કડવું-63

ધન્યાશ્રી

હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગે અભિમાનજી;

તો ન ભજાયે કેદી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એકતાનજી. ૧

ઢાળ

તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતાં;

મળે તો મહા સુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતાં. ૨

જેમ ભાંડ બાંડ ના’વે ભિડ્યમાં, કુલક્ષણાની જાણે કળા;

સોસો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી ઊઠી જાય વેગળા. ૩

એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર;

અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર. ૪

કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો;

પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતા, જાય છે એનો જીવડો. ૫

અણ અરથે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત;

પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત. ૬

કોટી કોટી શાસ્ત્ર સાંભળ્યાં, વળી કોટિ કોટિ સાંભળશે;

અજ આવી ઉપદેશ દેશે, તોયે ભૂલ્ય એની કાંઈ ટળશે? ૭

ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી;

પણ પકડ્યું પુચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી. ૮

આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહિ;

ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂઆ સુધી મૂકે નહિ. ૯

મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ;

નિષ્કુળાનંદ ફંદ પડિયો ગળે, પરવશ થયો પશુરાજ. ૧૦

વિવેચન : 

વળી ભગવાનના ભક્તને સાચી ભક્તિ કરતા કરતા પણ દેહાભિમાન આવી જાય તો એ પણ મોટી હાનિ છે, કારણ કે એવાથી કદી ભગવાન ભજાતા નથી. તેઓને તો માત્ર પોતાનું પંડ્ય પોષવાનું તથા ઇન્દ્રિયો અંતઃકરણને પોષવાનું તથા તેના વિષય પમાડવાનું જ એક તાન રહે છે. દેહાભિમાની હોય તે પોતાના શરીરને સુખી રાખવા સારુ ખાનપાન મેળવવાની ચિંતામાં જ રહે છે ને પોતાના મનનું ધાર્યું કેમ થઇ શકે તેની જ ચિંતામાં રહે છે. જો મનગમતી વસ્તુ મળી જાય કે મનનું ગમતું થઇ જાય તો મનમાં મહાસુખ માની બેસે છે અને જો તેવી વસ્તુ પ્રાપ્ત ન થઇ અથવા મન ધાર્યું ન થયું તો મનમુખી બની જઇને આંખો ચોળતો ભાગે છે મતલબ કે તેનું ચિત્ત હર્ષ-શોકમાં વ્યગ્ર બન્યા કરે છે.

જેમ ભાંડ જેવા વેશધારીઓ (ક્યારેક સાધુ કે સજ્જનનો વેશ કાઢ્યો હોય તો પણ) કોઇની ખરી કસોટીમાં આવતા નથી, કેમ કે તે કુલક્ષણો બતાવવાની કળામાં ઘણા કુશળ હોય છે, પારંગત થયેલા હોય છે. કોઇની અનેક પ્રકારની વાતોથી તે બંધાઈ જતા નથી. ને કદાચ ક્યારેક કોઇ વાતમાં બંધાય ગયા જેવું લાગે તો પણ જેવી તેવી ઠઠ્ઠામશ્કરી કરીને કે છેવટે અધોવાયુનો અવાજ કરીને પણ નિર્લજ્જ થઇને ગંભીર વાતને મશ્કરી બનાવીને તેમાંથી છટકી જાય છે.

એવી જ રીતે જે અભાગિયા જનો છે તે ભગવાનને પામવાના આ ભક્તિના પવિત્ર માર્ગમાં આવીને પણ દેહભાવને જરાક કઠણ પડે કે કારસો આવે તેવું લાગે તો હજાર પ્રકારની યુક્તિ, કળા કે છળકપટ કરીને પણ પોતાના અંગને (દેહભાવને) કશો જ કારસો આવવા દેતા નથી અને તેમાંથી આબાદ પણે છટકી ને ઊભા રહે છે. પણ દેહાભિમાન ઓછું કરીને મહારાજ માટે પણ કષ્ટ ખમી શક્તા નથી. તે મન ધાર્યું મૂકી શક્તા નથી. કર્મને વશ થઇને કરોડો કષ્ટ વેઠે છે પણ ભગવાનને માટે કે ભગવાનની ભક્તિ કરવા માટે કે ભગવાનના ભક્ત માટે કાંઇ પણ વેઠવા કે સહન કરવા તૈયાર નથી. કેમ જાણે કમર ઉપર કપોત-હોલો બેસી ગયો ન હોય (એવું લોકમાં મનાય છે કે જેની કમર ઉપર હોલો બેસી જાય તો તે અંગ રહી જાય છે, ખોટું થઇ જાય છે.)આવા પ્રકારના દાનત કે ઇરાદાના ખોટા જે મનુષ્યો હોય તેમણે કદાચ કરોડ કરોડ શાસ્ત્ર સાંભળ્યા હોય, અને તેટલા શાસ્ત્રો ભણ્યા હોય અને ભવિષ્યમાં તે એટલા બીજા સાંભળશે ને ભણશે અને તેને કદાચ સાક્ષાત્‌ બ્રહ્મા આવીને ઉપદેશ આપે તો પણ શું તેની ખામી કાંઇ ટળવાની છે?

એવી બગડેલ બુદ્ધિના નફફટ જનોને હજારો ગુરુઓ મળીને જ્ઞાન આપે, છતાં જેના અંતરમાં પ્રથમથી જ અવળી આંટી જેણે પાડી હોય તે સવળું સમજી શકે જ નહિ, તેની ભૂલ સુધરવાની કોઇ સંભાવના જ નથી. જેણે ઝેર ખાવાની હઠ પકડી તે મુઆ સુધી મૂકવાનો નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વાંદરો જેમ ચપટી ચણાના લોભમાં ગળે દોરડાનો પાશ પડતા આખી જિંદગી પરવશ થઇને બંધાય જાય છે તેની જેમ જ એ લોકોને પશુતુલ્ય મૂર્ખા સમજવા