સ–૦૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાન તે શું ? તેનું

પ્રતિપાદિત વિષયઃ

હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું ?

મુખ્ય મુદ્દાઃ

૧. યુગધર્મ પ્રવર્તવાનુ કારણ સત્ત્વાદિ ગુણ છે.

ર. ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે.

૩. જેને ભગવાન અને સંતના વચનમાં અતિ વિશ્વાસ હોય તેના ગમે તેવાં તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે.        

વિવેચન :–

આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ?

ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે તેનું કારણ તો ગુણ છે. તે જ્યારે શુદ્ધ સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્ત્વ અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતા યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજ અને તમો ગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કલિયુગની પ્રવૃત્તિ હોય. એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે.

યુગ બે પ્રકારના છે. એક તો આખી પૃથ્વી પર શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિયુગ સામૂહિક રીતે પ્રવર્તે છે. બીજું વ્યક્તિના હૃદયમાં પણ યુગની પ્રવૃત્તિ પ્રવર્તે છે. યુગ વિભાગ કરનાર ઘણાં પરિબળો છે, પણ તેમાં સમય અને ક્રિયા એ મોટાં પરિબળો છે. માટે દરેક યુગ માટે પોતપોતામાં પ્રર્વતતી સામૂહિક ક્રિયામાં કુશળતા હોય છે. એટલે કે દરેક યુગ યુગને ઓળખાવનારી એવી ખાસ ક્રિયાઓ છે.

સત્યુગની પ્રજામાં જ્ઞાન, ધ્યાન અને તપની પ્રધાનતા હોય છે. જ્યારે ત્રેતાયુગમાં યજ્ઞ, દાન, પુણ્યકર્મની પ્રધાનતા હોય છે. દ્વાપરમાં કામ્યકર્મો, પૂજા, કીર્તનની પ્રધાનતા હોય છે. કલિયુગમાં કલહ, છેતરામણી અને દભ–કપટની પ્રધાનતા રહે છે. આ જે તે યુગમાં યુગપ્રધાન ક્રિયાઓ છે. તેથી તો કહેવાય છે કે કોઈ મહા વિભૂતિ આવે તો તેના પ્રભાવથી કલિયુગમાં પણ સત્‌યુગ બની જાય. એનો અર્થ એ કે કલિયુગના કલેશ–કંકાસનું વાતાવરણ દૂર થઈને તપ, ધ્યાન, ભજન વગેરે સત્યુગની ક્રિયાઓ સમાજમાં મોટા પ્રમાણમાં પ્રવાહિત થાય. ત્યારે કહેવાય કે કલિયુગમાં સત્યુગ આવ્યો.

આ વાત થઈ બાહ્ય સમાજના વાતાવરણની. મહારાજે કહ્યુ કે જીવના હૃદયમાં પણ યુગના ધર્મો પ્રવર્તે છે. તેથી હૃદયમાં જેવો યુગ હોય તેવી રુચિ અને તેવી ક્રિયા થાય છે. તેને પોતાના અંતરમાં નિરીક્ષણ કરીને જુએ તો દેખાય છે. વળી વ્યક્તિગત અંતરમાં વર્તતા યુગધર્મો થોડા થોડા સમયમાં બદલાતા રહે છે.

જ્યારે પોતાના મનમાં આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં રસ જાગે કે તેના પ્રત્યે જાગૃતિ આવે એટલે કે ધ્યાન, તપ, કે મહારાજની આજ્ઞામા રુચિ થાય ત્યારે એમ જાણવું કે અત્યારે મારા હૃદયમાં સત્યુગના ધર્મો પ્રવર્તે છે, માટે સત્ત્વગુણ વર્તે છે. જ્યારે આપણા હૃદયમાં દાન, પુણ્ય અને પરોપકારમાં રુચિ થાય ત્યારે ત્રેતા યુગ વર્તે છે એમ જાણવું. રજોગુણ પ્રવર્તે છે એમ જાણવું. જ્યારે હૃદયમાં ફળની, ધનની અથવા કીર્તિની ઉત્કટ ઈચ્છાથી જે કોઈ અનુરૂપ ક્રિયાની ચાહના પ્રવર્તે ત્યારે દ્વાપરની પ્રવૃત્તિ થઈ કહેવાય. ત્યારે રજોગુણ સાથે થોડો તમોગુણ પણ હૃદયમાં હોય છે. જ્યારે હૃદયમાં ઝગડો ઊભો કરવાની, બીજાને છેતરવાની, દંભ, કપટની પ્રવૃત્તિની ઉત્કટતા જાગે અથવા ઊંઘ, પ્રમાદ, નિષ્ક્રિયતા, ક્રોધ વગેરેમાં પ્રીતિ થાય ત્યારે એમ જાણવું કે હૃદયમાં કલિયુગ વર્તી રહ્યો છે. ત્યારે કેવળ તમોગુણ વર્તી રહ્યો હોય છે.

