ગપ્ર–૪૯ : અંતર્દૃષ્ટિનું

પ્રતિપાદિત વિષય :

અંતર્દૃષ્ટિ એટલે શું ?

મુખ્ય મુદ્દા :

૧. અભ્યાસ કરવાથી વૃત્તિ ભગવાનમાં ધીરે ધીરે રહેવા લાગે છે.

ર. મૂર્તિનો અભ્યાસ કરવો તે જ અંતર્દૃષ્ટિ છે.

વિવેચન :–

આ વચનામૃતમાં સદ્‌.બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે. તેનું શું કારણ છે ?

ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. તેને તો એ જ ફિકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી કઠણ છે. અહીં મહારાજના ઉત્તર પરથી એમ જણાય છે કે જે કાંઈ ખામી છે તે અભ્યાસની છે. એવું નથી કે ભગવાનનો માર્ગ કઠણ છે.(ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ છે) અને જગતનાં કાર્યેા સિદ્ધ કરવાં સહેલાં છે, પણ આપણે અભ્યાસ કર્યેા નથી માટે તે ઘણું કઠણ લાગે છે. સ્વાભાવિક છે કે અભ્યાસ વિના તો જગતનું કોઈપણ કામ કરીએ તો કઠણ જ લાગે. એટલે જ મહારાજે કહ્યું કે ભક્તની વૃત્તિ તો બીજે રહે જ નહીં. અને ભગવાન વિના વૃત્તિ રહે છે તો તે પૂરો ભક્ત નથી. હવે અભ્યાસ કરતા કરતા પૂરો ભકત થશે.

આ વિષયમાં અભ્યાસનું વઘારે મહત્ત્વ છે. ઘણી વખત અભ્યાસની આદતને લઈને નાના દેખાતા ભક્તો પણ આ વાતમાં સફળ થઈ જતા હોય છે અને જ્ઞાનની ટોચે બેઠેલા માણસો પણ અભ્યાસના અભાવને લઈને આ વાતથી ઘણા દૂર રહી જતા હોય છે. મનનો સંયમ રાખવામાં ગીતામાં પણ અભ્યાસને મુખ્ય સાધન કહ્યું છે.’અભ્યાસેન તુ કૈાન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે’ અહીં તત્ત્વો કાંઈ મદદ કે અવરોધ કરતા હોય તેવું પણ જણાતું નથી. માયિક ઈન્દ્રિયો અંતઃકરણ માયા તરફ દોડે ને ભગવાન તરફ ન દોડે એવું નથી. કારણ કે ભગવાન તરફ જેના તત્ત્વ મન, બુદ્ધિ દોડયાં છે તે પણ માયિક જ હતા. તેના જીવની અવસ્થા જુદી હતી તેટલું જ કહી શકાય.

શાસ્ત્રમાં કહ્યું છે કે જયારે જીવની મુક્તિ થાય ત્યારે સૂક્ષ્મ શરીરનું માળખું પડયું રહે છે ને જીવ ભાગવતી તનુ ગ્રહણ કરીને ભગવાનના ધામમાં જાય છે. તો પછી જે સૂક્ષ્મ કલેવર પડયું રહે છે તેનું શું ? કારણ કે જયાં સુધી આ બ્રહ્માંડનો પ્રલય ન થાય ત્યાં સુધી તે રહે છે. બ્રહ્માંડના પ્રલય સાથે સૂક્ષ્મ શરીરનો પ્રલય થાય છે. તો તેનું શું ? તો કહેવાય છે કે ભગવાન એ કલેવર બીજા કોઈ જીવને આપે છે. ત્યારે બીજો જીવ આ સૂક્ષ્મ કલેવરને વાપરે ત્યારે તેને તે કલેવર ભગવાનમાં વૃત્તિ રાખવામાં કોઈ વિશેષ ફાયદો નથી કરતું; સિવાય કે તેના જીવમાં બળ હોય. એટલે તો તે તટસ્થ છે. તે મદદ કે અવરોધ નથી કરતા. તેમાં કોઈ ભગવાનમાં પ્રીતિ રાખવાનું તેજ કે સ્પીરીટ નથી. જે છે તે તો પોતાના જીવમાં છે. ચોવીસ તત્ત્વોમાં તેજસ્વિતા નથી. જીવની તેજસ્વિતાથી ભગવાનમાં વૃત્તિ રહે છે.

સદ્‌.બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે ભગવાનમાં વૃત્તિ રાખવાનું શું સાધન છે ? ત્યારે મહારાજે ઉત્તર પણ તેવો આપ્યો છે કે અંતર્દૃષ્ટિ એ અખંડ વૃત્તિનું સાધન છે ને અંતર્દૃષ્ટિ એટલે શું ? તો બહાર અથવા હૃદયમાં મૂર્તિમાં વૃત્તિ જોડી રાખવી અને તેનો અભ્યાસ કરવો. અને જે પ્રવૃતિના કેન્દ્રોમાં ભગવાનની મૂર્તિ ન હોય તે પછી ભલે યોગની પ્રવૃતિ હોય પણ આંતર દૃષ્ટિ નહીં. તેને મહારાજે બાહ્ય દૃષ્ટિ જ ગણાવી છે. માટે તત્ત્વો આ વિષયમાં સ્વયં અકિંચિત્‌કર છે. જે છે તે ભાવનાથી છે. ભાવનું કેન્દ્ર જીવ–આત્મા છે, બુદ્ધિ આદિ નહીં. માટે જ મહારાજ કહે કે ભક્તની વૃત્તિ તો ભગવાનમાં જ રહે છે. જેનો જીવાત્મા ભગવાન પ્રત્યે ભાવનાથી પૂર્ણ ભાવિત થયો છે તો તેને જોરાયે ભગવાનમાં વૃત્તિ રાખવી ન પડે. સહેજે રહે.

હા, તત્ત્વો એટલે કે ઈન્દ્રિયો, મન, બુદ્ધિની ક્રિયા તો ભાવના ઉદ્‌ભાવન કરવામાં કે વિરોધ કરવામાં મદદરૂપ થાય છે તેટલું ગણવું હોય તો તેનો ફાળો ગણી શકાય. બાકી જીવાત્માને ઊંડેથી ભક્ત થવાની જરૂર છે અને તેનું સાધન અંતર્દૃષ્ટિમાં રસ કેળવવો તે છે.