ગપ્ર–પ૧ : હીરે કરીને હીરો વેધાયાનું

પ્રતિપાદિત વિષય :

ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે.

મુખ્ય મુદ્દો :

મહારાજ આપણા અંતરમાં રહીને પોતાનો નિશ્ચય કરાવે છે.

વિવેચન :–

પ્રસ્તુત વચનામૃતમાં પૂર્ણાનંદસ્વામીનો પ્રશ્ન છે : દસ ઈન્દ્રિયો રજોગુણની છે ને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણનાં છે. માટે સર્વે ઈન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે અને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક એવા ચક્ષુ આદિક ઈન્દ્રિયોએ કરીને નિશ્ચય કેમ થાય ? અને માયિક એવા ચક્ષુ આદિક ઈન્દ્રિયોએ કરીને કેમ જોયામાં આવે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : માયિક ઇન્દ્રિયોએ કરીને ભગવાન જોયામાં આવ્યા એટલે ભગવાન પણ માયિક થયા એવો તમારો પ્રશ્ન છે ને ? ત્યારે સર્વે મુનિએ કહ્યું જે, હા મહારાજ ! એ જ પ્રશ્ન છે. તેને તમે પુષ્ટ કરી આપ્યો.

પછી મહારાજે તેનો ઉત્તર કર્યો : પચાસ કોટી યોજન પૃથ્વી છે તે ઘટપટાદિ કાર્યરૂપે થઈ રહી છે. તેનાથી વ્યતિરેક થઈને દેવતા સ્વરૂપે પણ રહી છે. કાર્યરૂપે અતિ વિરાટ લાગે છે પણ કારણાત્મક–દેવતાત્મક જે પૃથ્વી છે તે નાની દેખાય છે. તો પણ તે મહાન કાર્ય કરવા સર્વ રીતે સમર્થ છે.

મહારાજ કહે છે કે કારણ નાનું હોય તો પણ મોટું કાર્ય ઉત્પન્ન કરવાની તેમાં શકિત રહી છે એ જ તેમાં મોટાઈ રહી છે. વળી મોટા કાર્યનો કંટ્રોલ–સંચાલન કરવું તથા ચેતના પૂરવી, તેનો વિનિયોગ વગેરે શક્તિ કારણમાં રહી છે. કાર્ય મોટું હોવા છતાં કારણની આગળ તે અકિંચિત્કર છે. એવી જે કારણરૂપ પૃથ્વી તે જળના એક અંશમાંથી ઉપજે છે. માટે જળની દૃષ્ટિએ તો પૃથ્વી દૃષ્ટિમાં જ ન આવે અને જળનો પણ કાર્યરૂપે ઘણો વિસ્તાર છે. બીજું કારણરૂપે જળદેવતા તો તેના લોકમાં માણસ જેવડા છે. તેથી જળની દૃષ્ટિએ પૃથ્વી આદિ પદાર્થ કાંઈ છે જ નહિ. આમ કારણ દૃષ્ટિથી જોવામાં આવે તો અગ્નિ, વાયુ, આકાશથી લઈને ઠેઠ અક્ષરબ્રહ્મ અને પુરુષોતમનારાયણ શ્રીજી મહારાજ પર્યંત એક એકથી મોટા અને એક એકથી મહાન સૂક્ષ્મ અને એક એકના કારણ છે એમ સર્વેના કારણ મહારાજ છે.

