પ્રતિપાદિત વિષયઃ
મત્સર ટાળવો.
મુખ્ય મુદ્દાઃ
૧.બીજાના સારામાં પોતાના અંતરમાં દાઝ થાય તેને મત્સર કહેવાય.
ર.સ્ત્રી, ધન, સારું ભોજન અને માન એ મત્સર ઉપજવાના હેતુ છે.
૩.સંતને માર્ગે ચાલે, મત્સર ટાળવાનો દૃઢ નિરધાર કરે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે તો તેનો મત્સર ટળે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં દીવ બંદરના પ્રેમી હરિભક્ત પ્રેમબાઈ મહારાજને માટે પૂજા લાવ્યા હતા અને મહારાજને સ્વીકારવા માટે પ્રાર્થના કરી ત્યારે મહારાજ સિંહાસન ઉપરથી ઉતરીને તેમની પાસે જઈને તેમની પૂજા અંગીકાર કરી પાછા સિંહાસન ઉપર વિરાજમાન થયા. પૂજા સ્વીકારીને મહારાજ ખૂબ પ્રસન્ન થયા. તે દરમ્યાનમાં દીનાનાથ ભટ્ટ શ્રીજી મહારાજને પગે લાગ્યા અને સભામાં બેઠા ત્યારે શ્રીજી મહારાજે પૂજામાં આવેલાં ભારે વસ્ત્રો તથા ઘરેણાં હતાં તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યાં.
આ પ્રસંગથી મહારાજનો તે ભક્ત ઉપર અત્યંત રાજીપો જોઈને મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે હે મહારાજ ! ભગવાન પોતાના ભક્ત ઉપર કયા ગુણે કરીને રાજી થતા હશે ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલાં વાનાંએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સરનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરે તેના ઉપર ભગવાન વિશેષ રાજી થાય છે. મહારાજ કહે છે કે મત્સર છે તે સર્વે વિકાર માત્રનો આધાર છે. માટે સાધુમાં તે ન હોવો જોઈએ. વ્યાસ ભગવાને શ્રીમદ્ભાગવતમાં નિર્મત્સર એવા જે સંત તેમને જ ભાગવત ધર્મના અધિકારી કહૃાા છે. માટે મત્સર તે સર્વવિકારથી ઝીણો છે અને ટળવો પણ ઘણો કઠણ છે.
અહીં ભક્તોના મનમાં એક પ્રશ્ન ઊઠે કે મત્સર એટલે શું ? તો કોઈ પણ બીજી વ્યકિતનું સારું થાય અથવા સારું જુએ ત્યારે પોતાના હૃદયમાં બળતરા થાય. આવી અનુભૂતિને મત્સર કહેવામાં આવે છે. મહારાજ કહે છે કે કોઈ લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. બીજાનો ઉત્કર્ષ દેખીને પણ મત્સરવાળાને જીવમાં બળતરા થાય છે. કોઈની પ્રગતિ દેખીને મત્સરવાળાને જીવમાં બળતરા થાય છે. કોઈની પ્રગતિ દેખીને મત્સરવાળો રાજી થઈ શકે નથી. આવો જે સ્વભાવ તેને મત્સર કહેવાય છે.
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછયું, મત્સર ટાળ્યાનો શો ઉપાય છે ? ત્યારે મહારાજ બોલ્યા, જે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મત્સર ટળે અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેનો તો મત્સર ન ટળે. મત્સર ખૂબ ઝીણો હોવાથી ઘણા ઉપવાસ કરવાથી પણ તે દૂર થતો નથી. કડક નિયમનું પાલન કરવાથી પણ તે દૂર થતો નથી. તેને ટાળવા માટે હૃદયને વિશાળ બનાવવું પડે છે. મત્સર એ સંકુચિત હૃદયની ભાવનાનું ઉત્પાદન છે. પ્રગતિ થાય તો મારી જ થવી જોઈએ. અથવા કમસેકમ મારા જેટલી તો બીજાની પ્રગતિ ન જ થવી જોઈએ. આવી સંકુચિત ભાવના એ મત્સર પ્રવૃત્તિનું કારણ બને છે. પોતે એવી અપેક્ષા રાખે, પણ વાસ્તવમાં તેવું બની જતું નથી.