ટૂંકમાં સત્યુગની પ્રવૃત્તિમાં પરમાત્મા મુખ્ય લક્ષ્ય સ્થાને હોય છે. જ્યારે ત્રેતા આવતાં લક્ષ્યમાં ભગવાન થોડા ગૌણ થાય અને સત્‌ક્રિયાઓ કે સદ્‌ગુણો મુખ્ય થઈ જાય છે. જ્યારે દ્વાપરની ક્રિયાઓમાં તે પણ થોડા ગૌણ થઈને પોતાનો અહં કે પોતાનો સંકુચિત સ્વાર્થ મુખ્ય બની જાય છે. જ્યારે કલિયુગની ક્રિયામાં પોતાના અહં(ઈગો)ની સાથે અન્ય પ્રત્યેની દુર્ભાવના કે તિરસ્કાર ભળેલો હોય છે. આમ જેમ જેમ નબળી ભાવનાઓ ભળે તેમ તેમ અધોગતિ અને ઉચ્ચ ભાવનાઓ ભળે તો ઉર્ધ્વગતિ થાય છે.

વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે ? એટલે કે યુગ પ્રવૃત્તિનું કારણ સત્ત્વાદિ ગુણ છે અને સત્ત્વાદિ ગુણ હૃદયમાં પ્રવર્તે છે તેનું કારણ શું છે ? તે કોના આધારે બદલાય છે ને કોના આધારે પ્રવર્તે છે ?

મહારાજે ઉત્તર કર્યો કે ગુણની પ્રવૃત્તિનું કારણ તો પૂર્વ કર્મ છે. તે જીવના જેવાં જેવાં પૂર્વ કર્મ હોય તેવા ગુણ પ્રવર્તે છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. માટે તેને આત્મનિષ્ઠાનું બળ રાખવુ. એટલે કે રાજસી–તામસી ભાવો હૃદયમાં ઊઠે તો એમ માનવું કે એ રજ–તમના ભાવો છે તે હું નથી. હું એ ભાવોથી અલગ છું. હું ભગવાનનો છું. વળી ભગવાનનો મહિમા વિચારવો જે ભગવાન તો અતિ તામસી અને પતિત પણ જો શરણે આવે તો તેનો પણ ઉદ્ધાર કરે છે. અજામિલ મહાપાપી હતો. તેનો પણ ઉદ્ધાર કર્યો. એમ વિચારીને ભગવાનને શરણ રહેવું. આનંદમાં રહીને ભજન કરવું. દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી. ભગવાનની આજ્ઞામાં રહેવું. તો ભગવાન દયા કરશે.

વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે જેને તામસી કર્મો ઘણા હોય તેના હૈયામાં કલિયુગ વર્તે તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે ? ત્યારે મહારાજ બોલ્યા જે જો એને સંત તથા પરમેશ્વરને વિષે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દૃઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય તો પણ તેનો નાશ થઈ જાય છે ને કલિયુગના ધર્મ મટીને સત્યુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં ને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે સ્થાન તે કેને કહીએ ? ત્યારે મહારાજ બોલ્યા, જે ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને અનુસાર પોતપોતાના ધર્મ તેને સ્થાન કહેવાય. સ્થાન એટલે ભૂમિકા. ભગવાન ભજવા માટે અથવા તો અધ્યાત્મમાર્ગમાં આગળ પ્રગતિ સાધવા માટે એક મૂળ ભૂમિકાની જરૂર પડે છે. જે ભૂમિકા ઉપર ઊભા રહીને આગળ વધવા માટે પુરુષાર્થ કરવાનો હોય છે. તે મૂળ ભૂમિકા તે કઈ છે ? તો મહારાજ કહે, પોતપોતાનો ધર્મ તે મૂળ ભૂમિકા છે. ત્યાંથી આગળ વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ કે બીજા સારા ગુણોમાં આ ભૂમિકા ઉપર ઊભા રહીને આગળ વધવાનું હોય છે. તેને સ્થાન કહેવાય છે. તે વર્ણ અને આશ્રમને લઈને અલગ અલગ હોય છે. માટે મહારાજ કહે, તમે ત્યાગી છો તે તમારાથી ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો સ્થાનભ્રષ્ટ થવાયું એમ જાણવું. માટે ગમે તેવા આપત્કાળમાં પણ પોતાના ધર્મમાંથી ચલાયમાન ન થવું. ભગવાનની પૂજા પણ પોતાના ધર્મમાં રહીને કરવી તે જ શ્રેષ્ઠ છે. એવી મહારાજે આજ્ઞા કરી છે.