ત્યાગ તથા અંતરથી તેમની કામનાનો ત્યાગ-આશાનો ત્યાગ થવા છતાં પણ અંતઃકરણમાં નવો રાગ થવાની સંભાવના રહે છે અથવા તો અંતઃકરણમાં પડેલો રાગ થવાની સંભાવના રહે છે અથવા તો અંતઃકરણમાં પડેલા રાગ પ્રમાણે મનને શાંત બેસારવા છતાં રાગ પ્રમાણે ચિત્ત ચિંતવન કરવા લાગે છે. માટે તેનો નિગ્રહ કરવા यतचित्तात्मा શબ્દ વાપર્યો છે, કે નવા રાગ અને ચિત્તને પણ રોકે, તો ધ્યાન થવા દેશે. નહિ તો ધ્યાનને ઊથલાવી નાખે છે.

ઉપરનો નિગ્રહ કરવા છતાં વાસનાનું નિવારણ કરવા निराशी: શબ્દ મૂકયો છે. आशीः અંતરની વાસના તેને પણ દૂર કરવી જરૂરી છે. તેની હાજરીમાં આગળના કહેલા નિગ્રહો સાર્થક રહેતા નથી. आशीः શબ્દથી અંતરની ભોગ અને સંગ્રહની વાસનાનો ત્યાગ કરવા કહે છે. જ્યાં સુધી તેની હાજરી હોય તે ધ્યાનમાં ઘણી જ બાધક બને છે.

ચિત્તનો નિરોધ-યોગ-સંસારમાત્રથી વિમુખ થઈને કેવળ પરમાત્માને સન્મુખ થઈને કરી શકાય છે, માટે સૌ પ્રથમ સાધન બતાવે છે. अपरिग्रह:-અર્થાત્‌ પોતાને માટે સુખબુદ્ધિથી કંઈ પણ સંગ્રહ ન કરવો. કારણ કે પોતાના સુખને માટે ભોગ અને સંગ્રહ કરવાથી તેમાં મનની આસક્તિ-ખેંચાણ રહેશે. જેથી સાધકનું મન ધ્યાનમાં નહિ લાગે. સીધું તે ભોગસંગ્રહમાં લાગી જશે. માટે જેને સાચું ધ્યાન સિદ્ધ કરવું છે તેને પરિગ્રહ-ત્યાગ જરૂર કરવો જોઈએ. અર્જુન પહેલાં પણ યુદ્ધને માટે તૈયાર હતો અને અંતે પણ યુદ્ધ કર્યું. કેવળ વચમાં તે યુદ્ધને પાપ સમજવા લાગ્યો હતો. ભગવાને સમજાવી દેવાથી તેણે યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે પ્રસંગ કર્મોનો હોવાથી ગીતામાં કર્મયોગનો વિષય આવવો એ તો બરાબર જ હતું; પરંતુ તેમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ વગેરે પારમાર્થિક સાધનોનું વર્ણન કેવી રીતે આવ્યું? તેમાં પણ અહીં ધ્યાનયોગનું વર્ણન આવ્યું. જેમાં કેવળ એકાંતમાં બેસીને ધ્યાન લગાવવું પડે છે.આ પ્રસંગ જ અહીં કેમ આવ્યો?

અર્જુન પાપના ભયથી યુદ્ધથી ઉપરત થાય છે તો તેમના અંતરમાં કલ્યાણની ઈચ્છા જાગ્રત થાય છે. આથી તે ભગવાનને પ્રાર્થના કરે છે કે જેનાથી મારું નિશ્ચિત કલ્યાણ થાય તે વાત આપ કહો. (૨/૭, ૩/૨, ૫/૧) તેથી ભગવાનને શ્રેયકારી જેટલા માર્ગો પ્રસિદ્ધ છે તે બધા બતાવવા પડયા. તેઓમાં દાન, યજ્ઞ, તપ, વેદાધ્યયન, પ્રાણાયામ, ધ્યાનયોગ, હઠયોગ, લયયોગ વગેરે કહેવા એ પણ ભગવાનનું કર્તવ્ય થઈ જાય છે. એટલા માટે ભગવાને ગીતામાં કલ્યાણકારક સાધનો બતાવ્યાં છે. તે બધાં સાધનોમાં ભગવાને એ વાત મુખ્ય બતાવી કે નાશવંત વસ્તુઓનું જે લક્ષ્ય છે, તે બંધન કરનારું છે. સાધકનું લક્ષ્ય, સાધન કરવા પાછળ કેવળ પરમાત્મા જ હોવા જોઈએ. સમભાવ રાખતાં રાખતાં અને પોતાનું કર્તવ્ય બજાવતા થકા કોઈપણ સાધન કલ્યાણકારી બને છે. છતાં ભગવાનને તે બધામાં નિષ્કામ કર્મયોગ કાંઈક વિશેષ દેખાય છે. જે કોઈને કોઈ નિમિત્ત નીચે ઠેકાણે ઠેકાણે ભગવાનની વાણીમાં પ્રગટ થઈ આવે છે.