ગઅ-૦૧ જ્ઞાન તથા હેતના અંગનું

પ્રતિપાદિત વિષયઃ

૧. ભક્તિની અખંડતા માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરી રાખવી.
ર. જ્ઞાનનું અંગ અને હેતનુ અંગ.

મુખ્ય મુદ્દાઃ

૧.વિપરીત દેશકાળમાં ભક્તિને વિધ્ન ન આવે માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરવાં.
ર.જ્ઞાનના અંગવાળા ભક્તો ભગવાનનો અતિ મહિમા સમજે છે.
૩.હેતના અંગવાળા ભક્તો ભગવાન વિના ક્ષણમાત્ર રહી શકતા નથી.
૪.બન્ને અંગવાળા ભક્તો ભગવાન અને તેના ભક્તો માટે સર્વસ્વ સમર્પણ કરે છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પૂછયું, જે પરમેશ્વરના ભકતને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય અર્થાત્‌યુવાવસ્થામાં ઝાઝો વિષયનો યોગ થાય, દુઃસંગતિ થાય, અસત્‌શાસ્ત્રોનું વાચન થાય વગેેરે ભૂંડા દેશકાળનો યોગ થાય તો પણ ભગવાનની ભક્તિમાં વિધ્ન થાય નહીં એવી શી સમજણ છે ?

પરમહંસોએ ઉત્તર કર્યો પણ સમાધાન ન થયું ત્યારે મહારાજે ઉત્તર કર્યો. જે ભગવાનને ભજે તેને એક તો દૃઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાન જેવી પ્રીતિ થઈ જાય અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખદુઃખ આવે ત્યારે ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય. પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય.

ભક્તિમાં મોટામાં મોટાં બે વિધ્નો છે. એક તો લાલચ અને બીજું દુઃખ. તે બન્નેનું નિવારણ કરવા માટે વૈરાગ્ય, આત્મનિષ્ઠાની જરૂર પડે છે. ભગવાનને માર્ગે ચાલતાં જીવ લાલચમાં પટકાઈ પડે છે અને તેનો માર્ગ બદલાઈ જાય છે. કાં તો દુઃખમાં ધીરજ ગુમાવી બેસે છે અને ભગવાનનો માર્ગ કઠણ જાણીને ત્યાગ કરી દે છે. તેનું નિવારણ કરવા આ બન્નેની જરૂર પડે છે. તેમાં વૈરાગ્યે કરીને માયિક આકારમાત્ર અંતરમાં ખોટા મનાય છે અને આત્મનિષ્ઠાએ કરીને દેહભાવ ખોટો મનાય છે. માટે ભક્તિમાં કોઈ વિધ્ન આવતું નથી. તે વિના તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખશાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા મંડે.

પછી વળી મહારાજે વાત કરી જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનને વિષે જોડાવા માટે જ્ઞાનનું(મહિમાનું) અંગ હોય, કાં તો હેતનું અંગ હોય. એમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજે. તે જ્ઞાનના અંગવાળા ઝીણાભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. ઝીણાભાઈએ કમળશીભાઈ માંગરોળવાળાને ભક્ત જાણીને–મહિમા જાણીને એવી સેવા કરી હતી. પ્રભાશંકર તો મહારાજની ચિઠ્ઠી આવતાં પરણવાનું અધૂરું મૂકી મહારાજ પાસે ચાલી આવ્યા હતા. તેવો મહિમા જાણે તે મહારાજ પ્રત્યે મહિમાથી જોડાયા છે અને તેને જ મહિમાનું અંગ છે એમ જાણવું.

વળી જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને પોતાના અંતર્યામી જાણે અને એમ ન જાણે જે ભગવાન તો બીજાના કહેવાથી ફેરવ્યા ફરી જાય છે અને મારામાં વાક નથી તો પણ મને કહે છે. એવો જેને ધોખો થાય છે તેને મહિમાનું અંગ જ નથી. જેને મહિમાનું અંગ હોય તેને ગમે તેટલા વઢે અથવા વાંક ન હોય ને વઢે તો પણ અવગુણ આવે જ નહિ. ત્યારે જ્ઞાનનું કે મહિમાનું અંગ ગણાય. જેને ભગવાનની ક્રિયામાં ધોખો થાય છે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી ને હેતનુ અંગ પણ નથી. જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી પણ ચાલે નહિ અને તેને તો જ્યાં હેતથી જોડાયો હોય તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. કેમ જે આ સંસારમાં જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી ને છોકરાને વિષે હેત હોય છે અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને ઘરના માણસને દ્રવ્ય આપે છે. એ ચોર ઘણો નિર્દય છે, પણ પોતાના કુટુંબી ઉપર હેત છે. ત્યાં નિર્દયપણું નથી અને જ્યાં હેત હોય ત્યાં નિષ્કામપણે અતિ સમર્પણ હોય. જેને હેતનું અંગ હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા, ક્રોધ કે અવગુણ આવે જ નહિ. તેને તેના પ્રત્યે હમેશાં હૃદયથી સહાનુભૂતિ અને હમદર્દીની ભાવના રહ્યા કરે. એને હેતનું અંગ કહીએ. જેને એ બેમાંથી એકેય ન હોય તેને ચાળા ચૂંથણો કહીએ.

પછી તે જ દિવસે સાંજે મહારાજે વાત કરી જે અમારી લખેલી શિક્ષાપત્રી તેનો પાઠ અમારા સર્વે આશ્રિતે કરવો અને જે વાંચી ન શકે તેને શ્રવણ કરવું અને જેને શ્રવણનો યોગ ન હોય તેણે પૂજા કરવી અને તે ત્રણેયમાંથી એક પણ ન થાય તો ઉપવાસ કરવો એવી અમારી આજ્ઞા છે તે જરૂર પાળવી.