ગપ્ર–૭૮ : દેશકાળાદિકના પ્રધાનપણાનું

પ્રતિપાદિત વિષય :

અનેક.

મુખ્ય મુદ્દા 

:

અનેક.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે : દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા, શાસ્ત્ર એ આઠ સારાં હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ આઠેયમા પૂર્વ સંસ્કાર કર્મનું જોર છે કે નહિ ? ત્યારે મુનિઓએ કહ્યું કે પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિષે જન્મ આવે ને ભૂંડા પૂર્વ કર્મર્ હોય તો ભૂંડા દેશને વિષે જન્મ આવે. તેમજ કાળ આદિ સાધનો પણ જેવાં પૂર્વ કર્મ, તેવાનો યોગ બને છે. માટે દેશાદિક જે આઠ તેનું તો કોઈ ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વ કર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે.

ત્યારે શ્રીજી મહારાજે સામો પ્રશ્ન કર્યો કે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં સુધી પૂર્વ કર્મનું પ્રધાનપણું કહો છો તે કયા શાસ્ત્રના આધારે કહો છો ? તેનું કોઈ વચન ભણી દેખાડો. એક કર્મનું જ પ્રધાનપણું જૈનના શાસ્ત્રમાં છે. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર ને તેના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું ? નાસ્તિક વિના આવું પ્રતિપાદન કોઈ ન કરે.

પૂર્વ કર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિષે કેટલાક પુણ્યશાળી રાજાઓ થયા છે તેમના અર્થે ઊંડા પાણી ઉપરછલાં થયા જોઈએ, પણ તેમ થતું નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને નાસ્તિકની પેઠે કેવળ પૂર્વ કર્મનું બળ રાખવું નહિ. ભગવાનને ભગવાનના ભક્તના સંગનું બળ રાખવુ. પૂર્વ કર્મને આધીન ભૂંડા દેશાદિક પ્રાપ્ત થયા હોય તો પણ તેનો ત્યાગ કરવો ને રૂડા દેશકાળને સેવવા, સત્પુરુષનો સંગ કરવો અને પોતાના જીવનું કલ્યાણ કરવું.

અહીં શ્રીજી મહારાજનો સંતો પ્રત્યે એ પ્રશ્ન છે કે દેશકાળાદિ જે આઠ વાનાં તેને પૂર્વ કર્મ વધારે પ્રભાવિત કરે છે કે સત્સંગ–કુસંગ વધારે પ્રભાવિત કરે છે ? તેમાં પણ ગર્ભિત આશય એવો છે કે પોતાના જીવનું કલ્યાણ પ્રાપ્ત કરવું તેમાં પૂર્વ કર્મનો વધારે પ્રભાવ છે કે સત્સંગ – કુસંગનો ? ત્યારે સંતોએ પૂર્વ કર્મનો પ્રભાવ દેશાદિક ઉપર પડે છે એમ કહ્યુ. તેથી મહારાજે નાસ્તિકતાનો આક્ષેપ કર્યો છે. વાસ્તવમાં પૂર્વ કર્મનો પ્રભાવ દેશકાળાદિક આઠ ઉપર જરૂર પડે છે, પણ મહારાજના પ્રશ્નનો આશય તેથી આગળ જઈને જીવના કલ્યાણ ઉપર પૂર્વ કર્મનું કેટલું પ્રભુત્વ છે અને સત્સંગ કુસંગનું કેટલું પ્રભુત્વ છે તે બતાવવાનું છે. માટે સંતોના પ્રશ્નમાં સંશય અને આક્ષેપ કર્યો છે.

ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ્‌ગુણકર્મવિભાગશ।’ આમ પૂર્વ કર્મને અનુસાર બ્રાહ્મણમાં જન્મ આવે છે અથવા નીચ યોનિમાં જન્મ આવે છે. માટે જયાં જન્મ આવે ત્યાં દેશ પણ સહેજે જ પ્રાપ્ત થાય. તેથી કર્મનો તેની ઉપર પ્રભાવ રહ્યો જ છે. જેવો દેશ હોય તેના સંસ્કારના આધારે મોટે ભાગે ક્રિયા પણ તેવી જ થાય. આ રીતે દેશાદિક પૂર્વ કર્મથી સંપૂર્ણ અલિપ્ત કોઈ પણ સંજોગમાં રહી શકતા નથી. તેટલું જ નહિ પણ પ્રથમ પ્રાપ્તિમાં પૂર્વ કર્મ જ સંપૂર્ણપણે મોટેભાગે નિર્ણાયક બને છે. સંતોએ પણ આવી જ શાસ્ત્ર દૃષ્ટિથી ઉત્તર આપ્યો છે. તો પછી મહારાજે નાસ્તિકનો આક્ષેપ શા માટે કર્યો ? તેમની પાછળનો આશય શું છે ? એ અંગે જરા વિચારીએ.

