ગપ્ર–૬૩ : નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાનને જાણ્યાનું

પ્રતિપાદિત વિષય :

ભગવાનનો તત્ત્વે કરીને નિશ્ચય.

મુખ્ય મુદ્દા :

૧. મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે.

ર. સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે.

૩. પકવ નિશ્ચયવાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે.

વિવેચન :–

આ વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ પૂછયું : ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય ? પછી પરમચૈતન્યાનંદસ્વામીએ પૂછયું : જેને પરિપકવ નિશ્ચય હોય તેને કેવા ઘાટ થાય ? અંતે શ્રીજી મહારાજે અતિ દૃઢ નિશ્ચયવાળાનાં લક્ષણ પણ કહ્યાં. તેમાં જેને નિશ્ચયમાં કસર હોય તેને સામર્થી દેખાય તો આનંદ થાય અને જયારે સામર્થી ન દેખાય ત્યારે ઝાંખું પડી જાય. વળી પોતાના ઘાટ ન ટળે તો ભગવાનમાં ખામી અનુભવાય, પોતાની કલ્પના ભગવાનમાં લાગુ પાડે. એ નિશ્ચયમાં કસર હોય તેનુ પરિણામ છે. જેને પાકો નિશ્ચય હોય તેને એવા ઘાટ થાય જે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને પોતાને પૂર્ણકામપણું મનાય. પોતાની સફળતા કે પુરુષાર્થની સિદ્ધિમાં ભગવાન કારણરૂપ દેખાય પણ પોતે ન દેખાય. ભગવાનના પ્રત્યક્ષ ભક્તોમાં ઊંચી ભાવના થાય અને જે પ્રાપ્તિ થઈ છે તેના કરતા વધારે અપેક્ષા ન રહે. જેને પ્રાપ્તિનો આનંદ હૃદયમાં અનુભવાયા કરે તેને પરિપકવ નિશ્ચય જાણવો.

મહારાજે કહ્યું : તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાથી ભગવાનનો અડગ નિશ્ચય થાય છે.’તસ્ય ભાવઃ ઈતિ તત્ત્વમ્‌’ તેનો ભાવ એટલે તત્ત્વ કહેવાય. તેનો એટલે કે પરમાત્માનો. પરમાત્માનો ભાવ એટલે પરમાત્મામાં પડેલી વાસ્તવિકતાઓ. માટે પરમાત્માનો મહિમા જાણવો. પરમાત્માનો મહિમા જાણવાથી પરમાત્માનો પકવ નિશ્ચય થાય છે.

આ વચનામૃતમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓનો નિર્દેશ કર્યો છે. એક તો પરમાત્માની મોટાઈ જાણવી. ભગવાન કોના કોનાથી મોટા છે અને કેટલા મોટા છે. બીજુ જે જેનાથી મોટો હોય તે તેનાથી સૂક્ષ્મ પણ હોય. સૂક્ષ્મતા એટલે પરિશુદ્ધતા. ભગવાન બધા કરતા પરિશુદ્ધ છે. ‘પાવનઃ પાવનાનામ્‌’ અને સૂક્ષ્મ એટલે તેમની સમજણ પણ બધા કરતા વધારે છે, એમ જાણવું. ત્રીજું એમ કહ્યું કે મોટો હોય તે કારણ પણ હોય. કારણ શબ્દથી ભગવાનની શકિત અને સામર્થ્ય જાણવાં. આમ ભગવાનમાં મોટાઈ, પરિશુદ્ધતા–પ્યોરીટી અને સામર્થી. મનુષ્યાકૃતિ ભગવાનમાં જાણવાથી નિશ્ચયની કસરના ઘાટ બંધ થઈ જાય છે અને પરિપકવ નિશ્ચય થાય છે.

પરિપકવ નિશ્ચયના એ લક્ષણ કહ્યાં કે ત્યાગી હોય તો પણ પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો રાજી થકો કરે. બીજું પોતાના કઠિન સ્વભાવને પણ મૂકે. ત્રીજું કથા–કીર્તન તથા સંતની સેવાનો પૂરો ફાયદો ઊઠાવે. એટલે કે અતિશય કરે અને પોતાનો અવગુણ લે. તેને અતિ પરિપકવ નિશ્ચય છે તેમ જાણવું.

