ગમ–૧૪ : નિર્વિકલ્પ સમાધિનુંસ–૧૪ : નિર્વિકલ્પ સમાધિનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાન સાથે તદાત્મક સંબંધ થવો.

મુખ્ય મુદ્દા        

૧.ભગવાન સાથે સૌથી શ્રેષ્ઠ સંબંધ તદાત્મકપણું છે.

ર.એવો સંબધ ભગવાન સાથે સ્થાપિત કરવા માટે એકાંતિક સંતનો પ્રસંગ એ પ્રબળ સાધન છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે ?

તેનો ઉત્તર આપતાં પ્રથમ તો મહારાજે તદાત્મકપણું શું છે તેની વ્યાખ્યા કહીને સમજાવ્યું અને પછી તેનુ સાધન કહ્યું છે. પછી તેનો મહિમા કે પ્રભાવ કહ્યો છે.

ખરેખર તદાત્મક એ એક જાતના સંબંધનું નામ છે. તદાત્મનો ભાવઃ તાદાત્મ્યમ્‌। સ્વસ્ય સ્વસ્મિન્‌સંબંધઃ તાદાત્મ્ય સંબંધઃ । પોતાના પોતા સાથેના સંબંધને તાદાત્મ્ય સંબંધ કહેવાય. આ વ્યાખ્યા અનુસાર તો મહારાજના મહારાજ સાથેનો સંબંધને જ તાદાત્મ્ય સંબંધ કહેવાય. કોઈ બે અલગ વ્યક્તિના સંબંધને તાદાત્મ્ય ન કહેવાય, પણ તે બે વ્યક્તિના સંબંધની અતિશયતા–ઉત્કૃષ્ટતા બતાવવા માટે લાક્ષણિક અર્થ અહીં લેવાયો છે. તેથી તેનો સાર એ છે કે એવો ગાઢ, દૃઢ અને કોઈ સંજોગોમાં ન તૂટે એવો સંબંધ મહારાજ સાથે બાંધવાનું સાધન શું સમાધિ છે ? કે બીજું કાંઈ સાધન છે ? એવો પ્રશ્ન પૂછાયો છે.

આપણો મહારાજ સાથે કોઈ સંજોગોમાં ઝાંખો ન પડે એવો ગાઢ સંબંધ કેમ થાય ? જીવને પરમાત્મા સાથે એવો સંબંધ કેમ થાય ? એવો પ્રશ્નનો ભાવ છે.

મહારાજની દૃષ્ટિએ પરમાત્મા સાથેનો સંબંધ એટલે તેની સાચી ઓળખાણ કે નિશ્ચય છે. મહારાજ કહે અમે કાલે (વચ.મ.૧૩મા) કહ્યું એવું ભગવાનનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવ્યું હોય અને તેમા કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય એવો જે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.

સંબંધ હમેશાં વાહક હોય છે. જેમ બે વાયર જોડાય તો તેમાં વિદ્યુત વહન થઈ જાય છે. ગરમી, ઠંડી જેમ વહન થઈ સંબંધિત પદાર્થમાં જાય છે તેમ મહારાજ સાથેના તાદાત્મ્ય સંબંધની લાક્ષણિકતા એ છે કે મહારાજને પોતાનું જે સુખ આવે છે એવું ને એવુ મહારાજનું સુખ સંતને કયારે આવે ? મહારાજનું પૂર્ણ સુખ આપણને કયા સંજોગમાં આવે ? આપણે શું કરીએ તો મહારાજનું સંપૂર્ણ સુખ આપણને પ્રાપ્ત થાય ?

મહારાજ કહે અમે કાલે મ.૧૩ના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ કહ્યું તેનો જેને નિરુત્થાનપણે નિશ્ચય થાય તો એવું સુખ આવે. સ્વરૂપનું જે સુખ છે તે નિશ્ચય દ્વારા જ આવી શકે છે. માટે મહારાજ કહે નિશ્ચયને જ અમે તદાત્મકપણું કહીએ છીએ.

