ગી.અ-13, શ્લોક 19 to 34

જ્ઞાનસહિત પ્રકૃતિ-પુરુષનો વિષય

प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उभावपि।
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्‌।।१९।।

અર્થ : પ્રકૃતિ-માયા અને પુરુષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમજ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૯।।

અહીં પ્રકૃતિ-શબ્દ સમગ્ર ક્ષેત્ર(જગત્‌)ના કારણરૂપી મૂળ પ્રકૃતિને માટે વપરાયો છે. સાત પ્રકૃતિવિકૃતિ (પંચમહાભૂત, અહંકાર અને મહતત્ત્વ), સોળ વિકૃતિ(દસ ઈન્દ્રિયો, મન અને પાંચ વિષયો) એ બધા પ્રકૃતિનાં કાર્યો છે. તે પ્રકૃતિ સ્વરૂપ છે. પ્રકૃતિના વિકારો છે. પ્રકૃતિ એ બધાનું મુળ કારણ છે.

પુરુષ પદ ક્ષેત્રજ્ઞ જીવનું વાચક છે. જેને જાણવાવાળો કહેવામાં આવે છે.

જેમ ચૈતન્ય જીવ-પુરુષ અનાદિ તત્ત્વ છે. તેમ પ્રકૃતિ પણ અનાદિ તત્ત્વ છે. બેઉના અનાદિપણામાં ફરક નથી; પરંતુ બન્નેના સ્વરૂપમાં ફરક છે. જેમ કે પ્રકૃતિ ગુણોવાળી છે. પુરુષ ગુણોથી પર છે. પ્રકૃતિમાં વિકાર થાય છે અને પુરુષ નિર્વિકાર છે. પ્રકૃતિ અને પુરુષ બન્ને અલગ અલગ છે. જેમ પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે, તેમ તે બન્નેનો ભેદ(વિવેક) પણ અનાદિ છે. સંયોગ પણ અનાદિ છે; પરંતુ સંયોગ અનંત નથી. પુરુષ વિવેકને પ્રાધાન્ય આપે તો મુક્ત થઈ જાય છે. ને પ્રકૃતિનો સંગ છૂટી જાય છે.

તેમાં વિકારો અને ગુણો તે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણો. વિકારો જે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ ધૃતિ આ બધા પ્રકૃતિના વિકારો છે. અમાનિત્ય, અદંભીત્વ, અહિંસા, ક્ષાંતિ આજર્વ, આચાર્યોપાસન, શૌચ, સ્થિરતા, મનનો નિગ્રહ આ ગુણો છે. તેમાં વિકારો બંધનના કારણ રૂપ છે અને ગુણો મોક્ષમાં કારણભૂત બને છે. અહીં વિકાર શબ્દથી ઈચ્છાદિક લેવાના છે પણ મહદાદિ વિકારો નહિ. તેમ જ ગુણ શબ્દથી અમાનિત્વાદિ લેવાના છે પણ સત્ત્વાદિ નથી લેવાના. કારણ કે બંધન-મોક્ષ હેતુભૂત બતાવેલા હોવાથી સત્ત્વાદિ ગુણો(રજ, તમ) મોક્ષ હેતુભૂત ન ગણાય. તેમ જ મહાદાદિ વિકારો મોક્ષના સાધનમાં પણ ઉપયોગી થઈ શકતા હોવાથી વિકારો અને ગુણે આગળ બતાવ્યા તેવી રીતે માનવાના છે. તે બધા ‘विद्धि प्रकृतिर्सम्भवात्‌’ પ્રકૃતિમાંથી પેદા થયેલા છે. પ્રકૃતિનું કાર્ય જ છે. ગુણો પણ પ્રકૃતિનું જ કાર્ય છે. અનાદિકાળથી પુરુષથી સંસૃષ્ટ થયેલી પ્રકૃતિ પોતાના વિકારોથી પુરુષને બંધનનું કારણ બને છે અને પોતાના ગુણો દ્વારા પુરુષને મોક્ષનું કારણ-હેતુ બને છે.

कार्यकरणकर्तृत्वे हेतु: प्रकृतिरुच्यते।
पुरुष: सुखदु:खानां भोक्तृत्वे हेतुरुच्यते।।२०।।

અર્થ : કાર્ય અને કારણના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ કહેવાય છે અને સુખ-દુઃખના ભોક્તાપણામાં હેતુ પુરુષ-જીવાત્મા કહેવાય છે. ।।૨૦।।

