કડવું-59

ધન્યાશ્રી

વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી;

જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ ને રાતજી. ૧

ઢાળ

રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી;

જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. ૨

બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય થયાં કંઈ જન;

એમ કરતાં ક્યારેક કાળ પડ્યો, જડે નહિ જાચતાં અન્ન. ૩

પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન;

તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરિજન. ૪

આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત;

આપું ધન તો તન ઉગરે, નહિ તો થાશે બેઉની ઘાત. ૫

કટાણે ને કઠેકાણે, તક જોઈ આવ્યા છે તેહ;

જરૂર મારશે જીવથી, એ વાતમાં નહિ સંદેહ. ૬

એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઈ ધન;

ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઈક કપટ છે એને મન. ૭

માટે મારી નાખો એહને, તો જરે આ સઘળો માલ;

ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ. ૮

પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહિ મે’ર;

તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઈ ગયો ઘેર. ૯

પછી રાજાયે એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ તે જયદેવ;

નિષ્કુળાનંદના નાથના વા’લા, જાણી કરે છે બહુ સેવ. ૧૦

વિવેચન : 

એક સાંભળવા જેવી સારી વાત જયદેવજીની છે. જયદેવના પત્ની પદ્માવતી પ્રસિદ્ધ હતા. બન્ને પતિ-પત્નિ રાત્રિદિવસ ભગવાનની ભક્તિ કરતાં. મધુર રાગથી ભગવાનના ગુણ કીર્તન ‘ગીતગોવિંદ’ ગાય અને ભિક્ષા માગી અન્ન લાવી, તેનાથી ભૂખ્યા જનોને જમાડી પોતે જમતા હતા. એક તો ઊંચા કુળના બ્રાહ્મણદંપતી વળી ભગવાનના ભક્ત હતા તેથી ઘણા મનુષ્યો તેમના શિષ્યો થયા. એક સમયે ભયંકર દુષ્કાળ પડ્યો અને એવી વિષમ વેળા આવી કે માગતા ય અન્ન મળે નહિ. જયદેવજી શિષ્યોને ઘેર યાચવા નીકળ્યા, એટલે શિષ્યોએ યથાશક્તિ કેટલુંક ધન આપ્યું. તે લઇને તેઓ જતા હતા તેવામાં રસ્તે હરામખોર ચોર તેને ભેટી ગયા. જયદેવે તેને આચારથી ઓળખી લીધા અને વિચાર કર્યો કે જો આ ધન આપી દઉં તો જીવ બચશે, નહિ તો ધન અને પ્રાણ બન્નેની હાનિ થશે એ નક્કી છે. આમ વિચારીને તે હરામખોર નજીક આવ્યા એટલે તેમણે બધું ધન રાજી થઇને તેમને આપી દીધું. આથી ચોરોને ઊલટો વહેમ પડ્યો કે આમ કાંઇ પણ આના કાની સિવાય રાજી થઇને બધું ધન આપી દે છે માટે એમાં કાંઇક કપટ હોવું જોઇએ. પછી તો એ દુષ્ટોએ ધાર્યું કે આમને જો મારી નાખીએ તો મહેનત કરવાથી આમનો માલ આપણને પચી જાય કારણ કે પછી આપણે મહેનત કરીને લીધું કહેવાય. ત્યારે એક જણે કહ્યું કે ‘એમ નહિ, એના હાથપગ કાપી નાખો એટલે તેની મેળે બેહાલ થઇને મરી જશે.’ આ સાંભળીને દયાહીન ઘાતકી લોકોએ જયદેવના હાથપગ કાપી નાખ્યા ને ચાલ્યા ગયા. પછી કેટલીક વારે તે જ સ્થળેથી કોઇ રાજાની સવારી નીકળી. તેમણે જયદેવને આવી દુઃખી હાલતમાં જોયા એટલે તે રાજા તેમને રથમાં નખાવીને પોતાના નિવાસસ્થાને લઇ ગયો. ત્યાં પછીથી તો રાજા ને ઓળખાણ પડી કે આ તો ભગવાનના પરમ ભક્ત જયદેવજી છે તેથી તે રાજા તેમની સારી સેવા કરવા લાગ્યો.