ગપ્ર–૬ર : સત્ય, શૌચાદિક ગુણ આવ્યાનું

પ્રતિપાદિત વિષય :

ભકતમાં ભગવાનના સત્ય, શૌચાદિક ગુણ આવવાનાં કારણો.

મુખ્ય મુદ્દો :

ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને સાચા ભક્તોમાં ભાવના ન હોય ને તેની સાથે દુર્વ્યવહાર કરે તો ગુણ આવવાના નથી.ઉલ્ટો આસુરી ભાવ આવે છે.

વિવેચન :–

આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્ય, શૌચાદિક ઓગણચાલીસ ગુણ ભગવાનના સ્વરૂપમાં નિરંતર રહે છે. તે ગુણ સંતમાં કેવી રીતે આવે ? તેનો ઉત્તર મહારાજે કર્યો કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ ગુણ સંતમાં આવે છે. એ નિશ્ચયમાં ભગવાનને ઈતર જેવા ન માને અને તે નિશ્ચય કોઈ વાતે ડગે નહિ તેવો હોય ત્યારે ભગવાનના ગુણ આવે છે. આવો નિશ્ચય થાય ત્યારે તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. સંબંધ થાય ત્યારે તેના ગુણ તેમાં આવે છે.

ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ શંકા કરી જે, સત્સંગમાં ઘણી વખત એવું જોવા મળે છે કે નિશ્ચય હોય તો પણ સારા ગુણ આવતા નથી અને માન ને ઈર્ષ્યા વગેરે દુર્ગુણો વધતા જાય છે. ત્યારે કેમ સમજવું ? એનું સમાધાન કરતા મહારાજે કહ્યું જે જીવમાં આસુરી અંશ હોય અને કુપાત્રતા હોય તો ભગવાનનો નિશ્ચય હોય તો પણ તેમાં ભગવાનના ગુણ આવતા નથી. ઉલટા આસુરીભાવ, કુપાત્રતા વગેરે દુર્ગુણો વધતા જાય છે. માટે ભગવાનના નિશ્ચયની સાથે સાથે ભગવાનના ભક્તની સેવાની ભાવના અને નિર્માનીભાવ હોય તો જ ભગવાનના નિશ્ચયથી ભગવાનના ગુણ આવે છે. વળી ભક્તો સાથે માન, ઈર્ષ્યા, અભિમાન હોય ને દ્રોહની ભાવના હોય તો આસુરીભાવ અને દુર્ગુણો વધે છે ને ભગવાનના ગુણ આવતા નથી.

આમ સત્ય–શૌચાદિક ભગવાનના ગુણો આવવામાં ભગવાનનો નિશ્ચય સમવાય કારણ બને છે. ભગવાનના ભક્તો આગળ સેવાની ભાવના અને નિર્માનીભાવ એ અસમવાયી કારણ બને છે. ભગવાનના ભક્તની કૃપા એ નિમિત્ત કારણ બને છે.

સમવાયી કારણ એટલે ઉપાદાન કારણ. જેમ વસ્ત્ર માટે દોરા એ સમવાયી કારણ કહેવાય. તેમ ભગવાનના ગુણો આવવા માટે ભગવાનનો નિશ્ચય સમવાયી કારણનું કામ કરે છે. જયારે અસમવાયી કારણ એટલે તેનો નાશ થતાં તત્કાળ કાર્યનો નાશ થઈ જાય અને તેનો સંયોગ થાય તો જ કાર્ય ઉત્પન્ન થાય તેને અસમવાયી કારણ કહેવાય.

