કડવું-58

ધન્યાશ્રી

વળી કહ્યું એક શિલોંચ્છવૃત્તિ ધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી;

ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી. ૧

ઢાળ

ચારે બેઠાં જ્યારે જમવાને, હતો સાથુ શેર જુગલ;

ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ. ૨

આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન્ન;

ત્યારે ઋષિયે આદરે આપિયું, પોતાના ભાગનું અન્ન.૩

પછી આપ્યું ઋષિપત્નીએ, આપ્યું ઋષિ સુતે કરી પ્યાર;

પછી આપ્યું એની નારીએ, થયાં અન્ન વિના એ ચાર. ૪

અન્ન વિન દિન આઠ ગયા, પાછી આઠે પણ નહિ આશ;

તોય ચારે રાજી રહ્યાં, વળી કોઈ ન થયાં ઉદાસ. ૫

આપ્યું અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું ધોયેલ કર ચર્ણનું;

તેમાં આળોટયો આવી નોળિયો, થયું અર્ધુ અંગ સુવર્ણનું. ૬

એવું શુદ્ધ અન્ન એહનું, તે જમિયા વૃષભ વળી;

રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી. ૭

ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ;

ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ તમે, આપો તમારા ધામમાં વાસ. ૮

એમ સમે આવી કોઈ અન્ન જાચે, વળી હોયે ક્ષુધાએ આતુર;

પોંચ્ય પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર. ૯

અન્ન ન આપે ઉત્તર આપે, કાંતો સંતાપે કઠણ કહી;

નિષ્કુળાનંદ હરિજનની, એવી રીત જોઈએ નહિ. ૧૦

વિવેચન : 

પૂર્વે કેટલાક તપસ્વીઓ જમીન ઉપર વેરાયેલા દાણાના કણ નાળિયેરની કાચલીમાં વીણીને તે ઉપર નિર્વાહ કરવાનું વ્રત રાખતા. આ વ્રત ‘શિલોંચ્છવૃત્તિ’નું વ્રત કહેવાતું, એવી શિલોંચ્છવૃત્તિવાળા એક ઋષિ હતા. તે પોતાના વ્રત ધર્મ પ્રમાણે કણ કણ વીણીને પોતાનો નિર્વાહ ચલાવતા હતા. ઋષિ, ઋષિનાં પત્ની, ઋષિપુત્ર, અને પુત્રની પત્ની એમ ચાર જણ ઘરમાં હતા. કણ કણ વીણીને તે એકઠાં થયેલા અનાજમાંથી એ ચાર જણને પૂરતું થાય એટલુ ભોજન આઠમે દિવસે મુશ્કેલીથી મળતું હતું. એક વખત એ રીતે આઠમે દિવસે મળેલા અનાજનો બે શેર સાથવો થયો તે ચારે જણ મળીને જમવા બેસતા હતા તેવામાં ધર્મરાજા બ્રાહ્મણનું રૂપ ધરીને ત્યાં આવી ઊભા રહ્યા અને કહ્યું કે ‘હે મહારાજ, હું ભૂખ્યો છું. મને ખાવા માટે કાંઇક અન્ન આપો.’ આ સાંભળીને ઋષિએ તુર્તજ ઊભા થઇ પ્રેમપૂર્વક પોતાના ભાગનું અન્ન તેને આપ્યું. એજ પ્રમાણે ઋષિપત્ની, ઋષિકુમાર અને તેમના પત્ની એ ત્રણેય જણાએ પણ પોતપોતાના ભાગનું અન્ન અર્પણ કરી દીધું. આમ એ ચારેય અન્ન વિનાનાં બની ગયાં. આઠ દિવસના ઉપવાસ તો હતા જ અને બીજા આઠ દિવસે અનાજ મળશે એવી આશા જ રાખવાની હતી. છતાંય ચારેએ ચિત્ત પ્રસન્ન રાખ્યા, પણ દિલગીર ન થયા. અહીં એ અભ્યાગત અન્ન જમ્યા પછી ચળુ કર્યું હાથ પગ ધોતાં જે પાણી ઢોળાયું તેમાં એક નોળિયો આવીને આળોટ્યો ત્યારે તેના જે અર્ધાંગને અજીઠું(એઠું) પાણી અડ્યું તે અર્ધું અંગ સોનાનું બની ગયું. આવું એ ઋષિનું પવિત્ર અન્નજળ જમીને ધર્મરાજા અતિશય પ્રસન્ન થયા અને એવી ઇચ્છા કરી કે આ ઋષિને સઘળી સંપત્તિ આપી દઉં. પછી તેમણે બ્રાહ્મણનું રૂપ તજીને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ઋષિને કહ્યું કે ‘માગો માગો’ ત્યારે ઋષિએ પ્રણામ કરીને કહ્યું કે ‘હે ધર્મરાજ, આપ ધન્ય છો. હું તો એ માગું છું કે અમને તમારા ધામમાં વાસ આપજો.’આ રીતે જમવાના સમયે આવીને કોઇ ક્ષુધાતુર અતિથિ આવીને અન્નની યાચના કરે, તો યથાશક્તિ પ્રસન્નતાપૂર્વક અવશ્ય ભોજન આપવું જોઇએ, પણ એવા ક્ષુધાતુરને અન્ન ન આપે અને ખોટા જવાબ આપે અથવા તિરસ્કારના વચનો બોલીને તેને સંતાપે એવી રીત ભગવાનના ભક્તોએ રાખવી ઘટે નહિ.