ગઅ-૦૨ : સર્વે અર્થ સિદ્ધ થયાનું

પ્રતિપાદિત વિષયઃ

મોક્ષમાર્ગના સર્વે અર્થ સિદ્ધ થયાનું.

મુખ્ય મુદ્દાઃ

૧.વૈરાગ્યની દુર્બળતાએ જગતનું પ્રધાનપણું દૂર થતું નથી અને સત્સંગનું પ્રધાનપણુ થતું નથી.
ર.સત્સંગમાં આવતાં જ સારું અંગ બંધાઈ જાય તો જગતનું પ્રધાનપણું મટી જાય અને ભગવાનનું પ્રધાનપણું રહે.
૩.સાચા સદ્‌ગુરુમાં પરમાત્મા બુદ્ધિની નિષ્ઠા થાય તો પણ જગતનું પ્રધાનપણું દૂર થાય અને ભગવાનનું પ્રધાનપણું આવે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે જગતને નાશવંત દેખે છે અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી. તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ મટતી નથી તેનું કારણ શું છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યુ જે જીવના હૃદયમાં વૈરાગ્યની દુર્બળતા છે. તે દુર્બળતા જગતની નબળાઈ સાથે સમાધાનાત્મક વલણ રાખે છે અને તેને જીવનમાં પ્રર્વતવાની છૂટ આપે છે. માટે જગતનું પ્રધાનપણું મટતું નથી અને ભગવાનમાં પ્રીતિ થતી નથી.

ત્યારે મહારાજ કહે છે કે વૈરાગ્યની દુર્બળતા છે તે વાત તો સાચી છે પણ અમને તો એમ જણાય છે જે એ ભક્તને પોતાના અંગની ઓળખાણમાં કે તેની દૃઢતામાં ખામી છે. મહારાજ કહે છે કે જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું સદા રહે છે, પણ તે વિના બીજુ થતું નથી. તેમાં પણ અંગ બંધાતા સમયે વિભ્રાંતિ જેવું થઈ જાય. નિર્ણયશક્તિ શૂન્ય થઈ જાય. તેથી ભક્ત પોતાને મહારાજ સાથે જે દિવ્ય સંબંધ છે તેને સ્પષ્ટ જોઈ શકતો નથી.

મહારાજ કહે છે કે જેમ કોઈકનું કામ, લોભ વગેરેએ કરીને ચિત્ત ઘાયલ થઈ જાય તો પછી ત્યારે વિવેકશક્તિ નિર્ણય ગુમાવી બેસે અને વેગથી અનુચિત કાર્ય કરે છે. તેમ સત્સંગમાં આવતાં ભક્ત અને ભગવાન વચ્ચે એક દિવ્ય ભાવનાત્મક સંબંધ બંધાય છે. તે બીજ સ્વરૂપ હોય છે. તેને સત્સંગ દ્વારા મજબૂત બનાવવાનો હોય છે. મહારાજ અહીં કહે છે કે જો તે અંગરૂપ સંબંધમાં કોઈ કારણસર ભ્રાંતિ સર્જાણી તો અંગ મજબૂત અને સ્પષ્ટ ન બંધાય. પછી ઠેઠ સુધી લબડધબડ અંગ રહે અને તે ભક્તને અંતરમાં હમેશાં બીજાનો ધોખો થતો રહે અને અસંતોષ રહૃાા કરે ને પોતાના અંગને સ્પષ્ટ કરી શકે નથી. એ કયારે થાય તો આપણામાં કામ, લોભ, સ્વાર્થ કે દેહાભિમાન વગેરે અંતર્‌શત્રુની પ્રવૃત્તિ થાય. તેના વેગ આવે અથવા ત્યારે કોઈ બરોબરિયા મિત્ર આવીને તેને ઉશ્કેરે ત્યારે ભ્રાંતિ વિશેષ થાય. જેથી આપણે અને મહારાજ વચ્ચે નક્કી કરેલો સંબંધ (આપણું અંગ)ઝાંખો પડી જાય અને જગત પ્રધાન થઈ જાય. માટે જગતનું પ્રધાનપણું પણ હૃદયમાંથી જતું નથી અને ભગવાનમાં પ્રીતિ પણ થતી નથી.

