ગપ્ર–૬૧ : બળિ રાજાનું

પ્રતિપાદિત વિષય :

ધીરજ ન ડગે તેના ઉપાયો.

મુખ્ય મુદ્દા :

૧. આત્મનિષ્ઠાથી આ લોકના સંકટ તરી જવાય છે.

ર. મૃત્યુરૂપી સંકટ તરવા ભગવાનના અચળઆશ્રયની જરૂર રહે છે.

૩. મૃત્યુ પહેલા ને પછીના સંકટ અને પ્રલોભનો તરવા માટે ભગવાનની દૃઢ ઉપાસનાની ટેક શ્રેષ્ઠ ઉપાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મુક્તાનંદસ્વામીએ પ્રથમ પ્રશ્ન પૂછયો : કામ, ક્રોધ, લોભ, ભય તેને યોગે કરીને ધીરજ ન ડગે તેનો શો ઉપાય છે ? મહારાજે તેના ઉત્તરમાં કહ્યું : આત્મનિષ્ઠા અતિ દૃઢ થાય ત્યારે ધીરજ ડગે નહીં. વળી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : આત્મનિષ્ઠા અંત સમે કેટલી સહાય કરે ? ત્યારે મહારાજે કહ્યું : અંત સમે આત્મનિષ્ઠા કાંઈ કામ આવતી નથી. અંતસમે ભગવાનનો આશરો અને ઉપાસના કામ આવે છે. ત્યાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : સિદ્ધિઓ પાકા નિશ્ચયવાળાને આવે છે કે કાચા નિશ્ચયવાળાને આવે છે ? સિદ્ધિઓ પાકા નિશ્ચયવાળાને આવે છે ને તે પણ ભગવાન તે ભક્તની કસોટી લેવા માટે સિદ્ધિઓને પ્રેરે છે. જો તેમાં ન લોભાય તો ભગવાન તેને વશ થઈ જાય છે. માટે ભગવાનના ભક્તોએ કસોટીથી ડરવું નહિ.

કસોટી બે પ્રકારની છે : એક તો કુદરતી રીતે આવે છે. જે મોટે ભાગે અગવડતા સ્વરૂપ અથવા દુઃખરૂપ હોય છે. બીજી ઈષ્ટ વ્યક્તિ તરફથી જાણી જોઈને લેવામાં આવતી હોય છે. હરિશ્ચંદ્ર રાજા, શિબિ, રન્તિદેવ, દધિચિ વગેરેને પણ કસોટી આવી હતી. પ્રહ્લાદ, બલિ, સીતા, મીરાં વગેરેને પણ કસોટી થઈ હતી. પણ બન્ને કસોટીમા ફેર છે. હરિશ્ચંદ્રરાજા વગેરેને જે સહન કરવું પડયું તે સદ્‌ગુણો માટે. જયારે પ્રહ્લાદ વગેરેએ ભગવાનની ભક્તિ અખંડિત રાખવા સહન કર્યુ. તેમાં પણ બલિ મહારાજા, સીતાજી, દાદા ખાચર, મૂળજી બ્રહ્મચારી , મૂળજી કૃષ્ણજી (માનકૂવા) વગેરેની ભગવાને વ્યક્તિગત કસોટી લીધી હતી.

સદ્‌ગુણોનો માર્ગ અખંડ રાખવા માટે જે સહન કરવું પડે છે તેની આધારશિલા આત્મનિષ્ઠા છે. આત્મનિષ્ઠાને આધારે અનંત દુઃખ સહન કરી શકાય છે. જયારે પ્રહ્લાદ વગેરેને સહન કરવાની આધારશિલા ભગવાનની ભક્તિ હતી. હૃદયમાં પડેલી ભક્તિને આધારે સંકટો સહન કર્યાં. તેમાં પણ વિશેષ બલિ રાજા, દાદા ખાચર વગેરેને જે કસોટી થઈ, તેમને જે સહન કરવું પડયું તે વ્યક્તિ વિશેષ(ઈષ્ટદેવ)ને આધારે સહન કરવું પડયું. જેને ઉપાસના પણ કહી શકાય.