મહારાજે કર્મનો સ્વીકાર કર્યો છે. વચ.ગ.પ્ર.૪રમા મહારાજે વિધિનિષેધની ચર્ચા ચલાવી છે. સંતોએ જવાબ આપ્યો છે કે વિધિનિષેધ સાચા છે. નહિ તો પુણ્ય–પાપ, સ્વર્ગ–નરક કોને માથે કહેવાય ? ત્યારે મહારાજે તેને માન્ય કરીને પ્રશંસા કરી કે સારી દીશમાં સમજે છે. તો પછી અહીં પૂર્વ કર્મની વાતમાં નાસ્તિકતાનો આક્ષેપ કેમ કર્યો છે ? તો તેનું તાત્પર્ય એવું છે કે પૂર્વ કર્મને માનવું તે નાસ્તિકતા નથી, ઉલ્ટી આસ્તિકતા છે. પણ પૂર્વ કર્મને આધીન પોતાના જીવનું કલ્યાણ માનવું તેને મહારાજે નાસ્તિકતા કહી છે.

પોતાના જીવનું કલ્યાણ ભગવાન ને ભગવાનના ભકતના સંગ ઉપર આધારિત છે, પૂર્વ કર્મ ઉપર નહિ. જ્યોતિષ અને પૂર્વ કર્મ દેશાદિકની પ્રથમ પ્રાપ્તિમાં આપણા પુણ્ય પાપની સ્થિતિ માત્ર બતાવે છે. જમા–ઉધાર, બેલેન્સ–સરવૈયું માત્ર બતાવે છે; પરંતુ જીવને અંતે કઈ પ્રાપ્તિ થશે એનો નિર્ણય–ખાસ કરીને કલ્યાણની પ્રાપ્તિ થશે કે નહિ તેનો નિર્ણય પૂર્વ કર્મ આપી શકતા નથી. તેનો નિર્ણય તો સત્સંગ–કુસંગ જ આપી શકે છે. પૂર્વ કર્મથી દેશાદિકની પ્રથમ પ્રાપ્તિ કોઈ પણ થઈ હોય તો સત્સંગ કરીને આ જીવ મહદ્‌અંશે તેને બદલાવી શકે છે. પોતાના જીવના કલ્યાણ માટે પૂર્વ કર્મ અને દેશાદિક આઠ ગમે તેટલા વિરુદ્ધ હોય તો પણ તરફેણમાં નિર્ણય લઈ શકે છે અને કલ્યાણની પ્રાપ્તિ કરી શકે છે. એવું શાસ્ત્રના ઈતિહાસમાં થયેલા ભક્તોના આધારે કહી શકાય છે.

જન્મ, જાતિ સિવાય દેશાદિક આઠેય સત્સંગથી નબળાને બદલાવી સારા–ઉત્તમ કરી શકાય છે અને પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરી શકાય છે. જયારે પૂર્વ કર્મ પ્રથમ દેશાદિકને પ્રભાવિત કરે છે, પણ સીમિત મર્યાદામાં રહીને પોતાનો પ્રભાવ જણાવી શકે છે. માટે ભગવાનના ભક્તે પોતાનું કલ્યાણ મેળવવા સત્સંગ–કુસંગને વધારે મહત્ત્વ આપવું. કેવળ પૂર્વ કર્મનો ભરોસો રાખવો નહિ. સત્સંગ–કુસંગને નહિ ગણકારીને પોતાના કલ્યાણમાં કેવળ પૂર્વ કર્મનો આધાર લેવો તેને અહીં મહારાજે નાસ્તિકતા કહી છે. કર્મને માનવા માત્રથી નાસ્તિકતા નથી. સારાં નરસાં કર્મ કરવાથી સારું નરસું સુખ–દુઃખ પ્રાપ્ત થાય છે. એવી આસ્થા તો ભગવાનના ભક્તે જરૂર રાખવી જોઈએ.

અહીં દેશાદિક આઠ અને તેને પ્રભાવિત કરનારાં પૂર્વ કર્મ અને ભક્તનો સંગ એમ મહારાજે ચર્ચા કરી છે. અહીં દેશાદિક આઠમાં સંગ તો આવી જાય છે તો તેને અલગ પણ કેમ ગ્રહણ કર્યો છે ? તેનુ સમાધાન એ છે કે પૂર્વકર્મથી પ્રભાવિત એવો જે સંગ છે તે જન્મથી પ્રાપ્ત થતો માતા–પિતા, કુટુંબ અને સમાજનો જે સંબંધ છે તે સંગ ગણવો. અને આ આઠેયને પ્રભાવિત કરનારો અથવા બદલાવી શકનારો સંગ છે તે સત્સંગ અથવા કુસંગ સ્વરૂપ છે. આમ બન્નેને અલગ ગણીશું તો વચનામૃત સમજવામા સરળતા રહેશે.

વળી મહારાજે કહ્યું જે, દેશકાળાદિ તો બાહરે સારાં નરસાં હોય અને પોતાના દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય. માટે તેને પણ જાણી રાખવું. સારો સંગ કરવો, પણ ભૂંડાનો સંગ ન કરવો. સંગ પણ કયારે કર્યો કહેવાય ? કે જેનો સંગ થાય તેની સાથે કોઈ અંતર રહે નહીં, ત્યારે તેનો સંગ થયો જાણવો. માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્તનો જ કરવો, પણ પાપીનો ન કરવો. તો તેના જીવનું સારું થાય છે.