જ્યારે કુંટુંબના માણસોનો આપસનો સંબંધ નક્કી છે. માટે મહારાજ કહે મા–બેન–દીકરીમાં ખરાબ દૃષ્ટિ થઈ ગઈ હોય તો અંતરમાં પોતાની ઉપર દાઝ થાય કે હું આવો કેવો કે આવું ખરાબ વિચારું છું ? અહીં સત્સંગમાં એવી દાઝ થતી નથી માટે હૃદયમાં સત્સંગ પ્રધાન થતો નથી. અક્રૂરજી, જીવાખાચર, નિર્વિકલ્પાનંદજી, દીનાનાથ ભટ્ટ, કીડીસખી વગેરે તેના ઉદાહરણો છે. આ ખામી દૂર કરવા મહારાજ સાથેનો અને તેના સંતો સાથેનો શરૂઆતનો જ પ્રથમથી પવિત્ર સંબંધ સ્પષ્ટ કરી રાખવો જોઈએ. જે સમર્પણાત્મક અને નિષ્કામ હોવો જોઈએ. તો જ તે લાંબો કાળ નભે અને કલ્યાણને દેનારો થાય. તેથી મહારાજ કહે વૈરાગ્યની દુર્બળતા છે તે વાત તો સાચી પણ અમને એમ ભાસે છે કે તેના અંગમાં(સંબંધમાં) પણ દુર્બળતા એટલે કે સ્વાર્થ, લોભ, કામ વગેરે છે તે વધારે અસરકારક બને છે. પોતાના અંગને ઓળખી રાખે એટલે કે અંગની દુર્બળતાને ઓળખી રાખી હોય તો ભગવાન તથા સંતોના સમોવડિયા કે તેથી દૂર થવાનો પ્રસંગ જ ન આવે અને હૃદયમાં સત્સંગ પ્રધાન રહે.

મહારાજ કહે છે કે સત્સંગનો મહિમા તો અપાર છે. તેમાં આપણો સંબંધ થવો એ આપણા મહાભાગ્ય છે. સર્વે સાધનના ફળરૂપ છે. તેનો યથાર્થ મહિમા તો ભગવાન અને મોટા સંતો જાણે છે. ગર્ભશ્રીમંતના દીકરાને ધન, સમૃદ્ધિની કિંમત ન હોય, પણ ગરીબીમાંથી શ્રીમંત થયો હોય તેને કિંમત હોય. તેમ સત્સંગનો મહિમા ભગવાન અને મોટા સંતો જાણે છે. કારણ કે તેઓએ દાખડો કરીને સત્સંગનું નિર્માણ કર્યું છે. સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે આ સત્સંગ તો કલ્પવૃક્ષ છે, મહા વિષ્ણુરૂપ છે. ”ધન્ય ધન્ય સોઈ જીવ સત્સંગતિ આયો” ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાને સર્વ સાધનથી સત્સંગને અધિક કહ્યો છે. તે સત્સંગ એટલે ભગવાનના સાચા સત્પુરુષોની સાથે સંબંધ બંધાવો તે છે. આપણને તેની કિંમત નથી. આ સત્સંગ તો સાક્ષાત્‌ભગવાન સાથે સંબંધ જોડાવનારો છે અને જગતનો સંબધ તોડાવનારો છે. મહારાજ કહે છે, આપણામાં જે સારી વસ્તુ છે અથવા સારા ગુણ કે સંસ્કાર છે તે પણ કયારેક સત્પુરુષને યોગે કરીને જ થયા છે. જેને મરીને પામવું છે તે દેહ છતે પ્રાપ્ત થયા છે, પણ તેની ઓળખાણ નથી. આવા મહિમામાં કાંઈ શંકા હોય તો મહારાજ કહે અમને પરમહંસોના સમ છે. આનાથી આગળ શું કહી શકીએ ?

આવા દિવ્ય સત્સંગમાં આવીને જગતનું પ્રધાનપણું મટતું નથી, સત્સંગ પ્રધાન થતો નથી અને ભગવાનમાં પ્રીતિ થતી નથી. તેનું એક ત્રીજું કારણ એ છે કે જીવને પરોક્ષમાં જેવી પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષમાં થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે…

યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ ।

તસ્યૈ વૈ કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ ।।

‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે’ અર્થાત્‌જેવી ઈષ્ટદેવને વિષે ભાવના છે તેવી શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ એવા સદ્‌ગુરુને વિષે નિષ્ઠા થાય તો મોક્ષમાર્ગના કોઈ અર્થ તેને બાકી રહેતા નથી.’ગુરુરૂપ હરિને વિષે’ નો અર્થ કેટલાક અહીં પોતાને બંધ બેસતું, પોતાના ગુરુને સાક્ષાત્‌ભગવાન ઘટાવવામાં કરે છે તેવો નથી. જો તેવું થાય તો કેટલા ભગવાન થઈ જાય ! માટે તેવું ન માનવું, પણ સાચા સદ્‌ગુરુમાં ઈષ્ટદેવ જેવો સદ્‌ભાવ અથવા ઈશ્વરબુદ્ધિ કરવી. જેમ પતિવ્રતાને પતિમાં ઈશ્વરબુદ્ધિ કરવા શાસ્ત્રમાં કહ્યું છે. જો કોઈ પતિવ્રતા પતિને ઈશ્વર માને તો શું તેનો પતિ ભગવાન થઈ ગયો ? ના. છતાં તેના દિલની સાચી ભાવના હોય તો ભગવાન તેને ફળ અને પ્રભાવ જરૂર આપે. તેમ સાચા સદ્‌ગુરુમાં ઈષ્ટદેવની બુદ્ધિ અથવા નિષ્ઠા કેળવવી એ વાત અલગ છે અને પોતાના ગુરુને ભગવાન ઠઠાડી બેસાડવા એ વસ્તુ અલગ છે. એ તો આજ્ઞાની અને નિર્દોષ સમાજ માટે ગદ્દારી ગણાય, પણ સમાજમાં બહુધા માણસોની તાસીર એવી છે કે કાંતો પરોક્ષમાં પ્રતીતિ આવે અથવા નાટયાત્મક કૃત્રિમતામાં(ખોટામાં) પ્રતીતિ આવે, પણ વાસ્તવિકતામાં આવતી નથી. એટલા માટે મહારાજ કહે છે કે આ જીવને પ્રત્યક્ષમાં પ્રતીતિ આવતી નથી. હમણાં કોઈક કહશે કે અંબરીષ આવું જીવન જીવતા હતા અને મીરાબાઈ આવું જીવન જીવ્યા તો અહોભાવથી મસ્તક ઝૂકી જશે પણ વર્તમાનકાળે તેના જેવું જીવન કોઈ જીવતા હોય તેને જોઈને પ્રતીતિ ન આવે, ઉલ્ટી શંકા અથવા કંટાળો આવે. માટે મહારાજને કહેવું પડયું છે કે જીવને જેવી પરોક્ષમાં પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષમાં નથી.

