ગપ્ર–૭૭ : જ્ઞાનને ઓથે ધર્મ ખોટા ન કરવાનું

પ્રતિપાદિત વિષય :

જ્ઞાનની ઓથ લઈને ધર્મને ખોટા ન કરવા.

મુખ્ય મુદ્દો :

જ્ઞાનની ઓથ લઈને ધર્મ ખોટા કરે તેને અસુર જાણવો.

વિવેચન :

શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના જ્ઞાનની ઓથ લઈને જે ધર્મને ખોટા કરે છે તેને અસુર જાણવો અથવા નિશ્ચયનું બળ બતાવીને જે ધર્મને ખોટા કરે છે તેને પણ અસુર જાણવો. શ્રીજી મહારાજને જ્ઞાન અને નિશ્ચય ગમે છે, પણ ધર્મલોપ ગમતો નથી. ભક્તનું અંતિમ ધ્યેય ભગવાનની મૂર્તિનું માહાત્મ્યજ્ઞાન અને મહારાજની ભક્તિ ભલે હોય પણ ધર્મનો લોપ કરીને નહિ એવું મહારાજનું અહીં તાત્પર્ય છે.

કેટલાક અંદરથી હારી ગયેલા અથવા અંદરથી નબળી દાનતવાળા ભક્વેશમાં રહ્યા હોય તે શાસ્ત્રના વચનની ઓથ લઈને ધર્મભંગ કરતા હોય છે. ‘જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત્‌કુરૂતેર્જુન'(ગીતા–૪૩૭) જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. જ્ઞાનીને પાપ લાગતું નથી. જ્યારે ભક્તિનું આલબન આવી રીતે લે છે કે ‘નામ્નો યાવતી શક્તિઃ’ ભગવાનના એક નામમાં એટલી શક્તિ છે કે જીવની પાપ કરવાની એટલી શક્તિ નથી. એવો મહિમા ભગવાનનો જરૂર છે, પણ તે તો અનુભૂતિ અને ધ્યેયનો વિષય છે. એની ઓથ લઈને ધર્મને ગૌણ કરવામાં કે લોપવામાં તો વ્યક્તિના મનની નબળાઈને રસ્તો આપવા માટે ગાન કરવામાં આવે છે, પણ ખરેખર એવું જ્ઞાન કે મહિમા પોતાને હોતો નથી.

અહીં એક બીજો મુદ્દો વિચારણીય છે : કાંઈ સદાશયવાળા અને શુભ ભાવનાવાળા ભક્તો બધા જ કાંઈ ઉપરની ઓથ લઈને ધર્મલોપ કરતા હોય એવું નથી. જ્ઞાન અને ભક્તિ તો સદ્‌ગુણોનાં પ્રતીક છે. કારણ કે તમામ સદ્‌ગુણો સાચા જ્ઞાનનો જ વિસ્તાર છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. સર્વ સદ્‌ગુણો જ્ઞાનની વિસ્તૃતિ છે એમ યતિન્દ્રમતદીપિકામા બતાવ્યું છે. ગુણમાત્રનો ઉદ્‌ભવ ભક્તિમાંથી થાય છે એમ ભાગવતમાં પ્રહ્લાદજીનું વચન છે અથવા તો એમ કહો કે સર્વ સદ્‌ગુણોની જન્મદાત્રી ભક્તિ છે. આમ જ્ઞાન અને ભક્તિ એ સર્વ સદ્‌ગુણોનાં પ્રતીક છે.

જેમ જ્ઞાનને ઓથે કે નિશ્ચયને ઓથે ધર્મને ખોટા ન કરવા તેમ જેને પોતાની આત્મશુદ્ધિ જ કરવી છે, જેને શ્રીજી મહારાજને રાજી કરી તેમના ચરણમાં પહોંચી સેવા કરવી છે; તેમને પોતાના કોઈ સદ્‌ગુણ, સારપ્ય કે જમાપાસું હોય તેમને ઓથે કરીને પણ મર્યાદા ગૌણ ન કરવી.

દા.ત. ગૃહસ્થ હોય અને મંદિરમાં સારું દાન કર્યું હોય અથવા કોઈ સારા સ્થાનમાં દાન કર્યું હોય, તો પછી એવી અંતરથી અપેક્ષા ન રાખવી કે મારા પુત્રના લગ્નમાં મંદિરમાંથી વાસણ સેવામાં કેમ ન આવે ? અથવા અમારે ઈમરજન્સી જરૂર પડે તો મંદિરમાંથી ગાડી અમારી સેવામાં કેમ ન આવે ? જોઈએ તો પાંચહજાર વધુ માંગી લે પણ આટલું કામ તો કરવું જ પડે ને !