कार्यकारणकर्तृत्वे…

कार्यम्‌-शरीरम्‌ कारण(करण) જ્ઞાનકર્માત્મક અગિયાર ઈન્દ્રિયોને અહીં કરણ બતાવ્યા છે. કાર્ય અને કરણનો બન્નેનો સાથે ઉલ્લેખ કર્યો હોવાથી કાર્ય તરીકે પંચમહાભૂત અને તન્માત્રાઓ કાર્ય તરીકે અહીં નહિ લેવાય; કારણ કે તેની કરણની સાથે પ્રકરણાનુસાર સંગતિ બેસે નહિ. માટે કાર્ય શબ્દ ભોગાયતન કાર્ય વિશેષપણે પ્રયોગ થયો છે. કર્તૃત્વનો અર્થ અહીં પ્રયત્નાદિકના આશ્રયરૂપ કર્તૃત્વ અહીં લેવાનું નથી. કારણ કે તે અચેતન પ્રકૃતિમાં ઘટતું નથી. માટે શરીર અને ઈન્દ્રિયોને પોતપોતાના વ્યાપારના આશ્રયરૂપે એવા અર્થમાં કર્તૃત્વ શબ્દ પ્રયોજાયો છે અને એવી રીતનું કર્તૃત્વ પુરુષાધિષ્ઠિત પ્રકૃતિમાં આવે છે. માટે કહ્યું કે कार्यकरणकर्तृत्वे हेतु: प्रकृतिरुच्यते શરીર ઈન્દ્રિયોને પોત પોતાનાં કાર્યમાં જોડવાનું કામ પ્રકૃતિ કરે છે. આથી આપાતતઃ રામાનુજાચાર્યજીના ભાષ્ય પ્રમાણે શરીર-ઈન્દ્રિયોને પ્રવર્તાવનાર પ્રકૃતિ છે. અર્થાત્‌તેના કૃત્યોની કર્ત્રિ પ્રકૃતિ છે ને સુખ-દુઃખોનો ભોક્તા પુરુષ છે. ભગવાનનું આ વિધાન બહુ જ વિચિત્ર દેખાય છે. કારણ કે એવો નિયમ હોય છે કે જે કર્મ-કાર્ય કરે તેને જ ભોગવવાનું થતું હોય છે અથવા તો એમ કહો કે તેને જ ભોગવવું પડે પણ અહીં તો વિચિત્રતા થાય છે. કરે છે પ્રકૃતિ અને ભોગવે છે ચેતન પુરુષ. ખેડૂતનો મોલ(જુવાર વગેરે વાવેતર) ખાય બકરાં ને માર(ધોકા) ખાય ભરવાડ ! કેટલું બધું વિચિત્ર કહેવાય ? વળી શુદ્ધ પુરુષ, મુક્તપુરુષને તો ‘પ્રિયાપ્રિયવિધુર’ બતાવ્યા છે. તેને તો કોઈ પ્રિય કે અપ્રિય છે નહિ ત્યારે તે સુખ-દુઃખનો ભોક્તા કેમ થઈ શકશે ? અને ભોગ તો સુખ-દુઃખ પામવું તે જ છે, બીજો કોઈ ભોગ કહેવાતો નથી. જો કે મોક્ષ દશામાં-મુક્તદશામાં પરમાત્માનું વિલક્ષણ સુખ પુરુષ-મુક્ત પુરુષ જરૂર ભોગવે છે; પણ તે દુઃખલેશથી રહિત છે. જ્યારે દુઃખના સંબંધવાળું સુખ અને સુખ ભોગવાથી ઉત્પન્ન થયેલું દુઃખ એને જ ભોગ માનવામાં આવ્યો છે. આથી ભગવાનનું અહીં વિધાન વિરોધાભાસી જણાતું હોય તેવું લાગે છે. કારણ કે અચેતન પ્રકૃતિ કર્તા છે. જે હોઈ ન શકે અને વિશુદ્ધ ચેતન ભોક્તા છે, તે પણ શક્ય નથી. તો તેનું સમાધાન એ છે કે પુરુષાધિષ્ઠિતા પ્રકૃતિ કર્ત્રી અને પ્રકૃતિ સંસૃષ્ટ પુરુષ ભોક્તા બને છે. ત્યારે બન્નેનું સમાધાન થઈ જશે. પ્રકૃતિ પુરુષાધિષ્ઠિત થઈને શરીર, ઈન્દ્રિયોને પ્રર્વતાવે છે. ત્યારે પુરુષ તેનો અધિષ્ઠાતા ત્યાં બેઠો છે. તેને ગમે છે તેથી પ્રર્વતાવે છે. પ્રવર્તાવે છે તો પ્રકૃતિ તો પણ તે ચેષ્ટાઓનું ફળ વિશુદ્ધ ચેતનને ભોગવવું પડે છે. કારણ કે તે પ્રકૃતિ સંસૃત થયો છે. પ્રકૃતિમાં આસક્ત થયો છે. પોતાને પ્રકૃતિરૂપ માનવા લાગી ગયો છે. તેથી સીધું કર્તવ્ય પ્રકૃતિનું છે અને ચેતન તેનો અધિષ્ઠાતા હોવાથી લશ્કરનો વિજય રાજાના ફાયદામાં જાય છે. ફળ આપનાર થાય છે. તેમ ફળ પુરુષને ભોગવવું પડે છે. પુરુષ ભોગવે તેવો કે તેવી યોગ્યતાવાળો નથી પણ પ્રકૃતિ સંસૃષ્ટ-ઓતપ્રોત થઈ ગયો હોવાથી તે ભોક્તા બની રહે છે. ફળો ભોગવે છે ચેતન. પુરુષ-જ્યારે પ્રકૃતિની સાથે અહંવૃત્તિની સાથે પોતાનો ચેતનનો સંબંધ જોડી લે છે. તાદાત્મ્ય કરી લે છે ત્યારે તે પ્રકૃતિ સંસૃષ્ટ બની જાય છે અને કર્તા બનીને ફળને ભોગવે છે. अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते(૩/૨૭) જ્યારે તે પ્રકૃતિથકી પોતાનું સ્વરૂપ અલગ માની લે. પોતાને તેનાથી અને તેના કાર્યથી જુદો ને વિલક્ષણ માને ત્યારે પોતે કરવા છતાં ભોક્તા બનતો નથી. ‘शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते(૧૩/૩૧) અર્થાત્‌ દુઃખનો ભોક્તા બનતો નથી. તાત્પર્ય એ છે કે નબળા કર્મ પ્રકૃતિ કરાવે છે. પ્રકૃતિના કાર્યમાં લોભાઈને જે કાંઇ નબળું થાય છે એ ભાવમાં પ્રકૃતિને કર્ત્રી ગણવામાં આવી છે; પરંતુ તેનું ફળ દુઃખ પ્રકૃતિની સાથે સંસૃષ્ટતા-તાદાત્મ્ય કે એકતા હોવાથી જીવ ભોગવે છે, ભોગવી રહ્યો છે ને ભોગવશે. તે ભાવમાં જ જીવને ભોક્તા બતાવ્યો છે. અન્યથા તો ભગવાનના સ્વરૂપનું સુખ જીવ ભોગવે છે તેવું ભોક્તાપણામાં દોષ કે દુઃખ નથી. તે તો મુક્તો પણ ભોગવે છે તો પણ તેઓ મુક્ત કહેવાય છે. જીવને ભગવાન દુઃખ પણ એવા આયોજનથી કે એવા હેતુથી ભોગવાવે છે કે તેને થાકીને કાયમી સુખ ભોગવવાની ઈચ્છા થાય, મુક્તિની ઈચ્છા જાગે. જો તે કયારેય દુઃખી જ ન થાય તો તેને મુક્ત થવાની ઈચ્છા જ કયારેય ન જાગે. માટે તેને મુક્તિની ઈચ્છા જગાડવા માટે ભગવાને સૃષ્ટિ અને સૃષ્ટિના દુઃખ રચ્યા ને જીવને ભોગવાવે છે. જો તેને મુક્તિની ઈચ્છા થાય તો ચેતનાનું પ્રાધાન્ય થઈ જશે અને પ્રબળ ઈચ્છા થતાં તે વિશુદ્ધ ચૈતન્ય બની જશે. જો તેને ભોગની ઈચ્છા જાગશે તો વિશુદ્ધ ચૈતન્યમાંથી પાછો પ્રકૃતિરૂપ બની જશે. જડ બની જશે.”