વળી મહારાજ કહે, કારણ તે કાર્યથી પૃથક્‌ન ગણાય. તેનો પ્રભાવ કાર્ય ઉપર સર્વે કરતા વધારે હોય. તેથી તો તેનું કાર્ય ગણાય. જેમ કરંટ લાઈન–વિદ્યુત પ્રવાહ આવે છે. તે જુદાં જુદાં મથકો, ટ્રાન્સફોર્મરો, મીટરો, સ્વીચબોર્ડ વગેરેમાંથી પસાર થાય છે. પછી જુદાં જુદાં એકમો લેમ્પ, ટયુબ, પંખા, એ.સી., હીટર વગેરેમાં આવે છે. સૌ સૌ પોતાનું કાર્ય કરતા રહે છે. હવે ટયુબ એમ કહે છે કે હું પ્રકાશ કરું છું તો એ વાત સાચી. તેનું વ્યકિતત્વ ખોટું નથી, પણ તે થર્મલ પાવરથી પોતાનો સંબંધ વિચ્છેદ કરીને કશું ન કરી શકે. જે કાંઈ થાય છે તે અંતિમ દૃષ્ટિએ તો મથકનો વિદ્યુત પ્રવાહ જ છે. મથક છે તે વ્યતિરેક કેપેસીટી પણ ધરાવે છે ને અન્વય પણ રહ્યું છે. જ્યારે કાર્ય છે તે કારણથી વ્યતિરેક શકિત ધરાવે એમ ન ગણી શકાય. પોતાના કાર્યથી વ્યતિરેક છે એમ ગણી શકાય, પણ કારણને તો તે સદા આધીન જ છે.

તેમ સમગ્ર અન્વિત કારણ દૃષ્ટિથી આપણા ઈન્દ્રિયો–અંતઃકરણનું ચેતના પ્રવાહનું પાવર મથક અંતે તો કારણાત્મક દૃષ્ટિથી મહારાજ જ છે. તેથી મહારાજ આપણા યોગ્ય ભૂમિકાવાળા અંતઃકરણમાં પ્રવેશ કરીને આપણા જીવને પોતાનો નિશ્ચય કરાવે છે. તે પણ સર્વના કારણ અને વ્યતિરેક એવા મહારાજ જ્યારે કરુણા કરીને એવો સંકલ્પ કરે છે કે સામાન્ય મનુષ્ય પણ મને દેખો અને ઓળખો. આવો સકલ્પ લઈને મનુષ્યરૂપે કરુણા કરે છે ત્યારે સામે પક્ષે મુમુક્ષુ આત્માઓ સંતનો સમાગમ કરીને ભગવાનનો મહિમા સમજી પોતે ભગવાન સન્મુખ ભગવાનના સંકલ્પને અનુરૂપ પ્રતિભાવ જણાવે છે. ત્યારે સર્વર્ના કારણ મહારાજ આપણા અંતઃકરણ સુધી રહીને પોતાના સાક્ષીભાવે નિશ્ચય કરાવે છે. તેથી મહારાજનો નિશ્ચય મહારાજ વતે જ થયો અને મુમુક્ષુ પુરુષાર્થનું પણ સ્થાન રહ્યું.

એમ માયિક ઈન્દ્રિયો–અંતઃકરણથી પણ દિવ્ય સ્વરૂપ એવા ભગવાનનો નિશ્ચય થઈ શકે છે. બીજી બાજુ મુમુક્ષુઓ પોતાનું અંતઃકરણ પવિત્ર ભગવાનને નિવાસ કરવા જેવું, ભકિત આદિ સદ્‌ગુણોથી સુવાસિત કરે છે. ત્યારે ભગવાન તેમાં વાસ કરે છે. પછી પોતાના સ્વરૂપનો તે ભક્તના જીવાત્મામાં આત્મબોધ–પરમાત્મબોધ કરાવે છે. એ પુરુષપ્રયત્ન પક્ષ છે. પેલો દયા પક્ષ છે. બન્ને સાથે મળીને કાર્ય થાય છે. એકલા ભગવાન જ કરુણા કરી નિશ્ચય કરાવી આપે તો પુરુષાર્થને ન્યાય રહેશે નહિ. વળી ભગવાનને કોને નિશ્ચય કરાવવો ને કોને નહિ ? તે મૂંઝવણ રહેશે, વિષમતા આવશે અને એકલો મુમુક્ષુનો જ પ્રયત્ન હોય તો ભગવાન પુરુષાર્થથી મુલવાઈ ગયા. તેથી ભગવાનની અગાધતા અને જે મોટો મહિમા તે ઘટી જશે. માટે બંને પક્ષ યોગ્ય પ્રમાણમાં થાય તો જરૂર નિશ્ચય થાય છે ને જીવનું કલ્યાણ થાય છે.