બીજું સંત, મહંત હોય કે કોઈ જાતની વિશિષ્ટ સેવા બજાવતા હોય તેવા સંત હોય તો તેમણે પોતાની આવડત બદલ એમ ન માનવું કે આપણે મહારાજને માટે આટલું વિશેષ કરીએ છીએ તેથી થોડી આજ્ઞા લોપાય તો પણ વાંધો નહિ. મહારાજ કેમ આટલું ચલાવી ન લે ? ક્રેડીટ–ડેબીટ થઈને સરવાળે આપણે ફાયદામાં જ છીએ. માટે ચિંતા કરવા જેવું નથી.

ખરેખર તેઓનું દાન અને તેઓની વિશેષ સેવા પ્રસંશનીય જ છે. જો ક્રેડીટ–ડેબીટ(સરવાળા–બાદબાકી) કરે તો જરૂર ભક્તનું જમાપાસું હશે પણ અહીં જે મહારાજ કહે છે તે ધ્યાનમાં લેવા જેવું છે. કોઈના અંગ પ્રમાણે એક ધર્મ(તપ, સેવા, દાન વગેરે) વધારે પાળે તો તેને બીજા ધર્મ(આજ્ઞા) લોપવાનો અધિકાર છે એમ ન માની લેવું. એમ માનવું કે દાવો ધરાવવો એ મહારાજ કહે આસુરાંશ છે.

વ્યક્તિની ખામી હોવી એ અલગ વાત છે અને ઓથ લેવી એ અલગ વાત છે. ખામી તો ઘણી વખત મોટી હસ્તીમાં પણ હોય, પણ તેનું ભાન હોવું એ મોટી વ્યક્તિના પણ ભાગ્ય છે. આપણા સદ્‌ગુણો ને આપણું મહારાજ માટે વિશિષ્ટ યોગદાન એ મહારાજના રાજીપા માટે અને સમર્પણરૂપ હોવું જોઈએ. તો જ તે આત્મકલ્યાણ માટે થાય, નહિ તો આ લોકની સંગવડમાં ખપી જાય. આપણી વિશિષ્ટ સેવા ને આપણો ગુણયોગ તથા આપણી ખામીઓ કે આજ્ઞાલોપને અલગ–અલગ રાખીને મહારાજ પાસે રજૂ કરવા.

ભક્તએ પોતે સરવાળા–બાદબાકી કરી, હિસાબ તૈયાર કરીને આટલા તમારા ઉપર ઉપકારના મારા બાકી છે તે જમા લેજો. એવો હિસાબ મહારાજને આપણે પોતે ન આપી દેવો. મહારાજને હિસાબ કરતા આવડે છે. જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં રજૂ કરવા. ગુણ છે તો મહારાજ તમે રાજી થાઓ અને ખામી કે દોષને તે જ સ્વરૂપમાં રજૂ કરી તેની પ્રાર્થના કરવી. તો ભગવાન દયાળુ છે અને આપણે જે કરીએ તે ભક્તિમાં ગણાશે. જયારે ખામીની મહારાજ જેમ ઘટે એમ દરગુજર કરશે. સરવાળો બાદબાકી પણ નહિ કરે અને ચોખ્ખી માફી આપશે. આપણે અધિકારની રૂએ મહારાજને આટલી દરગુજર કરવી જ પડે ને ?(મફત થોડા કરે છે) એવું મનોવલણ ભક્તનું ન હોવું ઘટે. આપણી ખામી તે ખામી જ છે. તેનું ભાન રાખવું જરૂરી છે (સાવધાની જરૂરી છે). તો ઓથ ન લીધી ગણાય. માટે આપણે જ્ઞાન, ભક્તિ કે સદ્‌ગુણો માટે કરેલો પુરુષાર્થ ભગવાનના રાજીપા માટે થઈ રહેવો જોઈએ. દોષની દરગુજર કરવામાં વપરાઈ જાય તે ઠીક નહીં. અધર્મની દરગુજર કરવામાં કે સ્વભાવની દરગુજર કરવામાં ન વપરાઈ જાય એવી ભક્તની ભાવના હોવી જોઈએ.