મહારાજ આ વચનામૃતમાં કહે છે કે જીવના કલ્યાણનું જે કામ તીવ્ર વૈરાગ્યથી પણ નથી થતું તે કામ સત્સંગમાં આવતાં સારુ અંગ પડી ગયું હોય તો થઈ જાય છે. તેથી જ તો શરૂઆતમાં મુક્તાનંદ સ્વામીનો ઉત્તર મહારાજને અધૂરો લાગ્યો અને મહારાજે આગળ તેમાં થોડો ઉમેરો કર્યો. એ વાત સાચી પણ જણાય છે, કારણ કે કયારેક વૈરાગ્ય પૂર્ણ હોય તો પણ ભગવાન અને સાચા સંત સાથે જોડાણ સંબંધ નક્કી કરવામાં ફેર પડી ગયો હશે તો જગતની પ્રધાનતા મટશે નહિ અને છતે વૈરાગ્યે કલ્યાણનું કામ બગડી જાય છે અને વૈરાગ્યની ગેરહાજરી હોય પણ જો ઉપરના બન્ને સાથે સંબંધ પવિત્ર અને દૃઢ થઈ ગયો તો પાર ઉતરી જશે. મહારાજે એક વાત તેનાથી પણ આગળ કહી. જેના જીવનની બાજી બગડી ગઈ છે, વૈરાગ્ય પણ બરોબર નથી અને જોઈએ તેવો સંબંધ ભગવાન સાથે સ્થાપિત કરી શકયો નથી ત્યારે શું કરવું ? મહારાજ કહે છે, ત્યારે પોતાની નિષ્ઠા સદ્‌ગુરુને ખોળે ધરવી.

શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ એવા સાચા સદ્‌ગુરુ ગમે તેટલી જીવનની બગડેલી બાજીને સુધારીને સાચા રાહ પર લાવી દે છે. આજ તેની અલૌકિકતા છે. તેથી તો મહારાજ કહે છે તેને સર્વ અર્થ સિદ્ધ થાય છે. જો પરોક્ષના જેવી પ્રત્યક્ષમાં નિષ્ઠા થાય તો, સાચી ઓળખાણ થાય તો. વાલિયો લૂંટારો, જોબનપગી, મુંજો સુરુ, નાગપાલ વરૂ વગેરે આનાં ઉદાહરણો છે. માટે સાચા સદ્‌ગુરુમાં નિષ્ઠા એ વૈરાગ્યની દુર્બળતા તથા અંગની ભ્રાંતિનું નિવારણ કરીને ઠેઠ ભગવાન પાસે પહોંચાડે છે. જ્યારે પહેલા બન્ને મજબૂત હોય, પણ પ્રાપ્ત થયેલા સાચા સદ્‌ગુરુનો ઓળખાણના અભાવે અનાદર થતો હોય તો કલ્યાણના માર્ગની બાજી હારી જવાય છે અને સફળતા મળતી નથી. મહારાજ કહે, આ વાર્તા જાડી જેવી જણાય છે તો પણ એતો અતિશય ઝીણી છે. જે એવી રીતે વર્તતો હશે તેને જ સમજાય છે. બીજાને સમજ્યામાં આવતું નથી.

બહુધા મનુષ્યને વ્યક્તિનો વૈરાગ્ય ઊડીને આંખે વળગે છે. અહો, આનો શું વૈરાગ્ય ! અને ત્યાર પછી અંગની વ્યવસ્થિતતા નજરે પડે છે કે બહુ સારું વ્યવસ્થિત જીવન જીવે છે ! પણ સાચા સદ્‌ગુરુમાં કરેલી નિષ્ઠા ભગવાનના માર્ગમાં શું કામ કરે છે તેની વિલક્ષણતા કે જાગૃતિ બધાની નજરમાં આવતી નથી. માટે મહારાજ કહે એ વાતતો અતિ ઝીણી છે અને જે એ વર્તતો હોય તેને એ જાણવામાં આવે છે.