એ નિશ્ચયના વિરોધી વિચારો ઘણા છે તેનું શમન થવું એ જ સાચી નિર્વિકલ્પ સમાધિ છે. ‘આધિ તુ માનસિ વ્યથા’ મનની અન્‌અવસ્થાને આધિ કહેવાય છે. એ જેને શાંત થઈ ગઈ એ જ એને સાચી ફળદાયક સમાધિ છે. અષ્ટાંગયોગની સમાધિ તો સમાધિ છે પણ આ સમાધિ મહારાજને મતે વધારે શ્રેષ્ઠ છે. કારણ કે પેલી સમાધિમાંથી જાગ્યા પછી મનની પીડાઓ થવાની શકયતા છે જ્યારે પરમાત્માનો પોતાને અંગત પરિચય અને ઓળખાણ થયા પછી મનની પીડા રહેતી નથી. પછી તેની આંખો ખુલ્લી હોય તો પણ તે સમાધિનો આનંદ એટલે કે પરમાત્માના સ્વરૂપનો પૂરો આનંદ મેળવી શકે છે. તેમા નિરુત્થાનતા આવવી જોઈએ.

ઉત્થાન એટલે નિશ્ચયને વિઘટિત કરનારા વિચારો. જે નિશ્ચયને ઘાયલ કરી નાખે છે. જેમ કે પરમાત્મા જેવી કોઈ વસ્તુ જ નથી.(નાસ્તિકતા) બીજી વિઘટતા એ છે કે ભલે પરમાત્મા હોય પણ આ મનુષ્ય રૂપે મહારાજ તે પરમાત્મા નથી અથવા એમાં કાંઈક સંશય રહેવો. મહારાજ ભગવાન તો છે પણ બીજા અવતાર પૈકીના એક અવતાર જ છે, વિશેષ નહિ. સર્વ અવતારના અવતારી છે એવું ન મનાય. તેમના કર્તા–હર્તાપણામાં, તેમની નિર્ગુણતા–દિવ્યભાવમાં કે શક્તિ–સામર્થ્યમાં કાંઈક ન્યૂનતા મનાતી હોય. તે બધા વિચારો નિશ્ચયના વિઘાતકો છે, નિશ્ચયને તોડનારા છે. જો તેનું અસ્તિત્વ મનમાં ઊંડે ઊંડે પડયું હોય ને મહારાજને ભગવાન તરીકે ભજતા હોય તો પણ તદાત્મકપણું આવતું નથી ને જોઈએ તેવું મહારાજનું સુખ પણ આવતું નથી. માટે મહારાજ કહે આ લીમડો છે તેને એક વાર જાણ્યો જે આ લીમડો છે પછી કોઈ રીતે તેમા શંકા રહેતી નથી. એમ ગમે તેવો કુસંગ–ગમે તેવાં શાસ્ત્રો કે ગમે તેવા અંતર્શત્રુઓ પણ મહારાજના નિશ્ચયમાં વ્યાઘાત ન પહોંચાડી શકે એવો મહારાજનો નિશ્ચય થવો તેને અમે તદાત્મક કહીએ છીએ.

ઉપરોકત તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અહીં મહારાજે વચનામૃત દ્વારા એ પણ ઈશારો કર્યો છે કે બીજા સાધનોમાં સત્સંગ જેવું દૈવત નથી. પછી ભલે નિર્વિકલ્પ સમાધિ હોય તો પણ શું ! અહીં આપણે એક ડગલુ આગળ પણ વિચારી શકીએ કે પરમાત્મામાં જોડવામા સત્સંગમા વધુ દૈવત છે કે સમાધિમા ? આજ્ઞામા વધુ દૈવત છે કે ઉપાસનામા ? ધ્યાનમા વધુ દૈવત છે કે પરમાત્માની મૂર્તિના જ્ઞાનમાં(મહિમામાં) ? ઉપરનાં બધાં સાધનો મહારાજમાં જોડનારાં જ છે પણ તુલનાત્મક રીતે જોતાં વધુ દૈવત કઈ વસ્તુમાં છે તે વિચારવાનું છે.