“पुरुष: प्रकृतिस्थो हि भुंक्‌ते प्रकृतिजान्गुणान्‌।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु।।२१।।

અર્થ : પુરુષ-જીવાત્મા પ્રકૃતિમાં રહીનેજ પ્રકૃતિના ગુણો-વિષયોને ભોગવે છે અને આ જીવાત્માને સારી-નરસી યોનિઓમાં જન્મ પ્રાપ્ત થવામાં પ્રકૃતિના ગુણનો સંગજ કારણ છે. ।।૨૧।।

पुरुष: प्रकृतिस्थो हि…

અહીં પુરુષને ‘प्रकृतिस्थ’ કહેવાનું તાત્પર્ય શરીરસ્થ કહેવાનું જ છે. શરીરભાવમાં-દેહભાવમાં રહેવાને જ અહીં પ્રકૃતિસ્થ બતાવ્યું છે. પુરુષ-પ્રકૃતિનું પ્રકરણ ચાલતું હોવાથી શરીરભાવ-દેહભાવમાં રહેવાના અર્થમાં ‘प्रकृतिस्थ’ શબ્દ પ્રયોગ ભગવાને કર્યો છે. ‘प्रकृतिजान्‌ गुणान्‌ भुम्‌ते’ પ્રકૃતિના ગુણો છે સત્ત્વ, રજ અને તમ; પરંતુ તે ગુણો તો સાક્ષાત્‌ભોગ્ય નથી. કારણ કે તેઓ તો અતીન્દ્રિય છે. ઈન્દ્રિયોથી પર હોઈ તેને જીવ ભોગવી કેમ શકે? ભોગ માત્ર શરીર, ઈન્દ્રિયો-અંતઃકરણથી જ શક્ય છે; પરંતુ તે ગુણનાં કાર્યો છે. સુખ, દુઃખ અને મોહ. તેના પ્રવર્તનથી ગુણોના પ્રવર્તનનું અનુમાન થાય છે. તેનો ભોગ શકય છે અને તેની અનુભૂતિ થવી તે જ ગુણોનો ભોગ છે. જેમ સુખ-દુઃખની અનુભૂતિ એ ભોગ છે તેમજ મોહાનુભૂતિ પણ ભોગ છે; પરંતુ તેમાં વિચિત્રતા એ છે કે સુખ દુઃખાનુભૂતિ વેળા એ જીવાત્માને ભાન રહે છે કે હું સુખાનુભૂતિ કરી રહ્યો છું. હું દુઃખાનુભૂતિ કરી રહ્યો છું. તેવી અનુભૂતિ મોહાનુભૂતિ સમયમાં થતી નથી. મોહ દૂર થયા પછી જ તેનું ભાન થાય છે કે મને મોહ થયો હતો. જે અર્જુને બતાવ્યું કે ‘નષ્ટો મોહઃ’ હે ભગવાન ! મારો મોહ હવે નાશ પામ્યો છે. અર્થાત્‌મને ત્યારે મોહ હતો. તેથી આપનું વચન પણ માની શકાતું ન હતું. હવે તે નાશ થઈ ગયો છે ને હું તમારું વચન માનીશ તમારા વચન પ્રમાણે જ કરીશ. અર્થાત્‌મોહાનુભૂતિ સમયે જીવને ભાન રહેતું નથી કે હું મોહાનુભૂતિમાં છું કે મોહને ભોગવી રહ્યો છું.

જેમ હું અત્યારે સુખને ભોગવી રહ્યો છું, દુઃખને ભોગવી રહ્યો છું. તેનું ભાન હોય તેમ મોહનું ભાન નથી હોતું. જીવન દરમિયાન સુખ-દુઃખાનુભૂતિ અતિ અલ્પકાલીન હોય છે. જીવનનો મહત્‌સમય મોહાનુભૂતિમાં જ પસાર થાય છે તેથી ભગવાને બતાવ્યું છે કે

‘या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने: (૨/૬૯)

તે પણ સાંખ્યના અધ્યાયમાં જ બતાવ્યું છે અને આ અધ્યાય(૧૩) પણ અવશિષ્ટ રહેલો સાંખ્યનો જ ભાગ છે. તેથી સારાંશ એ આવ્યો કે ‘प्रकृतिजान्‌ गुणान्‌’ અથાર્ત ‘दु:खात्‌ भूम्‌ते’ જીવ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી સદાને માટે દુઃખોને જ ભોગવે છે. સુખાનુભૂતિ તો જીવનો જન્મસિદ્ધ હક છે; પરંતુ તે ગુણજનિત નહિ. ત્યાં સુધી કે સત્ત્વ- જનિત સુખ પણ એક માયિક ભોગ છે. કારણ કે તેની પાછળ અવશ્યપણે દુઃખ જોડાયેલું છે અને મોહાનુભૂતિ પાછળ તો સંપૂર્ણપણે દુઃખનો સમૂહ જોડાયેલો છે. દુઃખ તો સાક્ષાત્‌દુઃખ જ છે, માટે સાંખ્યમાં ભોગનું તાત્પર્ય દુઃખાનુભૂતિ છે અને ‘गुणान्‌ भूम्‌ते નું તાત્પર્ય છે, સૃષ્ટિના દુઃખોને એ જીવ ભોગવે છે. તે કયારે ભોગવે છે? તો ‘प्रकृतिस्थो हि’ અર્થાત્‌ દેહમાં રહીને અર્થાત્‌દેહભાવમાં રહીને અવશ્ય તેને દુઃખ ભોગવવું જ પડે છે. તેમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી.(દેહભાવ છોડયા સિવાય) અહીં पुरुष: કહીને તેનું તાત્પર્ય એ છે કે પુરુષ જો પોતાના સ્વરૂપમાં સ્થિત હોય તો તેને દુઃખ ભોગવવાનો સવાલ જ આવતો નથી પણ અહીં તો ‘प्रकृतिस्थ’ રહીને ભોગવે છે. ઔપાધિકપણે ભોગવે છે. પ્રથમ-પ્રકૃતિનો-દેહભાવનો પોતાનામાં આરોપ કરી લે છે. પછી તેના ગુણોથી દુઃખોને પોતે ભોગવે છે. વસ્તુતાએ તો જીવાત્માના સ્વરૂપગત તે તાત્ત્વિક ભોગ નથી અને પરમાત્માની અનુભૂતિ કરવી તે તો તેની સ્વરૂપગત તાત્ત્વિક અનુભૂતિ છે. એટલો ભેદ છે. જેમ મોટર અને મોટર ચાલક બન્ને અલગ છે પણ મોટર દુર્ઘટનામાં બન્નેનો સાથ રહે છે. ક્રિયા થવામાં(દોડવામાં) તો કેવળ મોટરની જ પ્રધાનતા રહે છે; પરંતુ દુર્ઘટનાની માનસિક યાતના કેવળ ચાલકને જ રહે છે. મોટર ફળ ભોગવે છે પણ તેને ચેતના ન હોવાથી તેને યાતનાની અનુભૂતિ નથી. તેથી તેને ભોગ જ નથી. જ્યારે યાતના તો સમગ્ર ભેળી મળીને ચાલકને માથે જ આવે છે. કારણ કે તે તેની સાથે માલિકી સંબંધથી માનસિકપણે જોડાયેલો હોય છે. તેમ સાંસારિક કાર્યોમાં તો જીવ અને પ્રકૃતિ બન્ને ભળેલા રહે છે. તેમાં પણ જીવાત્મા તો સ્વરૂપતઃ પ્રેરણાનું કેન્દ્ર રહે છે પણ તે પ્રેરણાને, અંતરદબાણને કઈ દિશામાં લઈ જવો ! ભોગની દિશામાં કે મોક્ષની દિશામાં વાળવો તે મોહદશામાં સૂતેલો જીવ પ્રકૃતિમાં ખેંચાઈને મોહની દિશામાં ચાલ્યો જાય છે. જીવ જાગૃત થાય તો મોક્ષ દશામાં જાય છે, ત્યારે ભોગનો-દુઃખોનો અંત આવી જાય છે.”

“कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु।

એક માત્ર પોતાના સ્વરૂપના સુખે સુખી એવો જીવાત્મા વૈષયિક સુખ-દુઃખ ઉપભોગમાં જોડાઈ જવામાં પ્રકૃતિનો સંસર્ગ કારણરૂપ છે. એમ આગળ બતાવ્યું; પરંતુ પરિશુદ્ધ એવા આત્માને પ્રકૃતિસંગ કેવી રીતે શક્ય બને છે ! તેનો ઉત્તર અહીં કરે છે. ઊંચ નીચ યોનિમાં જન્મ થવામાં કારણ ગુણોનો સંગ છે. અહીં પણ ભોગની જેમ-સત્ત્વાદિ ગુણો અતીન્દ્રિય હોવાથી તેનો સંગ શક્ય બનતો ન હોવાથી ગુણોના કાર્યરૂપ એવા સુખ, દુઃખ અને મોહનો સંગ થાય છે. સંગનો અર્થ તેનાથી અલગ પોતાનું સ્વરૂપ માની શકતો નથી. કોઈને શંકા થાય કે દુઃખનો સંગ-દુઃખમાં આસક્તિ તો કોઈ કરતું જ નથી તો ઉપરનો સંગ કેમ શક્ય બને? તો તેનું સમાધાન એ છે કે, ‘दु:खसङ्गो नाम दु:खे सुखभ्रान्त्या सङ्ग:, दु:खहेतुषु हि सागरतरणादिषु सुखलवसङ्गात्‌ सज्जते’ દુઃખનો સંગ તો કોઈ મૂર્ખ પણ કરતા નથી. જ્યારે સુખની ભ્રાંતિથી તો ડાહ્યા તથા જ્ઞાનીઓ અને શાસ્ત્રવેત્તાઓ પણ તેમાં ઢસડાઈ જાય છે એને જ દુઃખ સંગ કર્યો કહેવાય છે. ‘भ्रान्तिज्ञानवतां पुसां प्रहारोऽपि सुखायते’ સુખની આશામાં આકરા પ્રહારો પણ તેને ખૂબજ મીઠા લાગે છે ને આશામાં ને આશામાં દુઃખના ચિચોડામાં આ જીવ પિલાય છે. ‘यो हि यदिच्छति, तस्य तस्मिन्‌ तत्साधने वा कार्यताबोध इति स्थिते सुखस्य स्वरुपेण कर्तुमशक्यत्वात्‌ तत्साधनेषु एव पुरुषप्रवृत्ति: भवति’ જે માણસને ઈચ્છા થાય છે, લાલચ જાગે છે ત્યારે તેને તેમાં કર્તવ્યતા બુદ્ધિ જાગે છે. હવે સુખની લાલચ જાગે ત્યારે તેમાં કર્તવ્યતા બુદ્ધિ શક્ય નથી. તેથી તત્સાધનમાં કર્તવ્યતા બુદ્ધિ થાય છે. આમ પુરુષની તેમાં પ્રવૃત્તિ થાય છે અને તે તે કર્મો કરે છે, ત્યારે તેના ફળભોગ માટે તેને જન્મ લેવા પડે છે. માટે બતાવ્યું કે कारणं गुण सङ्गोऽस्य सद्‌असद्‌ योनि जन्मसु’ કર્મ કરે-પુણ્ય પાપ થાય, વળી જન્મ, વળી કર્મ, એમ જ્યાં સુધી આત્મસ્થિતિ પામવા માટે अमानित्वादि ગુણો કહ્યા છે. તેનું અનુષ્ઠાન કરીને પરમાત્માને તે પ્રસન્ન નથી કરતો ત્યાં સુધી તે ચક્ર ચાલુ રહે છે.

