પ્રતિપાદિત વિષય :
શાસ્ત્રછળનો ભેદ ઉકેલવો.
મુખ્ય મુદ્દા :
૧. ભગવાન સાકાર છે તે પણ દિવ્ય સાકાર છે.
ર. ભગવાનને નિરાકાર કહૃાા છે તે માયિક આકારના નિષેધ માટે અને નિર્ગુણ કહૃાા છે તે માયિક ગુણના નિષેધ માટે કહૃાા છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભાગવતનું દૃષ્ટાંત દઈને શાસ્ત્રોની વાત કરે છે. શાસ્ત્રમાં ભગવાનને કોઈ ઠેકાણે સંગણ કહ્યા હોય છે અને કોઈ ઠેકાણે નિર્ગુણ કહ્યા હોય છે. માટે સંગણ કહ્યા હોય તો વાંચનારાની બુદ્ધિમાં ભગવાન માયિક છે એવું સમજાઈ જાય છે. પરંતુ પરમાત્માની વાસ્તવિકતા શું છે ? તે કેવળ શાસ્ત્રોનાં વચનના આધારે સામાન્ય જીવ પામી શકતા નથી.
વાસ્તવમાં ભગવાન સાકાર છે કે નિરાકાર ? માયિક દેહવાળા છે કે દિવ્ય દેહવાળા ? તેનો નિર્ણય કરી શકતા નથી. કારણ કે શાસ્ત્રમાં અનેક પ્રકારનું પ્રતિપાદન કરનારાં વચનો લખેલાં હોય છે. તેને શાસ્ત્રનું શબ્દછળ કહેવામાં આવે છે. પરમાત્મા અંગે વાસ્તવિકતા શું છે ? તેનો નિર્ણય કેમ કરવો ? તે અંગે શ્રીજી મહારાજ બતાવે છે કે પરમાત્માનુ વાસ્તવિક સ્વરૂપ સાકાર છે અને દિવ્ય શરીરવાળું છે. કારણ કે તેજનો પુંજ પણ મૂર્તિ વિના રહી ન શકે. અગ્નિ, વરુણ વગેરે પણ મૂર્તિને આધારે પ્રગટ થાય છે અને તેની સાચી વાસ્તવિકતા ભગવાન અવતાર ધારણ કરીને આવે ત્યારે બતાવે છે.
શ્રીજી મહારાજે શ્રીકૃષ્ણ ભગવાનનું દૃષ્ટાંત આપ્યું છે. આ વિવાદ આસ્તિકોનો છે, નાસ્તિકોનો નથી. શ્રીકૃષ્ણ ભગવાન સર્વે આસ્તિકની દૃષ્ટિએ નિર્વિવાદપણે ભગવાન છે. વ્યાસ ભગવાને તેમને ભગવાન તરીકે શાસ્ત્રોમાં ગાયા છે. તેથી મહારાજે તેમનો નિર્દેશ કર્યો છે. શ્રીકૃષ્ણ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ માયિક છે કે અમાયિક છે ? તો શાસ્ત્રકારોની દૃષ્ટિએ અને વ્યાસ ભગવાનની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાન સદા સાકાર છે, નિરાકાર નથી. સદા દિવ્ય મૂર્તિ છે, માયિક નથી.
જયારે અર્જુનની પ્રતિજ્ઞા રાખવા માટે બ્રાહ્મણનો પુત્ર લેવા માટે ભૂમાપુરુષના લોકમાં ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત માયાનું આવરણ ઉલંધીને તેને વિષે રથને હાંકીને તેજપુંજમાં પ્રવેશ કરીને ભૂમાપુરુષના લોકમાં ગયા હતા. શ્રીકૃષ્ણ ભગવાનનું શરીર વાસ્તવિક માયિક હોય તો માયાથી આગળ જઈ ન શકે; પરંતુ અહીં તો માયિક એવો રથ પણ ભગવાનના પ્રભાવથી માયાને પાર પહોંચ્યો. જો શ્રીકૃષ્ણ ભગવાન નિરાકાર હોય તો ધામમાં પહોંચતા તેજનો પુંજ બની જાત અને આકારનું વિસર્જન થઈ જાત; પણ ત્યાં એવું થયું નહીં. માટે વાસ્તવિકતા સાકાર સ્વરૂપની છે એવું સાબિત થઈ આવે છે. તેથી શાસ્ત્રછળના શબ્દો આવે ત્યારે મતિ ભ્રમિત થવા દેવી નહીં અને એમ માનવું કે એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે. આમ ભગવાન સદા સાકાર મૂર્તિ છે ને દિવ્ય છે. તેમાં માયિક ભાવ નથી.