ભગવાનના ભક્તોને વિષે સેવાભાવના અને તેમના આગળ નિર્માની ભાવ એ ભગવાનના ગુણો આવવા માટે અસમવાયીકારણ બને છે. એનો અર્થ એ થયો કે ઉપાદાન કારણ રૂપ ભગવાનનો નિશ્ચય હોય; તો પણ જો ભક્તોને વિષે સેવાભાવના અને નિર્માનીપણું ન હોય તો ભગવાનના ગુણો આવવારૂપ કાર્ય થતું નથી (ગુણો આવતા નથી) અને અસમવાયી કારણ નાશ થતાં કાર્યનું તત્કાળ વિસર્જન થાય છે. તેમ ભગવાનના ભક્ત પાસે નિર્માનીપણું ને સેવાની ભાવના દૂર થતાં ભગવાનના ગુણોનું તત્કાળ વિસર્જન થાય છે. દા.ત. પૂર્ણાનંદ સ્વામી, રામાંડલીક, મેઘજી સુખડીયા, રઘુનાથદાસ વગેરે. રાજી થયેલા ભગવાનના ભક્તનો સંકલ્પ તો ભગવાનના ગુણો આવવામાં નિમિત્ત કારણ છે. વસ્ત્રમાં વસ્ત્ર બનાવનારો નિમિત્ત કારણ છે. શાળ વગેરે સહકારી કારણો છે. જયારે ભગવાનના ગુણો આવવામા શુભ દેશકાળ, સંગ વગેરે સહકારી કારણો છે.

અસમવાયી કારણ અને સમવાયી કારણમાં તફાવત એટલો છે કે સમવાયી કારણનું વિસર્જન થતું નથી; પરંતુ અસમવાયી કારણનું વિસર્જન થાય છે. તે ન્યાયે ભગવાનના ગુણોનો અપલાપ–નાશ થતો નથી; પરંતુ ભગવાનના ભક્તની સેવાભાવના ન હોય તો ભક્તમાં કાર્યરૂપે આવિર્ભાવ થતો નથી.

અસમવાયી કારણ અને નિમિત્ત કારણમાં તફાવત એ છે કે અસમવાયી કારણની હાજરી સુધી જ કાર્ય પ્રગટ અથવા દૃશ્યમાન રહે છે. જયારે નિમિત્ત કારણની સતત હાજરીની જરૂર રહેતી નથી. ભગવાનના ગુણો આવ્યા પછી પણ તેને ટકાવી રાખવા ભક્તની સેવાભાવનાની સતત હાજરીની જરૂર રહે છે; નહીં તો કાર્ય વિસર્જિત થઈ જાય છે.

નિમિત્ત કારણ અને સહકારી કારણમાં તફાવત એ છે કે નિમિત્ત કારણ કાર્યનું વિસર્જન કરવા શક્તિમાન હોય છે. જયારે સહકારી કારણમાં એ શક્તિ હોતી નથી.

આ ચર્ચા ઉપરથી ભગવાનના સાચા ભક્તની મોક્ષમાર્ગમાં કેટલી અને કેવી જરૂર છે તે સ્પષ્ટ સમજાઈ જશે. તેથી ઉલ્ટું હિરણ્યકશિપુનું દૃષ્ટાંત આપીને મહારાજ એ બતાવે છે કે ભગવાનના ગુણોનો આવિર્ભાવ થયો હોય. જેમ જય–વિજય ધામને દરવાજે ઊભા હતા એટલે કે સામીપ્ય, સારૂપ્ય અને સાયુજય મુિક્ને પામ્યા હતા. ભગવાન જેવી શકિત પામ્યા હતા તો પણ અભિમાનથી કે કોઈ કારણથી સનકાદિક સાથે દુર્વ્યવહારથી પતન થયું. જયારે હિરણ્યકશિપુમાં પણ ભગવાન જેવી અંતર્યામી શક્તિ તથા સામર્થ્ય હતાં, તો પણ પ્રહ્લાદ સાથે દુર્વ્યવહારથી અતિ કરુણ અંજામ આવ્યો. માટે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તે કોઈ ભગવાનના ભક્ત કે ગરીબનું અપમાન કરવું નહિ. તેનો દ્રોહ કે દુઃખી કરવા નહિ. તેમની આગળ નિર્માની રહીને, સેવક થઈને રહેવું.