મહારાજે આ વચનામૃતમાં ભગવાનમા ખાલી સાદો સંબંધ કેમ થાય એવો પ્રશ્ન નથી લીધો. તાદાત્મ્ય સંબંધ કેમ થાય એ મુદ્દાની ચર્ચા કરી છે. તેથી આંતરિક સાધનોની પણ તુલના કરવાની જરૂરત પડે છે. સાધનોનું આંતરિક મૂલ્ય આપણા અંતઃકરણમાં નહિ હોય તો મહારાજ પોતાનું શ્રેષ્ઠ સુખ આપણને આપવા ઈચ્છે તો પણ આપણે નહિ લઈ શકીએ. આજ્ઞા, ધ્યાન કે નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ ઉપાસના, મહારાજની મૂર્તિનો મહિમા અને સત્સંગ એ મહારાજ સાથે એકતા સ્થાપન કરવામાં વધારે પ્રબળ પુરવાર થાય છે.

અહીં મુક્તાનંદ સ્વામી નિર્વિકલ્પ સમાધિ તરફ ઈશારો કરે છે. નહિ તો સ્વામી સીધો જ એવો પ્રશ્ન પૂછી શકત કે ભગવાનના સ્વરૂપને વિષે જે તદાત્મકપણાને પામે છે તેનો ઉપાય શો ? પણ નિર્વિકલ્પ સમાધિનો ઉલ્લેખ પ્રશ્નમાં જ કર્યો છે એનો અર્થ એ છે કે એ મુખ્ય છે અને આ નિર્દેશ સમગ્ર સાધક સમાજના મનમાં રહેલી માન્યતાનો જ અવાજ છે. મહારાજ કહે એવું તદાત્મકપણું તો ભગવાનના એકાંતિક સંતના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ નિર્વિકલ્પ સમાધિએ કરીને નથી થતું. સત્સંગ તો નિર્વિકલ્પ સમાધિનો પણ પોષક છે. જ્યારે સમાધિ સત્સંગનું એટલુ પોષણ નહિ કરી શકે. માટે જેને મહારાજ સાથે એકતા સાધવી છે, તદાત્મકપણું પામવું છે તેને મહારાજના એકાંતિક સંતની સાથે પ્રથમ એકતા કેળવવી. તો એ માર્ગ સુગમ, ટૂંકો અને પ્રબળ છે.

મહારાજ તો કહે છે કે એવું જે તદાત્મકપણું તેને જ અમે તો નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ અને એવું જે તદાત્મકપણું તેનો મહિમા જેટલો કહીએ તેટલો ઓછો છે. એવું તદાત્મકપણું પામેલા સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ જ છે. એવા અડગ નિશ્ચયવાળા સંત તે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્તે અથવા પ્રવૃત્તિમાર્ગને વિષે પ્રવર્તે તો પણ એનું સ્વરૂપ નિર્ગુણ જ છે. સાચી નિર્ગુણતા ભગવાનના એવા અડગ નિશ્ચય, ઊંડી ઓળખાણ અને પરિચયથી થાય છે. તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરી દેવાથી નથી થઈ જતી. એવો નિશ્ચય છે ને તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવર્ત્યો છે તો પણ નિર્ગુણ છે અને એવો નિશ્ચય નથી ને જો તે નિવૃત્તિમાર્ગમાં પ્રવર્ત્યો છે તો પણ સગુણ જ છે, માયાના ગુણે યુક્ત જ છે. પછી ભલે તે લોકમાં હોય કે સત્સંગમાં હોય તો પણ તે સગુણ છે. મહારાજ કહે છે કે આ અતિશય ત્યાગી જણાય છે, પણ તેને ભગવાનનો (મહારાજનો) નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે અને મહારાજના સ્વરૂપનો નિશ્ચય પાકો છે ને સાધનમાં કાંઈક ખોટ છે તો પણ અંતે જતાં નિર્ગુણભાવને પામશે. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે જેને એવો અડગ નિશ્ચય નથી તેના ટાળ્યા કામાદિક અંતઃશત્રુ ટળવાના નથી અંતે જતાં જન્મ ખરાબ થઈ જવાનો અને આવો નિશ્ચય કરવો અથવા એવો નિશ્ચય થવાના ઉપાય કરવા એ જ બુદ્ધિમાનતા છે. અન્યથા બુદ્ધિ હોય, પણ જો આના માટે પ્રયાસ ન થતો હોય તો બુદ્ધિહીનતા જ છે.