ગમ–રર : બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું

પ્રતિપાદિત વિષયઃ

નિશ્ચિત ધ્યેયનું મહત્ત્વ.

મુખ્ય મુદ્દો        

૧.મરીને ભગવાનના અક્ષરધામમાં જવું છે એવું દૃઢપણે ધ્યેય નક્કી કરવું.

વિવેચન :–

આ વચનામૃતની શરૂઆત મહારાજે કૃપા વાકયથી કરી છે. આ ધ્યેય નિશ્ચિત કરવા માટેનું વચનામૃત છે. મહારાજ કહે છે કે બે સેના સામસામે પરસ્પર લડવા તૈયાર થઈ હોય, બેયના રાષ્ટ્રધ્વજ સામસામા રોપાયા હોય, પછી બેયના મનમાં એમ હોય કે તેનો રાષ્ટ્રધ્વજ ઉડાવી દઈને આપણો રાષ્ટ્રધ્વજ તેની જગ્યાએ રોપી દઈએ પણ એવો વિચાર નથી કરતા કે એના નિશાન સુધી જઈશું તો કેટલાયનાં માથાં પડશે અને લોહીની નદીઓ વહેશે. કેમ જે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં પણ જે કાયર હોય તે તો ભાગ્યાના હજારો વિચાર કરે અને ઝડપથી ભાગવાની ઘણી યુક્તિ બનાવી રાખે અને એવો પણ વિચાર કરે કે આપણે જીતશું તો કોઈનું ધન, હથિયાર લૂંટી લેશું. પરંતુ બંને પક્ષના શૂરવીર યોદ્ધાને મરવાનો ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી. ફક્ત નિશાન લેવાનો જ આગ્રહ છે. જ્યારે કાયરોને ભય અને લોભ બેય વાનાં છે. જીત કરવી તેવી શૂરવીરતા તો તેના હૃદયમાં આવતી જ નથી. બીજાં જીત કરશે તો આપણે આટલો ફાયદો ઉઠાવી લેશું એવા નાદાર વિચાર કરે છે.

મહારાજ કહે, આ તો દૃષ્ટાંત છે. તેમાંથી ઉપદેશ એ છે કે નિશાનને ઠેકાણે ભગવાનનું ધામ છે. શૂરવીરના ઠેકાણે દૃઢ ભક્તો છે. તેને તો મનમાં એમ છે કે આ સંસારમાં આપણું માન થાય કે અપમાન થાય, દેહને સુખ થાય કે દુઃખ, શરીર રોગી રહે કે નિરોગી, દેહ જીવે અથવા મરે પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આટલું સુખ થશે. એના હૃદયમાં તો ધ્યેય મેળવવાનો જ એક આગ્રહ છે, દૃઢ નિશ્ચય છે કે આ દેહના અંતે ભગવાનના અક્ષરધામમાં જવું છે ને ત્યાં નિવાસ કરવો છે પણ વચમાં કયાંય રોકાવું નથી અને લોભાવું નથી.

જ્યારે કાયરના ઠેકાણે દેહાભિમાની ભક્તો છે. તેને તો ભગવાન ભજવામાં હજારો શંકા થાય, ડગમગાટ અને ડર થયા કરે જે કરડા વર્તમાન થશે તો નહીં નભાય. સુગમ વર્તમાન હશે તો નભાશે અને એવો પણ વિચાર કરે છે કે એવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખી થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું; પણ આ લોકમા તો બધું બરાબર કરી જ લઈએ અને એમ કરતાં કરતાં ભગવાન ભજીએે તો કાંઈ ખોટ ન આવે. એવા હોય તેને કાયરના ઠેકાણે જાણવા. જે દૃઢ ભક્તો હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ ઘાટ હોય જ નહી.

પછી મહારાજે પોતાની વાત કરી. અમે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરીને ચોરાસી જમાડીને ત્યાંથી જેતલપુર ગયા. ત્યાંથી ધોળકે જઈ રાત રહી ત્યાંથી ગણેશ ધોળકાની રાણોમાં જઈને રાત રહ્યા ને એવો વિચાર કરવા માંડયો જે જેટલી પ્રવૃત્તિ કરી છે તેને અંતરમાંથી વિસારી દેવી. તેણે કરીને શરીરે માંદા થયા અને દેહની પણ સ્મૃતિ ન રહી અને સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી. પછી અતર્દૃષ્ટિ રહેવા માંડી અને દેવતાના ભોગ દેખાવા માંડયા પણ અમારા અંતરમાં તો તે કાંઈ ગમ્યું નહીં. તે તુચ્છ લાગ્યા. એથી દેવતા અમારા વખાણ કરવા માંડયા. તે સાંભળીને અમારા હૃદયમાં હિંમત આવી અને અંતઃકરણ ને ખૂબ ડારો દીધો. આમ મહારાજે પોતાનું દૃષ્ટાંત આપીને વાત કરી.

