કડવું-57

ધન્યાશ્રી

સુણો એક મુદ્‌ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિતજી;

કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રીતજી. ૧

ઢાળ

કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા;

અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા. ૨

જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને તન;

ચટક દઈ ચાલી નિસર્યા, ગયા શિવને ભવન. ૩

પછી પંદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન;

તે પણ તેમનું તેમ કર્યું, તોય રહ્યા મુદ્‌ગલ મગન. ૪

એમનું એમ કરતાં વળી, વિતી ગયા દ્વાદશ માસ;

અન્ન વિનાના એટલા, પડ્યા ચોખ્ખા ઉપવાસ. ૫

ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન;

તેહ સમામાં તેડવા, આવ્યાં વિબુધનાં વિમાન. ૬

બેસો ઋષિ વિમાનમાં, તેડી જાયે અમર પુરમાંય;

સત્ય ટેક તમારી જોઈને, અમે આવ્યા તેડવા આંય. ૭

ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઈક ચઢે પડે પણ ખરાં;

ત્યારે મુદ્‌ગલ કહે નહિ આવું એ ધામે, લઈ જાઓ વિમાનને પરાં. ૮

અલ્પ સુખને ભોગવી, પુણ્ય ખૂટે પાછું પડવું;

એવા સુખને વળી સાંભળી, ચોખું નથી એ વેને ચડવું. ૯

પછી અવધે તન તજી કરી, ગયા તે અખંડ ધામમાં;

નિષ્કુળાનંદ કહે સહ્યું કષ્ટ જેહ, તેહ આવિયું કામમાં. ૧૦

વિવેચન : 

એક મુદ્‌ગલ ઋષિની વાત શ્રવણ કરવા જેવી છે તે ઋષિ પંદર દિવસ સુધી દરરોજ અન્નના કણ વીણીને પછી તેનું ભોજન બનાવે, કોઇ અભ્યાગત આવે તેને ઘણા પ્રેમથી જમાડે, અભ્યાગતને જમાડ્યા બાદ જે અન્ન વધે તે પછી પોતે ભાવથી જમતા. એક સમયે તેને ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. મુદ્‌ગલ ઋષિએ તો તેમને ખૂબ સત્કારપૂર્વક જમવા બેસાડ્યા. પણ દુર્વાસા ઋષિતો પૂરું જમી રહ્યા બાદ જે કાંઇ ભોજન વધ્યું હતું તે બધું પોતાના શરીરે ચોળીને તુરત શિવજીના કૈલાશ તરફ ચાલી નીકળ્યા. મુદ્‌ગલ તો ભૂખ્યા રહ્યા. વળી તેમણે બીજા પંદર દિવસ સુધી અનાજના કણ વીણીને ભોજન તૈયાર કર્યું તો તે જ વખતે ફરી દુર્વાસા આવ્યા તો પણ મુદ્‌ગલ ઋષિએ તેમને ભાવથી જમાડ્યા, પણ દુર્વાસા તો તે વખતે પણ વધેલું અન્ન શરીરે ચોળીને ચાલતા થયા. આમ કરવા છતાં મુદ્‌ગલ ઋષિના મનમાં કશી જ ગ્લાનિ ન થઇ, પરંતુ ઊલટા એ તો રાજી જ થયા. આ રીતે કણ વીણીને ભોજન તૈયાર થાય, દુર્વાસા આવે અને જમ્યા પછી વધેલું ભોજન શરીરે ચોળીને ચાલ્યા જાય. એમ બે ત્રણ વખત જ નહિ પણ સતત બાર મહિના સુધી કર્યું. આથી મુદ્‌ગલ ઋષિને અન્ન વિનાના બાર માસના ઉપવાસ થયા. તો પણ તે ડગ્યા નહિ અને સ્વસ્થ રહ્યા. તે જોઇને દુર્વાસાએ કહ્યું ‘હે દ્વિજરાજ ! તમને અને તમારી ધીરજને ખરેખર ધન્ય છે’ આ વખતે દેવો વિમાન લઇને ઋષિને લેવા માટે આવ્યા અને બોલ્યા કે ‘હે ઋષિ! તમારી સાચી ટેક જોઇને તમને સ્વર્ગમાં લઇ જવા અમે આવ્યા છીએ.’

મુદ્‌ગલ ઋષિએ તેમને પૂછ્યું ‘તમારા સ્વર્ગનાં સુખદુઃખની વિગત મને સમજાવો પછી હું સ્વર્ગમાં આવું.’ પછી દેવોએ સમજાવ્યું કે ‘જે મહા પુણ્યશાળી હોય છે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે પણ જયારે તેનું પુણ્ય ભોગવાય રહે ત્યારે સ્વર્ગમાંથી પાછું પૃથ્વી ઉપર આવવું પડે ખરૂ.’ આ સાંભળી મુદ્‌ગલ ઋષિએ કહ્યું જે ‘સ્વર્ગમાં ગયા પછી પાછું આવવું પડે એવા સ્વર્ગમાં મારે આવવું નથી, માટે આપના વિમાનો લઇને પાછા પધારો. થોડું સુખ ભોગવીને પુણ્ય ખૂટી જાય ત્યારે પાછું આવવું પડે એવા સુખને જાણ્યા પછી ચોખ્ખી વાત છે કે એવે માર્ગે મારે ચાલવું નથી. પછી જ્યારે તેમનું આયુષ્ય પૂરું થયું ત્યારે તે ભગવાનના અખંડ ધામમાં પહોચ્યા એ રીતે તેમણે કષ્ટ વેઠ્યાં તે છેવટે કામ આવ્યાં.’