પોતાનાથી બીજાની પ્રગતિ વધારે થાય ત્યારે પોતે બાંધી રાખેલી ધારણા કચડાય છે અથવા ઘાયલ થઈ જાય છે. ત્યારે મત્સરવાળાને હૃદયમાં અત્યંત પીડા થાય અને બળતરા થાય છે. માટે તે ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. તેથી જ મહારાજ કહે છે કે જેને સંતને માર્ગે ચાલવું હોય તેનો મત્સર ટળે. બાકી ઉપવાસ અથવા સાધના કરે તો મત્સર ટળી જાય તેવું નથી. સંત છે તે તો બીજાનું સારું ઈચ્છે અને બીજાનું સારું જોઈને અંતરમાં રાજી થાય. વ્યાસજીએ સંતને ત્યારે ભાગવત ધર્મના અધિકારી કહૃાા છે. માટે મત્સરને ટાળવા માટે પોતાના અંતરમાં સાધુતાને માર્ગે ચાલવું છે એવો પોતે દૃઢ નિર્ણય કરે તો મત્સર ટળે.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે મત્સર ઉપજ્યાનો શો હેતુ છે ? ત્યારે મહારાજ બોલ્યા સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ ત્રણ મત્સરના હેતુ છે. જેને એ ત્રણ વાનાં ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. મહારાજ કહે છે કે આ ચારેય મત્સર થવાનાં કેન્દ્રો છે. દરેક વ્યક્તિ પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વિના બધા કરતાં આ ચારેય શ્રેષ્ઠવાનાં મારા પાસે જ હોવા જોઈએ. બીજા પાસે નહીં. તેથી રૂપવાન સ્ત્રીઓ માટે ઝઘડાઓથી આખો ઈતિહાસ ભર્યો છે. તેને માટે મોટાં મોટાં યુદ્ધો થયેલાં છે. તેવું જ ધનની બાબતનું છે. તેવું જ ભોજન અને માનની બાબતનું છે. આ ચારવાનાંની કોઈને તૃપ્તિ હોતી નથી. બીજાને તે બિલકુલ ન મળે તો સૌથી વધારે સારું. જો મળે તો પણ સારું ન મળે. જેવું તેવુ ને કઢંગુ મળે અને એમ છતાંય સારું મળે તો મારા જેટલું ન મળવું જોઈએ. કારણ કે આ ચારેવાનાં માટે માણસે સૌથી વધારે પોતાની જ યોગ્યતા છે એવી ધારણા અંતરમાં ધારેલી હોય છે. પછી જ્યારે બીજા કોઈને તે પ્રાપ્ત થાય અથવા પોતાથી વધારે પ્રાપ્ત થાય ત્યારે તેના હૃદયમાં મત્સર ભડકી ઊઠે છે. એ ચારવાનાંની ઈચ્છાનો ત્યાગ કરે ત્યારે મત્સર દૂર થઈ શકે.
મહારાજે પોતાનું દૃષ્ટાંત આપીને સમજાવ્યું કે અમારા હૃદયમાં કયારેય આવા અંતઃશત્રુઓનો લેશ આવતો નથી. પંચ વિષયની ઈચ્છા કયારેય હૃદયમાં ઉદ્ભવતી નથી. ખરેખર પૂજામાં આવેલાં ઉત્તમ વસ્ત્રો અને ઘરેણાં મહારાજે તુરત બિલકુલ નિસ્પૃહભાવે યોગ્ય સદ્પાત્ર એવા દીનાનાથ ભટ્ટને આપી દીધાં. મહારાજ કહે, અમે જે કાંઈ ગ્રહણ કરીએ છીએ તે ભક્તની ભક્તિને દેખીને કરીએ છીએ, પણ અમારા દેહના સુખને અર્થે નથી કરતા. અમારી તમામ શારીરિક ક્રિયાઓ પણ સંત અને સત્સંગીને અર્થે છે અને એમ ન જણાય તો તેનો અમે તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ. તે અમારા સ્વભાવને મૂળજી બ્રહ્મચારી આદિક અમારા નજીક રહેનારા છે તે યથાર્થ જાણે છે કે મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. તે વિના ચૌદલોકમાં કયાંય અમને પ્રીતિ નથી. ભગવાનના ભક્તને પણ એમ જ વર્તવું ઘટે છે. ત્યારે જ તેના અંતરમાંથી મત્સર દૂર થાય. ત્યાં સુધી યથાર્થપણે મત્સર દૂર થાય નહીં.