उपदृष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वर:।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्‌ पुरुष: पर:।।२२।।

અર્થ : વળી આ દેહમાં એક બીજો પુરુષ પણ રહેલો છે અને તે ઉપદ્રષ્ટા-સાક્ષીરૂપે છે. અનુમન્તા-અનુમતિ આપનારો-બુદ્ધિનો પ્રેરક સર્વજ્ઞ છે. ભર્તા-ભરણ પોષણ કરનારો છે. ભોક્તા-શરીરભૂત જીવ દ્વારા એ પણ ભોક્તા છે અને મહેશ્વર-સૌનો મોટો ઉપરી નિયામક છે અને એને પરમાત્મા એમ પણ કહેવામાં આવે છે. ।।૨૨।।

અહીં તમામ વિશેષણો જીવાત્મા માટે વપરાયા છે. જે તમામ વિશેષણો ઘણું કરીને પરમાત્માને માટે શાસ્ત્રોમાં વપરાય છે. સમગ્ર સૃષ્ટિના અનુસંધાનમાં આ તમામ વિશેષણો પરમાત્માને લાગુ પડે છે. તે જ શબ્દો કેવળ દેહને અનુસંધાને જીવને માટે અહીં વપરાયા છે.”

“ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना।
अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे।।२४।।

અર્થ : કેટલાક ઉપાસકો એ પરમાત્માને શુદ્ધ મનથી સ્વસ્વરૂપમાં જ ધ્યાન દ્વારા દેખે છે. સાક્ષાત્‌અનુભવે છે. બીજા સાંખ્ય યોગથી અને કેટલાક તો કર્મયોગથી પણ એને દેખે છે. ।।૨૪।।

केचित्‌ आत्मनि आत्मानम्‌ आत्मना ध्यानेन पश्यन्ति।

अन्ये सांख्येन योगेन आत्मानं पश्यन्ति। अपरे कर्मयोगेण आत्मानं पश्यन्ति।

આગળના શ્લોકમાં જે જાણવાથી જન્મ-મરણની નિવૃત્તિ થાય છે, તે જાણવાની ત્રણ કક્ષાઓ વર્ણવે છે. અતિ ઉચ્ચ અધિકારી સિદ્ધ પુરુષો તો ધ્યાનયોગથી જ આત્માનું યથાર્થ દર્શન કરી લે છે. ધ્યાન ન તો ચિત્તની મૂઢ અવસ્થામાં થાય છે અને न क्षिप्तवृत्ति માં થાય છે. ધ્યાનનો विक्षिप्तवृत्ति માં આરંભ થાય છે. એકાગ્રવૃત્તિથી સ્વરૂપમાં સ્થિર થાય છે. નિરૂદ્ધ અવસ્થામાં પૂર્ણ આત્મદર્શન થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિતિ થાય છે. આ નિર્બીજયોગની કે કેવળ આત્મદર્શનની પદ્ધતિ થઈ છે. સબીજ ધ્યાનમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને કરવાનો હોય છે. અહીં આત્મપ્રકરણ ચાલે છે, તેથી કેવળ આત્મધ્યાનની વાત ચાલે છે. જ્યારે નિરોધ થતા સંપૂર્ણપણે આત્મામાં સ્થિતિ થતાં પોતાના આત્માનો યથાર્થ અનુભવ થઈ જાય છે.

ઉપર બતાવ્યા તેનાથી થોડા કાચા યોગીઓ જ્ઞાનયોગથી મનને વિશુદ્ધ કરીને આત્માનુભવ કરે છે. સાંખ્ય એટલે વિવેકને કહેવાય છે. સાંખ્ય એટલે વિવેકદૃષ્ટિ છે. આત્મા અનાત્માનો વિવેક દૃઢ થતાં અને તેનો અધ્યાસ કરતાં તેને આત્માનુભવ થાય છે.

ઉપર વર્ણવ્યા તેનાથી પણ વધારે અપક્‌વ-જ્ઞાનયોગમાં પણ અનધિકારી એવા અથવા તો તેના અધિકારી હોવા છતાં સુકર ઉપાય શોધતા એવા-યોગીઓ નિષ્કામ કર્મયોગથી પણ આત્મદર્શનની અનુભૂતિ કરે છે. કર્મયોગથી પણ પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે, થાય છે.”

“अन्ये त्वेवमजानन्त: श्रुत्वान्येभ्य उपासते।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा:।।२५।।

અર્થ : બીજા કેટલાક આમ પૂરું નહિ સમજનારા તે તો બીજાઓ-તત્ત્વવેત્તા સત્પુરુષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણ પરાયણ જનો પણ મૃત્યુ પરંપરાથી ભરેલા આ સંસાર-સાગરને સર્વથા તરીજ જાય છે. ।।૨૫।।

अन्ये तु कर्मयोगादिषु आत्मावलोकन साधनेषु अनधिकृता:
अन्येभ्य: तत्त्वदर्शिभ्य: श्रुत्वा उपासते तेऽपि आत्मदर्शनेन मृत्युं अतितरन्ति।

કર્મયોગ પણ જેને નિષ્પન્ન થયો નથી પણ કર્મયોગમાં પ્રવર્ત્યો છે. એવા મુમુક્ષુની વાત કરતાં કહે છે કે ‘एवं अजानन्त:’ શબ્દ કહીને તેને કઈ કક્ષામાં ગણવા તેને માટે સ્પષ્ટ શબ્દ શક્ય ન હોવાથી કર્મયોગમાં પણ તેઓ અનધિકૃત છે, એવું ધ્વનિત થાય છે. અર્થાત્‌કર્મયોગમાં પણ તેની આરંભદશા છે, તેવી કક્ષા ધ્વનિત થાય છે. તેઓ પણ જ્ઞાની, તત્ત્વદર્શી મહાત્માઓ પાસેથી સાંભળીને કર્મયોગાદિમાં પ્રવર્તીને આત્મદર્શનથી મૃત્યુને તરી જાય છે.

ये श्रुतिपरायणा: तेऽपि मृत्युं तरन्ति।

શ્રુતિપરાયણ શબ્દથી પણ ભગવાન એક પર્વ ભેદ જણાવવા માગે છે. तेऽपि નો ભાવ એ છે કે, ભાવથી તત્ત્વદર્શીઓ પાસેથી સાંભળીને કર્મયોગ વગેરે આત્મદર્શનનાં સાધનો શરૂ કરવામાં અસમર્થ-કર્મયોગ પણ શરૂ કરવામાં અસમર્થ છે. કેવળ શ્રવણનિષ્ઠ છે. श्रुतिपरायणा: શબ્દથી શ્રવણ કરીને ઉપાસના કરનારા કરતાં આ જુદા છે, એવું ધ્વનિત થાય છે. અન્યથા શ્રુતિપરાયણ શબ્દ નિરર્થક થઈ રહેશે. શ્રુત્વા શબ્દ તો બીજો આપેલો જ છે. તેથી તત્ત્વદર્શીઓએ અતિ આસ્તિકતાથી શ્રવણ કરેલું છે. માત્ર શ્રવણનિષ્ઠાથી પૂત બની, પછી સાધનો કરી, આત્મદર્શન કરીને મૃત્યુને તરી જશે. એવું કહેવાનું તાત્પર્ય છે.”