મહારાજે કહ્યું : આત્મનિષ્ઠાને આધારે ભૂખ–તરસ, સુખ–દુઃખ, હર્ષ–શોક વગેરે તરી શકાય છે, પણ મૃત્યુ સમય તો આકરો છે. ત્યાં ભગવાનના આશ્રયનું કામ પડે છે. ભગવાનના આશ્રયવાળો મૃત્યુસમયે તરી જાય છે. ભગવાનના ભક્તને મૃત્યુ પછી પણ વિધ્ન છે અને તે છે સિદ્ધિઓનું પ્રલોભન. તેને તરવા માટે ભગવાનની જ સેવા કરવાની ભક્તને જીવમાં પ્રબળ ટેક હોવી જરૂરી છે. જો તેની ઉપાસના દૃઢ હોય તો તે કોઈ પ્રલોભનમાં લોભાતો નથી. ભગવાનને માર્ગે ચાલ્યા પછી રસ્તો બદલાવી નાખનારા પરિબળોનો ઈશારો આ વચનામૃતમાં કર્યો છે.

એક પરિબળ તો એ કે અતિ દુઃખ કે અતિ અગવડતા. જેને આપણે આપત્કાળ અથવા આકરા દેશકાળ કહીએ છીએ.

જયારે બીજું પરિબળ એ છે કે કોઈ વ્યક્તિ આપણી વિરુદ્ધમાં પડે. એટલે કે આપણી પાછળ પડી જાય અથવા ભગવાન ભક્તોની કસોટી લે ત્યારે થોડી ધીરજવાળાનો માર્ગ બદલાઈ જાય છે.

આ ઉપરાંત એક ત્રીજું પરિબળ ધીરજ ડગાવીને માર્ગ બદલાવી નાખે છે. તે છે તીવ્ર પ્રલોભન. રૂપ, સ્વાદ, માન, સંપત્તિ વગેરેના તીવ્ર પ્રલોભનો પણ ભગવાનનો માર્ગ ભુલાવી દે છે. સૌભરિ, પરાશર, નારદ, એકલશ્રૃંગી, વસિષ્ઠ, ગોવિંદ સ્વામી વગેરેના તીવ્ર પ્રલોભનોથી માર્ગ બદલાયા હતા. પ્રલોભનથી તરવાનો ઉપાય ઈષ્ટદેવની સેવાની પ્રબળ લાલસા અથવા ટેક તે એક જ છે.

દુઃખ, આપત્કાળ તરવા આત્મનિષ્ઠા જીવન દરમ્યાન કામ આવે છે. મૃત્યુ સમયે તરવા આશ્રય કામ આવે છે અને મૃત્યુ પછીના કે પહેલાંના પ્રલોભનો તરવા માટે પરમાત્માની નિષ્ઠા કામ આવે છે.

સારું થવા માટે દુઃખો સહન કરીને આત્મનિષ્ઠા રૂપી મૂલ્ય ચૂકવવું પડે છે. મૃત્યુ સમય સુધારવા માટે અને તરવા માટે ભક્ત થઈને આશ્રય રૂપી મૂલ્ય ચૂકવવું પડે છે. તીવ્ર પ્રલોભનો તરવા માટે ઉપાસના રૂપી મૂલ્ય ચૂકવવું પડે છે.

ભગવાનની ઉપાસના વિના કઠોર પરિશ્રમ, આકરી કસોટી અથવા તીવ્ર પ્રલોભનો પાર કરી શકાતાં નથી. સાચી ઉપાસનાનું એ જ લક્ષણ છે જે આ ત્રણેયને પાર કરે. ભગવાન માટે તે કઠોર પરિશ્રમ કરે. આકરામાં આકરી કસોટીથી પાર ઉતરે અને ગમે તેવાં પ્રલોભનમાં પણ ન લોભાય.

સિદ્ધિ અને સંકટ એ ભક્તની કસોટી છે અને આત્મનિષ્ઠાની પણ કસોટી છે છતાં આત્મનિષ્ઠા અને ભક્તપણું એ બંને અલગ છે. ભ્રાંતિ ન થાય એ માટે ઓળખવું જરૂરી છે.