ભગવાનના ભક્તને મારે મૃત્યુ પછી અક્ષરધામમાં જવું છે, પણ બીજે કયાંય જવું નથી એવું નિશ્ચિત કરાવવા માટે મહારાજે પોતાનું દૃષ્ટાંત આપ્યું છે. જ્યારે ભક્તના જીવનમાં ધ્યેયની દૃઢતા થાય ત્યારે વૈરાગ્ય, વિવેક તથા ધર્માદિક સદ્‌ગુણો તેના જીવનમાં સહેજે આવીને ગોઠવાઈ જાય છે અને તેને અનુરૂપ પુરુષાર્થ પણ ઉત્સાહથી થાય છે. તેનાથી ઉલ્ટું ભક્તના હૃદયમાં નિશ્ચિત ધ્યેય નક્કી ન થયું હોય તો પૂર્વના સંસ્કારે કરીને વૈરાગ્ય આદિક ગુણો આવ્યા હોય તો પણ તેનો યથાર્થ ઉપયોગ થતો નથી. તે ખાલી શોભા બની રહે છે.

જ્યારે ધ્યેય દૃઢપણે નિશ્ચિત થાય તો વૈરાગ્ય આદિક ગુણો જરૂરિયાતની ચીજ બની રહે છે અને જે જરૂરિયાત હોય તેને માણસ કોઈ પણ ભોગે મેળવી લે છે. તેથી જ કહ્યુ છે કે જરૂરિયાત એ સંશોધનની જનની છે. જ્યારે શોખ કે શોભાની વસ્તુ મેળવવામાં એટલો પુરુષાર્થ કોઈ કરતું નથી. માટે મરીને અક્ષરધામમાં જવું છે એવો દૃઢ નિશ્ચય થાય તો વૈરાગ્યાદિક ગુણો ન હોય તો પણ તે આવવા લાગે છે. જો હોય તો તેનો પૂરો ઉપયોગ થવા લાગે છે અને તેને અનુરૂપ પુરુષાર્થ પણ સહેજે જ થાય છે.

જ્યારે કોઈ નિશ્ચિત ધ્યેય ન હોય તો વૈરાગ્યાદિ ગુણો હોય તો પણ તેનો યથાર્થ ઉપયોગ થતો નથી અને પુરુષાર્થ પણ અસ્થાને થાય છે અને વ્યર્થ જાય છે અથવા આલોકનું માન, ભોગ આદિ ધ્યેય હોય તો પણ વૈરાગ્યાદિ સાધનો વ્યર્થ જાય છે.

વળી મહારાજે કાયરનુ દૃષ્ટાંત આપીને બતાવ્યું કે આવા ધ્યેય વિનાના ભક્તો જ વિધ્નથી ડરે છે અને લાલચમાં લપટાય છે. સાચા ધ્યેયવાળા ભક્તો નિશાન પાડવાના આગ્રહવાળા, દૃઢતા અને ખુમારીથી ભરેલા હોય છે. ધ્યેય વિનાના ભક્તોને પુરુષાર્થ કરવા છતાં અપૂર્ણતા દૂર થતી નથી. તે ઈન્દ્રિયોને પણ ધમકાવી શકતા નથી ને જીતી પણ શકતા નથી. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોએ આ દેહને અંતે ભગવાનના અક્ષરધામમાં જવાનું ધ્યેય રાખવું.

મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને મનમાં મોટો વિચાર રાખવો. અક્ષરધામમાં જવાથી ભગવાન જેવું ઐશ્વર્ય અને સર્વ ધામોની સમૃદ્ધિ તેને પ્રાપ્ત થવાની જ છે. માટે ભોગ અને પદાર્થની અધીરાઈ છોડીને ધ્યેય માટે એકાગ્ર અને દૃઢ બનવું. મહારાજ કહે છે કે જેટલામાં રાજાનું રાજ્ય હોય તેટલામાં રાણીનુ પણ ગણાય તેમ ભગવાનના જે ઐશ્વર્ય અને સમૃદ્ધિ તે ભક્તના જ છે. માટે ભગવાનના ધામમાં જવાનું ધ્યેય તે ચિંતામણિ જેવું છે. તેને જીવનમાં આવતાં લોભામણા પ્રસંગોમાં અને ભયના પ્રસંગોમાં છોડી ન દેવું, તેને પકડી રાખવું, તો સર્વે વાતની સિદ્ધિ થાશે.