“यावत्‌ सञ्जायते किञ्चित्‌ सत्त्वं स्थावरजङ्गमम्‌।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्‌ तद्‌विद्धि भरतर्षभ।।२६।।

અર્થ : હે ભરતર્ષભ ! જેટલાં સ્થારવ જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે. એ સઘળાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથીજ ઉત્પન્ન થયેલાં તું જાણ ! ।।૨૬।।

આત્મદર્શન કહીને હવે તે આત્મદર્શન થવા માટે પ્રકૃતિ પુરુષનો વિવેક કહી રહ્યા છે. તે કહેવાની જરૂર શા માટે પડે છે ! તો તે બન્ને અલગ હોવા છતાં તેની વિવિક્ત પ્રતીતિ થતી નથી. જો એમ ન હોય તો ઉપદેશ દેવાની જ જરૂર નથી અને અવિવિકતતા દોષ વિના શક્ય નથી. તે દોષ એ છે કે ભોકતૃત્વ, ભોગાયતનત્વ નિર્વહન કરનારો સંસર્ગ વિશેષ છે. તે આ શ્લોકથી બતાવે છે.

જે કાંઈ સ્થાવર, જંગમ, સત્ત્વમ્‌પ્રાણીઓ જન્મે છે. અર્થાત્‌આ સૃષ્ટિમાં જે છે તે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી જ પેદા થયા છે, કોઈ એકના થકી થયા નથી. જેમ માતાપિતાથી બાળકનો જન્મ થાય છે. કોઈ એક થકી જન્મ શકય નથી. બન્નેને એક બીજાની અપેક્ષા છે તેમ આ સૃષ્ટિ થવામાં, સૃષ્ટિનો કોઈ એક અંશ થવામાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બન્નેનો પરસ્પર સંયોગ થતાં સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તે પરસ્પરની અપેક્ષા જીવે મનથી માનેલી છે. તેથી માનસિક સંયોગ રહે છે અને આત્માને જન્મ-મરણની સંસૃતિમાં સંસરવાનું થાય છે. જો પ્રકૃતિની અપેક્ષા છોડીને પોતાનું સ્વરૂપ અલગ માનવા લાગી જાય, તો તે સંસૃતિમાંથી બહાર નીકળી જાય છે.”

“समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम्‌।
विनश्यत्स्वविनश्यन्तं य: पश्यति स पश्यति।।२७।।

અર્થ : સર્વ ભૂતોમાં-પ્રાણીમાત્રમાં અન્તર્યામીભાવે સમાનપણે રહેલા પરમેશ્વરને જે જુએ છે તેમજ નાશ પામવાના સ્વભાવવાળાં આ શરીરોમાં રહેલા અવિનાશી આત્માને, તેમજ મને જે જુએ છે. તેજ ખરું જુએ છે. ।।૨૭।।

આ શ્લોકમાં આપાતતઃ પરમાત્માનું વર્ણન થતું હોય તેવું જોવા મળે છે; પરંતુ તેને આત્માપરક અર્થ લેવાનો છે. કારણ કે પ્રકરણ તેનું ચાલી(ક્ષેત્રક્ષેત્રજ્ઞનું) રહ્યું છે.

આવી રીતે ૨૬માં શ્લોકમાં વર્ણવ્યા મુજબ ક્ષેત્રક્ષેત્રજ્ઞના પરસ્પર સંયોગથી ઉત્પન્ન થયેલા સંસારમાં દેવ-મનુષ્યાદિક આકારે પરિણત થયેલી પ્રકૃતિમાં તેનાથી વિલક્ષણ સ્વરૂપ-સ્વભાવવાળો એવો ક્ષેત્રજ્ઞ-આત્મા તેમાં રહેલો હોવા છતાં, ક્ષેત્રના નાશ પામવાથી ક્ષેત્રજ્ઞ નાશ પામી જતો નથી. ક્ષેત્રનું પરિવર્તન થવાથી ક્ષેત્રજ્ઞમાં પરિવર્તન આવતું નથી. જેમ અનેક ગાયોમાં વિષમતા એક સરખી ન હોવા છતાં તેમનું દૂધ એક જ સમાન હોય છે. તેમ અનેક યોનિઓમાં રહેતો હોવા છતાં ક્ષેત્રજ્ઞ જીવાત્મા, જ્ઞાનાકારપણે એક સરખો રહે છે. દેહાદિકના બાળ, યુવાન, વૃદ્ધપણા કે દેવ, મનુષ્ય, પશુ કોઈ અવસ્થામાં તે સમપણે રહ્યો છે. ભગવાન કહે છે, આવી રીતે ક્ષેત્રજ્ઞને જે જોનારો છે અર્થાત્‌જાણે છે તેની જ સાચી દૃષ્ટિ છે. દેહાદિકના નાશથી શોક કરનારો છે, તેની દૃષ્ટિ સાચી નથી. જે આત્માને પરિવર્તનશીલ કે નાશ પામનારો માને છે અર્થાત્‌દેહબુદ્ધિવાળો છે તે સર્વથા સંસારમાં જન્મ-મરણને પામતો રહે છે.”

यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति।
तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा।।३०।।

અર્થ : જ્યારે આ ભૂતોનો પથગ્ભાવ એકજ પરમાત્માને આધારે એ પરમાત્મામાં જ જુએ છે અને તે પરમાત્મા થકી જ એ ભૂતોનો વિસ્તાર-સર્ગાદિક થતા જુએ છે. અથવા પ્રકૃતિમાં જ પૃથગ્ભાવ અને પ્રકૃતિથી જ સર્ગાદિક જુએ છે. ત્યારેજ એ બ્રહ્મ-આત્મસ્વરૂપને અથવા પરબ્રહ્મને પામે છે. ।।૩૦।।

દેહાત્મ ભ્રમણાથી અલગ અલગ દેખાતા કે હું દેવતા છું, હું મનુષ્ય છું, લાંબો છું, ટૂંકો છું, હોશિયાર છું વગેરે જે પૃથક્‌ભાવના છે. તે પ્રકૃતિ પુરુષના સંયોગનું પરિણામ છે. જે અજ્ઞાનથી આત્મા પોતાને વિષે માની લે છે, માની લીધું છે. આમ હોવા છતાં તે માન્યતા ઉથલાવીને, છોડી દઈને एकस्थं अनुपश्यति एकतत्वस्थम्‌ प्रकृतितत्त्वस्थम्‌ यदा पश्यति આ બધા પ્રકૃતિના પરિણામો છે અને આત્મા તો નિર્લેપ છે. તેનાથી અતિશય અલગ છે. ભિન્ન સ્વરૂપ છે પ્રકૃતિના વિકારો આત્માના સ્વરૂપને સ્પર્શતા નથી. એવું સમજતો થાય, અર્થાત્‌એવી માન્યતા દૃઢ કરે, ત્યારે જ ब्रह्म संपद्यते વિશુદ્ધ આત્મા સ્વરૂપને પામે છે; પરંતુ જ્યાં સુધી પ્રકૃતિ સાથે અને તેના વિકારો સાથે અજ્ઞાનથી ભળીને એકમેક રહે છે ત્યાં સુધી તે વિશુદ્ધ સ્વરૂપને પામતો નથી. અત્રે एकस्थम्‌ अनुपश्यति સંસારમાં પ્રકૃતિ અને પુરુષ-આત્મા બન્નેના સંયોગથી સૃષ્ટિ થયેલી છે. તે एकस्थ નો અર્થ પ્રકૃતિસ્થ જ શા માટે લેવો, आत्मस्थ કેમ નહિ? તો તેનું સમાધાન એ છે કે, એમ માનીએ તો આગળના અઠ્યાવીસમાં શ્લોકમાં ‘समं पश्यत्‌’ સાથે તથા पण्डिता समदर्शिन:। ઈત્યાદિ શાસ્ત્ર વચનો સાથે વિરોધ થશે અને પ્રકૃતિસ્થ વિષય ભાવો લેવાથી બીજાં શાસ્ત્રો, સિદ્ધાંતો સાથે સંગતિ થશે. તેથી તે અર્થ જ વધારે યોગ્ય છે.

अनादित्वान्निर्गुणत्वात्‌ परमात्माऽयमव्यय:।
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते।।३१।।

અર્થ : હે કૌન્તેય ! આ અન્તર્યામી પરમાત્મા અનાદિ અને માયિક ગુણોથી રહિત નિર્ગુણ હોવાથી અવિનાશી અને અક્ષરસ્વરૂપ છે. માટે શરીરમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે કરતાય નથી અને લેપાતાપ નથી. ।।૩૧।।

અહીં શરીરની અપેક્ષાએ જીવને પરમાત્મા શબ્દથી કહ્યો છે. કારણ કે શ્લોકમાં જ शरीरस्थोऽपि તથા न लिप्यते વગેરે અનુસંધાનથી પરમાત્મા શબ્દને પણ જીવમાં જ લાગુ કરવો વધુ બંધ બેસે છે. અન્યથા પરમાત્માને માટે તે શબ્દો પ્રયોગ કરવાની જરૂર રહેતી નથી. આ જીવ शरीरस्थोऽपि શરીરમાં રહ્યો છે, છતાંય પોતે અનાદિ અને અસંગ વગેરે સ્વભાવો ધરાવતો હોવાથી માયાગુણથી રહિત નિર્ગુણ હોવાથી કોઈપણ ક્રિયાનો કર્તા થતો નથી અને શરીરમાં રહ્યો હોવા છતાં કયાંય લેપાતો નથી. આ અધ્યાયના એકવીસમાં શ્લોકમાં ભગવાન કહે છે કે, ‘પ્રકૃતિસ્થઃ’ પુરુષ ભોક્તા બને છે, જ્યારે અહીં ભગવાન કહે છે કે, ‘शरीरस्थो अपि’ શરીરમાં રહ્યો હોવા છતાં લિપ્યતા તે પામતો નથી. એમ વિરુદ્ધ વચનોનું તાત્પર્ય એમ છે કે, જીવાત્મા માનસિક ભાવથી એટલે કે માન્યતાથી પ્રકૃતિ સંસૃષ્ટ બનીને જે જે ક્રિયાઓ કરે છે ત્યારે પણ તમામ ક્રિયાઓ પ્રકૃતિના સામ્રાજ્યમાં જ થાય છે. તો પણ જીવાત્મા ભ્રાંતિથી પોતાને વિષે માનીને કરતો હોવાથી તે કર્તા-ભોક્તા બને છે ને સંસૃતિને પામે છે. જ્યારે જીવાત્મા માનસિકપણે પ્રકૃતિથી પોતાને અલગ માની લે છે. પ્રકૃતિથકી વિજાતીય માનીને ક્રિયો કરે છે, ત્યારે પણ ક્રિયાઓ તો જેમની તેમ જ થશે પણ ભાવના બદલી જવાથી તે આત્મસ્વરૂપને પામીને નિર્લેપ બની રહે છે. શરીરસ્થ કે પ્રકૃતિસ્થ બન્નેનો અર્થ તો એક જ છે. જીવાત્મા સ્વરૂપથી તો ગમે તેટલો પ્રકૃતિ સાથે એક થઈ રહે, છતાં તેમાં વિકૃતિ આવતી નથી; પરંતુ જ્યાં સુધી માન્યતા બદલતી નથી ત્યાં સુધી સંસાર ભ્રમણ મટતું નથી

“यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते।।३२।।

અર્થ : જેમ આકાશ સૂક્ષ્મતાને લીધે સર્વત્ર રહેવા છતાં લેપાતો નથી. તેજ પ્રમાણે પરમાત્મા સર્વત્ર દેહમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે તે આત્માઓના કર્મથી લેપાતા નથી. ।।૩૨।।

એકત્રીસમાં શ્લોકમાં જીવાત્માને વિશે માયાના ત્રણ ગુણોનો નિષેધ કરીને કર્તૃત્વનો નિષેધ કર્યો; પરંતુ ‘संसर्गजा दोषगुणा भवन्ति’ ‘शुष्केणार्द्रं दह्यते मिश्र भावात्‌’(भा.रा. ७३/२३) એવી ઉક્તિ પ્રસિદ્ધ છે. વળી ‘यं प्राप्यातिपवित्राणि वस्त्राभरणानि च। अशुचित्वं क्षणात्‌ यान्ति किमन्यदशुचिस्तत:।। એ ન્યાયથી દેહના ક્ષણમાત્રના યોગથી વસ્ત્રાદિ અશુધ્ધ થઇ જાય છે. તો પછી અનાદિકાળથી દેહ સાથે રગદોળાતો આત્મા કેમ લોપાતો નથી? એવા પ્રશ્નના સમાધાનમાં આ શ્લોક બતાવે છે.