તફાવત:-

૧. અપક્વ નિશ્ચય ર. પક્વ નિશ્ચય ૩. પરિપક્વ નિશ્ચય

સામર્થી દેખાય તો જ આનંદ થાય, નહિ તો ઝાંખપ્ય અનુભવાય. તેના વ્યકિતત્વને પામીને પૂર્ણતા અનુભવાય. અતિ આનંદ અનુભવાય.

પોતાના હૃદયમાં ભૂંડા ઘાટ–સંકલ્પ મટે નહિ, તો એમ સમજે કે તે નમાલા છે. મારા સંકલ્પ કેમ ટળતા નથી ? તેને ઘણું કરીને એવા ઘાટ થતા નથી અને થાય તો પણ સામાનો વાંક દેખાતો નથી. એવા સંકલ્પ થતા નથી. કદાચ થાય તો પણ પોતાનો જ વાંક સમજે છે.

પોતામાં રહેલા દોષની ભગવાનમાં કલ્પના કરે છે. તેમાં પણ આ દોષ છે પણ ઉંમર, અધિકાર કે ઉંધાઈથી મોટા થઈ ગયા છે. તેવા દોષની કલ્પના તેને થતી નથી. તેને પણ એવી કલ્પના થતી નથી, ઉલ્ટું દિવ્યતાની ભાાવના થાય છે.

તેના અનુયાયીઓમાં (ભકતોમાં) મૂર્ખતા અને કાલાઈ–કાલાપણાની ઝાંખી થાય છે. તેમના સેવકો, અનુયાયીઓનો મહિમા અને અહોભાગ્ય અનુભવાય છે. તેના સેવકોમાં અતિ દિવ્યભાવ રહે છે.

પ્રાપ્તિમાં અધૂરપ દેખાય છે. બીજી જગ્યાએ વધારે માલ દેખાય છે. પૂર્ણ પ્રાપ્તિ મનાય છે. હું બીજે જઈશ ત્યાં પૂરું થશે તેવી અધૂરપ રહેતી નથી. દેહ છતાં પરમ પ્રાપ્તિ મનાય છે. મારા સંબંધથી બીજા પણ વધારે ભાગ્યશળી થશે તેવું અનુભવાય છે.

તેની છાયામાં રહીને ઉત્તમ ક્રિયા કરવાની પણ મજા આવતી નથી. તેની છાયામાં જે કાંઈ બતાવે તે કરવામાં આનંદ આવે છે. ગમે તેવો ત્યાગી હોય તો પણ ગમે તેવી પ્રવૃત્તિની ક્રિયા કરાવીએ એટલે કે તેની પ્રકૃતિથી વિરુદ્ધ વર્તાવીએ તો પણ ખુશીથી કરે છે.

જલ્દી પોતાના સ્વભાવને વશ થઈ જવાય છે. પોતાના સ્વભાવને આડો આવવા ન દે. પોતાના સ્વભાવને તત્કાળ મૂકે.

તેના લીધેલા નિર્ણયો અધૂરા લાગે. તેના લીધેલા નિર્ણયો બંધ બેસી જાય. તેના લીધેલા નિર્ણયોમાં દિવ્યતા દેખાય.

તેની ક્રિયા બંધ ન બેસે. બધી ક્રિયા બંધ બેસી જાય. ક્રિયામાં ઉલટી દિવ્યતા કે વિશેષતા દેખાય.

તેનું જીવન, સ્વભાવ, ચરિત્રમાં આનંદ ન આવે. તેનું જીવન, સ્વભાવ, ચરિત્ર સુખદાયી અનુભવાય. તેનું જીવન આનંદદાયી અનુભવાય.

તેનું વ્યકિતત્વ તુચ્છતા–ખામીભરેલું દેખાય. તેના વ્યકિતત્વ તરફ અંતરથી માન– આદર થાય. તેમનું વ્યકિતત્વ પોતાના જીવનનો આદર્શ કે ધ્યેય બની જાય.

પોતાનો અવગુણ–ન્યૂનતા ન દેખાય. પોતાનો અવગુણ કે ખામી દેખાય. ભગવાનમાં ગુણ દેખાય. પોતાનો જ અવગુણ અને ખામી દેખાય.

ભગવાનના ભક્તને પોતાથી નીચા સમજે. ભગવાનના ભક્તને સારા જાણે. ભગવાનના ભકતને પોતાનાથી મોટા સમજે.

પોતાની ખામી ભરેલી ક્રિયા બદલાવી ન શકે. પોતાની નબળી ક્રિયાને દબાવી દે. પોતાની ક્રિયાને બદલાવે.