એકત્રીસમા શ્લાકેમાં ભગવાને ‘न करोति’ શબ્દોથી પહેલા કર્તૃત્વનો અને પછી ‘न लिप्यते’ શબ્દોથી ભોક્‌તૃત્વનો અભાવ બતાવ્યો છે. આ બન્નેના વિવેચનમાં આ શ્લોકમાં પહેલા ભોક્‌તૃત્વના અભાવની વાત કરી છે અને હવે પછીના શ્લોકમાં કર્તૃત્વના અભાવની વાત બતાવશે. આવો વ્યતિક્રમ રાખવામાં ભગવાનનો શો ભાવ છે? આનો ઉત્તર એ છે કે દેખીતી રીતે કર્તૃત્વની પછી ભોક્‌તૃત્વ થાય છે. અર્થાત્‌કર્મ કર્યા પછી જ એના ફળનો ભોગ થાય છે તો પણ મનુષ્ય જે કાંઈ કરે છે તેના પહેલાં કોઈ પણ ફળ(સિદ્ધિ)નો ઉદ્દેશ્ય મનમાં રાખીને જ કરે છે. આથી જીવના મનમાં પહેલું ભોક્‌તૃત્વ જાગે છે, પછી તેને પૂરું કરવા કામ કરે છે. અર્થાત્‌કર્તૃત્વ આવે છે. આ દૃષ્ટિએ ભગવાન અહીં સૌથી પહેલા ભોક્‌તૃત્વનો નિષેધ કરે છે. ભોક્‌તૃત્વનો(લિપ્તતાનો) ત્યાગ થતા કર્તૃત્વનો ત્યાગ આપમેળે થઈ જાય છે. અર્થાત્‌ફલેચ્છાનો ત્યાગ થતાં ક્રિયા કરવા છતાં પણ કર્તૃત્વ નથી બનતું. તેથી ભગવાને ગીતામાં નિષ્કામ, કર્મયોગમાં ‘કામના’નો સર્વથા ત્યાગ કરીને સંપૂર્ણપણે ‘નિયત’ કર્મ કરવા ઉપર વધારે ભાર દીધો છે અને એમ કરવાથી પરમ અલિપ્તતાની પ્રાપ્તિ કહી છે.

અહીં ભગવાન બતાવે છે કે, આકાશ સર્વગત હોવા છતાં, સર્વ વસ્તુ સાથે સંયુક્ત હોવા છતાં, સર્વથી સૂક્ષ્મ હોવાથી વસ્તુભાવથી લિપ્ત થતો નથી. તેમ જીવાત્મા પણ અતિ સૂક્ષ્મ હોવાથી દેહભાવથી લિપ્ત થતો નથી.

यथा प्रकाशयत्येक: कृत्स्नं लोकमिमं रवि:।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत।।३३।।

અર્થ : હે ભારત ! જેમ એકજ સૂર્ય આ સઘળા લોકને પ્રકાશિત કરે છે. તેજ પ્રમાણે ક્ષેત્રી-ક્ષેત્રજ્ઞ પરમાત્મા આ સઘળા ક્ષેત્રભૂત આત્મવર્ગને પ્રકાશિત કરે છે. ।।૩૩।।

જેવી રીતે એક સૂર્ય પોતાની પ્રભાથી સમગ્ર લોકને પ્રકાશ કરે છે, તેવી જ રીતે ક્ષેત્રજ્ઞ એવો જીવાત્મા પોતાના ક્ષેત્ર એવા શરીરને આપાદતલ મસ્તક સુધી ‘તે આવું છે’ એમ પોતાની જ્ઞાનશક્તિથી પ્રકાશે છે, જાણે છે. સૂર્યનું દૃષ્ટાંત આપીને ભગવાન એમ બતાવવા માગે છે કે, સૂર્ય નિષ્કામ કર્મયોગના આદર્શ ઉદાહરણ છે. તેમ ચોથા અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે. સૂર્યનો ઉદય થતાં જ સમગ્ર લોકની ક્રિયાઓ શરૂ થાય છે અને સૂર્યનો અસ્ત થતાંની સાથે લોકની ક્રિયાઓ વિરામ પામે છે; છતાં સૂર્ય તે તે ક્રિયાઓને વિષે અતિ નિર્લેપ રહે છે. તેમ જીવાત્માએ પણ અતિ નિર્લેપભાવથી શરીરમાં રહેવું. તેમનું સ્વરૂપ તો નિર્લેપ છે જ. હવે તેવી ભાવનાથી શરીર સાથે કામ લેવાનું છે. તો તે આત્મસ્વરૂપને પામી જાય છે.”

“क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्‌।।३४।।

અર્થ : આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બન્નેના વાસ્તવિક ભેદને જ્ઞાનરૂપ નેત્રોથી જુએ છે. તેમજ ભૂત-પ્રાણીમાત્રનો પ્રકૃતિ થકી જ્ઞાન દ્વારા થતો મોક્ષ-મોક્ષનો ઉપાય તેને જે જાણે છે. તે પરમજ્ઞાની ભક્તજન પર પરમાત્માને અથવા પરમ ધામને પામે છે. ।।૩૪।।

આ પ્રમાણે આ અધ્યાયમાં બતાવ્યા પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વચ્ચેનું અંતર એટલે ભેદ અથવા વિશેષતા-વિલક્ષણતાને જે વિવેકદૃષ્ટિથી જાણે છે અને પ્રકૃતિથી મુક્ત કેમ થવાય તે જાણે છે, તે અમાનિત્વ વગેરે ગુણો મેળવી, મુક્ત થઈને આત્મસ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ નામે તેરમો અધ્યાય સંપૂર્ણ.”

“શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતન